પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી જૂને સાંજે 4 વાગ્યા આસપાસ યોજાનાર વાઈવાટેકના પાંચમા સંસ્કરણમાં મહત્વનું સંબોધન કરશે. પ્રધાનમંત્રીને વાઈવાટેક 2021માં મહત્વનું સંબોધન આપવા માટે અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં અન્ય અગ્રણી વક્તાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ઈમેન્યુઅલ મેક્રોં, સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાન્ચેઝ અને વિવિધ યુરોપીયન દેશોના મંત્રીઓ/સાંસદો સામેલ રહેશે. આ કાર્યક્રમમાં એપલના સીઈઓ ટિમ કૂક, ફેસબુકના અધ્યક્ષ તથા સીઈઓ શ્રી માર્ક ઝુકરબર્ગ તેમજ માઈક્રકોસોફ્ટના પ્રમુક શ્રી બ્રાડ સ્મિથ સહિતના અનેક કોર્પોરેટ અગ્રણીઓ પણ સામેલ રહેશે.
વાઈવાટેક એ યુરોપના સૌથી વિશાળ ડિજિટલ અને સ્ટાર્ટઅપ કાર્યક્રમોમાંનો એક છે, જે 2016થી દર વર્ષે પેરિસમાં યોજાય છે. આ કાર્યક્રમનું આયોજન અગ્રણી એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગ સમૂહ પબ્લિસિસ અને અગ્રણી ફ્રેન્ચ મીડિયા ગ્રૂપ લેસ ઈકોઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. જેમાં ટેકનોલોજી ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં હિતધારકોને એકત્ર કરે છે તેમજ તેમાં પ્રદર્શનો, એવોર્ડ્સ, પેનલ ડિસ્કશન્સ અને સ્ટાર્ટઅપ સ્પર્ધાઓ સામેલ હોય છે. વાઈવાટેકના પાંચમા સંસ્કરણનું આયોજન 16થી 19 જૂન, 2021 દરમિયાન કરવામાં આવ્યું છે.