પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20મી એપ્રિલ, 2023ના રોજ દિલ્હીની હોટેલ અશોક ખાતે સવારે 10 વાગ્યે વૈશ્વિક બૌદ્ધ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે.
20-21 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બે દિવસીય સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વૈશ્વિક બૌદ્ધ સમિટની થીમ "સમકાલીન પડકારોના પ્રતિભાવો: વ્યવહાર માટે ફિલોસોફી" છે.
આ સમિટ વૈશ્વિક બૌદ્ધ ધમ્મા નેતૃત્વ અને વિદ્વાનોને બૌદ્ધ અને સાર્વત્રિક ચિંતાઓની બાબતો પર જોડવા અને તેમને સામૂહિક રીતે સંબોધવા માટે નીતિ વિષયક ઇનપુટ્સ સાથે આવવાનો પ્રયાસ છે. સમિટની ચર્ચામાં બુદ્ધ ધમ્માના મૂળભૂત મૂલ્યો સમકાલીન પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રેરણા અને માર્ગદર્શન આપી શકે છે તે શોધશે.
આ સમિટમાં વિશ્વભરના વિખ્યાત વિદ્વાનો, સંઘ નેતાઓ અને ધર્મ સાધકોની સહભાગિતા જોવા મળશે, જેઓ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને બુદ્ધ ધમ્મામાં જવાબો શોધશે જે સાર્વત્રિક મૂલ્યો પર આધારિત છે. ચર્ચા ચાર થીમ હેઠળ યોજાશે: બુદ્ધ ધમ્મા અને શાંતિ; બુદ્ધ ધમ્મા: પર્યાવરણીય કટોકટી, આરોગ્ય અને ટકાઉપણું; નાલંદા બૌદ્ધ પરંપરાની જાળવણી; બુદ્ધ ધમ્મા યાત્રાધામ, જીવંત વારસો અને બુદ્ધ અવશેષો: દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના સદીઓ જૂના સાંસ્કૃતિક જોડાણો માટે એક સ્થિતિસ્થાપક પાયો.