રાષ્ટ્રપતિજી, સૌ પ્રથમ તો અમારા સૌનું, ભારતીય ડેલિગેશનનું મૈત્રીપૂર્ણ અને ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું. વર્ષ 2016 અને વર્ષ 2014માં પણ તમારી સાથે વિસ્તારપૂર્વક વાત કરવાની મને તક મળી હતી અને એ સમયે ભારત- અમેરિકાના સંબંધો અંગે તમારૂં જે વિઝન છે તેને તમે શબ્દોમાં વ્યક્ત કર્યું હતું. હકિકતમાં તે વિઝન ખૂબ જ પ્રેરક હતું અને આજે આપ રાષ્ટ્રપતિ તરીકે તે વિઝનને આગળ ધપાવવાનો જે પુરૂષાર્થ કરી રહ્યા છો, પ્રયાસ કરી રહ્યા છો, પહેલ કરી રહ્યા છો તેનું હું સ્વાગત કરૂં છું.
તમે ભારતમાં બાઈડેન અટકના લોકો અંગે તમે વિગતથી ઉલ્લેખ કર્યો હતો. તમે મારી સાથે પણ આ બાબતે ઉલ્લેખ કર્યો હતો. તે પછી મેં ઘણાં બધા કાગળ શોધવાની કોશિશ કરી હતી. આજે હું તે કાગળો લઈને આવ્યો છું. શક્ય છે કે કદાચ એમાંથી કશુંક આગળનું મળી આવે અને તમને કશુંક કામે લાગે.
મહાનુભાવ!
આજની આપણી જે દ્વિપક્ષી સમિટ છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે આ દાયકો, 21મી સદીના ત્રીજા દાયકાનું આ પહેલું વર્ષ છે, હું પૂરેપૂરા દાયકા સામે નજર રાખી રહ્યો છું કે અમારી દ્રષ્ટિએ નેતૃત્વના જે બીજ આપણે વાવીશું તે સમગ્ર દાયકા દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધમાં વિશ્વના લોકશાહી દેશો માટે એક ખૂબ જ પરિવર્તનકારી સમયખંડ બની રહેશે તેનો મને વિશ્વાસ છે.
જ્યારે ભારત અને અમેરિકાના સંબંધોમાં હું પરિવર્તન જોઈ રહ્યો છું ત્યારે મને દેખાય છે કે પરંપરા, લોકશાહી પરંપરા અને જે મૂલ્યો સાથે આપણે જીવી રહ્યા છીએ અને જેના માટે આપણે સમર્પિત છીએ, આપણે કટિબધ્ધ છીએ તે પરંપરાનું પોતાનું એક મહત્વ છે અને તે આગળ વધતું રહેશે.
સમાન પ્રકારે તમે ઉલ્લેખ કર્યો કે ભારતના 4 મિલિયનથી વધુ લોકો અમેરિકાના વિકાસમાં સહભાગી બન્યા છે. આ દાયકામાં પ્રતિભાનું એક આગવું મહત્વ છે. આ પ્રતિભા, આ દાયકામાં લોકોથી લોકો સુધી ખૂબ જ પ્રભાવશાળી ભૂમિકા અદા કરશે અને ભારતીય પ્રતિભા અમેરિકાની વિકાસ યાત્રામાં સંપૂર્ણપણે સહયોગી બની રહી છે, તેમાં આપનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેવી જ રીતે દુનિયામાં જે સૌથી વધુ પ્રેરકબળ બની રહી છે તે ટેકનોલોજી, આ દાયકામાં ભારત અને અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી સમગ્ર માનવજાત માટે ઉપયોગી બને તે દિશામાં ટેકનોલોજીના માધ્યમથી અમેરિકા ખૂબ મોટી સેવા કરી શકે તેમ છે અને અમને એક મોટી તક પ્રાપ્ત થશે.
તેવી જ રીતે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારનું પોતાનું મહત્વ છે અને આ દાયકામાં વ્યાપાર ક્ષેત્રે પણ આપણે એકબીજાના ખૂબ જ પૂરક બની શકીએ તેમ છીએ. એવી ઘણી બધી ચીજો છે કે જે અમેરિકાની પાસે છે અને ભારતને તેની જરૂર છે. ઘણી બધી ચીજો ભારત પાસે છે અને તે અમેરિકા માટે કામ આવી શકે તેમ છે. આથી વ્યાપાર પણ આ દાયકામાં ખૂબ મોટું ક્ષેત્ર બની રહેશે.
મિસ્ટર પ્રેસિડેન્ટ, તમે હમણાં 2 ઓક્ટોબર, ગાંધીજીની જન્મ જયંતિનો ઉલ્લેખ કર્યો. મહાત્મા ગાંધી ટ્રસ્ટીશીપની વાત કરતા હતા. આ દાયકો એ ટ્રસ્ટીશીપ માટે ખૂબ જ મહત્વનો છે. મહાત્મા ગાંધી હંમેશા એ બાબતની વકિલાત કરતા હતા કે આપણે આ પૃથ્વીના ટ્રસ્ટી છીએ અને એક ટ્રસ્ટી તરીકે આપણે આવનારી પેઢીઓને આ પૃથ્વી આપણે સુપરત કરવાની થશે. અને આ ટ્રસ્ટીશીપની ભાવના જ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખૂબ જ મહત્વની બની રહેશે તથા મહાત્મા ગાંધીજીના આદર્શોના પાલન માટે આ પૃથ્વી માટે ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત દરેક નાગરિકની વિશ્વ માટે જવાબદારી બનતો જાય છે
અને રાષ્ટ્રપતિજી, જે રીતે કેટલાક વિષયોનો તમે ઉલ્લેખ કર્યો તે તમામ વિષયો ખૂબ જ મહત્વના છે, ભારત માટે પણ મહત્વના છે અને તમે હોદ્દો સંભાળ્યા પછી કોવિડ હોય કે જળવાયુ પરિવર્તનની વાત હોય કે ક્વાડ હોય, દરેક બાબતમાં તમે એક અનોખી પહેલ કરી છે. અને હું સમજું છું કે તમારી આ પહેલ આગામી દિવસોમાં ખૂબ મોટો પ્રભાવ ઉભો કરશે. અને મને વિશ્વાસ છે કે આપણી આજની વાતચીતમાં આ તમામ વિષયો અંગે આપણે વિસ્તારપૂર્વક વિચાર-વિમર્શ કરીને આપણે કેવી રીતે આગળ ધપી શકીએ, આપણે એકબીજા માટે પણ બંનેએ સાથે મળીને દુનિયા માટે કશુંક હકારાત્મક કરી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે આપના નેતૃત્વમાં આજની ચર્ચા ખૂબ જ સાર્થક બની રહેશે.
રાષ્ટ્રપતિજી, ઉષ્માભેર સ્વાગત કરવા બદલ વધુ એક વખત હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
The Quad- a force for global good. pic.twitter.com/L6RtzUa5Dl
— PMO India (@PMOIndia) September 24, 2021