પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી મે, 2022ના રોજ સવારે 10:30 વાગ્યે ગુજરાતના ભરૂચમાં 'ઉત્કર્ષ સમારોહ'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. આ કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકારની ચાર મુખ્ય યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીને ચિહ્નિત કરશે, જે જરૂરિયાતમંદોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે.
વિધવાઓ, વૃદ્ધો અને નિરાધાર નાગરિકોને સહાય પૂરી પાડતી યોજનાઓનું સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે 1લી જાન્યુઆરીથી 31મી માર્ચ સુધી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે 'ઉત્કર્ષ પહેલ' અભિયાન હાથ ધર્યું હતું. ચાર યોજનાઓમાં કુલ 12,854 લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય યોજના અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના.
આ અભિયાન દરમિયાન, યોજનાનો લાભ ન મેળવનારાઓની માહિતી એકત્રિત કરવા માટે તાલુકાવાર વોટ્સએપ હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ ગામો અને નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં ઉત્કર્ષ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરી દસ્તાવેજો પૂરા પાડનારા અરજદારોને સ્થળ પર જ મંજૂરી આપવામાં આવી હતી. ઉત્કર્ષ સહાયકોને ડ્રાઇવને વધુ સરળ બનાવવા માટે પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા હતા.