પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરી 2021ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોચી- મેંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કાર્યક્રમ ‘એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડ’ના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કરશે. કર્ણાટક અને કેરળના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીઓ ઉપરાંત, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
પાઇપલાઇન વિશે
450 કિલોમીટર લાંબી આ પાઇપલાઇનનું નિર્માણ GAIL (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં દૈનિક ધોરણે 12 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ઘન મીટરની વહન ક્ષમતા છે અને આ પાઇપલાઇન કોચી (કેરળ) ખાતે આવેલા લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) રીગેસિફિકેશન ટર્મિનલથી મેંગલુરુ (કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં) સુધી કુદરતી ગેસ પહોંચાડશે. આ પાઇપલાઇન એર્નાકુલમ, થ્રીસૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ, કન્નૂર અને કાસારાગોડ જિલ્લામાંથી પસાર થશે. આ પરિયોજના કુલ 3000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને તેનું બાંધકામ કરવામાં 12 લાખ માનવદિવસની રોજગારીનું સર્જન થયું છે. આ પાઇપલાઇન બિછાવવાનું કામ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક મોટા પડકારરૂપ હતું કારણ કે, પાઇપલાઇનને તેના માર્ગમાં લગભગ 100થી વધુ સ્થળોએ આવતા જળાશયો પરથી ઓળંગાવવાની હતી. હોરિઝોન્ટલ ડાઇરેક્શનલ ડ્રિલિંગ (સમક્ષિતિજ દિશાત્મક શારકામ) પદ્ધતિ નામની વિશેષ ટેકનિકથી આ કામ પાર પાડવામાં આવ્યું છે.
આ પાઇપલાઇન દ્વારા પર્યાવરણને અનુકૂળ અને પરવડે તેવું ઇંધણ પાઇપ નેચરલ ગેસ (PNG) સ્વરૂપમાં હજારો પરિવારો સુધી અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સ્વરૂપમાં પરિવહન ક્ષેત્ર માટે પહોંચાડવામાં આવશે. તેના દ્વારા પાઇપલાઇન સાથે જોડાયેલા તમામ જિલ્લાઓમાં વ્યાપારી અને ઔદ્યોગિક એકમોમાં કુદરતી ગેસનો પૂરવઠો પહોંચાડવામાં આવશે. સ્વચ્છ ઇંધણના વપરાશથી વાયુ પ્રદૂષણ ઘટાડીને હવાની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ મળી શકશે.