મારા પ્રિય મિત્ર સ્કોટ, નમસ્કાર!
હોળીના તહેવાર નિમિત્તે અને ચૂંટણીમાં થયેલા વિજય બદલ તમે પાઠવેલી શુભેચ્છાઓ બદલ હું આપનો આભારી છું.
ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા પૂરના કારણે લોકોએ ગુમાવેલા જીવન અને સંપત્તિને થયેલા નુકસાન બદલ તમામ ભારતીયો વતી, હું ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરુ છુ.
આપણી છેલ્લી શિખર મંત્રણા દરમિયાન, આપણે આપણા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી આગળ વધાર્યા હતા. અને મને ઘણી ખુશી છે કે, આજે આપણે બંને દેશો વચ્ચે વાર્ષિક શિખર મંત્રણાઓના આયોજન માટે એક વ્યવસ્થાતંત્ર સ્થાપિત કરી રહ્યા છીએ. આનાથી આપણા સંબંધોની નિયમિત ધોરણે સમીક્ષા માટે સુગઠિત વ્યવસ્થાતંત્રનું માળખું તૈયાર થશે.
મહામહિમ,
આપણા સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષમાં નોંધનીય પ્રગતિ થઇ છે. વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, શિક્ષણ અને આવિષ્કાર, વિજ્ઞાન અને ટેકનોલોજી – આપણે તમામ ક્ષેત્રોમાં એકબીજાની ઘણા નજીક આવ્યા છીએ. આપણા સહયોગથી સંખ્યાબંધ ક્ષેત્રો જેમકે, મહત્વપૂર્ણ ખનીજો, જળ વ્યવસ્થાપન, નવીનીકરણીય ઊર્જા અને કોવિડ- 19 સંબંધિત સંશોધનમાં ઝડપથી વૃદ્ધિ થઇ શકી છે.
હું અહીં બેંગલુરુમાં મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજીની નીતિ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી તેને આવકારું છું. સાઇબર તેમજ મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજીમાં આપણી વચ્ચે વધુ સારો સહકાર હોય તે જરૂરી છે. આપણા જેવા સમાન મૂલ્યો ધરાવતા દેશોની જવાબદારી છે કે, તેઓ આ ઉભરતી ટેકનોલોજીઓમાં યોગ્ય વૈશ્વિક ધોરણો અપનાવે.
મહામહિમ,
આ અંગે, આપણો વ્યાપક આર્થિક સહકાર કરાર – “CECA”, તમે જણાવ્યું તેમ, હું પણ કહેવા માંગુ છુ કે, ખૂબ જ ટૂંકા સમયમાં નોંધનીય પ્રગતિ થઇ છે. મને વિશ્વાસ છે કે બાકીના મુદ્દાઓ પર પણ આગામી ટૂંક સમયમાં સહમતિ સાધવામાં આવશે. આપણા આર્થિક સંબંધો, આર્થિક પુનરુત્કર્ષ અને આર્થિક સુરક્ષા માટે "CECA" ની વહેલી તકે પૂર્ણતા નિર્ણાયક બની રહેશે.
ક્વાડમાં પણ આપણી વચ્ચે ઘણો સારો સહકાર છે. આપણો સહયોગ મુક્ત, ખુલ્લા અને સહિયારા હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે આપણી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા માટે ક્વાડની સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મહામહિમ,
હું, પ્રાચીન ભારતીય કલાકૃતિઓ પરત કરવા માટે હાથ ધરવામાં આવેલી પહેલ બદલ વિશેષરૂપે આપનો આભાર વ્યક્ત કરવા માંગુ છુ. અને તમે મોકલેલી કલાકૃતિઓમાં સેંકડો વર્ષ જૂની મૂર્તિઓ અને ચિત્રો છે જેને રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ગુજરાત, હિમાચલ પ્રદેશ તેમજ ભારતના અન્ય રાજ્યોમાંથી ગેરકાયદે દાણચોરી કરીને લઇ જવામાં આવ્યા હતા. અને આ માટે હું તમામ ભારતીયો વતી આપનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. હવે તમે અમને આપેલી આ બધી જ મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ તેમના મૂળ સ્થાને પરત મોકલવામાં આવશે. તમામ ભારતીય નાગરિકો વતી હું ફરી એકવાર આ પહેલ બદલ હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરું છું.
ક્રિકેટ વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ હું આપને ખૂબ અભિનંદન પાઠવું છુ. શનિવારની મેચમાં, ઑસ્ટ્રેલિયાનો વિજય થયો હતો પરંતુ ટુર્નામેન્ટ હજુ પૂરી થઇ નથી. બંને દેશોની ટીમોને હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવુ છુ.
મહામહિમ,
ફરી એકવાર, હું આજે આપની સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાની મને તક પ્રાપ્ત થઇ તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરું છું.
હવે, હું મીડિયાના તમામ મિત્રોનો આભાર માનીને મારા પ્રારંભિક સત્રના સંબોધનનું સમાપન કરવા માંગુ છુ. આ પછી, થોડી ક્ષણો સુધી વિરામ પછી, હું આગામી એજન્ડા આઇટમ પર મારા મંતવ્યો રજૂ કરવા માંગુ છું.