પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડત બાબતે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે તેમનો વાર્તાલાપ ચાલુ રાખશે.
શ્રી મોદીએ, કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લેવાના પ્રયાસોના ભાગરૂપે, વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયા સમૂહો અને ભારતીય ઉદ્યોગજગતના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી.
નિયમિત વાર્તાલાપ અને બેઠકો
જાન્યુઆરી મહિનાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વિરુદ્ધ દેશની લડતના ભાગરૂપે અલગ-અલગ ક્ષેત્રના લોકો અને અધિકારીઓ સાથે વિભિન્ન રીતો અને માધ્યમોથી બેઠકો અને ચર્ચાના કેટલાક રાઉન્ડ કર્યાં છે.
પ્રધાનમંત્રી નિયમિત ધોરણે બેઠકો યોજી રહ્યાં છે જેમાં કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીની કચેરીના અગ્ર સચિવ દ્વારા નિયમિત ધોરણે તેમને પરિસ્થિતિ અંગે અપડેટ આપવામાં આવે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનના નેતૃત્વ રચવામાં આવેલા મંત્રીઓના સમૂહ (GoM) સાથે પણ પ્રધાનમંત્રી બેઠક યોજીને સરકાર દ્વારા આ દિશામાં લેવામાં આવેલા વિવિધ પગલાં અંગે અપડેટ લઇ રહ્યા છે.
દૃશ્ટાંત પૂરું પાડીને નેતૃત્વ સંભાળ્યું
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, લોકોમાં સામાજિક અંતર જાળવાઇ રહે તેના પ્રયાસરૂપે તેઓ હોળીની કોઇપણ ઉજવણીમાં ભાગ લેશે નહીં.
પ્રજાજોગ સંબોધન – જનતા કર્ફ્યૂ
કોવિડ-19 સામેની લડત માટે દેશને સજ્જ કરવા માટે પ્રધાનમંત્રીએ 19 માર્ચ 2020ના રોજ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશો આપ્યો હતો અને દેશવાસીઓને 22 માર્ચ 2020ના રોજ 14 કલાક સુધી સ્વેચ્છાએ જનતા કર્ફ્યૂમાં ભાગ લેવાની અપીલ કરી હતી.
શ્રી નરેન્દ્ર મોદીએ, કોરોના વાયરસ સામેની લડતમાં દેશને “સંકલ્પ અને સંયમ”નો મંત્ર આપ્યો હતો.
પ્રજાજોગ સંદેશમાં પ્રધાનમંત્રીએ લોકોને ગભરાટમાં આવીને આવશ્યક ચીજોની વધુ પડતી ખરીદી અને સંગ્રહ કરવાનું ટાળવાની અપીલ કરી હતી અને તમામ આવશ્યક ચીજોનો પૂરવઠો સતત જળવાઇ રહેશે તેવી ખાતરી આપી હતી.
કોવિડ-19 આર્થિક પ્રતિભાવ ટાસ્ક ફોર્સ
આ મહામારીના કારણે ઉભા થયેલા આર્થિક પડકારોનો સામનો કરવા માટે પ્રધાનમંત્રીએ કેન્દ્રીય નાણાંમંત્રીની અધ્યક્ષતામાં ‘કોવિડ-19 આર્થિક પ્રતિભાવ ટાસ્ક ફોર્સ’ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પડકારોનો સામનો કરવા માટે આ ટાસ્ક ફોર્સ હિતધારકો સાથે વિચારવિમર્શ કરશે, પ્રતિભાવો લેશે અને તેના આધારે નિર્ણયો લેવામાં આવશે. આ પડકારોનો સામનો થઇ શકે તે માટે લેવામાં આવેલા નિર્ણયોનો અમલ થાય તેની પણ આ ટાસ્ક ફોર્સ દ્વારા ખાતરી કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ એવી પણ વિનંતી કરી હતી કે, વ્યાવસાયિક સમુદાય અને ઉચ્ચ આવક ધરાવતા સમૂહો ઓછી આવક ધરાવતા સમૂહો, તેઓ જેમની પાસેથી વિવિધ સેવાઓ લે છે તેવા લોકોની આર્થિક જરૂરિયાતો પર ધ્યાન આપે. આ મુશ્કેલ દિવસોમાં કામના સ્થળે આવીને પોતાની સેવા ન આપી શકે તેના કારણે તેમનો પગાર ન કાપવાની પણ તેમણે આ લોકોને અપીલ કરી હતી. આવા સમયમાં માનવતાના મહત્વ પર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો.
ફાર્મા ક્ષેત્ર સાથે બેઠક
દવાઓ અને તબીબી ઉપકરણોનો નિયમિત પૂરવઠો જળવાઇ રહે તે માટે, પ્રધાનમંત્રીએ 21 માર્ચ 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ફાર્મા ક્ષેત્રના પ્રતિનિધીઓ સાથે પણ બેઠક યોજી હતી. આ વાર્તાલાપમાં પ્રધાનમંત્રીએ ફાર્મા ઉદ્યોગને કહ્યું હતું કે તેઓ કોવિડ-19ના પરીક્ષણ માટે RNA ટેસ્ટિંગ કીટ્સના ઉત્પાદન પર યુદ્ધના ધોરણે કામ કરે. તેમણે તેમને ખાતરી આપી હતી કે APIનો પૂરતો પૂરવઠો અને દેશમાં જ તેનું ઉત્પાદન કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
તેમણે નિર્દેશો આપ્યા હતા કે આવશ્યક દવાઓનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે મહત્વનું છે અને આ સ્થિતિમાં કાળાબજાર તેમજ સંગ્રહખોરી રોકવી જરૂરી છે.
રાજ્યો સાથે મળીને કામગીરી
20 માર્ચના રોજ પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં તેમણે સાથે મળીને આ પડકારનો સામનો કરવા માટે સૌને કહ્યું હતું. પ્રધાનમંત્રીએ આ વાયરસના ફેલાવા પર સતત ચાંપતી નજર રાખવા અને દેખરેખ રાખવા માટે કહ્યું હતું કેન્દ્ર તેમજ રાજ્યોએ આ મહામારીનો સામનો સાથે મળીને જ કરવો પડશે તેમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ રાજ્યોના નેતૃત્વને યાદ અપાવ્યું હતું કે, દેશ અત્યારે વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે કટોકટી ભર્યા તબક્કામાં છે પરંતુ આ બાબતે કોઇને ગભરાવાની જરૂર નથી તેવી ખાતરી આપી હતી.
અત્યાર સુધીમાં કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં અંગે મુખ્યમંત્રીઓને જાણ કરવામાં આવી હતી અને દેશમાં એકંદરે સ્થિતિ પર પ્રધાનમંત્રી પોતે વ્યક્તિગત રીતે દેખરેખ કરી રહ્યા હોવાની તેમને માહિતી આપવામાં આવી હતી.
પ્રેઝન્ટેશન દરમિયાન, મુખ્યમંત્રીઓએ પરીક્ષણ સુવિધાઓમાં વધારો અને સમાજના નિઃસહાયવર્ગને વધુ સારા સહકાર માટે વિનંતી કરી ત્યારે, પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, રાજ્યોને હંમેશા તેમનો સહકાર છે અને સ્વાસ્થ્ય કામદારોની ક્ષમતા નિર્માણની જરૂરિયાત તેમજ સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓમાં વૃદ્ધિ અંગે તેમણે ચર્ચા કરી હતી. તેમણે સૂચવ્યું હતું કે, મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં વ્યાપારી સંગઠનો સાથે વીડિયો કોન્ફરન્સ કરવી જોઇએ જેથી કાળાબજાર અને ભાવોમાં બિન-જરૂરી વૃદ્ધિ રોકી શકાય. તેમણે વિનંતી કરી હતી કે, આ બાબતે સમજાવટથી સ્થિતિને અંકુશમાં લેવી અને જરૂર જણાય ત્યાં કાયદાકીય જોગવાઇએ અનુસાર પગલાં લઇ શકાય.
સાર્ક દેશો એકજૂથ થયા
દુનિયાની કુલ વસ્તીનો ઘણો મોટો હિસ્સો સાર્ક દેશોમાં રહે છે અને પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ સાર્ક દેશના વડાઓ સાથે ચર્ચા માટે અપીલ કરી ત્યારે આ બાબતે પ્રાદેશિક સ્તરે ચર્ચા અને વિચારવિમર્શની પહેલ કરનારા તેઓ પ્રથમ નેતા છે. 15 માર્ચ 2020ના રોજ ભારતના નેતૃત્વમાં સાર્ક દેશોના નેતાઓની બેઠક યોજવામાં આવી હતી.
શ્રી મોદીએ નેતૃત્વ સંભાળીને, સહયોગની લાગણી વ્યક્ત કરી હતી અને કોવિડ-19 ઇમરજન્સી ફંડની રચના કરીને તમામ દેશો દ્વારા સ્વૈચ્છિક યોગદાનનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે પ્રારંભિક સ્તરે જ આ ભંડોળમાં US $10 મિલિયનનું યોગદાન આપવાની પહેલ કરી હતી. આ ભંડોળનો ઉપયોગ કોઇપણ સભ્ય દેશમાં તાકીદના પગલાં લેવા માટે આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા થઇ શકે છે.
અન્ય સાર્ક દેશો જેમકે નેપાળ, ભૂતાન અને માલદીવ અને અન્ય સાર્ક દેશોએ પણ આ ઇમરજન્સી ફંડમાં યોગદાન આપ્યું છે.
આંતરરાષ્ટ્રીય પ્રયાસો
પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જ્હોન્સન, ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતાન્યાહૂ સાથે 12 માર્ચ 2020ના રોજ અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મહામહિમ મોહમ્મદ બિન સલમાન સાથે 17 માર્ચ 2020ના રોજ ટેલિફોનિક ચર્ચા કરી હતી.
ફસાયેલા નાગરિકોની પડખે ઉભા રહ્યા
પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે કોરોના વાયરસનો સૌથી ફેલાવો ધરાવતા વિવિધ દેશો જેમકે ચીન, ઇટાલી, ઇરાન અને દુનિયાના અન્ય દેશોમાં ફસાયેલા 2000થી વધુ ભારતીયોને બચાવીને સ્વદેશ લાવ્યું છે.