પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બર, 2023ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં સાંજે 4 વાગ્યે જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમને સંબોધિત કરશે.
જી-20 જન ભાગીદારી અભિયાનમાં દેશભરની વિવિધ શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓના 5 કરોડથી વધુ યુવાનોએ વિક્રમી ભાગ લીધો હતો. જી20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ ભારતના યુવાનોમાં ભારતના જી20 પ્રેસિડેન્સીની સમજણ વધારવા અને વિવિધ જી20 કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ભારતભરની યુનિવર્સિટીઓના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. શરૂઆતમાં ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી માટે ૭૫ વિશ્વવિદ્યાલયો માટે આયોજન કરવામાં આવ્યું હતું, આ પહેલે આખરે તેની પહોંચને ભારતભરમાં ૧૦૧ વિશ્વવિદ્યાલયો સુધી વિસ્તારી હતી.
જી-20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. તેઓએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની વિસ્તૃત ભાગીદારી જોઈ હતી. વધુમાં, શરૂઆતમાં યુનિવર્સિટીઓ માટેના એક કાર્યક્રમ તરીકે જે શરૂ થયું હતું તે ઝડપથી વિકસતું ગયું અને તેમાં શાળાઓ અને કૉલેજોનો સમાવેશ થતો ગયો અને તે વધારે વિશાળ શ્રોતાગણ સુધી પહોંચ્યો.
આ જી-20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓના 3000 જેટલા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ અને વાઇસ ચાન્સેલર્સ ઇવેન્ટ સ્થળે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દેશભરના વિદ્યાર્થીઓ પણ આ ઈવેન્ટ લાઈવમાં જોડાશે.