પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 28 જાન્યુઆરી, 2020ના રોજ રિમોટ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજાનારા 3જા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધિત કરશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી બટાટા ક્ષેત્રે સંશોધન, વેપાર અને ઉદ્યોગમાં રહેલી તકો અને સિદ્ધિઓ તેમજ મૂલ્ય શ્રૃંખલા વ્યવસ્થાપન અંગે સર્વાંગી સમીક્ષા કરશે અને આગામી દાયકા માટેનો રોડમેપ નક્કી કરે તેવી અપેક્ષા છે.
આ ત્રીજુ સંમેલન છે. દર દસ વર્ષના અંતરે બટાટા ક્ષેત્રે સિદ્ધિઓને નક્કી કરવી અને ત્યારબાદ આવનારા દાયકા માટે એક રોડમેપ નક્કી કરવો જરૂરી હોય છે. આ દિશામાં છેલ્લા બે દાયકા દરમિયાન બે વૈશ્વિક બટાટા સંમેલનનું 1999 અને 2008માં આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંમેલન તમામ હિતધારકોને એક મંચ પર લાવવાની તક પૂરી પાડશે જેથી કરીને બટાટા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રત્યેક લોકોને સામેલ કરીને તમામ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવે અને ભવિષ્યની યોજના ઘડવામાં આવે. દેશના વિભિન્ન હિતધારકોને બટાટા સંશોધન ક્ષેત્રનું જ્ઞાન અને નવીનતા સાથે પરિચિત કરાવવા માટે આ એક અનોખો કાર્યક્રમ રહેશે.
ગુજરાત દેશમાં બટાટાનું ઉત્પાદન કરનારા અગ્રણી ઉત્પાદકો પૈકીનું એક છે. છેલ્લા અગિયાર વર્ષ દરમિયાન, ભારતમાં બટાટાનું ઉત્પાદન કરનારના વિસ્તારમાં 19 ટકાનો વધારો થયો છે, ત્યારે ગુજરાતમાં 170 ટકા વધારો જોવા મળ્યો છે (2006-0માં 49.7 હજાર હેક્ટરથી માંડીને 2017-18માં 133 હજાર હેક્ટર) પ્રતિ હેક્ટર 30 ટનથી વધારાની ઉત્પાદકતા સાથે ગુજરાત બટાટાના ઉત્પાદન ક્ષેત્રે છેલ્લા એક દાયકામાં ભારતમાં પહેલાં નંબર પર છે. રાજયમાં ખેતી માટે કૃષિ જગતની આધુનિક રીતો જેવી કે, ફુવારા અને ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરે છે. સાથે જ રાજ્યમાં શ્રેષ્ઠ કોલ્ડ સ્ટોરેજ અને લિંકેજની સુવિધાઓ છે તેથી તે દેશમાં બટાટા પ્રસંસ્કરણ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર પણ છે. ઉપરાંત બટાટાના મોટાભાગના નિકાસકારો ગુજરાતમાં સ્થિત છે. આ બાબતોને લીધે ગુજરાત દેશમાં બટાટાના મોટા કેન્દ્ર તરીકે ઉભર્યું છે.
આ કૉન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (IPA) દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને ICAR- સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા તથા ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (CIP), લીમા, પેરુની સાથે મળીને કરવામાં આવી રહ્યું છે.
આ મોટા કાર્યક્રમના ત્રણ મુખ્ય ભાગ છે (i) બટાટા સંમેલન, (ii) કૃષિ નિકાસ અને (iii) પોટેટો ફિલ્ડ ડે.
આ બટાટા સંમેલન 28 થી 30 જાન્યુઆરી, 2020 દરમિયાન યોજાશે. તેમાં 10 મુખ્ય વિષયો રહેશે અને જે પૈકીના 8 વિષયો વ્યાવહારીક તેમજ પ્રાયોગિક સંશોધન પર આધારિત રહેશે, જ્યારે બાકીના બે વિષયો બટાટાના વેપાર, મૂલ્ય શ્રૃંખલા વ્યવસ્થાપન અને નીતિગત મુદ્દાઓ પર આધારીત રહેશે.
એગ્રી એક્સ્પોનું આયોજન 28 થી 30 જાન્યુઆરી, 2020 દરમિયાન કરાશે જેમાં બટાટા આધારિત ઉદ્યોગો અને વેપાર, પ્રસંસ્કરણ, બિયારણવાળ બટાટાનું ઉત્પાદન, જૈવ પ્રોદ્યૈગિકી, પ્રોદ્યૈગિકી હસ્તાંતરણમાં જાહેર-ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને ખેડૂતો સંબંધિત ઉત્પાદનો વગેરેની સ્થિતિનું નિદર્શન કરવામાં આવશે.
31 જાન્યુઆરી, 2020ના રોજ પોટેટો ફિલ્ડ ડેમાં બટાટાની ખેતી માટે સીધા જ ખેતર પર જઇ તેનું નિદર્શન કરવામાં આવશે. તેમાં બટાટાના યાંત્રિકીકરણ, બટાટાની પ્રજાતિઓ અને આધુનિક તકનીકોનું પ્રદર્શન પણ સામેલ છે.
આ સંમેલનની મુખ્ય બાબતો કે જેમને આવરી લેવામાં આવશે તેમાં વાવેતરની સામગ્રી, પૂરવઠા શ્રૃંખલાની અછત, પાકની લણણી બાદ થતું નુકસાન, વિસ્તૃત પ્રસંસ્કરણની જરૂરિયાત, નિકાસ અને વૈવિધ્યપૂર્ણ ઉપયોગ તેમજ જરૂરી નીતિગત સમર્થન અને પ્રમાણિત બિયારણનો ઉપયોગ તથા લાંબા અંતર સુધી પરિવહન અને નિકાસને પ્રોત્સાહન સામેલ છે.