પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો સંદેશ દ્વારા ગુજરાતના બેચરાજી ખાતે સ્વતંત્રતા સેનાની શ્રી પ્રહલાદજી પટેલની115મી જન્મ જયંતિ અને તેમના જીવન ચરિત્ર કાર્યક્રમના વિમોચન પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ બેચરાજીની ભવ્ય ભૂમિને શ્રદ્ધાંજલિ આપી હતી અને સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર શ્રી પ્રહલાદજી પટેલની સ્મૃતિવંદના કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રી પ્રહલાદજી પટેલની સમાજ સેવામાં ઉદારતા અને તેમના બલિદાનની નોંધ લીધી. સ્વાતંત્ર્ય સેનાની મહાત્મા ગાંધીના આહ્વાન પર સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા અને સાબરમતી અને યરવડામાં જેલવાસ ભોગવ્યો હતો.
પ્રધાનમંત્રીએ શ્રી પ્રહલાદજી પટેલની ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાનું પ્રતીક કરતી ઘટનાનું વર્ણન કર્યું. શ્રી પટેલના પિતાનું અવસાન થયું જ્યારે તેઓ જેલમાં હતા, પરંતુ શ્રી પ્રહલાદજી પટેલે તેમને અંતિમ સંસ્કાર કરવા માટે સંસ્થાનવાદી શાસકો દ્વારા મૂકવામાં આવેલી માફીની શરતો સ્વીકારી ન હતી. તેમણે ભૂગર્ભમાં લડી રહેલા ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી શ્રીએ આઝાદી પછી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર પટેલને મદદ કરવામાં શ્રી પ્રહલાદજી પટેલની ભૂમિકાને પણ રેખાંકિત કરી હતી. પ્રધાનમંત્રી શ્રીએ દુઃખ વ્યક્ત કર્યુ કે આવા ઘણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓનો ઇતિહાસના પુસ્તકોમાં ઉલ્લેખ કરવામાં આવતો નથી. પ્રધાનમંત્રીએ શ્રી પ્રહલાદજી પટેલના પત્ની કાશી બાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાન વ્યક્તિત્વોના જીવન અને કાર્યશૈલીનું દસ્તાવેજીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે યુવા પેઢીને પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રી શ્રીએ તમામ યુનિવર્સિટીઓને સ્વતંત્રતા સેનાનીઓના અજાણ્યા પાસાઓ પર સંશોધન કરવા અને પ્રકાશિત કરવાની અપીલ કરી હતી. આપણે નવા ભારતના નિર્માણના સાહસમાં શ્રી પ્રહલાદજી પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા જોઈએ એમ પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું હતું.