પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિ દ્વારા 22 જાન્યુઆરી, 2020નાં રોજ 32મી બેઠકની અધ્યક્ષતા કરશે.
પ્રગતિની અગાઉની 31 બેઠકોમાં 12 લાખ કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી છે. વર્ષ 2019માં આ અગાઉની પ્રગતિની બેઠકમાં 16 રાજ્યો અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાલી રહેલા રૂ. 61,000 કરોડનાં મૂલ્યના 9 પ્રોજેક્ટ પર ચર્ચા થઈ હતી. બેઠકમાં વિદેશમાં કાર્યરત ભારતીય નાગરિકોની ફરજો, રાષ્ટ્રીય કૃષિ બજાર, મહત્ત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અને માળખાગત વિકાસના કાર્યક્રમો અને પહેલો જેવા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
પ્રધાનમંત્રીએ 25 માર્ચ, 2015નાં રોજ બહુઉદ્દેશીય અને મલ્ટિ-મોડલ ગવર્નન્સ પ્લેટફોર્મ પ્રગતિ કાર્યક્રમ શરૂ કર્યો હતો. પ્રગતિ સંપૂર્ણ અને સંકલિત કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ સામાન્ય નાગરિકની ફરિયાદો દૂર કરવાનો છે. સાથે સાથે પ્રગતિ ભારત સરકારનાં મહત્વપૂર્ણ કાર્યક્રમો અને વિવિધ પ્રોજેક્ટ પર નજર રાખે છે અને એની સમીક્ષા કરે છે તેમજ વિવિધ રાજ્ય સરકારોનાં પ્રોજેક્ટને લીલી ઝંડી આપે છે.