પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ઑક્ટોબરના રોજ બપોરે 1:45 વાગ્યે નવી દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કરશે.
ઇન્ટરપોલની 90મી સામાન્ય સભા- જનરલ એસેમ્બલી 18થી 21 ઑક્ટોબર દરમિયાન યોજાશે. આ બેઠકમાં ઇન્ટરપોલનાં 195 સભ્ય દેશોનાં પ્રતિનિધિમંડળો સામેલ થશે, જેમાં મંત્રીઓ, દેશોના પોલીસ વડાઓ, રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યૂરોના વડાઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામેલ હશે. જનરલ એસેમ્બલી ઇન્ટરપોલનું સર્વોચ્ચ સંચાલક મંડળ છે અને તેની કામગીરીથી સંબંધિત મુખ્ય નિર્ણયો લેવા માટે વર્ષમાં એકવાર મળે છે.
ઇન્ટરપોલની સામાન્ય સભાની બેઠક લગભગ 25 વર્ષના ગાળા પછી ભારતમાં યોજાઈ રહી છે - તે છેલ્લે 1997માં યોજાઇ હતી. ભારતની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે 2022માં નવી દિલ્હી ખાતે ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીનું આયોજન કરવાના ભારતના પ્રસ્તાવને જનરલ એસેમ્બલીએ ભારે બહુમતી સાથે સ્વીકારી લીધો હતો. આ કાર્યક્રમ ભારતની કાયદો અને વ્યવસ્થાની સિસ્ટમની શ્રેષ્ઠ પદ્ધતિઓને સમગ્ર વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની તક પ્રદાન કરે છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન, ઇન્ટરપોલના પ્રમુખ અહેમદ નાસેર અલ રાયસી અને સેક્રેટરી જનરલ શ્રી જુર્જન સ્ટોક, સીબીઆઇના ડિરેક્ટર પણ હાજર રહેશે.