પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના સ્થળ પર ચાલી રહેલા કામની ડ્રોનની મદદથી સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા વખતે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટની કામગીરીમાં જોવા મળેલી ઝડપી ગતિ અંગે ખુશી વ્યક્ત કરી હતી. લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમણે આપેલા સંબોધનમાં તેમણે ‘પંચ પ્રણ’ વિશે વાત કરી હતી તેને યાદ કરતા, પ્રધાનમંત્રીએ ‘આપણા વારસા માટે ગૌરવ’ની વાતને રેખાંકિત કરી હતી અને જણાવ્યું હતું કે આપણો સમુદ્રી વારસો આપણા પૂર્વજો દ્વારા આપણને સોંપવામાં આવેલો આવો જ એક વારસો છે. તેમણે ટાંક્યું હતું કે, “આપણા ઇતિહાસની એવી ઘણી ગાથાઓ છે, જે વિસરાઇ ગઇ છે અને તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે તેને સાચવવાના માર્ગો શોધી શકાયા નથી. ઇતિહાસની એ ઘટનાઓમાંથી આપણે કેટલું શીખી શકીએ?” તેમણે કહ્યું હતું કે, ભારતનો સમુદ્રી વારસો પણ આવો જ એક વિષય છે જેના વિશે અત્યાર સુધી અપૂરતી ચર્ચા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જૂના સમયમાં ભારતના વેપાર અને વ્યાપારના વિશાળ ફેલાવા અને વિશ્વની દરેક સંસ્કૃતિ સાથેના તેના સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. જો કે, પ્રધાનમંત્રીએ બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો કે, હજાર વર્ષની ગુલામીએ માત્ર તે પરંપરાને જ નથી તોડી પરંતુ આપણે આપણા વારસા અને ક્ષમતાઓ પ્રત્યે ઉદાસીન વલણ પણ દાખવ્યું છે.
હજારો વર્ષોથી ચાલ્યા આવતા ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર સમુદ્રી વારસાને ઉજાગર કરતા પ્રધાનમંત્રીએ દક્ષિણ ભારતના ચોલા સામ્રાજ્ય, ચેરા રાજવંશ અને પંડ્યા રાજવંશ વિશે વાત કરી હતી, જેઓ સમુદ્રી સંસાધનોની શક્તિને સમજ્યા હતા અને તેને અભૂતપૂર્વ ઊંચાઇ સુધી લઇ ગયા હતા. પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, તેનાથી દેશની નૌકાદળની શક્તિઓ મજબૂત થઇ છે અને સાથે સાથે ભારતમાંથી દુનિયાના તમામ ભાગોમાં વેપારનું વિસ્તરણ પણ થયું છે. પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજની પણ વાત કરી, જેમણે મજબૂત નૌકાદળની રચના કરી હતી અને વિદેશી આક્રમણકારોને પડકાર્યા હતા. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “ભારતના ઇતિહાસમાં આ એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે, જેની અત્યાર સુધી અવગણના કરવામાં આવી હતી”. પ્રધાનમંત્રીએ તે સમયને યાદ કર્યો જ્યારે કચ્છ મોટા જહાજોના નિર્માણ માટે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ફુલ્યુફાલ્યું હતું અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોને સુધારવા માટેની સરકારની પ્રતિબદ્ધતા પર તમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ભારતમાં બનેલા મોટા જહાજો આખી દુનિયામાં વેચાતા હતા. વારસા પ્રત્યેની આ ઉદાસીનતાના કારણે દેશને ઘણું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને બદલવાની જરૂર છે.”
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે પુરાતત્વીય ખોદકામથી ઐતિહાસિક પ્રાસંગિકતાના અનેક સ્થળો મળી આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, “અમે ભારતના ગૌરવના આ કેન્દ્રો, ધોળાવીરા અને લોથલ, જેના માટે તેઓ એક સમયે ખૂબ જ પ્રખ્યાત હતા, તે સ્વરૂપમાં પાછા આપવાનું નક્કી કર્યું છે. આજે અમે તે મિશન પર ઝડપથી કામ જોઇ રહ્યા છીએ”. તેમણે પોતાની વાત આગળ ચાલુ રાખતા કહ્યું હતું કે લોથલ, ભારતની સમુદ્રી ક્ષમતાનું સમૃદ્ધ કેન્દ્ર હતું. તાજેતરમાં વડનગર નજીક ખોદકામ દરમિયાન સિકોતર માતાનું મંદિર મળી આવ્યું છે. કેટલાક એવા પુરાવા પણ મળી આવ્યા છે કે જેના પરથી અહીંથી પ્રાચીનકાળમાં દરિયાઇ વેપાર થતો હોવાની માહિતી મળે છે. એવી જ રીતે સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામમાં દીવાદાંડી હોવાના પુરાવા મળ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે લોથલમાંથી ખોદકામ દરમિયાન મળેલા શહેરો, બંદરો અને બજારોના અવશેષોના શહેરી આયોજનમાંથી આજે ઘણું શીખી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે “લોથલ માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય વેપાર કેન્દ્ર જ ન હતું, પરંતુ તે ભારતની સમુદ્રી શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું”. તેમણે આ વિસ્તાર પર માતા લક્ષ્મીજી અને માતા સરસ્વતીજી, બંનેની કૃપા હોવાનું ખાસ ટાંક્યું હતું અને ઉમેર્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે લોથલ બંદર 84 દેશોના ધ્વજથી ચિહ્નિત હતું અને વલભી 80 દેશોના વિદ્યાર્થીઓનું ઘર હતું.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, લોથલ ખાતેનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતના વૈવિધ્યસભર સમુદ્રી ઇતિહાસને શીખવા અને સમજવા માટે કેન્દ્ર તરીકે કાર્ય કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોથલમાં હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ રીતે કરવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે. જેમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોથલનું ગૌરવ પાછું લાવવાના પ્રયાસો માત્ર આ સંકુલ પૂરતા સિમિત નથી પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઘણા આધુનિક માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. તેમણે આગામી સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર આ વિસ્તારને હજારો વર્ષ પહેલાં જે રીતે વિકસિત કરવામાં આવ્યો હતો એવી જ રીતે ફરીથી તેનો વિકાસ કરવા માટે પૂરે પૂરી તાકાત લગાવીને કામ કરી રહી છે. પોતાના ઇતિહાસને કારણે આપણને ગૌરવથી છલકાવી દેતુ લોથલ હવે આવનારી પેઢીઓના ભવિષ્યનું ઘડતર પણ કરશે”.
પ્રધાનમંત્રીએ, મ્યુઝિયમ એ માત્ર વસ્તુઓ કે દસ્તાવેજોને સંગ્રહ કરવાનું સ્થળ અને તેને પ્રદર્શિત કરવાનું સાધન નથી એ બાબત પર ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, જ્યારે આપણે આપણા વારસાનું જતન કરીએ છીએ ત્યારે તેની સાથે જોડાયેલી લાગણીઓને સાચવીએ છીએ. ભારતના આદિવાસી વારસાને ઉજાગર કરતા, શ્રી મોદીએ દેશભરમાં બનાવવામાં આવી રહેલા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો પર પ્રકાશ પાડ્યો હતો અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતના યુદ્ધના નાયકો દ્વારા આપવામાં આવેલા બલિદાનને પણ યાદ કર્યું હતું અને જેમણે દેશની સુરક્ષા માટે તેમના જીવનનું આહુતિ આપી હતી તેવા ભારતના બહાદુર દીકરાઓ અને દીકરીઓના શૌર્યનું પ્રમાણ પૂરતો પૂરાવો એવા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક તેમજ રાષ્ટ્રીય પોલીસ સ્મારકનો ઉલ્લેખ કર્યો હતો. ભારતમાં લોકશાહીની તાકાત વિશે બોલતા, પ્રધાનમંત્રીએ આપણને આપણા દેશની સ્વતંત્રતાના 75 વર્ષની સફરની ઝલક આપતા પ્રધાનમંત્રી સંગ્રહાલયનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે કેવડિયા ખાતે આવેલા એકતા નગરમાં ઉભું કરવામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણને ભારતની એકતા અને અખંડિતતા માટેના પ્રયત્નો, તપસ્યા અને તપની યાદ અપાવે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “છેલ્લા 8 વર્ષ દરમિયાન દેશમાં વિકસેલો વારસો આપણને ભારતના વારસાની વિશાળતાની ઝાંખી કરાવે છે”.
પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે લોથલમાં તૈયાર કરવામાં આવી રહેલું નેશનલ મેરીટાઇમ મ્યુઝિયમ દેશના સમુદ્રી વારસાની વાત આવે ત્યારે દરેક ભારતીય માટે ગૌરવની બાબત બની જશે. પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, “મને ખાતરી છે કે લોથલ તેની જૂની ભવ્યતા સાથે વિશ્વ સમક્ષ આવશે”.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેન્દ્રીય મંત્રીઓ શ્રી મનસુખ માંડવિયા અને શ્રી સર્વાનંદ સોનોવાલ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.
પૃષ્ઠભૂમિ
લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે.
લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ને ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર સમુદ્ર વારસાને પ્રદર્શિત કરવાની સાથે સાથે લોથલને વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉદયમાન કરવા માટે પણ પોતાની રીતે અનોખા પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા પર્યટનની ક્ષમતાને વેગ મળવાથી આ પ્રદેશના આર્થિક વિકાસમાં પણ વધારો થશે.
માર્ચ 2022માં શરૂ થયેલું આ કોમ્પલેક્સનું નિર્માણ લગભગ 3500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. તેમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન, ચાર થીમ પાર્ક જેમ કે, - મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઇમ અને નેવી થીમ પાર્ક, ક્લાઇમેટ થીમ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક જેવી ઘણી આવિષ્કારી અને અનન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તે વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ હશે, હડપ્પન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી ચૌદ ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.
India's maritime history... It is our heritage that has been little talked about. pic.twitter.com/c0GXThIPd5
— PMO India (@PMOIndia) October 18, 2022
India has had a rich and diverse maritime heritage since thousands of years. pic.twitter.com/glpVGTX2CO
— PMO India (@PMOIndia) October 18, 2022
Government is committed to revamp sites of historical significance. pic.twitter.com/OUQsLJrz3b
— PMO India (@PMOIndia) October 18, 2022
Archaeological excavations have unearthed several sites of historical relevance. pic.twitter.com/cf4Oc7kCcF
— PMO India (@PMOIndia) October 18, 2022
Lothal was a thriving centre of India's maritime capability. pic.twitter.com/92J13bVLGT
— PMO India (@PMOIndia) October 18, 2022
National Maritime Heritage Complex at Lothal will act as a centre for learning and understanding of India's diverse maritime history. pic.twitter.com/PMGHxWI3YJ
— PMO India (@PMOIndia) October 18, 2022