મહામહિમો,
સૌપ્રથમ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ પર એસસીઓ અને સીએસટીઓ વચ્ચે વિશેષ બેઠકનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ રહમોનનો આભાર માનીને શરૂઆત કરું છું.
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં ઘટેલા ઘટનાક્રમની અમારા જેવા પડોશી દેશો પર મોટી અસર થશે.
અને આ કારણે આ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને એનું સમાધાન કરવા આપણે એકબીજાનો સાથસહકાર આપવાની જરૂર છે.
આ સંદર્ભમાં આપણે ચાર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
પ્રથમ મુદ્દો છે – અફઘાનિસ્તાનમાં સત્તાનું હસ્તાંતરણ સર્વસમાવેશક નથી અને આ કામગીરી વાટાઘાટ વિના થઈ છે.
એનાથી નવી વ્યવસ્થાની સ્વીકાર્યતા વિશે અનેક પ્રશ્રો ઊભા થયા છે.
અફઘાન સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ પણ મહત્વપૂર્ણ છે, જેમાં મહિલાઓ અને લઘુમતી સમુદાયો સામેલ છે.
એટલે આ જરૂરી છે કે, આ પ્રકારની નવી વ્યવસ્થાની માન્યતા પર નિર્ણય સંયુક્ત વૈચારિકપ્રક્રિયા અને ઉચિત મનોમંથન કર્યા પછી લેવો આવશ્યક છે.
ભારત આ મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રવર્તી ભૂમિકાને ટેકો આપશે.
બીજો મુદ્દો છે – જો અફઘાનિસ્તાનમાં અસ્થિરતા અને કટ્ટરવાદ પ્રવર્તશે, તો એનાથી સમગ્ર દુનિયામાં આતંકવાદ અને રૂઢિવાદી વિચારસરણીને પ્રોત્સાહન મળશે.
અન્ય આત્યંતિક જૂથોને હિંસાના માર્ગે સત્તામાં આવવા પણ પ્રોત્સાહન મળી શકે છે.
આપણે તમામ દેશો અગાઉ આતંકવાદનો ભોગ બની ગયા છીએ.
એટલે સંયુક્તપણે આપણે અફઘાનિસ્તાનના વિસ્તારનો ઉપયોગ અન્ય કોઈ પણ દેશમાં આતંકવાદ ફેલાવવા માટે ન થાય એ સુનિશ્ચિત કરવું પડશે. એસસીઓના સભ્ય દેશોએ આ મુદ્દા પર કડક અને સંમત નિયમો વિકસાવવા જોઈએ.
ભવિષ્યમાં આ નિયમો આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવિરોધી સાથસહકાર માટે આદર્શરૂપ બની શકે છે.
આ નિયમો આતંકવાદ પ્રત્યે ઝીરો સહિષ્ણુતાના સિદ્ધાંત પર આધારિત હોવા જોઈએ.
આ આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને એને નાણાકીય ટેકો આપવા જેવી પ્રવૃત્તિઓની આચારસંહિતા બનવી જોઈએ અને એના અમલીકરણ માટે એક વ્યવસ્થા ઊભી કરવી પડશે.
મહામહિમો,
અફઘાનિસ્તાનમાં તાજેતરના ઘટનાક્રમ સાથે સંબંધિત ત્રીજો મુદ્દો છે – નશીલા દ્રવ્યોનો અનિયંત્રિત પ્રવાહ, ગેરકાયદેસર શસ્ત્રોની દાણચોરી અને માનવીય તસ્કરી.
અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં આધુનિક શસ્ત્રો છે. આ કારણે સંપૂર્ણ વિસ્તારમાં અસ્થિરતા ફેલાવવાનું જોખમ ઊભું થશે.
એસસીઓની આરએટીએસ વ્યવસ્થા આ પ્રવાહ પર નજર રાખવા રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે અને માહિતીની વહેંચણી વધારી શકે છે.
આ મહિનાથી ભારત એસસીઓ-આરએટીએસની પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. અમે આ વિષય પર વ્યવહારિક સાથસહકાર આપવા માટે દરખાસ્તો બનાવી છે.
ચોથા મુદ્દો વધારે ગંભીર છે અને એ છે – અફઘાનિસ્તાનમાં માનવતાની કટોકટી.
નાણાકીય અને વેપારી પ્રવાહોમાં વિક્ષેપ ઊભો થવાથી અફઘાનના લોકોની વિવિધ પ્રકારની આર્થિક વંચિતતા વધી રહી છે.
સાથે સાથે કોવિડનો પડકાર પણ તેમના માટે તણાવનું કારણ છે.
અફઘાનિસ્તાનના વિકાસ અને માનવીય સહાયમાં ઘણા વર્ષોથી ભારત વિશ્વસનીય ભાગીદાર છે. માળખાગત ક્ષેત્રથી લઈને શિક્ષણ, આરોગ્ય અને ક્ષમતાવર્ધનથી લઈને દરેક ક્ષેત્રમાં અમે અફઘાનિસ્તાનના દરેક ભાગમાં અમારું પ્રદાન કરી રહ્યાં છીએ.
અત્યારે પણ અમે અમારા અફઘાન મિત્રોને ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ વગેરે પ્રદાન કરવા આતુર છીએ.
આપણે એ સુનિશ્ચિત કરવા એકમંચ પર આવવું પડશે કે, અફઘાનિસ્તાનમાં માનવતાના ધોરણે સહાય વિના વિક્ષેપ પહોંચે.
મહામહિમો,
અફઘાન અને ભારતના લોકો સદીઓથી વિશેષ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે.
અફઘાન સમાજને દરેક પ્રાદેશિક કે આંતરરાષ્ટ્રીય પહેલમાં ભારત સંપૂર્ણપણે સાથસહકાર આપશે.
ધન્યવાદ.