મહામહિમ,
પ્રધાનમંત્રી અલ્બેનીઝ, પ્રધાનમંત્રી કિશિદા અને પ્રમુખ બિડેન,
મિત્રોની વચ્ચે આજે આ ક્વાડ સમિટમાં ભાગ લેતા મને આનંદ થાય છે. ક્વાડ ગ્રૂપિંગે ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. આપણે એકમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર પ્રદેશ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. સહિયારા લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત રચનાત્મક કાર્યસૂચિ સાથે અમે આગળ વધી રહ્યા છીએ.
સંયુક્ત પ્રયાસો દ્વારા, આપણે મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિકના અમારા વિઝનને એક વ્યવહારુ પરિમાણ આપી રહ્યા છીએ. ક્લાઈમેટ એક્શન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વ્યૂહાત્મક ટેક્નોલોજી, વિશ્વસનીય સપ્લાય ચેઈન, સ્વાસ્થ્ય સુરક્ષા, દરિયાઈ સુરક્ષા, આતંકવાદ વિરોધી જેવા ક્ષેત્રોમાં આપણો સકારાત્મક સહયોગ વધી રહ્યો છે. ઘણા દેશો અને જૂથો તેમની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના અને વિઝનની જાહેરાત કરી રહ્યા છે. આપણી આજની બેઠકમાં, સમગ્ર પ્રદેશના સમાવેશી અને લોકો-કેન્દ્રીત વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળશે.
હું માનું છું કે QUAD વૈશ્વિક ભલાઈ, માનવ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરવાનું ચાલુ રાખશે. હું આ શિખર સંમેલનની સફળ અધ્યક્ષતા માટે પ્રધાનમંત્રી અલ્બેનીઝને અભિનંદન અને શુભેચ્છા આપું છું. 2024માં, ભારતમાં QUAD લીડર્સ સમિટનું આયોજન કરવામાં અમને આનંદ થશે.
આભાર.