પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3 ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ISROની ટીમ સાથે જોડાયા હતા. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી તરત જ, પ્રધાનમંત્રીએ ટીમને સંબોધન કર્યું હતું અને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટીમને પરિવારના સભ્યો તરીકે સંબોધન કરતા કહ્યું હતું કે, આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રની શાશ્વત ચેતના બની જાય છે. પ્રધાનમંત્રીએ આનંદમાં ઉજવણી કરી રહેલા રાષ્ટ્રને કહ્યું હતું કે, “આ ક્ષણ અવિસ્મરણીય છે, અભૂતપૂર્વ છે. આ એ ક્ષણ છે જે ‘વિકસિત ભારત’ના હુંકારની, ભારત માટે વિજયના આહ્વાનની છે, મુશ્કેલીઓના મહાસાગરને ઓળંગીને વિજયના ‘ચંદ્રપથ’ પર ચાલવાની ક્ષણ છે. આ ક્ષણ 140 કરોડ હૃદયના ધબકારા અને ભારતની નવી ઊર્જાના આત્મવિશ્વાસના સામર્થ્યની છે. આ ભારતના ઉદિત થઇ રહેલા ભાગ્યને બોલાવવાની ક્ષણ છે”. દેખીતી રીતે ઉત્સાહિત પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, “અમૃતકાળ'ના પ્રથમ પ્રકાશમાં આ સફળતાની 'અમૃતવર્ષા' છે”. પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોને ટાંકીને કહ્યું હતું કે, “ભારત હવે ચંદ્ર પર છે!” તેમણે આગળ ઉમેર્યું હતું કે, અમે હમણાં જ નવા ભારતની પ્રથમ ઉડાનના સાક્ષી બન્યા છીએ.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેઓ હાલમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા જોહાનિસબર્ગની મુલાકાતે છે, પરંતુ તેમનું મન પણ અન્ય નાગરિકોની જેમ ચંદ્રયાન 3 પર કેન્દ્રિત હતું. તેમણે કહ્યું હતું કે, દરેક ભારતીય ઉજવણીમાં ઓતપ્રોત થઇ ગયા છે અને તે દરેક પરિવાર માટે ઉત્સવનો દિવસ છે કારણ કે તેઓ આ ખાસ અવસર પર દરેક નાગરિક સાથે ઉત્સાહથી જોડાયેલા છે. પ્રધાનમંત્રીએ ઇસરોની ટીમ ચંદ્રયાન અને દેશના એ તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા જેમણે વર્ષોથી અથાક મહેનત કરી છે અને 140 કરોડ દેશવાસીઓને પણ ઉત્સાહ, આનંદ અને લાગણીથી ભરેલી આ અદ્ભુત ક્ષણ બદલ તેમણે અભિનંદન પાઠવ્યા છે!
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્યાં વિશ્વનો કોઇ દેશ આજ દિન સુધી પહોંચી શક્યો નથી ત્યાં આપણા વૈજ્ઞાનિકોના સમર્પણ અને પ્રતિભાથી ભારત પહોંચી ગયું છે”. તેમણે એ વાતને રેખાંકિત કરી હતી કે, ચંદ્રને લગતી તમામ દંતકથાઓ અને વાર્તાઓ હવે બદલાઇ જશે અને કહેવતો નવી પેઢી માટે નવો અર્થ શોધશે. ભારતીય લોકકથામાં પૃથ્વીને 'માં' અને ચંદ્રને 'મામા' માનવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચંદ્રને પણ ખૂબ દૂર માનવામાં આવે છે અને 'ચંદા મામા દૂરકે' કહેવામાં આવે છે, પરંતુ હવે એ સમય દૂર નથી જ્યારે બાળકો કહેશે કે 'ચંદા મામા એક ટૂર કે' એટલે કે ચંદ્ર માત્ર એક પ્રવાસના અંતરે છે.
પ્રધાનમંત્રીએ વિશ્વના લોકોને, દરેક દેશ અને ક્ષેત્રના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, “ભારતનું સફળ ચંદ્ર મિશન માત્ર ભારતનું એકલાનું નથી. આ એક એવું વર્ષ છે જેમાં દુનિયા ભારતની G-20ની અધ્યક્ષતાની સાક્ષી બની છે. ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’નો અમારો અભિગમ સમગ્ર વિશ્વમાં ગુંજતો થઇ રહ્યો છે. આ માનવ-કેન્દ્રિત અભિગમ કે, જેને અમે રજૂ કરીએ છીએ તેને સાર્વત્રિક રીતે તેને આવકારવામાં આવ્યો છે. આપણું ચંદ્ર મિશન પણ એ જ માનવ-કેન્દ્રિત અભિગમ પર આધારિત છે. તેથી, આ સફળતા સમગ્ર માનવજાતની છે. અને તે ભવિષ્યમાં અન્ય દેશો દ્વારા હાથ ધરવામાં આવનારા ચંદ્ર મિશનમાં મદદ કરશે.” શ્રી મોદીએ ઉમેર્યું કે, “મને વિશ્વાસ છે કે ગ્લોબલ સાઉથના દેશો સહિત વિશ્વના તમામ દેશો આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે. આપણે બધા ચંદ્ર અને તેનાથી આગળની ઇચ્છા રાખી શકીએ છીએ.”
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચંદ્રયાન મહાઅભિયાનની સિદ્ધિઓ ભારતની ઉડાનને ચંદ્રની ભ્રમણકક્ષાથી આગળ લઇ જશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ અમે આપણા સૌરમંડળની મર્યાદાઓનું પરીક્ષણ કરીશું અને માણસો માટે બ્રહ્માંડની અનંત શક્યતાઓને સમજવા માટે કામ કરીશું”. પ્રધાનમંત્રીએ ભવિષ્ય માટે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કરવા પર પ્રકાશ પાડ્યો હતો અને માહિતી આપી હતી કે, ISRO ટૂંક સમયમાં સૂર્યના વિગતવાર અભ્યાસ માટે ‘આદિત્ય L-1’ મિશન શરૂ કરવા જઇ રહ્યું છે. તેમણે શુક્રને ISROના લક્ષ્યો પૈકી એક હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મિશન ગગનયાન પર પ્રકાશ પાડ્યો હતો જ્યાં ભારત તેના પ્રથમ માનવસહિતના અવકાશ ઉડાન મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને કહ્યું હતું કે, “ભારત વારંવાર સાબિત કરી રહ્યું છે કે, આકાશ મર્યાદા નથી”.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી દેશના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. તેમણે ઉમેર્યું હતું કે, આ દિવસ આપણને સૌને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપશે અને સંકલ્પોને સાકાર કરવાનો માર્ગ બતાવશે. પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોને ભવિષ્યના તેમના તમામ પ્રયાસોમાં સફળતાની શુભેચ્છા પાઠવીને પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, “આ દિવસ બતાવે છે કે, હારના પાઠમાંથી કેવી રીતે વિજય પ્રાપ્ત થાય છે”.
India is now on the Moon.
— PMO India (@PMOIndia) August 23, 2023
ये क्षण, जीत के चंद्रपथ पर चलने का है। pic.twitter.com/0hyTUvVL9E
हर देशवासी की तरह मेरा मन चंद्रयान महाअभियान पर भी लगा हुआ था।
— PMO India (@PMOIndia) August 23, 2023
नया इतिहास बनते ही हर भारतीय जश्न में डूब गया है, हर घर में उत्सव शुरू हो गया है: PM @narendramodi pic.twitter.com/vliDpW4uc5