પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બર, 2024ના રોજ બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાતનાં સુરતમાં 'જલ સંચય જન ભાગીદારી પહેલ'નો શુભારંભ કરાવતાં કાર્યક્રમને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રીના જળ સુરક્ષાના દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે, આ પહેલ સામુદાયિક ભાગીદારી અને માલિકી પર ભાર મૂકવાની સાથે પાણીના સંરક્ષણનો પ્રયાસ કરે છે અને તે સમગ્ર સમાજ અને સમગ્ર સરકારી અભિગમ દ્વારા પ્રેરિત છે. ગુજરાત સરકારની આગેવાની હેઠળની જળ સંચય પહેલની સફળતાના આધારે, જલ શક્તિ મંત્રાલયે, રાજ્ય સરકારના સહયોગથી, ગુજરાતમાં "જલ સંચય જન ભાગીદારી" પહેલ શરૂ કરી છે. ગુજરાત સરકારે જળ સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિસ્સેદારોને એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આશરે 24,800 વરસાદી પાણીના સંગ્રહ માટેના માળખાઓનું સામુદાયિક ભાગીદારીથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રિચાર્જ સ્ટ્રક્ચર્સ વરસાદી પાણીના સંગ્રહને વધારવામાં અને લાંબા ગાળાના પાણીની સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં સહાયક બનશે.