"તામિલનાડુ ભારતીય રાષ્ટ્રવાદનો ગઢ રહ્યું છે"
"આદીનમ્‌ અને રાજાજીનાં માર્ગદર્શન હેઠળ આપણને આપણી પવિત્ર પ્રાચીન તમિલ સંસ્કૃતિમાંથી એક સૌભાગ્યશાળી માર્ગ મળ્યો છે - જે સેંગોલનાં માધ્યમથી સત્તા હસ્તાંતરણનો માર્ગ છે"
"1947માં થિરુવાદુથુરાઈ આદીનમ્‌એ એક ખાસ સેંગોલનું સર્જન કર્યું હતું. આજે, તે યુગની તસવીરો આપણને તમિલ સંસ્કૃતિ અને આધુનિક લોકશાહી તરીકે ભારતની નિયતિ વચ્ચેનાં ઊંડાં ભાવનાત્મક જોડાણની યાદ અપાવે છે."
"આદીનમ્‌નું સેંગોલ એ સેંકડો વર્ષોની ગુલામીનાં દરેક પ્રતીકથી ભારતને મુક્ત કરવાની શરૂઆત હતી"
"તે સેંગોલ હતું જેણે સ્વતંત્ર ભારતને એ રાષ્ટ્રના યુગ સાથે જોડ્યું હતું જે ગુલામી પહેલાં અસ્તિત્વમાં હતું"
"લોકશાહીનાં મંદિરમાં સેંગોલને તેનું યોગ્ય સ્થાન મળી રહ્યું છે"

આવતીકાલે નવાં સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે આદીનામો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

આદીનામોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સૌભાગ્યની વાત છે કે આદીનામોએ પોતાની ઉપસ્થિતિથી પ્રધાનમંત્રી આવાસની શોભા વધારી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભગવાન શિવનાં આશીર્વાદથી જ તેમને ભગવાન શિવનાં તમામ શિષ્યો સાથે એક સાથે વાતચીત કરવાની તક મળી. તેમણે એ બાબતનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો કે, આવતીકાલે નવાં સંસદ ભવનનાં ઉદ્‌ઘાટન પ્રસંગે આદીનામ્‌ લોકો ઉપસ્થિત રહેશે અને તેમનાં આશીર્વાદ વરસાવશે.

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સંગ્રામમાં તમિલનાડુની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે તમિલનાડુ ભારતીય રાષ્ટ્રવાદનો ગઢ રહ્યું છે. તમિલ લોકોમાં હંમેશાં મા ભારતીની સેવા અને કલ્યાણની ભાવના હતી. શ્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, આઝાદી પછીનાં વર્ષોમાં તમિલનાં પ્રદાનને ઉચિત માન્યતા મળી નથી. હવે આ મુદ્દાને યોગ્ય મહત્વ આપવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આઝાદીના સમયે સત્તાની તબદીલીનાં પ્રતીક સાથે સંબંધિત પ્રશ્ર ઊભો થયો હતો અને આ સંબંધમાં વિવિધ પરંપરાઓ હતી. તેમણે જણાવ્યું હતું કે, "તે સમયે, આદીનમ્‌ અને રાજાજીનાં માર્ગદર્શન હેઠળ, આપણને આપણી પવિત્ર પ્રાચીન તમિલ સંસ્કૃતિમાંથી એક સૌભાગ્યશાળી માર્ગ મળ્યો - જે સેંગોલનાં માધ્યમથી સત્તાના હસ્તાંતરણનો માર્ગ છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સેંગોલે તેની સાથેની વ્યક્તિને યાદ અપાવ્યું હતું કે, દેશનાં કલ્યાણની જવાબદારી તેના પર છે અને તેને ક્યારેય કર્તવ્યના માર્ગમાંથી મુક્તિ નહીં મળે. તે સમયે ૧૯૪૭માં થિરુવાદુથુરાય આદીનમ્‌એ એક વિશેષ સેંગોલની રચના કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે એ યુગની તસવીરો આપણને તમિલ સંસ્કૃતિ અને આધુનિક લોકશાહી તરીકે ભારતની નિયતિ વચ્ચેનાં ઊંડાં ભાવનાત્મક જોડાણની યાદ અપાવે છે. આજે આ ઊંડાં જોડાણની ગાથા ઇતિહાસનાં પાનાંઓમાંથી જીવંત થઈ ગઈ છે." આ આપણને તે સમયની ઘટનાઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા માટે એક દ્રષ્ટિ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પવિત્ર પ્રતીક સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો તેની પણ આપણને જાણ થાય છે.

પ્રધાનમંત્રીએ રાજાજી અને અન્ય વિવિધ આદીનમ્‌ની દૂરંદેશીપણાને ખાસ નમન કર્યું હતું અને સેંગોલ પર પ્રકાશ પાડ્યો હતો, જેણે સેંકડો વર્ષોની ગુલામીનાં દરેક પ્રતીકમાંથી મુક્તિની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે સેંગોલ જ છે જેણે સ્વતંત્ર ભારતને દેશના એ યુગ સાથે જોડ્યું હતું, જે ગુલામી પહેલાં અસ્તિત્વમાં હતો, અને તે 1947માં જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે સત્તાનાં હસ્તાંતરણનો સંકેત આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સેંગોલનું અન્ય એક મહત્ત્વ એ છે કે, તેણે ભારતના ભૂતકાળનાં ગૌરવશાળી વર્ષો અને પરંપરાઓને સ્વતંત્ર ભારતનાં ભવિષ્ય સાથે જોડ્યાં છે. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, પવિત્ર સેંગોલને જે સન્માન મળવું જોઈએ તે મળ્યું નથી અને તેને પ્રયાગરાજનાં આનંદ ભવનમાં છોડી દેવામાં આવ્યું હતું, જ્યાં તેને ચાલવાની લાકડી તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું. હાલની સરકાર જ સેંગોલને આનંદ ભવનની બહાર લાવી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સાથે આપણી પાસે નવાં સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના દરમિયાન ભારતની આઝાદીની પ્રથમ ક્ષણને પુનર્જીવિત કરવાની તક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સેંગોલને લોકશાહીનાં મંદિરમાં તેનું યોગ્ય સ્થાન મળી રહ્યું છે." તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, ભારતની મહાન પરંપરાઓનું પ્રતીક સેંગોલ નવાં સંસદ ભવનમાં સ્થાપિત થશે. તેમણે ટિપ્પણી કરી હતી કે સેંગોલ આપણને સતત કર્તવ્ય પથ પર ચાલવાની અને લોકો માટે જવાબદાર રહેવાની યાદ અપાવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આદીનમ્‌ની મહાન પ્રેરણાદાયી પરંપરા જીવંત પવિત્ર ઊર્જાનું પ્રતીક છે. તેમની શૈવ પરંપરાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ તેમની ફિલોસોફીમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, ઘણાં આદીનમોનાં નામ આ ભાવનાને વ્યક્ત કરે છે, કારણ કે આમાંનાં કેટલાંક પવિત્ર નામો કૈલાશનો ઉલ્લેખ કરે છે, જે પવિત્ર પર્વત છે, જે અંતરિયાળ હિમાલયમાં હોવા છતાં તેમનાં હૃદયની નજીક છે. એવું કહેવામાં આવે છે કે મહાન શૈવ સંત તિરુમુલર શિવ ભક્તિના પ્રસાર માટે કૈલાશથી આવ્યા હતા. એ જ રીતે પ્રધાનમંત્રીએ તમિલનાડુના ઘણા મહાન સંતોને યાદ કર્યા, જેમણે ઉજ્જૈન, કેદારનાથ અને ગૌરીકુંડનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. 

વારાણસીથી સંસદ સભ્ય તરીકે પ્રધાનમંત્રીએ ધર્મપુરમ આદીનમ્‌ના સ્વામી કુમારગુરુપારા વિશે માહિતી આપી હતી, જેઓ તમિલનાડુથી કાશી ગયા હતા અને બનારસમાં કેદાર ઘાટ ખાતે કેદારેશ્વર મંદિરની સ્થાપના કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તામિલનાડુના થિરુપ્પનંદલમાં કાશી મઠનું નામ પણ કાશીનાં નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મઠ વિશેની એક રસપ્રદ હકીકત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, થિરુપ્પનંદલનું કાશી મઠ યાત્રાળુઓને બૅન્કિંગ સેવાઓ પ્રદાન કરતું હતું, જ્યાં કોઈ પણ વ્યક્તિ તમિલનાડુના કાશી મઠમાં નાણાં જમા કરાવી શકતી હતી અને કાશીમાં આ પ્રમાણપત્ર બતાવીને તેને ઉપાડી શકતી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ રીતે શૈવ સિદ્ધાંતના અનુયાયીઓએ માત્ર શિવ ભક્તિનો પ્રસાર જ નથી કર્યો, પણ આપણને એકબીજાની નજીક લાવવાનું કામ પણ કર્યું છે."

પ્રધાનમંત્રીએ સેંકડો વર્ષોની ગુલામી પછી પણ તમિલ સંસ્કૃતિને જીવંત રાખવામાં આદીનમ્‌ જેવી મહાન પરંપરાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે તેનું પાલનપોષણ કરનારા શોષિત અને વંચિત જનતાને પણ શ્રેય આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તમારી તમામ સંસ્થાઓ રાષ્ટ્રમાં પ્રદાન કરવાની દ્રષ્ટિએ ખૂબ જ ભવ્ય ઇતિહાસ ધરાવે છે. હવે આ પરંપરાને આગળ વધારવાનો અને આવનારી પેઢીઓ માટે કામ કરવા માટે પ્રેરિત થવાનો સમય આવી ગયો છે."

આગામી 25 વર્ષ માટે નિર્ધારિત લક્ષ્યાંકો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીનાં 100મા વર્ષમાં પહોંચીએ ત્યાં સુધીમાં એક મજબૂત, આત્મનિર્ભર, સર્વસમાવેશક અને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો ઉદ્દેશ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે દેશ વર્ષ 2047નાં લક્ષ્યાંકો સાથે આગેકૂચ કરી રહ્યો છે, ત્યારે આદીનમ્‌ની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, 1947માં આદીનમ્‌ની ભૂમિકાથી લાખો દેશવાસીઓ પુનઃ પરિચિત થયા છે. "તમારી સંસ્થાઓએ હંમેશાં સેવાનાં મૂલ્યોને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. તમે લોકોને એકબીજા સાથે જોડવાનું, તેમની વચ્ચે સમાનતાની ભાવના પેદા કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે," એમ તેમણે ઉમેર્યું.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની તાકાત તેની એકતા પર નિર્ભર છે. તેમણે દેશની પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા કરનારા અને વિવિધ પડકારો ઊભા કરનારાઓ વિશે ચેતવણી આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જે લોકો ભારતની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે, તેઓ આપણી એકતાને તોડવાનો પ્રયાસ કરશે. પરંતુ મને ખાતરી છે કે આપણે આધ્યાત્મિકતા અને સામાજિક શક્તિ સાથે દરેક પડકારનો સામનો કરીશું જે દેશને તમારી સંસ્થાઓ પાસેથી મળી રહ્યો છે," એમ તેમણે સમાપન કર્યું. 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi