પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન સંઘના રાષ્ટ્રપતિ મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે ટેલીફોન પર વાત કરી હતી.
બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાને પગલે ઊભી થયેલી અને સતત બદલાતી સ્થિતિ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને ભારતના લોકો અને સરકારની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે, રશિયા આ સંબંધમાં શક્ય તમામ સાથસહકાર આપશે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો તથા જણાવ્યું હતું કે, રશિયાનો ત્વરિત ટેકો બંને દેશો વચ્ચેની કાયમી મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક છે.
બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય રોગચાળા સામે લડવા બંને દેશો વચ્ચે વર્તમાન સાથસહકારની નોંધ લીધી હતી. ભારતમાં સ્પુતનિક–વી રસીનો કટોકટીમાં ઉપયોગ કરવા માટે મંજૂરી આપવાના પગલાંની રાષ્ટ્રપતિ પુતિને પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ સંમતિ આપી હતી કે, રશિયાની રસીનું ઉત્પાદન ભારતમાં થશે, જેનો ઉપયોગ ભારત, રશિયા અને ત્રીજા દેશોમાં થશે.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના વિશેષ મૈત્રીપૂર્ણ સંબંધોને વધારે ગાઢ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથસહકારને મજબૂત કરવાના મહત્વ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ભારતના ગગનયાન કાર્યક્રમ માટે રશિયા પાસેથી પ્રાપ્ત સાથસહકારની અને ચાર ગગનયાન અવકાશયાત્રીઓની તાલીમનો રશિયન તબક્કો પૂર્ણ થવાન પ્રશંસા કરી હતી.
બંને નેતાઓએ હાઇડ્રોજન અર્થતંત્ર સહિત પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં સાથસહકાર વધારવા માટેની શક્યતાઓ વિશે પણ વાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિને બંને દેશોના વિદેશ અને સંક્ષણ મંત્રીઓને સમાવતા નવો 2+2 સંવાદ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.
બંને નેતાઓ ફોન પર વાતચીત દરમિયાન સપ્ટેમ્બર, 2019માં વ્લાદિવોસ્તોકમાં તેમની છેલ્લી શિખર સંમેલનની બેઠક દરમિયાન લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો પણ યાદ કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ ચાલુ વર્ષના અંતે દ્વિપક્ષીય શિખર સંમેલન માટે રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાતને લઈને આતુર છે. આ શિખર સંમેલન તેમના અંગત અને વિશ્વસનિય સંવાદને જાળવવાની તક પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ પુતિને ખાતરી આપી હતી કે, વર્ષ 2021 દરમિયાન બ્રિક્સની ભારતની અધ્યક્ષતાની સફળતા માટે રશિયાના પ્રધાનમંત્રીનો સંપૂર્ણ સાથસહકાર મળશે. બંને નેતાઓ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એકબીજાના સંપર્કમાં રહેવા સંમત થયા હતા.