હર હર મહાદેવ !
હું શરૂ કરું, તમે લોકો મંજૂરી આપો તો હું બોલવાનુ શરૂ કરૂં. હર હર મહાદેવ, બાબા વિશ્વનાથ, માતા અન્નપૂર્ણાની નગરી કાશીની પુણ્ય ભૂમિના તમામ ભાઈઓ અને બહેનોને મારા પ્રણામ. દિવાળી, દેવ દિવાળી, અન્નકૂટ, ભાઈબીજ, પ્રકાશોત્સવ અને આવનારી ડાલા છઠ્ઠ પ્રસંગે આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના ઊર્જાવાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાજી, ઉત્તર પ્રદેશ સરકારના અન્ય મંત્રીગણ તથા કેન્દ્રના અમારા વધુ એક સાથી મહેન્દ્રનાથ પાંડેજી, રાજ્યના વધુ એક મંત્રી અનિલ રાજભરજી, નિલંકઠ તિવારીજી, રવિન્દ્ર જાયસ્વાલજી, અન્ય મંત્રીગણ, સંસદમાં અમારા સાથી શ્રીમતી સિમા દ્વિવેદીજી, બી. પી. સરોજજી, વારાણસીના મેયર શ્રીમતી મૃદુલા જાયસ્વાલજી, અન્ય લોકપ્રતિનિધિ ગણ, ટેકનોલોજીના માધ્યમથી દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા હેલ્થ પ્રોફેશનલ્સ, જિલ્લા હોસ્પિટલ, તબીબી સંસ્થાઓ અને અહિંયા બનારસમાં હાજર રહેલા મારા ભાઈઓ અને બહેનો.
તમે કોરોના મહામારી સામેની લડાઈમાં 100 કરોડ રસીનો મોટો મુકામ પાર પાડ્યો છે. બાબા વિશ્વનાથના આશીર્વાદથી, મા ગંગાના અવિરત પ્રતાપથી, કાશીવાસીઓના અખંડ વિશ્વાસથી તમામ લોકો માટે મફત રસીકરણનું અભિયાન સફળતાપૂર્વક આગળ ધપી રહ્યું છે. હું આપ સૌ સ્વજનોને આદરપૂર્વક વંદન કરૂં છું. આજે થોડાંક સમય પહેલાં જ એક કાર્યક્રમમાં મને ઉત્તર પ્રદેશને 9 મેડિકલ કોલેજ અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આનાથી પૂર્વાંચલ અને ઉત્તર પ્રદેશના કરોડો ગરીબો, દલિતો- પછાત- શોષિત અને વંચિતો જેવા સમાજના તમામ વર્ગને ઘણો ફાયદો થશે. અન્ય શહેરોની મોટી હોસ્પિટલો માટે જે ભાગદોડ થતી હતી તે ઓછી થશે.
સાથીઓ,
મારા મનમાં એક સોરઠા છે-
मुक्ति जन्म महि जानि,ज्ञान खानिअघ हानि कर।
जहं बस सम्भु भवानि,सो कासी सेइअ कस न।।
આનો અર્થ એ થાય છે કે શિવ અને શક્તિ જ્યાં સાક્ષાત નિવાસ કરે છે તે જ્ઞાનના ભંડાર કાશીને કષ્ટ અને ક્લેશ બંનેથી મુક્ત કરે છે. પછી આરોગ્ય સાથે જોડાયેલી આટલી મોટી યોજના, બિમારીઓ કષ્ટોથી મુક્તિનો આટલો મોટો સંકલ્પ, તેની શરૂઆત માટે કાશીથી બહેતર કઈ જગા હોઈ શકે છે? કાશીના મારા ભાઈઓ અને બહેનો, આજે આ મંચ પરથી બે મોટા કાર્યક્રમની જાહેરાત થઈ રહી છે. એક- ભારત સરકાર તરફથી અને સમગ્ર ભારત માટે 64 હજાર કરોડથી વધુ રકમનો આ કાર્યક્રમનો કાશીની પવિત્ર ભૂમિ પરથી પ્રારંભ થઈ રહ્યો છે અને બીજો- કાશી અને પૂર્વાંચલના વિકાસના હજારો કરોડ રૂપિયાના કાર્યક્રમોનું લોકાર્પણ, અને એક પ્રકારે હું કહું તો પહેલો કાર્યક્રમ અને અહિંનો કાર્યક્રમ મળીને કહું તો આજે આશરે રૂ.75 હજાર કરોડના કામોનું આજે અહિંયા જાહેરાત અને લોકાર્પણ થઈ રહ્યું છે. કાશીથી શરૂ થનારી આ યોજનાઓમાં મહાદેવનો આશીર્વાદ પણ છે અને જ્યાં મહાદેવનો આશીર્વાદ હોય ત્યાં કલ્યાણ જ કલ્યાણ છે, સફળતા જ સફળતા છે. અને જ્યારે મહાદેવનો આશીર્વાદ હોય ત્યારે કષ્ટમાંથી મુક્તિ મળવી પણ સ્વાભાવિક છે.
સાથીઓ,
આજે યુપી સહિત સમગ્ર દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તાકાત પૂરી પાડવા માટે અને ભવિષ્યમાં મહામારીઓથી બચવા માટે આપણી તૈયારી ઉચ્ચસ્તરની હોય, ગામ અને બ્લોક સ્તર સુધી આપણી આરોગ્ય વ્યવસ્થામાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા આવે તે માટે આજે મને રૂ.64 હજાર કરોડનું આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન રાષ્ટ્રને સમર્પિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે કાશીની માળખાકીય સુવિધાઓ સાથે જોડાયેલા આશરે રૂ.5,000 કરોડના પ્રોજેક્ટસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાં સડકોથી માંડીને ઘાટની સુંદરતા, ગંગાજી અને વરૂણાની સાફસફાઈ, પૂલ, પાર્કિંગ સ્થળો, બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અનેક સુવિધાઓ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે. તહેવારોની આ મોસમમાં જીવનને સુગમ, સ્વસ્થ અને સમૃધ્ધ બનાવવા માટે કાશીમાં ચાલી રહેલું આ વિકાસ પર્વ, એક રીતે કહીએ તો સમગ્ર દેશને નવી ઊર્જા, નવી શક્તિ, નવો વિશ્વાસ પૂરો પાડશે. તે માટે કાશી સહિત આજે હું કાશીની ધરતી પરથી 130 કરોડ દેશવાસીઓને ભારતના ખૂણે ખૂણે આવેલા ગામડાં અને ભારતના શહેરોના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
ભાઈઓ અને બહેનો,
આપણે ત્યાં દરેક કર્મનો મૂળ આધાર આરોગ્યને ગણવામાં આવ્યો છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવેલા રોકાણને હંમેશા ઉત્તમ રોકાણ માનવામાં આવે છે, પરંતુ આઝાદી પછીના લાંબા કાલખંડમાં આરોગ્ય માટે, સ્વાસ્થ્ય સુવિધાઓ માટે એટલું ધ્યાન આપવામાં આવ્યું નથી કે જેટલું ધ્યાન આપવાની જરૂર હતી. દેશમાં લાંબા સમય સુધી જેમની સરકારો રહી છે તેમણે દેશને હેલ્થ કેર સિસ્ટમનો સંપૂર્ણ વિકાસ કરવાના બદલે તેને આ સુવિધાઓથી વંચિત રાખ્યો છે. ગામડામાં હોસ્પિટલ ન હતી અને હોસ્પિટલ હતી તો સારવાર કરનાર ન હતા. બ્લોકની હોસ્પિટલમાં જઈએ તો ત્યાં ટેસ્ટ કરવાની સુવિધા નહોતી. ટેસ્ટ કરવામાં આવે તો પરિણામ બાબતે ભ્રમ રહેતો હતો, સચોટ હોવા અંગે શંકા રહેતી હતી. જિલ્લા હોસ્પિટલમાં જઈએ તો ખબર પડે કે ગંભીર બિમારીનું નિદાન થયું છે અને એમાં તો સર્જરી કરવી પડશે. પરંતુ જે સર્જરી કરવાની હોય તો તે માટે ત્યાં સગવડ જ ના હોય. એના માટે મોટી હોસ્પિટલ શોધવા દોડો. મોટી હોસ્પિટલમાં તેનાથી પણ વધુ ભીડ હોય, લાંબી પ્રતિક્ષાના આપણે સાક્ષી છીએ કે ગરીબ અને તેના સમગ્ર પરિવારે આવી જ મુશ્કેલીઓમાં અટવાતા રહેવુ પડ્યું હતું. જીંદગી ઝઝૂમવામાં જ પૂરી થઈ જતી હતી. તેનાથી એક તો ગંભીર બિમારી હોય તો તે ઘણીવાર વધુ બગડતી હતી. આ ઉપરાંત ગરીબ વ્યક્તિ પર જે બિનજરૂરી આર્થિક બોજ પડતો હતો તે અલગ.
સાથીઓ,
આપણી આરોગ્ય વ્યવસ્થામાં જે મોટી ઊણપ રહી તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગમાં ઈલાજ બાબતે હંમેશા ચિંતા ઊભી થતી હતી. આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન દેશની આરોગ્ય વ્યવસ્થાની આ બધી ઊણપો દૂર કરવાનો એક ઉપાય છે. ભવિષ્યમાં કોઈપણ મહામારી સાથે કામ પાર પાડવા આપણે તૈયાર હોઈએ, સક્ષમ હોઈએ તે માટે આપણી આરોગ્ય વ્યવસ્થાને આજથી તૈયાર કરવામાં આવી રહી છે. પ્રયત્ન એ પણ છે કે બિમારી જલ્દી પકડમાં આવે અને તપાસમાં વિલંબ ના થાય. લક્ષ્ય એવું છે કે આવનારા ચારથી પાંચ વર્ષમાં દેશના ગામડાંથી માંડીને બ્લોક, જિલ્લા, પ્રાદેશિક અને રાષ્ટ્રિય સ્તર સુધી મહત્વના આરોગ્ય નેટવર્કને સશક્ત કરવામાં આવે. ખાસ કરીને એવા રાજ્યો કે જ્યાં આરોગ્ય સુવિધાઓનો વિશેષ અભાવ છે, જે આપણાં પહાડી અને ઉત્તર- પૂર્વના રાજ્યો એટલે કે ઉત્તરાખંડ અને હિમાચલ જેવા રાજ્યો છે તેમની ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
દેશના આરોગ્ય ક્ષેત્રની અલગ અલગ ઊણપો હલ કરવા માટે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનના ત્રણ મોટા પાસાં છે. પ્રથમ- નિદાન અને સારવાર માટે વિસ્તૃત સુવિધાઓના નિર્માણ સાથે જોડાયેલું છે. તેના હેઠળ ગામડાં અને શહેરોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યાં બિમારીની શરૂઆતમાં જ નિદાન કરવાની સુવિધા પ્રાપ્ત થશે. આ કેન્દ્રોમાં ફ્રી મેડિકલ કન્સ્લ્ટેશન, ફ્રી ટેસ્ટ, ફ્રી દવા જેવી સુવિધાઓ મળશે. સમયસર બિમારીની જાણ થશે તો બિમારીઓ ગંભીર બનવાની આશંકા ઓછી થશે. ગંભીર બિમારીની સ્થિતિમાં તેના ઈલાજ માટે 600થી વધુ જિલ્લામાં ક્રિટીકલ કેર સાથે જોડાયેલી 35,000થી વધુ નવી પથારીઓની વ્યવસ્થા ઊભી કરાશે. બાકી આશરે સવા સો જિલ્લામાં રેફરલની સુવિધા પણ આપવામાં આવશે. રાષ્ટ્રિય સ્તરે તેની તાલિમ અને અન્ય ક્ષમતા નિર્માણ માટે 12 કેન્દ્રીય હોસ્પિટલોમાં જરૂરી સુવિધાઓ વિકસીત કરવાનું કામ શરૂ થઈ રહ્યું છે. આ યોજના હેઠળ રાજ્યોમાં સર્જરી સાથે જોડાયેલા નેટવર્કને મજબૂત બનાવવા માટે સપ્તાહના સાતેય દિવસ ચોવીસે કલાક ચાલનારા 15 ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે.
સાથીઓ,
યોજનાનું બીજું પાસું રોગની તપાસ માટે ટેસ્ટીંગ નેટવર્ક સાથે જોડાયેલું છે. આ મિશન હેઠળ બિમારીઓની તપાસ, તેની દેખરેખ કેવી રીતે થઈ શકે તે માટે પણ જરૂરી માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. દેશના 730 જિલ્લામાં ઈન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબ્ઝ અને દેશમાં નક્કી કરાયેલા સાડા ત્રણ હજાર બ્લોક્સમાં, બ્લોક પબ્લિક હેલ્થ યુનિટસ ઊભા કરવામાં આવશે. 5 રિજીયોનલ નેશનલ સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ, 20 મેટ્રોપોલિટન યુનિટસ અને 15 બીએસએલ લેબ્ઝ પણ આ નેટવર્કને સશક્ત બનાવશે.
ભાઈઓ અને બહેનો,
આ મિશનનું ત્રીજું પાસું મહામારી સાથે જોડાયેલી સંશોધન સંસ્થાઓના વિસ્તરણનું છે અને તેને સશક્ત બનાવવા માટે હાલમાં દેશમાં 80 વાયરલ ડાયગ્નોસ્ટિક્સ અને સંશોધન લેબ્ઝ છે તેને વધુ બહેતર બનાવવામાં આવશે. મહામારીમાં બાયો સેફ્ટી લેવલ-3ની લેબ જોઈએ. આવી જ 15 નવી લેબ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત દેશમાં 4 નવા નેશનલ ઈન્સ્ટીટ્યુટસ ઓફ વાયરોલોજી અને એક નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર વન હેલ્થની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. દક્ષિણ એશિયા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાનું પ્રાદેશિક સંશોધન પ્લેટફોર્મ પણ સંશોધન માટેના આ નેટવર્કને વધુ મજબૂત બનાવશે, એટલે કે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનના માધ્યમથી દેશના ખૂણે ખૂણે સારવારથી માંડીને મહત્વના સંશોધન સુધી એક સંપૂર્ણ વ્યવસ્થા વિકસીત કરવામાં આવશે.
સાથીઓ,
એક રીતે કહીએ તો આ કામગીરી દાયકાઓ પહેલાં થવી જોઈતી હતી, પરંતુ પરિસ્થિતિ શું છે તેનું વર્ણન કરવાની મારે જરૂર નથી. આપણે છેલ્લાં સાત વર્ષથી લગાતાર સુધારા કરી રહ્યા છીએ, પણ હવે ખૂબ મોટાપાયે ખૂબ જ આક્રમક અભિગમ સાથે આ કામ કરવાનું છે. થોડાંક દિવસ પહેલાં તમે જોયું હશે કે મેં દિલ્હીમાં સમગ્ર દેશ માટે ગતિ- શક્તિના ખૂબ મોટા દેશવ્યાપી માળખાકીય સુવિધાઓ સાથે જોડાયેલા એક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આજે આ બીજુ, આશરે રૂ.64 હજાર કરોડના આરોગ્યને લઈને જ, બિમારી સામે લડત લડવા માટે દેશના દરેક નાગરિકને તંદુરસ્ત રાખવા માટે આટલું મોટું એક મિશન લઈને આજે કાશીની ધરતી પરથી આપણે સમગ્ર દેશમાં શરૂઆત કરી રહ્યા છીએ.
સાથીઓ,
જ્યારે આવું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બને છે તો એનાથી આરોગ્યની સુવિધાઓ તો વધુ સારી થાય જ છે, તેનાથી રોજગારીનું એક સમગ્ર વાતાવરણ વિકસીત થાય છે. ડૉક્ટર, પેરામેડિક્સ, લેબ, ફાર્મસી, સાફસફાઈ, ઓફિસ, ટ્રાવેલ- ટ્રાન્સપોર્ટ, ખાણી-પીણી જેવી રોજગારી આ યોજનાના કારણે ઊભી થવાની છે. આપણે જોયું છે કે એક મોટી હોસ્પિટલ બને છે તો તેની આસપાસ એક આખું શહેર વસી જાય છે, જે હોસ્પિટલ સાથે જોડાયેલી ગતિવિધીઓને રોજી- રોટીનું કેન્દ્ર બનાવે છે. ખૂબ મોટી આર્થિક ગતિવિધીનું કેન્દ્ર બની જાય છે. અને એટલા માટે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન આરોગ્યની સાથે સાથે આર્થિક આત્મનિર્ભરતાનું માધ્યમ પણ છે. તે એક સમગ્રલક્ષી આરોગ્ય માટે થઈ રહેલા પ્રયાસોની એક કડી છે. સમગ્રલક્ષી હેલ્થ કેર એટલે કે જે સૌના માટે સુલભ હોય, જે સસ્તુ હોય અને બધા લોકોની પહોંચમાં હોય. સમગ્રલક્ષી હેલ્થ કેર એટલે કે જ્યાં આરોગ્યની સાથે સાથે વેલનેસ ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવતું હોય. સ્વચ્છ ભારત અભિયાન, જળ જીવન મિશન, ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, મિશન ઈન્દ્ર ધનુષ જેવા અનેક અભિયાનોએ દેશના કરોડો ગરીબોને બિમારીથી બચાવ્યા છે, તેમને બિમાર થતા અટકાવાયા છે. આયુષ્માન ભારત યોજનાએ બે કરોડથી વધુ ગરીબોને હોસ્પિટલમાં મફત સારવાર પૂરી પાડી છે. સારવાર સાથે જોડાયેલી અનેક તકલીફોને આયુષ્માન ભારત ડિજીટલ મિશન મારફતે હલ કરવામાં આવી રહી છે.
ભાઈઓ અને બહેનો,
અમારા પહેલાં વર્ષો સુધી જે લોકો સરકારમાં રહ્યા તેમના માટે આરોગ્ય સેવા પૈસા કમાવાનું અને ગેરરીતી કરવાનું સાધન બની ગઈ હતી. ગરીબોની પરેશાની જોઈને પણ તે તેમનાથી દૂર ભાગતા રહ્યા. આજે કેન્દ્ર અને રાજ્યમાં એવી સરકાર છે કે જે ગરીબ, દલિત, શોષિત, વંચિત, પછાત, મધ્યમ વર્ગ, તમામ લોકોનું દર્દ સમજે છે. દેશમાં આરોગ્ય સુવિધાઓ બહેતર બનાવવા માટે અમે દિવસ-રાત એક કરી રહ્યા છીએ. અગાઉ જનતાના પૈસા ગેરરીતીમાં જતા હતા અને એવા લોકોની તિજોરીઓમાં જતા હતા, જ્યારે આજે મોટા મોટા પ્રોજેક્ટસમાં પૈસા લાગી રહ્યા છે. એટલા માટે આજે ઈતિહાસની સૌથી મોટી મહામારી સામે પણ દેશ કામ પાર પાડી રહ્યો છે અને આત્મનિર્ભર ભારત માટે લાખો કરોડ રૂપિયાની માળખાકીય સુવિધાઓનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
સાથીઓ,
તબીબી સુવિધાઓ વધારવા માટે એ જરૂરી બની રહે છે કે ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની સંખ્યા પણ એટલી જ ઝડપથી વધે. ઉત્તર પ્રદેશમાં જે ઝડપથી નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી રહી છે તેની ખૂબ મોટી અસર મેડિકલની બેઠકો અને ડોક્ટરોની સંખ્યા ઉપર પડશે. વધુ બેઠકો હોવાના કારણે હવે ગરીબ માતા- પિતાનું સંતાન પણ ડોક્ટર બનવાનું સપનું જોઈ શકશે અને તેને પૂરૂં કરી શકશે.
ભાઈઓ અને બહેનો,
આઝાદી પછીના 70 વર્ષમાં દેશમાં જેટલા ડોક્ટર મેડિકલ કોલેજોમાંથી તૈયાર થઈને બહાર આવ્યા છે તેનાથી વધુ ડોક્ટર હવે પછીના 10 થી 12 વર્ષમાં દેશને મળવાના છે. તમે કલ્પના કરી શકો છો કે તબીબી ક્ષેત્રે દેશમાં આજે આટલું મોટું કામ થઈ રહ્યું છે. જ્યારે દેશમાં વધુ ડોક્ટરો હશે તો દેશના ખૂણે ખૂણે, ગામડે ગામડે એટલી જ આસાનીથી ડોક્ટરો મળતા થશે. આ એ નવું ભારત છે કે જ્યાં અભાવમાંથી બહાર નિકળીને દરેક આકાંક્ષા પૂર્ણ કરવા માટે દિવસ- રાત કામ કરવામાં આવી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
ભૂતકાળમાં દેશ હોય કે પછી ઉત્તર પ્રદેશમાં જે પ્રકારે કામ થયું છે, જો આ જ પ્રકારે કામ થતું હોત તો આજે કાશીની સ્થિતિ કેવી હોત? દુનિયાની સૌથી જૂની નગરીને, ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન કાશીને તેમણે પોતાની હાલત ઉપર છોડી દીધું હતું. એ લટકતા વીજળીના તાર, ઉબડ ખાબડ રસ્તા, ઘાસ અને ગંગામૈયાની દુર્દશા, ટ્રાફિક જામ, પ્રદૂષણ, અવ્યવસ્થા જેવું અહિંયા ચાલતું રહ્યું. આજે કાશીનું હૃદય એ જ છે, મન પણ એ જ છે, પરંતુ કાયાને સુધારવાનો ઈમાનદારી સાથેનો પ્રયત્ન થઈ રહ્યો છે. જેટલું કામ વારાણસીમાં વિતેલા 7 વર્ષમાં થયું છે તેટલું વિતેલા અનેક દાયકાઓમાં થયું નથી.
ભાઈઓ અને બહેનો,
રીંગ રોડના અભાવે કાશીમાં ટ્રાફિકજામની જે સ્થિતિ સર્જાતી હતી તેનો તમે વર્ષો સુધી અનુભવ કર્યો છે. 'નો એન્ટ્રી' ખૂલવાની પ્રતિક્ષા બનારસના લોકોની આદત બની ગઈ હતી. હવે રીંગ રોડનું નિર્માણ થતાં પ્રયાગરાજ, લખનૌ, સુલતાનપુર, આઝમગઢ, ગાઝીપુર, ગોરખપુર, દિલ્હી, કોલકત્તા કોઈપણ સ્થળેથી આવવા- જવાનું હોય તો શહેરમાં આવીને, શહેરના લોકોને પરેશાન કરવાની જરૂર નહીં પડે. આટલું જ નહીં, રીંગ રોડ હવે ગાઝીપુરથી બિરનોન સુધી ચાર માર્ગી નેશનલ હાઈવે સાથે જોડાઈ ગયો છે. વિવિધ સ્થળે સર્વિસ રોડની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે અને તેનાથી અનેક ગામની સાથે સાથે પ્રયાગરાજ, લખનૌ, ગોરખપુર અને બિહાર-નેપાળ સુધી આવન- જાવન સુવિધાજનક બની ગઈ છે. આના કારણે પ્રવાસ તો સરળ બને જ છે, પણ વેપાર ઉદ્યોગને પણ ગતિ મળશે. ટ્રાન્સપોર્ટની કિંમત પણ ઓછી થશે.
ભાઈઓ અને બહેનો,
જ્યાં સુધી દેશમાં એક સમર્પિત માળખાકીય સુવિધાઓનું નિર્માણ થાય નહીં ત્યાં સુધી વિકાસની ગતિ અધૂરી રહેતી હોય છે. વરૂણા નદી પર બે પૂલ બનવાના કારણે ડઝનબંધ ગામમાંથી હવે શહેરમાં આવવા- જવાનું આસાન બની ગયું છે. આનાથી એરપોર્ટ આવતા- જતા લોકોને પ્રયાગરાજ, ભદોહી અને મિરઝાપુરના લોકોને પણ ખૂબ સારી સુવિધા મળશે. ગાલીચા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પણ લાભ થશે અને મા વિન્ધ્યવાસીનીના દર્શન માટે એરપોર્ટથી સીધા મિરઝાપુર જવાની ઈચ્છા ધરાવતા ભક્તોને પણ સુવિધા પ્રાપ્ત થશે. સડકો, પૂલ, પાર્કિંગ સ્થળો સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટસ પણ કાશીવાસીઓને સમર્પિત કરવામાં આવ્યા છે. તેના કારણે શહેર અને તેની આસપાસનું જીવન વધુ સુગમ બનશે. રેલવે સ્ટેશન પર બનેલા આધુનિક એક્ઝિક્યુટીવ લોન્જથી પ્રવાસીઓની સગવડમાં વધુ વધારો થશે.
સાથીઓ,
ગંગાજીની સ્વચ્છતા અને શુધ્ધિ માટે વિતેલા વર્ષોમાં વ્યાપક કામ કરવામાં આવી રહ્યું છે, જેનું પરિણામ આજે આપણે અનુભવી રહ્યા છીએ. ઘરમાંથી નિકળેલું ગંદુ પાણી ગંગાજીમાં જાય નહીં તે માટે નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે રામનગરમાં પાંચ નાળામાંથી વહેનારૂં ગટરનું પાણી શુધ્ધ કરવા માટે આધુનિક ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામ કરતો થઈ ગયો છે. તેના કારણે આસપાસની 50 હજારથી વધુ વસતિને સીધો લાભ થઈ રહ્યો છે. માત્ર ગંગાજીની જ નહીં, પણ વરૂણાની સ્વચ્છતાનું પણ અગ્રતાને ધોરણે કામ ચાલી રહ્યું છે. લાંબા સમય સુધી ઉપેક્ષાનો શિકાર બની રહેલી વરૂણા પોતાનું અસ્તિત્વ ખોવાની સ્થિતિ સુધી પહોંચી ગઈ હતી. વરૂણાને બચાવવા માટે જ ચેનલાઈઝેશનની યોજનાનું કામ કરવામાં આવ્યું છે. આજે સ્વચ્છ પાણી પણ વરૂણામાં પહોંચી રહ્યું છે. 13 નાના મોટા નાળાનું પાણી પણ શુધ્ધ કરવામાં આવી રહ્યું છે. વરૂણાના બંને કિનારે પાથવે, રેલીંગ, લાઈટીંગ, પાકા ઘાટ, સીડીઓ જેવી અનેક સુવિધાઓનું નિર્માણ પૂર્ણ થઈ રહ્યું છે.
સાથીઓ,
કાશી અધ્યાત્મની સાથે સાથે ગ્રામીણ અર્થવ્યવસ્થાનું પણ એક મહત્વનું કેન્દ્ર છે. કાશી સહિત સમગ્ર પૂર્વાંચલના ખેડૂતોનો પાક દેશ- વિદેશના બજારો સુધી પહોંચાડવા માટે વિતેલા વર્ષોમાં અનેક સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. પેરિશેબલ કાર્ગો સેન્ટર્સથી માંડીને પેકેજીંગ અને પ્રોસેસિંગ માટેની આધુનિક માળખાકીય સુવિધાઓ અહીંયા વિકસીત કરાઈ છે. આ કડીમાં લાલ બહાદુર શાસ્ત્રી ફ્રૂટ એન્ડ વેજીટેબલ માર્કેટનું પણ આધુનિકીકરણ થયું છે. જે રિનોવેશન થયું છે તેનાથી ખેડૂતોને ઘણી સુવિધા પ્રાપ્ત થવાની છે. શહેનશાહપુરમાં બાયો સીએનજી પ્લાન્ટ બનવાના કારણે બાયોગેસની સુવિધા પણ પ્રાપ્ત થશે અને ખેડૂતોને હજારો મેટ્રિક ટન ઓર્ગેનિક ખાતર પણ મળી રહેશે.
ભાઈઓ અને બહેનો,
વિતેલા વર્ષોમાં કાશીમાં વધુ એક સિધ્ધિ હાંસલ થઈ રહી હોય તો તે બનારસ હિંદુ યુનિવર્સિટીને ફરીથી દુનિયામાં શ્રેષ્ઠતા તરફ અગ્રેસર બનાવવાની છે. આજે ટેકનોલોજીથી માંડીને આરોગ્ય સુધી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભૂતપૂર્વ સુવિધાઓ તૈયાર થઈ રહી છે. સમગ્ર દેશમાંથી યુવા સાથી અભ્યાસ માટે અહિંયા આવી રહ્યા છે. આ સેંકડો છાત્ર- છાત્રાઓ માટે નિવાસની સુવિધા પણ તૈયાર કરવામાં આવી છે, જે યુવા સાથીદારોને બહેતર બનાવવામાં મદદગાર પુરવાર થશે. ખાસ કરીને સેંકડો છાત્રાઓ માટે જે હોસ્ટેલની સુવિધા તૈયાર કરવામાં આવી છે તેનાથી માલવિયાજીના વિઝનને સાકાર કરવાની બાબતને વધુ બળ મળશે. દિકરીઓને ઉચ્ચ અને આધુનિક શિક્ષણ આપવા માટે તે જે સંકલ્પ સાથે જીવ્યા તેને સિધ્ધ કરવામાં આપણને સહાય થશે.
ભાઈઓ અને બહેનો,
વિકાસના આ તમામ પ્રોજેક્ટસ આત્મનિર્ભરતાના આપણાં સંકલ્પને સિધ્ધ કરનારા છે. કાશી અને આ સમગ્ર વિસ્તાર માટીકામના અદ્દભૂત કલાકારો, કારીગરો અને કપડાં ઉપર જાદુગીરી કરનારા વણકરો માટે જાણીતો છે. સરકારના પ્રયાસોથી વિતેલા પાંચ વર્ષમાં વારાણસીમાં ખાદી અને અન્ય કુટિર ઉદ્યોગોના ઉત્પાદનમાં આશરે 60 ટકા અને વેચાણમાં આશરે 90 ટકાનો વધારો થયો છે. એટલા માટે ફરી એકવાર હું અહિંથી તમામ દેશવાસીઓને આગ્રહ કરૂં છું કે આ દિવાળીમાં આપણે આ સાથીદારોની દિવાળીનું પણ ધ્યાન રાખવાનું છે. પોતાના ઘરની સજાવટથી માંડીને પોતાના કપડાં અને દિવાળીના દીવા સહિતની ચીજો માટે, લોકલ માટે આપણે વોકલ બનવાનું છે. ધનતેરસથી માંડીને દિવાળી સુધી સ્થાનિક ચીજોની જોરદાર ખરીદી કરીશું તો આ બધા લોકોની દિવાળી ખુશીઓથી ભરાઈ જશે. અને હું જ્યારે લોકલથી વોકલની વાત કરૂં છું ત્યારે મેં જોયું છે કે આપણાં ટીવીવાળા માત્ર માટીના જ દીવા બતાવે છે. વોકલ ફોર લોકલ માત્ર દિવડા સુધી જ સિમીત નથી. ભાઈ, દરેક ચીજ કે જેના ઉત્પાદનમાં દેશવાસીઓનો પસીનો વહ્યો છે, જે ઉત્પાદનમાં મારા દેશની માટીની સુગંધ છે તે મારા માટે છે અને એક વખત આપણને દેશની ચીજો ખરીદવાની આદત પડી જશે તો ઉત્પાદન પણ વધશે અને રોજગારી પણ વધશે. ગરીબમાં ગરીબ વ્યક્તિને કામ મળશે અને આ કામ આપણે સૌ સાથે મળીને કરી શકીએ તેમ છીએ. સૌના પ્રયાસોથી જ આપણે સૌ ખૂબ મોટું પરિવર્તન લાવી શકીએ તેમ છીએ.
સાથીઓ,
ફરી એકવાર આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન માટે અને સમગ્ર દેશને અને વિકાસના અનેક પ્રોજેક્ટસ માટે કાશીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌને આવનારા તહેવારો માટે પણ ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન.
ખૂબ ખૂબ ધન્યવાદ!