રામ નવમીના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં જૂનાગઢના ગાઠિલા ખાતે ઉમિયા માતાનાં મંદિરમાં 14મા સ્થાપના દિવસની ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ મંદિરના સ્થાપના દિવસ અને રામ નવમીના શુભ અવસર પર ઉપસ્થિત લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએચૈત્ર નવરાત્રિના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી હતી કે મા સિદ્ધિદાત્રી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે.તેમણે ગિરનારની પવિત્ર ભૂમિને પણ નમન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સભાને કહ્યું કે તેઓ હંમેશા રાજ્ય અને દેશના ભલા માટે તેમની સામૂહિક શક્તિ અને ચિંતા અનુભવે છે. તેમણે એમ પણ કહ્યું કે અયોધ્યા અને સમગ્ર દેશમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે 2008માં મંદિરને સમર્પિત કરવાની અને છેલ્લાં ઘણા વર્ષોથી મા ઉમિયાને વંદન કરવાની તક મળવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે આધ્યાત્મિક અને દૈવી મહત્વનાં મહત્વપૂર્ણ સ્થળ ઉપરાંત, ગાઠિલા ખાતેનું ઉમિયા માતાનું મંદિર સામાજિક ચેતના અને પર્યટનનું સ્થળ બની ગયું છે. મા ઉમિયાની કૃપાથી સમાજ અને ભક્તોએ અનેક મહાન કાર્યો કર્યા છે, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મા ઉમિયાના ભક્ત તરીકે, લોકો માટે ધરતી માતાને કોઈ નુકસાન પહોંચાડવું શક્ય નથી. જેમ આપણે આપણી માતાને બિનજરૂરી દવાઓ ખવડાવતા નથી, તેમ આપણે આપણી જમીન પર પણ બિનજરૂરી રસાયણોનો ઉપયોગ ન કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.તેમણે જમીનના વિસ્તારને જાળવવાના ઉપાયો જેમ કે પર ડ્રોપ, મોર ક્રોપ જેવી પાણીની જાળવણી યોજનાઓ વિશે વાત કરી હતી. તેમણે રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન હાથ ધરાયેલા જન આંદોલનને યાદ કર્યું. તેમણે કહ્યું કે આપણને પાણી બચાવવાની ચળવળ પર નચિંત રહેવાનું પોસાય તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે ધરતી માતાને રસાયણોથી સુરક્ષિત રાખવાની જરૂર છે. તેમણે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જેમ તેમણે અને કેશુભાઈએ પાણી માટે કામ કર્યું હતું તેમ વર્તમાન મુખ્યમંત્રી ધરતી માતા માટે કામ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ એ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો કે મા ઉમિયા અને અન્ય દેવી-દેવતાઓની કૃપાથી અને સરકારના પ્રયાસોથી લિંગ ગુણોત્તરમાં સુધારો થયો અને બેટી બચાવો ચળવળે સારું પરિણામ દર્શાવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે ગુજરાતની દીકરીઓ મોટી સંખ્યામાં ઑલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેમણે બાળકો અને છોકરીઓમાં કુપોષણ સામે સક્રિય થવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સગર્ભા માતાઓનાં પોષણની વિશેષ કાળજી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કુપોષણની પીડાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જરૂર છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.શ્રી મોદીએ મંદિર ટ્રસ્ટ દ્વારા ગામડાઓમાં તંદુરસ્ત બાળક સ્પર્ધા કરાવવા જણાવ્યું હતું. તેમણે ગરીબ વિદ્યાર્થીઓ માટે કોચિંગ વર્ગો માટે પણ વિનંતી કરી હતી, મંદિરની જગ્યાઓ અને હૉલનો ઉપયોગ યોગ શિબિરો અને વર્ગો માટે પણ કરી શકાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવ અને અમૃત કાલનાં મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સભાજનોને તેમનાં હૃદયમાં સમાજ, ગામ અને દેશના આકાર વિશે જાગૃતિ લાવવા અને સંકલ્પ કરવા જણાવ્યું હતું. તેમણે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનાં તેમના વિઝન પર પણ ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે, ગુજરાતના જે લોકોએ હજારો ચેકડેમ બનાવ્યા છે તેમના માટે આ બહુ મોટું કામ ન હોવું જોઈએ પરંતુ આ પ્રયાસની અસર બહુ મોટી હશે. તેમણે આ કાર્યને 15 ઓગસ્ટ, 2023 પહેલા પૂર્ણ કરવા કહ્યું. તેમણે આ માટે સામાજિક ચળવળ કરવા કહ્યું. તેમણે કહ્યું કે સામાજિક ચેતના એ ગતિશીલ શક્તિ હોવી જોઈએ.
રામ નવમીના અવસર વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે આપણે રામચંદ્રજીનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને શબરી, કેવટ અને નિષાદરાજની પણ યાદ આવે છે. તેઓએ વર્ષોથી લોકોનાં હૃદયમાં આદરનું સ્થાન મેળવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ આપણને શીખવે છે કે કોઈને પાછળ ન રહેવા દો.
મહામારી દરમિયાન થયેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વાયરસ ખૂબ જ છેતરામણો છે અને આપણે તેની સામે સતર્ક રહેવું પડશે. તેમણે કહ્યું કે ભારતે રસીના 185 કરોડ ડૉઝ આપવાનું અદ્ભુત પરાક્રમ કર્યું છે.તેમણે આ અને સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઘટાડા જેવી અન્ય ચળવળો માટે સામાજિક જાગૃતિને શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું કે આધ્યાત્મિક પરિમાણની સાથે સાથે આસ્થાનાં કેન્દ્રો સામાજિક ચેતના ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આ મંદિરનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2008માં કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2008માં પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલાં સૂચનોના આધારે, મંદિર ટ્રસ્ટે મફત મોતિયાનાં ઓપરેશન અને આર્થિક રીતે નબળા દર્દીઓ માટે મફત આયુર્વેદિક દવાઓ વગેરે જેવી વિવિધ સામાજિક અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે.
ઉમિયા માને કડવાપાટીદારોની કુળદેવી માનવામાં આવે છે.