પ્રધાનમંત્રી શિલોંગની NEIGRIHMSમાં 7500મું જનઔષધિ કેન્દ્ર દેશને અર્પણ કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 માર્ચ, 2021ના રોજ સવારે 10 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘જનઔષધિ દિવસ’ની ઉજવણી પર સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શિલોંગમાં NEIGRIHMS (નોર્થ ઇસ્ટર્ન ઇન્દિરા ગાંધી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સિસ)માં દેશને 7500મું જનઔષધિ કેન્દ્ર અર્પણ કરશે. તેઓ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને આ યોજનામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને પુરસ્કારો પણ એનાયત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના
આ પહેલ વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત દવાઓ પ્રદાન કરવાનો પ્રયાસ છે. આ યોજના અંતર્ગત સ્ટોરની સંખ્યા વધીને 7499 થઈ છે, જે દેશના તમામ જિલ્લાઓમાં કાર્યરત છે. નાણાકીય વર્ષ 2020-21માં (4 માર્ચ, 2021 સુધી) આ કેન્દ્રોમાં વેચાણથી સામાન્ય નાગરિકોને કુલ અંદાજે રૂ. 3600 કરોડની બચત થઈ હતી, કારણ કે આ દવાઓ બજારમાં પ્રવર્તમાન દરથી 50 ટકાથી 90 ટકા સુધી સસ્તી છે.
જનઔષધિ દિવસ વિશે
જનઔષધિ વિશે વધારે જાગૃતિ લાવવા “જન ઔષધિ – સેવા ભી, રોજગાર ભી” થીમ સાથે દેશમાં 1 માર્ચથી 7 માર્ચ સુધી આખું અઠવાડિયું ‘જનઔષધિ સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવે છે. સપ્તાહનો છેલ્લો દિવસ એટલે કે 7મી માર્ચની ઉજવણી ‘જનઔષધિ દિવસ’ તરીકે થશે.