પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી જૂને સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને મડગાંવ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવશે.
પ્રધાનમંત્રીના 'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતી, અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ-ગોવા રૂટની કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને પ્રદેશના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરી કરવા માટેનું સાધન પૂરું પાડશે. આ ટ્રેન દેશમાં દોડનારી 19મી વંદે ભારત ટ્રેન હશે.
આ ટ્રેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે દોડશે. તે લગભગ સાડા સાત કલાકમાં મુસાફરીને આવરી લેશે જે બે સ્થળોને જોડતી વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ એક કલાકનો પ્રવાસ સમય બચાવવામાં મદદ કરશે.
વિશ્વસ્તરીય સુવિધાઓ અને કવચ ટેકનોલોજી સહિત અદ્યતન સલામતી સુવિધાઓથી સજ્જ સ્વદેશી બનાવટની ટ્રેન બંને રાજ્યોમાં પ્રવાસનને પણ વેગ આપશે.