પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી 2021ના રોજ રાષ્ટ્રીય મેટ્રોલોજી પરિસંવાદના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરશે. તેઓ કાર્યક્રમ દરમિયાન ‘રાષ્ટ્રીય અણુ ટાઇમસ્કેલ’ અને ‘ભારતીય નિર્દેશક દ્રવ્ય’ રાષ્ટ્રને સમર્પિત કરશે તેમજ, ‘રાષ્ટ્રીય પર્યાવરણ માપદંડ લેબોરેટરી’ની આધારશિલા રોપશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય અણુ ટાઇમસ્કેલ 2.8 નેનોસેકન્ડની ચોકસાઇ સાથે ભારતીય પ્રમાણભૂત સમય જનરેટ કરે છે. ભારતીય નિર્દેશક દ્રવ્ય ગુણવત્તાની ખાતરી માટે આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર લેબોરેટરીમાં પરીક્ષણ અને કેલિબ્રેશન માટે સહાયતા કરે છે. રાષ્ટ્રીય પર્યાવરણ માપદંડ લેબોરેટરી વાતાવરણની હવા અને ઔદ્યોગિક ઉત્સર્જન દેખરેખ ઉપકરણોના પ્રમાણીકરણ મામલે આત્મનિર્ભરતામાં મદદરૂપ થશે.
પરિસંવાદ વિશે
ભારતીય મેટ્રોલોજી પરિસંવાદ 2020નું આયોજન 75મા સ્થાપના વર્ષમાં પ્રવેશી રહેલી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન – રાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાન લેબોરેટરી (CSIR-NPL) પરિષદ, નવી દિલ્હી દ્વારા કરવામાં આવે છે. આ પરિસંવાદની થીમ ‘રાષ્ટ્રના સહિયારા વિકાસ માટે મેટ્રોલોજી’ રાખવામાં આવી છે.