હું આસિયાન સંબંધિત બેઠકોમાં ભાગ લેવા માટે મહામહિમ શ્રી જોકો વિડોડોના આમંત્રણ પર જકાર્તા, ઇન્ડોનેશિયાની મુસાફરી કરી રહ્યો છું.
મારૂં પ્રથમ જોડાણ 20મી આસિયાન-ભારત સમિટ હશે. હું ASEAN નેતાઓ સાથે આપણી ભાગીદારીની ભાવિ રૂપરેખા વિશે ચર્ચા કરવા આતુર છું, જે હવે તેના ચોથા દાયકામાં પ્રવેશી ચૂકી છે. ASEAN સાથે જોડાણ એ ભારતની "એક્ટ ઈસ્ટ" નીતિનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગયા વર્ષે દાખલ થયેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ આપણા સંબંધોમાં નવી ગતિશીલતા દાખલ કરી છે.
ત્યારપછી હું 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લઈશ. આ ફોરમ ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, પર્યાવરણ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિતના ક્ષેત્રના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની એક ઉપયોગી તક પૂરી પાડે છે. હું આ વૈશ્વિક પડકારોને સામૂહિક રીતે સંબોધવા માટે વ્યવહારિક સહકારના પગલાં પર અન્ય EAS નેતાઓ સાથે વિચારોની આપલે કરવા માટે આતુર છું.
હું ગયા વર્ષે બાલીમાં જી-20 સમિટ માટે ઇન્ડોનેશિયાની મારી મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરું છું અને મને વિશ્વાસ છે કે આ મુલાકાત આસિયાન ક્ષેત્ર સાથેની આપણા જોડાણને વધુ ગાઢ બનાવશે.