પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે 29 ફેબ્રુઆરી 2020ના રોજ યોજાનારી મહા વિતરણ શિબિરમાં વરિષ્ઠ નાગરિકો (રાષ્ટ્રીય વયોશ્રી યોજના – RVY હેઠળ) અને દિવ્યાંગજનો (ADIP યોજના હેઠળ) મદદરૂપ સહાય અને ઉપકરણોનું વિતરણ કરશે.
દેશમાં અત્યાર સુધીમાં આવરી લેવામાં આવેલા લાભાર્થીઓની સંખ્યા, વિતરણ કરવામાં આવેલા ઉપકરણોની સંખ્યા અને મદદરૂપ સહાય તેમજ ઉપકરણોના મૂલ્યના સંદર્ભમાં આ સૌથી મોટી વિતરણ શિબિર છે.
આ મહા શિબિરમાં 56,000થી વધુ અલગ-અલગ પ્રકારની મદદરૂપ સહાય અને ઉપકરણોનું 26,000થી વધુ લાભાર્થીને તદ્દન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ સહાય અને ઉપકરણોની કુલ કિંમત રૂ. 19 કરોડથી વધુ છે.
આ વિતરણનો મૂળ ઉદ્દેશ્ય આવી સહાય અને ઉપકરણોની મદદ પૂરી પાડીને દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના દૈનિક જીવનમાં સુધારો અને તેમનો સામાજિક-આર્થિક વિકાસ કરવાનો છે.