પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચી પરથી બોલતા કહ્યું હતું કે ભારતની નિકાસ ઝડપથી વધી રહી છે અને વિશ્વ કહી રહ્યું છે કે ભારત હવે અટકશે નહીં. તેમણે કહ્યું કે વિશ્વ રેટિંગ એજન્સીઓ ભારતની પ્રશંસા કરી રહી છે અને કોરોના પછીની નવી વિશ્વ વ્યવસ્થામાં ભારતીયોની ક્ષમતાને ઓળખવામાં આવી રહી છે. એક સમયે જ્યારે વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ ગઈ હતી, ત્યારે અમે વિશ્વને બતાવ્યું કે માનવ જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રીત કરીને જ ઉકેલો શોધી શકાય છે, એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની ગયો છે અને ભારતીય અર્થવ્યવસ્થા હવે વૈશ્વિક પુરવઠા શૃંખલાનો એક ભાગ છે, તેને સ્થિરતા પ્રદાન કરે છે.
સ્ટાર્ટઅપ્સ પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના યુવાનોએ દેશને વિશ્વની ટોચની ત્રણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્થાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વના યુવાનો આ વિકાસથી આશ્ચર્યચકિત છે, ભારતના યુવાનોની ક્ષમતા જોઈને આશ્ચર્યચકિત છે. આજની દુનિયા ટેક્નોલોજી આધારિત છે અને ભારતની ટેક્નોલોજીમાં જે પ્રતિભા છે તે જોતાં, વિશ્વમાં આપણી પાસે મહત્વની ભૂમિકા હશે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું કે સૌથી વિકસિત દેશોના વિશ્વ નેતાઓએ ડિજિટલ ઈન્ડિયાની સફળતાને માન્યતા આપી છે અને આ પહેલો વિશે વધુ જાણવા માંગે છે.