





પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે બેંગલુરુમાં આયોજિત જી20 ડિજિટલ અર્થતંત્ર મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું.
સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ વિજ્ઞાન, ટેક્નૉલોજીનું ઘર અને ઉદ્યોગસાહસિકતાની ભાવના ધરાવતાં બેંગલુરુ શહેરમાં મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, ડિજિટલ અર્થતંત્રની ચર્ચા કરવા માટે આનાથી શ્રેષ્ઠ સ્થળ અન્ય કોઈ ન હોઈ શકે.
પ્રધાનમંત્રીએ છેલ્લાં 9 વર્ષમાં ભારતમાં થયેલાં અભૂતપૂર્વ ડિજિટલ પરિવર્તન માટે વર્ષ 2015માં ડિજિટલ ઇન્ડિયા પહેલ શરૂ કરવાને તેનો શ્રેય આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું ડિજિટલ પરિવર્તન નવીનતામાં તેની અતૂટ માન્યતા અને ઝડપી અમલીકરણ માટેની તેની કટિબદ્ધતાથી પ્રેરિત છે, ત્યારે સર્વસમાવેશકતાની ભાવનાથી પ્રેરિત પણ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહી જાય.
આ પરિવર્તનના વ્યાપ, ઝડપ અને અવકાશનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારતનાં 850 મિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ દુનિયામાં સૌથી સસ્તા ડેટાનો ખર્ચ માણી રહ્યાં છે. શ્રી મોદીએ શાસનમાં પરિવર્તન લાવવાં અને તેને વધારે કાર્યક્ષમ, સમાવેશી, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેક્નૉલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો તથા 1.3 અબજથી વધારે લોકોને આવરી લેતાં ભારતનાં વિશિષ્ટ ડિજિટલ ઓળખ પ્લેટફોર્મ આધારનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જેએએમ ત્રિપૂટી – જન ધન બૅન્ક ખાતાઓ, આધાર અને મોબાઇલનો ઉલ્લેખ કર્યો હતો, જેણે નાણાકીય સર્વસમાવેશકતામાં ક્રાંતિ લાવી છે અને યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ લાવી છે, જેમાં દર મહિને આશરે 10 અબજ ટ્રાન્ઝેક્શન્સ થાય છે અને વૈશ્વિક રિયલ ટાઇમ પેમેન્ટનો 45 ટકા હિસ્સો ભારતમાં થાય છે. પ્રધાનમંત્રીએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં સિસ્ટમમાં લિકેજને દૂર કરવામાં આવ્યું હતું અને 33 અબજ ડૉલરની બચત થઈ હતી. ભારતનાં કોવિડ રસીકરણ અભિયાનને ટેકો આપનારા કોવિન પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેનાથી ડિજિટલી વેરિફાયેબલ સર્ટિફિકેટની સાથે રસીના 2 અબજથી વધુ ડૉઝ પૂરા પાડવામાં મદદ મળી છે. શ્રી મોદીએ ગતિ-શક્તિ પ્લેટફોર્મની પણ ચર્ચા કરી હતી, જે માળખાગત સુવિધા અને લોજિસ્ટિક્સનો નકશો તૈયાર કરવા માટે ટેક્નૉલોજી અને અવકાશીય આયોજનનો ઉપયોગ કરે છે, જેથી આયોજનમાં મદદ મળે છે, ખર્ચ ઘટે છે અને ડિલિવરીની ઝડપ વધે છે. પ્રધાનમંત્રીએ વધુમાં પ્રક્રિયામાં પારદર્શકતા અને પ્રામાણિકતા લાવનાર તથા ઇ-કોમર્સનું લોકશાહીકરણ કરી રહ્યું છે એવું ડિજિટલ કોમર્સ માટેનું ઓપન નેટવર્ક અને ઓનલાઇન જાહેર ખરીદી પ્લેટફોર્મ એવા સરકારી ઇ-માર્કેટપ્લેસ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "સંપૂર્ણપણે ડિજિટાઇઝ્ડ કરવેરા વ્યવસ્થાઓ પારદર્શકતા અને ઇ-ગવર્નન્સને પ્રોત્સાહન આપી રહી છે." પ્રધાનમંત્રીએ એઆઈ સંચાલિત ભાષા અનુવાદ મંચ ભાષિનીના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે ભારતની તમામ વિવિધતા ધરાવતી ભાષાઓમાં ડિજિટલ સર્વસમાવેશકતાને ટેકો આપશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો માટે સ્કેલેબલ, સુરક્ષિત અને સર્વસમાવેશક સમાધાનો પ્રદાન કરે છે." દેશની અતુલ્ય વિવિધતાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં ડઝનબંધ ભાષાઓ અને સેંકડો બોલીઓ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તે દરેક ધર્મ અને વિશ્વભરની અસંખ્ય સાંસ્કૃતિક પ્રથાઓનું ઘર છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "પ્રાચીન પરંપરાઓથી લઈને અત્યાધુનિક ટેક્નૉલોજી સુધી, ભારત દરેક માટે કંઈકને કંઈક ધરાવે છે." તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારની વિવિધતા સાથે ભારત ઉકેલો માટે આદર્શ પરીક્ષણ પ્રયોગશાળા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં જે સૉલ્યુશન સફળ થાય છે, તેને દુનિયામાં કોઈ પણ જગ્યાએ સરળતાથી લાગુ કરી શકાય છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વ સાથે પોતાનાં અનુભવો વહેંચવા તૈયાર છે અને કોવિડ મહામારી દરમિયાન વૈશ્વિક ભલાં માટે ઑફર કરવામાં આવતાં કોવિન પ્લેટફોર્મનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે ઓનલાઇન ગ્લોબલ પબ્લિક ડિજિટલ ગૂડ્સ રિપોઝિટરી – ઇન્ડિયા સ્ટેકની રચના કરી છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહી જાય, ખાસ કરીને જે ગ્લોબલ સાઉથમાંથી આવે છે.
પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે કાર્યકારી જૂથ જી20 વર્ચ્યુઅલ ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોઝિટરી બનાવી રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોમન ફ્રેમવર્ક પર પ્રગતિ તમામ માટે પારદર્શક, જવાબદાર અને વાજબી ડિજિટલ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં મદદ કરશે. તેમણે ડિજિટલ કૌશલ્યની ક્રોસ કન્ટ્રી સરખામણીની સુવિધા માટે એક રોડમેપ વિકસાવવા અને ડિજિટલ સ્કિલિંગ પર વર્ચ્યુઅલ સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપનાની સુવિધા માટેના પ્રયાસોને પણ આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભવિષ્ય માટે તૈયાર કાર્યદળની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આ મહત્ત્વપૂર્ણ પ્રયાસો છે. ડિજિટલ અર્થતંત્ર વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યું છે ત્યારે તેને સુરક્ષાનાં જોખમો અને પડકારોનો સામનો કરવો પડશે એ બાબતની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, સુરક્ષિત, વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક ડિજિટલ અર્થતંત્ર માટે જી20ના ઉચ્ચ-સ્તરીય સિદ્ધાંતો પર સર્વસંમતિ ઊભી કરવી મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ટેક્નૉલોજીએ આપણને એવી રીતે જોડ્યા છે, જે અગાઉ ક્યારેય નહોતાં. તે તમામ માટે સર્વસમાવેશક અને સ્થાયી વિકાસનું વચન ધરાવે છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જી20 દેશો પાસે સર્વસમાવેશક, સમૃદ્ધ અને સુરક્ષિત વૈશ્વિક ડિજિટલ ભવિષ્ય માટે પાયો નાખવાની અનન્ય તક છે. તેમણે નોંધ્યું હતું કે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે નાણાકીય સર્વસમાવેશકતા અને ઉત્પાદકતા વધારી શકાય છે. તેમણે ખેડૂતો અને લઘુ વ્યવસાયો દ્વારા ડિજિટલ ટેક્નૉલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા, વૈશ્વિક ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમનાં નિર્માણ માટેનું માળખું સ્થાપિત કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સલામત અને જવાબદાર ઉપયોગ માટે માળખું વિકસાવવાનું સૂચન કર્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, માનવતાના પડકારોનું સમાધાન કરવા માટે ટેક્નૉલોજી આધારિત સમાધાનોની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરી શકાય તેમ છે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "આપણી પાસેથી માત્ર ચાર 'સી' – કન્વિક્શન (પ્રતીતિ), કમિટમેન્ટ (પ્રતિબદ્ધતા), કોઓર્ડિનેશન (સંકલન) અને કોલૅબરેશન (સહયોગ)ની જરૂર છે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યકારી જૂથ આપણને એ દિશામાં આગળ લઈ જશે.