નમસ્કાર !
રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રજી, મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, રાજસ્થાન પત્રિકાના ગુલાબ કોઠારીજી, પત્રિકા સમૂહના અન્ય કર્મચારીગણ, મીડિયાના સાથીદારો, ભાઈઓ અને બહેનો !!!
ગુલાબ કોઠારીજી અને પત્રિકા સમુહને સંવાદ ઉપનિષદ અને અક્ષરયાત્રા પુસ્તકો માટે હાર્દિક શુભકામનો. આ પુસ્તકો સાહિત્ય અને સંસ્કૃતિ બંને માટે એક અનુપમ ઉપહાર સમાન છે. આજે મને રાજસ્થાનની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા પત્રિકા ગેટને સમર્પિત કરવાની તક પ્રાપ્ત થઈ છે. તે સ્થાનિક લોકોની સાથે-સાથે બહારથી આવનારા પ્રવાસીઓ માટે પણ ખૂબ જ આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. આ પ્રયાસ માટે હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.
સાથીઓ,
કોઈ પણ સમાજમાં, સમાજનો પ્રબુધ્ધ વર્ગ, સમાજના લેખક અથવા સાહિત્યકાર એક પથ પ્રદર્શક તરીકે કામ કરતા હોય છે. તે સમાજના શિક્ષક હોય છે. શાળાનુ શિક્ષણ તો પૂરૂ થઈ જાય છે, પણ આપણી શીખવાની પ્રક્રિયા સમગ્ર ઉંમર દરમિયાન ચાલતી રહેતી હોય છે. દરરોજ ચાલતી રહેતી હોય છે. તેમાં ઘણી મહત્વની ભૂમિકા પુસ્તકો અને લેખકોની પણ હોય છે. આપણા દેશમાં તો લેખનનો સતત વિકાસ ભારતીયતા અને રાષ્ટ્રીયતા સાથે થયો છે.
આઝાદીના સંગ્રામ દરમિયાન લગભગ તમામ મોટા નામ, ક્યાંક ને ક્યાંક તો લેખન સાથે જોડાયેલાં રહ્યાં હતાં. આપણે ત્યાં મોટા-મોટા સંત અને મોટા-મોટા વૈજ્ઞાનિકો પણ લેખક અને સાહિત્યકાર રહી ચૂક્યા છે. મને એ બાબતની ખુશી છે કે, આ પરંપરાને જીવંત રાખવાનુ કામ તમે લોકો સતત કરી રહ્યા છો. અને એક મોટી વાત એ પણ છે કે રાજસ્થાન પત્રિકા સમૂહ આ વાત જાતે કહેવાનુ સાહસ ધરાવે છે કે અમે વિદેશના આંધળા અનુકરણમાં સામેલ નથી. તમે ભારતીય સંસ્કૃતિ, ભારતની સભ્યતા, અને મૂલ્યોના સંરક્ષણ માટે તથા તેને આગળ ધપાવવાના કામને અગ્રતા આપી રહ્યા છો.
ગુલાબ કોઠારીજીનાં આ પુસ્તકો, સંવાદ ઉપનિષદ અને અક્ષરયાત્રા પણ તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે. ગુલાબ કોઠારીજી આજે જે પરંપરાને આગળ ધપાવી રહ્યા છે, પત્રિકાનો તો પ્રારંભ પણ કોઈના કોઈ કારણોથી આ સંસ્કારો સાથે થયો હતો. શ્રી કર્પૂર ચંદ્ર કુલીશજીએ ભારતીયતા અને ભારતીય સેવાનો સંકલ્પ લઈને જ આ પરંપરાની શરૂઆત કરી હતી. પત્રકારત્વમાં તેમના યોગદાનને તો આપણે સૌ યાદ કરીએ છીએ પણ કુલીશજીએ વેદોના જ્ઞાનને જે રીતે સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો તે સાચે જ એક અદભૂત બાબત હતી. મને વ્યક્તિગત રીતે પણ સ્વર્ગસ્થ કુલીશજીને મળવાની ઘણી વાર તક મળી છે. તેમની મારી સાથે ઘણી આત્મીયતા હતી. તે ઘણી વાર કહેતા હતા કે, પત્રકારત્વ સકારાત્મકતા વડે જ સાર્થકતા સુધી પહેંચે છે.
સાથીઓ,
સમાજને કશુંક સકારાત્મક પ્રદાન કરવાની આ વિચારધારા માત્ર લેખક અથવા પત્રકાર તરીકે જ જરૂરી છે તેવુ જ નથી. આ સકારાત્મકતા, આ વિચારધારા, એક વ્યક્તિ તરીકે પણ ખૂબ જ આવશ્યક બની જાય છે. મને એ બાબતનો સંતોષ છે કે કુલિશજીની આ વિચારધારાને, તેમના સંકલ્પને પત્રિકા સમૂહ અને ગુલાબ કોઠારીજી સતત આગળ ધપાવી રહ્યા છે. ગુલાબ કોઠારીજી, તમને તો યાદ હશે જ કે જ્યારે કોરોના બાબતે મેં જ્યારે પ્રિન્ટ મીડિયાના સાથીદારો સાથે મુલાકાત કરી હતી તે સમયે પણ તમે જે ઉપાય અને સૂચનો કર્યા હતા, અને તમારી સલાહ અંગે મેં તમને કહ્યુ હતું કે, તમારા શબ્દો મને તમારા પિતાની યાદ અપાવે છે. સંવાદ ઉપનિષદ અને અક્ષર યાત્રાને જોઈને એવુ લાગે છે કે, તમે તમારા પિતાના વૈદિક વારસાને કેટલી મજબૂતી સાથે આગળ ધપાવી રહ્યા છો.
સાથીઓ,
હું જ્યારે ગુલાબજીનાં પુસ્તકો જોઈ રહ્યો હતો ત્યારે મને તેમનો એક સંપાદન લેખ પણ યાદ આવી ગયો. વર્ષ 2019માં ચૂટણીનાં પરિણામો પછી, મેં જ્યારે સૌ પ્રથમ વાર દેશના લોકો સાથે વાત કરી ત્યારે કોઠારીજીએ તેની ઉપર એક ‘સ્તુત્ય સંકલ્પ’ (પ્રશંસાપાત્ર) લેખ લખ્યો હતો કે, મારી વાતો સાંભળીને એવુ લાગે છે કે, જાણે તેમની જ વાત મેં દેશના 130 કરોડ લોકો સમક્ષ કહી દીધી છે. કોઠારીજી, તમારા પુસ્તકોમાં જ્યારે-જયારે પણ ઉપનિષદ, જ્ઞાન અને વૈદિક ચર્ચા જોવા મળે છે ત્યારે તે વાંચીને મને પણ એવુ લાગે છે કે હું જાણે મારા જ વિચારોને વાંચી રહ્યો છું.
હકિકતમાં માનવ માત્રના કલ્યાણ માટે, સામાન્ય માનવીની સેવા માટે, શબ્દો ભલે કોઈના પણ હોય, તેનો સંબંધ દરેક વ્યક્તિના હૃદય સાથે જોડાયેલો રહે છે. અને એટલા માટે જ તો આપણા વેદોના વિચારોને સમયથી પર માનવામાં આવે છે. વેદ મંત્રોના દ્રષ્ટા ભલે કોઈ પણ ઋષિ હોય, પરંતુ તેમની ભાવના, વિચારધારા માનવ માત્રના માટે હોય છે. એટલા માટે જ આપણા વેદ, આપણી સંસ્કૃતિ પણ માનવ માત્ર માટે છે. સંવાદ ઉપનિષદ અને અક્ષર યાત્રા પણ એ જ ભારતીય ચિંતનની એક કડી તરીકે લોકો સુધી પહોંચતી રહેશે તેવી મારી અપેક્ષા છે. આજે ટેક્ષ્ટ અને ટ્વિટના આ જમાનામાં એ વધુ આવશ્યક બની જાય છે કે, આપણી નવી પેઢી ગંભીર જ્ઞાનથી દૂર રહી ના જાય.
સાથીઓ,
આપણા ઉપનિષદોનુ આ જ્ઞાન, વેદોનુ ચિંતન, તે માત્ર આધ્યાત્મિક કે વૈચારિક આકર્ષણનો વિષય નથી પણ, વેદ અને વેદાંતમાં સૃષ્ટિ અને વિજ્ઞાન અંગે વાતો કરવામાં આવી છે. ઘણા વૈજ્ઞાનિકો તેનાથી આકર્ષિત થયા છે. ઘણા વૈજ્ઞાનિકોએ તેના અભ્યાસ માટે રૂચી દર્શાવી છે. આપણે બધાએ નિકોલા ટેસ્લાનુ નામ તો સાંભળ્યું જ હશે. ટેસ્લા વગર આ આધુનિક વિશ્વ આપણે હાલ જેવુ જોઈ રહ્યા છે તેવુ ના હોત. આજથી એક સદી પહેલાં જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા, ત્યારે ટેસ્લા સાથે તેમની મુલાકાત થઈ હતી. સ્વામી વિવેકાનંદે જ્યારે ટેસ્લાને ઉપનિષદોના જ્ઞાન અને બ્રહ્માંડની વ્યાખ્યા બાબતે વાત કરી ત્યારે તે હતપ્રભ થઈ ગયા હતા.
આકાશ અને પ્રાણ જેવા સંસ્કૃત શબ્દો મારફતે બ્રહ્માંડની જે રીતે ઉપનિષદોમાં ઊંડી ચર્ચા કરવામાં આવી છે તે બાબતે ટેસ્લાએ કહ્યું કે, તે તેને આધુનિક વિજ્ઞાનની ભાષામાં ગાણિતીક સમીકરણો સુધી લઈ જશે. તેમને લાગતુ હતુ કે, તે આ જ્ઞાનની મારફતે વિજ્ઞાનના ગૂઢ કોયડા ઉકેલી શકશે. જો કે તે પછી ઘણાં સંશોધનો થયાં, સ્વામી વિવેકાનંદ અને નિકોલા ટેસ્લા વચ્ચે જે વાતો થઈ હતી તે બાબતો અલગ પધ્ધતિથી આપણી સામે આવી છે. આજે પણ ઘણાં સંશોધનો થઈ રહ્યાં છે. પણ, ક્યાંયને ક્યાંય આ એક પ્રસંગ આપણને આપણા જ્ઞાન બાબતે ફેરચર્ચા કરવા માટે પ્રેરિત કરે છે. આજે આપણા યુવાનોએ પણ આ દ્રષ્ટિથી સમજવાની અને વિચારવાની જરૂર છે, અને એટલા માટે જ સંવાદ ઉપનિષદ જેવાં પુસ્તકો અક્ષરની યાત્રા પર એવુ ગહન મંથન કરે છે કે તે આપણા યુવાનો માટે એક નવુ દ્વાર ખોલી દેશે. તેમને વૈચારિક ઊંડાણ પ્રાપ્ત થશે.
સાથીઓ,
આપણી ભાષાને, આપણી અભિવ્યક્તિનુ પહેલુ એકમ ગણવામાં આવે છે. સંસ્કૃતમાં અક્ષરનો અર્થ જેનુ ક્ષરણ થાય નહી તેવો થાય છે, એટલે કે તે હંમેશાં ટકી રહે છે. વિચારની પણ આ જ તાકાત છે. આ જ સામર્થ્ય છે. હજારો વર્ષ પહેલાં જે વિચારો, જે જ્ઞાન, કોઈ ઋષિ, મહર્ષિ, વૈજ્ઞાનિક અને દાર્શનિકોએ આપણને આપ્યુ છે તે આજે પણ વિશ્વને આગળ ધપાવી રહ્યુ છે અને એટલા માટે જ આપણા ઉપનિષદોમાં, આપણાં શાસ્ત્રોમાં અક્ષર બ્રહ્મની વાત કરવામાં આવી છે. “અક્ષરમ બ્રહ્મ પરમમ” નો સિદ્ધાંત આપવામાં આવ્યો છે, આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે, “શબ્દ બ્રહ્મણિ નિષ્ણાતઃ પરમ બ્રહ્માધિ ગચ્છતિ” આનો અર્થ એ થાય છે કે, આ શબ્દ બ્રહ્મને જે સારી રીતે જાણી લે છે, તે બ્રહ્મત્વ ઈશ્વરત્વને પામી શકે છે.
શબ્દનો મહિમા અને શબ્દને ઈશ્વર માનવાનુ આવુ ઉદાહરણ બીજે ક્યાંય મલી શકે તેમ નથી, અને એટલા માટે જ, શબ્દોથી સાચુ કહેવાનુ સાહસ, શબ્દોથી સકારાત્મકતા આપવાની શક્તિ, શબ્દોથી સર્જન કરવાની વિચારધારા, આ બધો ભારતીય માનસનો સ્વભાવ છે. આપણી પ્રકૃત્તિ છે. જ્યારે આપણે આ શક્તિનો અનુભવ કરીએ છીએ ત્યારે એક સાહિત્યકારના રૂપમાં, એક લેખક સ્વરૂપે, આપણા મહત્વને સમજી શકીએ છીએ. સમાજ તરફની આપણી જવાબદારીનો અનુભવ કરી શકીએ છીએ.
તમે જુઓ, ગરીબોને શૌચાલય આપનારૂ, અનેક બીમારીઓથી બચાવનારૂ સ્વચ્છ ભારત અભિયાન હોય કે માતાઓ અને બહેનોને લાકડાના ધુમાડાથી બચાવનારી ઉજ્જવલા ગેસ યોજના હોય, કે પછી દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે ચાલી રહેલુ જળજીવન મિશન હોય, આ તમામમાં સમાચાર માધ્યમોએ જાગૃતિ વધારવાનુ કામ કર્યુ છે. મહામારીના હાલના સમય દરમિયાન, કોરોના સામે પણ જાગરૂકતા અભિયાનમાં પણ ભારતીય સમાચાર માધ્યમોએ જનતાની અભૂતપૂર્વ સેવા કરી છે. સરકારનાં કાર્યોની આલોચના, સરકારની યોજનાઓમાં પાયાના સ્તરે જે કાંઈ ઉણપો હોય તે દર્શાવવી, તેની ટીકા કરવી, આ બધી કામગીરી આપણુ મીડિયા ખૂબ સારી રીતે કરી રહ્યુ છે. હા, ઘણી વાર એવા પ્રસંગો પણ આવે છે કે જ્યારે સમાચાર માધ્યમોની પણ ટીકા થાય છે. સોશ્યલ મિડીયાના હાલના સમયમાં તો આ બધુ ખૂબ જ સ્વાભાવિક બની ગયુ છે. પરંતુ ટીકા થાય તેમાંથી શીખવુ એ પણ આપણા સૌના માટે એટલુ જ સ્વાભાવિક બની ગયુ છે, અને એટલા માટે જ આપણુ આ લોકતંત્ર આટલુ સશક્ત થયુ છે, મજબૂત થયુ છે.
સાથીઓ,
જે રીતે આપણે આજે આપણો વારસો, આપણુ વિજ્ઞાન, આપણી સંસ્કૃતિ અને આપણુ સામર્થ્ય લઈને આગળ ધપી રહ્યા છીએ. હાલમાં આપણે આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છીએ. આજે આપણે લોકલના માટે વોકલ થવાની વાત કરી રહ્યા છીએ ત્યારે મને એ બાબતનો આનંદ છે કે આપણુ મીડિયા આ સંકલ્પને પણ એક મોટા અભિયાનનુ સ્વરૂપ આપી રહ્યુ છે. સાથીઓ, આપણે આપણા આ વિઝનને વધુ વ્યાપક બનાવવાની જરૂર છે.
ભારતનાં સ્થાનિક ઉત્પાદનો તો ગ્લોબલ થઈ જ રહ્યાં છે, પરંતુ ભારતનો અવાજ પણ હવે ખૂબ જ ગ્લોબલ બની રહ્યો છે. દુનિયા ભારતને હવે વધુ ધ્યાનથી સાંભળે છે. આજે લગભગ દરેક આંતરરાષ્ટ્રીય મંચ ઉપર, ભારતની ખૂબ જ મજબૂત ઉપસ્થિતિ છે. આવા સમયમાં ભારતના મીડિયાએ પણ ગ્લોબલ બનવાની જરૂર છે. આપણા અખબારોની, આપણા સામયિકોની, પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે વધે, ડીજિટલ યુગમાં આપણે પૂરી દુનિયામાં ડિજિટલ સ્વરૂપે પહોંચીએ. દુનિયામાં જે અલગ-અલગ સાહિત્યિક એવોર્ડ આપવામાં આવે છે, ભારતની સંસ્થાઓ પણ એવા જ એવોર્ડ આપે, તે પણ આજના સમયની માંગ છે. આ પણ દેશના માટે જરૂરી છે.
મને માહિતી છે કે શ્રી કર્પૂરચંદ્ર કુલિશજીની યાદગીરીમાં પત્રિકા સમૂહે આંતરરાષ્ટ્રીય પત્રકારત્વ પુરસ્કારની શરૂઆત કરી છે. હું એ માટે સમૂહને અભિનંદન પાઠવુ છું. મને વિશ્વાસ છે કે, તમારો પ્રયાસ ભારતને વૈશ્વિક મીડિયા મંચ ઉપર એક નવી જ ઓળખ અપાવશે. કોરોનાના સમયમાં જે રીતે પત્રિકા સમૂહે લોક જાગરૂકતાનુ જે કામ કર્યુ છે તેના માટે પણ હું પત્રિકા સમૂહને વધુ એકવાર અભિનંદન પાઠવુ છું. આ અભિયાનને હવે વધુ ઝડપી બનાવવાની જરૂર છે. આપણા દેશવાસી પણ સ્વસ્થ રહે અને અર્થવ્યવસ્થાને પણ ગતિ મળી રહે તે જે દેશની અગ્રતા છે. મને વિશ્વાસ છે કે, દેશ ટૂંક સમયમાં જ આ લડાઈ જીતી જશે. દેશની યાત્રા અક્ષર યાત્રા બની રહેશે.
આ શુભેચ્છા સાથે હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.