પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેને 25મી ઓગસ્ટે રાત્રે 8 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.
દેશમાં ખાસ કરીને યુવાનોમાં નવીનતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રધાનમંત્રી શ્રીનો સતત પ્રયાસ રહ્યો છે. આ વિઝનને ધ્યાનમાં રાખીને, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH)ની શરૂઆત વર્ષ 2017માં કરવામાં આવી હતી. SIH એ વિદ્યાર્થીઓને સમાજ, સંસ્થાઓ અને સરકારની મહત્ત્વની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દેશવ્યાપી પહેલ છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રોડક્ટ ઇનોવેશન, સમસ્યાનું નિરાકરણ અને આઉટ-ઓફ-ધ-બોક્સ વિચારની સંસ્કૃતિ કેળવવાનો છે.
SIHની વધતી જતી લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે SIH માટે નોંધાયેલ ટીમોની સંખ્યામાં ચાર ગણી વૃદ્ધિ જોવા મળી છે જે પ્રથમ આવૃત્તિમાં લગભગ 7500થી ચાલુ પાંચમી આવૃત્તિમાં લગભગ 29,600 થઈ ગઈ છે. આ વર્ષે 15,000 થી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકો SIH 2022 ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા માટે 75 નોડલ કેન્દ્રોની મુસાફરી કરી રહ્યા છે. 2900થી વધુ શાળાઓ અને 2200 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ અંતિમ તબક્કામાં 53 કેન્દ્રીય મંત્રાલયોમાંથી 476 સમસ્યાના નિવેદનોનો સામનો કરશે, જેમાં મંદિરના શિલાલેખની ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન (OCR) અને દેવનાગરી સ્ક્રિપ્ટ્સમાં અનુવાદો, IoT-સક્ષમ રિસ્ક મોનિટરિંગ સિસ્ટમ, નાશવંત ખાદ્ય પદાર્થો માટે કોલ્ડ સપ્લાઈ ચેઈન આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અને રસ્તાઓની સ્થિતિ, ભૂપ્રદેશનું ઉચ્ચ-રિઝોલ્યુશન 3D મોડલ વગેરેનો સમાવેશ થાય છે.
આ વર્ષે, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન - જુનિયરને પણ શાળાના વિદ્યાર્થીઓ માટે નવીનતાની સંસ્કૃતિ વિકસાવવા અને શાળા સ્તરે સમસ્યાનું નિરાકરણ કરવાની વૃત્તિ વિકસાવવા પાયલોટ તરીકે રજૂ કરવામાં આવ્યા છે.