મહામહિમ,
હું આટલા ટૂંકા સમયની નોટિસ પર આ વિશેષ વાતચીતમાં સામેલ થવા બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરુ છું.
હું ખાસ કરીને અમારા મિત્ર પ્રધાનમંત્રી ઓલીનો આભાર માનું છું, જેઓ પોતાની તાજેતરની સર્જરીના તુરંત જ બાદ આપણી સાથે જોડાયા છે. હું તેઓના ત્વરિત સ્વાસ્થ્ય લાભની કામના કરું છું. હું રાષ્ટ્રપતિ અશરફ ગનીને તાજેતરની ચૂંટણીઓમાં ફરી ચૂંટાવા બદલ તેમને વધામણી આપવા ચાહુ છું.
હું સાર્કના નવા મહાસચિવનું પણ સ્વાગત કરુ છું, જેઓ આજે આપણી સાથે છે. હું ગાંધીનગરથી સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના નિદેશકની હાજરીનું પણ સન્માન કરુ છું.
મહામહિમ,
આપણે સૌ કોઇ જાણીએ છીએ તેમ કોવિડ-19ને તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એક મહામારીના રૂપમાં વર્ગીકૃત કરાઇ છે. અત્યાર સુધીમાં, આપણા વિસ્તારમાં 150 કરતાં પણ ઓછા કેસ નોંધાયા છે. પરંતું આપણે સતર્ક રહેવાની જરૂર છે. આપણો વિસ્તાર વિશ્વની સંપૂર્ણ વસ્તીનો લગભગ પાંચમા ભાગની વસતીનું ઘર છે. આ એક ગીચ વસતી ધરાવતું ક્ષેત્ર છે. વિકાસશીલ દેશોના રૂપમાં આપણા સૌ પાસે આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચના મામલે મહત્વપૂર્ણ પડકારો રહેલા છે. આપણા તમામ દેશોના નાગરિકો વચ્ચે પરસ્પરના સંબંધો પ્રાચીન સમયથી છે અને આપણા સમાજ ઉંડાણપૂર્વક એકબીજા સાથે જોડાયેલા છે. તેથી આપણે સૌએ સાથે મળીને તૈયારી કરવી જોઇએ, બધાએ એક સાથે કામ કરવું જોઇએ અને આપણે બધાએ એક સાથે સફળ થવું જોઇએ.
મહામહિમ,
જેમ આપણે સૌ આ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ, મને ટૂંકમાં હજુ સુધી આ વાઇરસના પ્રસારનો મુકાબલો કરવાના ભારતના અનુભવને જણાવવા દો. “તૈયારી કરો, પણ ભયભીત ન થાવ” આ જ અમારો માર્ગદર્શક મંત્ર રહ્યો છે. અમે સાવધ હતા કે આ સમસ્યાને ઓછી ન આંકવામાં આવે, પરંતુ સમજ્યા વિચાર્યા વિના પગલાં ભરતા પણ અમે બચ્યા હતા. અમે એક શ્રેણીબદ્ધ પ્રતિક્રિયા તંત્ર હેઠળ સક્રિય પગલાં ભરવાનો પ્રયાસ કર્યો છે.
મહામહિમ
અમે મધ્ય જાન્યુઆરીથી જ ભારતમાં પ્રવેશના સમયે સ્ક્રીનિંગ શરૂ કરાવી દીધુ હતું, સાથે જ ધીમે-ધીમે પ્રતિબંધ લાદવા શરૂ કર્યા હતા. ધીમે-ધીમે આ પ્રકારનો દૃષ્ટિકોણ અપનાવીને અમને દહેશતથી બચવામાં મદદ મળી હતી. અમે ટીવી, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર પોતાના જાગૃતિ અભિયાનને પણ વધારી દીધુ હતું. અમે અતિ સંવેદનશીલ જૂથો સુધી પહોંચવા માટે વિશેષ પ્રયાસ કર્યા છે.
અમે દેશભરમાં અમારા મેડિકલ કર્મચારીઓને તાલીમબદ્ધ કરવા સહિત અમારા તંત્રમાં ક્ષમતાને ઝડપથી વધારવાનું કામ કર્યુ છે. અમે નિદાન ક્ષમતાઓમાં પણ વધારો કર્યો છે. બે મહિનાની અંદર, અમે દેશભરમાં 60થી વધારે પ્રયોગશાળાઓમાં પરીક્ષણની વ્યવસ્થા કરી લીધી છે.
અને અમે આ મહામારીના મેનેજમેન્ટના દરેક તબક્કા માટે પ્રોટોકોલ વિકસિત કર્યા છે, જેમ કે પ્રવેશ પોઇન્ટ પર તપાસ કરવી, શંકાસ્પદ કેસોના સંપર્કની ભાળ મેળવવી, સંસર્ગનિષેધ અને આઇસોલેશન સુવિધાઓનું મેનેજમેન્ટ કરવું અને સાજા થઇ ગયેલા કેસોમાં ડિસ્ચાર્જ કરવું. અમે વિદેશોમાં પોતાના લોકોના કૉલનો જવાબ પણ આપ્યો છે. અમે વિભિન્ન દેશોથી લગભગ 1400 ભારતીયોને કાઢ્યા છે. અમે અમારી ‘પડોશ પહેલા નીતિ’ અનુસાર તમારા કેટલાંક નાગરિકોની મદદ કરી છે.
અમે હવે આ પ્રકારે લોકોને લાવવા માટે એક પ્રોટોકોલ બનાવ્યો છે જેમાં વિદેશોમાં ખડકાયેલી અમારી મોબાઇલ ટીમો દ્વારા તપાસ કરવી સામેલ છે.
અમે આ પણ સ્વીકાર કર્યો છે કે અન્ય દેશ પણ ભારતમાં પોતાના નાગરિકો વિશે ચિંતિત હશે. તેથી અમે વિદેશી રાજદૂતોને અમારા દ્વારા ઉઠાવાઇ રહેલા પગલાઓ વિશે જાણકારી આપી છે.
મહામહિમ,
અમે આ વાતને સંપૂર્ણપણે ઓળખીએ છીએ કે આપણે હજુ પણ એક અજ્ઞાત સ્થિતિમાં છીએ. આપણે નિશ્ચિત રીતે આ અનુમાન નથી લગાવી શકતા કે આપણા સર્વોત્તમ પ્રયાસો છતાં આગળની સ્થિતિ કેવી હશે.
આપે પણ આ પ્રકારની ચિંતાઓનો સામનો કરવો પડી રહ્યો હશે.
આજ કારણ છે કે આપણા સૌ માટે સૌથી મૂલ્યવાન બાબત આ જ રહેશે કે આપણે બધા પોત-પોતાના દૃષ્ટિકોણો એકબીજા સાથે વહેંચીએ.
હું આપ સૌના વિચારોને સાંભળવા માટે ઉત્સુક છું.
આભાર.