પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2023ની રાષ્ટ્રીય ઉજવણીને સંબોધન કર્યું હતું. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2023ની રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનકરે મધ્યપ્રદેશમાં જબલપુર ખાતે કર્યું હતું.
આ પ્રસંગે એકત્ર જનસમૂહને સંબોધન કરીને પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર નાગરિકોને તેમની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમજાવ્યું હતું કે, અગાઉ યોગ દિવસની ઉજવણીઓના પ્રસંગો પર તેઓ અહીં ઉપસ્થિત હતાં, પરંતુ હાલ તેઓ વિવિધ કટિબદ્ધતાઓને કારણે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા (યુએસએ)ના પ્રવાસ પર હોવાથી વીડિયો સંદેશ મારફતે તેમની સાથે જોડાયા છે.
પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, તેઓ ભારતીય સ્થાનિક સમય મુજબ સાંજે 5.30 વાગ્યાની આસપાસ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમણે કહ્યું હતું કે, “ભારતની અપીલ પર 180થી વધારે દેશોનું એકમંચ પર આવવું ઐતિહાસિક અને અસાધારણ છે.” તેમણે વર્ષ 2014માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મારફતે યોગને વૈશ્વિક અભિયાન અને આંતરરાષ્ટ્રીય સ્પિરિટ બનાવવા સંયુક્ત રાષ્ટ્રની મહાસભા સમક્ષ યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને એ પ્રસ્તાવને દુનિયાનાં રેકોર્ડ સંખ્યામાં દેશોએ ટેકો આપ્યો હતો એ પ્રસંગને યાદ કર્યો હતો.
યોગ દિવસને વધારે વિશેષ બનાવવા ‘ઓશન રિંગ ઓફ યોગ’ના વિચાર પર પ્રકાશ ફેંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોગના વિચાર અને દરિયાના વિસ્તાર વચ્ચે પારસ્પરિક સંબંધ પર આધારિત છે. શ્રી મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, સૈનિકોએ જળ સંસાધનોનો ઉપયોગ કરીને ‘યોગ ભારતમાલા અને યોગ સાગરમાલા’ બનાવી છે. પ્રધાનમંત્રીએ તેમની વાત આગળ વધારીને કહ્યું હતું કે, એ જ રીતે આર્કટિકથી એન્ટાર્કટિકા એટલે પૃથ્વી પર બે ધ્રુવ કે બે છેડાં પર સ્થિત ભારતનાં બે સંશોધનકેન્દ્રો પણ યોગ સાથે જોડાયા છે. તેમણે ભાર મૂક્યો હતો કે, આ વિશિષ્ટ ઉજવણીમાં સ્વાભાવિક રીતે સમગ્ર દેશ અને દુનિયામાંથી કરોડો લોકોની ભાગીદારી યોગની વ્યાપકતા અને લોકપ્રિયતા દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ ઋષિમુનિઓના કથનો ટાંકીને સમજાવ્યું હતું કે, “આપણને એકતાંતણે જોડે છે એ યોગ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યોગનો પ્રચાર એ વિચારનું વિસ્તરણ છે કે, સકળ વિશ્વ કે સંપૂર્ણ દુનિયા એક પરિવાર સમાન છે. ચાલુ વર્ષે જી20 શિખર સંમેલનની ભારતની અધ્યક્ષતા માટેની થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એકસમાન ભવિષ્ય’ વિશે વાત કરીને પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, યોગના પ્રચાર-પ્રસાર પાછળ ‘વસુધૈવ કુટુમ્બકમ્’નો વિચાર રહેલો છે. તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે દુનિયાભરમાં કરોડો લોકો ‘વસુધૈવ કુટુમ્બકમ્ માટે યોગ’ની થીમ પર ખભેખભો મિલાવીને યોગ કરી રહ્યાં છે.”
પ્રધાનમંત્રીએ યોગનાં વિવિધ ગ્રંથોનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ યોગ દ્વારા આરોગ્ય, ઉત્સાહ અને જોમ-જુસ્સો મેળવશે તથા વર્ષોથી નિયમિતપણે યોગ કરતાં લોકો એની ઊર્જા અનુભવે છે. વ્યક્તિગત સ્તરે અને પારિવારિક સ્તરે સારાં સ્વાસ્થ્યનું મહત્વ સમજાવીને પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, યોગ સ્વસ્થ અને શક્તિશાળી સમાજનું સર્જન કરે છે, જેની સહિયારી ઊર્જા પ્રચંડ હોય છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા અભિયાનોનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરવામાં અને દેશની સાંસ્કૃતિક ઓળખ ફરી સ્થાપિત કરવામાં મદદ મળી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશ અને એની યુવા પેઢીએ આ ઊર્જા ઊભી કરવામાં પ્રચંડ યોગદાન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “હાલ દેશના લોકોનો માનસિક અભિગમ બદલાયો છે, જે લોકો અને તેમના જીવનોમાં પરિવર્તન લાવે છે.”
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારતની સંસ્કૃતિ અને સામાજિક માળખું, એની આધ્યાત્મિકતા અને આદર્શો તથા એની ફિલોસોફી અને વિઝને હંમેશા એવી પરંપરાઓનું પોષણ કર્યું છે, જે સમગ્ર માનવજાતને એકતા, સ્વીકાર અને સંવાદનાં માર્ગે દોરી જાય છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીયો નવા વિચારોને આવકારે છે અને તેનું જતન કરે છે. આ માટે તેમણે દેશની સમૃદ્ધ વિવિધતાનો સંદર્ભ ટાંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, યોગ આ પ્રકારની લાગણીઓ કે ભાવનાઓને મજબૂત કરે છે, આંતરિક વિશ્વનો વ્યાપ વધારે છે અને આપણને એ ચેતના સાથે જોડે છે, જે આપણી અંદર માનવજાતના અસ્તિત્વ માટે પ્રેમરૂપી આધાર ઊભો કરવા એકતાની લાગણી જન્માવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ રીતે આપણે યોગ દ્વારા આપણા વિરોધાભાસો, સંકુચિતતાઓ અને અવરોધો દૂર કરવા પડશે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના જોમ અને જુસ્સાને દુનિયામાં ઉદાહરણ તરીકે રજૂ કરવો પડશે.”
પ્રધાનમંત્રીએ તેમનું સંબોધન પૂર્ણ કરતાં યોગ વિશે એક શ્લોક ટાંક્યો હતો અને સમજાવ્યું હતું કે, કર્મમાં કુશળતા એટલે યોગ. તેમણે ભાર મૂક્યો હતો કે, આ મંત્ર આઝાદી કા અમૃત કાળમાં દરેક માટે અતિ મહત્વપૂર્ણ છે અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ફરજો સંપૂર્ણપણે સમર્પણની ભાવના સાથે અદા કરે છે, ત્યારે યોગની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “યોગ મારફતે આપણે નિઃસ્વાર્થ કર્મને જાણીએ, સમજીએ છીએ, આપણે કર્મથી કર્મયોગ સુધીની સફરનો નિર્ણય લઈએ છીએ.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યોગ સાથે આપણે આપણું સ્વાસ્થ્ય સુધારીશું અને આ સંકલ્પોને વધારે દ્રઢ કરીશું. પ્રધાનમંત્રીએ તેમની વાત પૂર્ણ કરતાં કહ્યું હતું કે, “આપણી શારીરિક ક્ષમતા, આપણું માનસિક સંવર્ધન વિકસિત ભારતનો આધાર બનશે.”