મહાનુભાવો,
આજે આપણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પાસેથી સાંભળ્યું. હું ગઈ કાલે પણ તેમને મળ્યો હતો. હું વર્તમાન પરિસ્થિતિને રાજકારણ કે અર્થવ્યવસ્થાનો મુદ્દો નથી માનતો. હું માનું છું કે તે માનવતાનો મુદ્દો છે, માનવીય મૂલ્યોનો મુદ્દો છે. અમે શરૂઆતથી જ કહ્યું છે કે સંવાદ અને મુત્સદ્દીગીરી જ એકમાત્ર માર્ગ છે. અને આ પરિસ્થિતિને ઉકેલવા માટે ભારત તરફથી જે પણ થઈ શકે છે એવો અમે શક્ય તેટલો પ્રયાસ કરીશું,.
મહાનુભાવો,
વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ એ આપણા બધાનો સમાન ઉદ્દેશ્ય છે. આજના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, કોઈપણ એક ક્ષેત્રમાં તણાવ બધા દેશોને અસર કરે છે. અને, મર્યાદિત સંસાધનો ધરાવતા વિકાસશીલ દેશો સૌથી વધુ પ્રભાવિત થાય છે. વર્તમાન વૈશ્વિકતાને કારણે પરિસ્થિતિ, ખોરાક, બળતણ અને ખાતરની કટોકટીની મહત્તમ અને સૌથી ગંભીર અસરો આ દેશો ભોગવી રહ્યા છે.
મહાનુભાવો,
વિચારવા જેવી વાત છે કે શા માટે આપણે અલગ-અલગ ફોરમ પર શાંતિ અને સ્થિરતાની વાત કરવી પડે છે? શાંતિ સ્થાપવાના વિચાર સાથે શરૂ થયેલી યુએન આજે સંઘર્ષને રોકવામાં કેમ સફળ નથી? શા માટે, યુએનમાં આતંકવાદની વ્યાખ્યા પણ સ્વીકાર કરવામાં આવી નથી? આત્મમંથન કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે છેલ્લી સદીમાં જે સંસ્થાઓ બનાવવામાં આવી છે તે એકવીસમી સદીની વ્યવસ્થાને અનુરૂપ નથી. તેઓ વર્તમાનની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી. તેથી જ યુએન જેવી મોટી સંસ્થાઓમાં સુધારાઓ લાગુ કરવામાં આવે તે જરૂરી છે. તેમણે પણ ગ્લોબલ સાઉથનો અવાજ બનવું પડશે. નહિંતર, અમે ફક્ત સંઘર્ષને સમાપ્ત કરવાની વાતો કરતા રહીશું. યુએન અને સુરક્ષા પરિષદ માત્ર એક ચર્ચાની દુકાન બનીને રહી જશે.
મહાનુભાવો,
તે જરૂરી છે કે તમામ દેશો યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને સાર્વભૌમત્વ અને તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે. યથાસ્થિતિને બદલવાના એકપક્ષીય પ્રયાસો સામે સાથે મળીને અવાજ ઉઠાવે. ભારતનો હંમેશા મત રહ્યો છે કે કોઈપણ તણાવ, કોઈપણ વિવાદનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે, વાતચીત દ્વારા લાવવો જોઈએ. અને જો કાયદા દ્વારા ઉકેલ મળે તો તેને સ્વીકારવો જોઈએ. અને આ ભાવનાથી ભારતે બાંગ્લાદેશ સાથેના તેના જમીન અને દરિયાઈ સીમા વિવાદનો ઉકેલ લાવી દીધો.
મહાનુભાવો,
ભારતમાં અને અહીં જાપાનમાં પણ ભગવાન બુદ્ધને હજારો વર્ષોથી અનુસરવામાં આવે છે.આધુનિક યુગમાં એવી કોઈ સમસ્યા નથી, જેનો ઉકેલ આપણે બુદ્ધના ઉપદેશોમાં શોધી શકતા નથી. વિશ્વ આજે જે યુદ્ધ, અશાંતિ અને અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે તેનો ઉકેલ બુદ્ધે સદીઓ પહેલા જ આપી દીધો હતો.
नहि वेरेन् वेरानी,
सम्मन तीध उदासन्,
अवेरेन च सम्मन्ति,
एस धम्मो सन्नतन।
એટલે કે દુશ્મનાવટથી દુશ્મની શાંત થતી નથી. શત્રુતા આત્મીયતા દ્વારા શાંત થાય છે.
આ ભાવનામાં આપણે સૌ સાથે મળીને આગળ વધવું જોઈએ.
આભાર.