નમસ્તે!
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું!
બેંગ્લોર શહેર ખુદ દેશના યુવા જોશની એક ઓળખ છે, જે બેંગ્લોરના પ્રોફેશનલ્સની આન, બાન અને શાન છે. બેંગ્લોરમાં ડિજીટલ ઈન્ડિયાવાળા ખેલો ઈન્ડિયાનો પ્રારંભ સ્વયં એક મહત્વની બાબત છે. સ્ટાર્ટઅપની દુનિયામાં સ્પોર્ટસનો આ સંગમ અદ્દભૂત છે. બેંગ્લોરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ યોજાવાના કારણે આ સુંદર શહેરની ઊર્જામાં વધારો થશે અને દેશના નવયુવાનો પણ અહીંથી નવી ઊર્જા સાથે પાછા ફરશે.
હું કર્ણાટક સરકારને આ રમતોનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું. વૈશ્વિક મહામારીના તમામ પડકારોની વચ્ચે યોજાયેલી આ રમતો ભારતના યુવાનોના દ્રઢ સંકલ્પ અને જોમનું ઉદાહરણ છે. હું તમારા આ પ્રયાસોને અને તમારા ઉત્સાહને સલામ કરૂં છું.
આ ઉત્સાહ આજે દેશના દરેક ક્ષેત્રમાં નવી ગતિને આગળ ધપાવી રહ્યો છે.
મારા નવયુવાન સાથીઓ,
સફળતા મેળવવાનો પ્રથમ મંત્ર સંઘ ભાવના હોય છે. રમતોમાંથી આપણને સંઘ ભાવના શિખવા મળતી હોય છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ તમે તેનો સાક્ષાત અનુભવ કરશો. આ સંઘ ભાવના તમને જીંદગીને જોવા માટેનો એક નવો દ્રષ્ટિકોણ પણ પૂરો પાડશે.
રમતમાં જીતનો અર્થ થાય છે- સમગ્રલક્ષી અભિગમ! 100 ટકા સમર્પણ ભાવ!
દરેક દિશામાં પ્રયાસ અને 100 ટકા પ્રયાસ.
તમારામાંથી કેટલાક એવા ખેલાડીઓ બહાર આવશે કે જે આગળ જતાં રાજ્ય સ્તરે રમતોમાં જોડાશે. તમારામાંથી અનેક યુવાનો આગળ આવીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરશે. રમતના ક્ષેત્રે તમારો આ અનુભવ તમને જીવનના દરેક ક્ષેત્રમાં સહાયક બનશે. રમતો એ સાચા અર્થમાં જીવનની એક સાચી સપોર્ટ સિસ્ટમ છે.
જે શક્તિ અને જે પાઠ આપણને રમતમાં આગળ લઈ જાય છે તે આપણને જીવનમાં પણ આગળ લઈ જાય છે. રમતો અને જીવન બંનેમાં જોમ, જોશ અને ધગશનું મહત્વ છે. રમતો અને જીવન બંનેમાં જે પડકારોનો સામનો કરે છે તે જ તો વિજેતા બને છે. રમતો અને જીવન બંનેમાં હાર-જીત પણ હોય છે. હારમાંથી શિખવા મળે છે. રમતો અને જીવન બંનેમાં પ્રમાણિકતા તમને સૌથી આગળ લઈ જાય છે. રમત અને જીવન બંનેમાં એક એક ક્ષણનું મહત્વ છે, દરેક ક્ષણે જીવવાનું અને તે પળમાંથી કશુંક કરીને બહાર નિકળવાનું મહત્વ છે.
જીતને પચાવવાનો હુન્નર અને હારમાંથી શિખવાની કળા જીવનની પ્રગતિના સૌથી મૂલ્યવાન અંગ ગણાય છે અને આપણે મેદાનમાં રમતાં રમતાં શિખી લેતાં હોઈએ છીએ.
રમતમાં જ્યારે એક તરફ શરીર ઊર્જાથી ભરેલું હોય છે, ખેલાડીના એક્શનમાં ગતિની તીવ્રતા હોય છે, તે સમયે સારા ખેલાડીનું મન શાંત રહેતુ હોય છે અને ધૈર્યથી ભરેલું હોય છે. જીવન જીવવાની આ ઘણી મોટી કળા છે.
સાથીઓ,
તમે નૂતન ભારતના યુવાનો છો. તમે એક ભારત, શ્રેષ્ઠ ભારતના ધ્વજ વાહક પણ છો. તમારી યુવા વિચારધારા અને તમારો યુવા અભિગમ આજે દેશની નીતિઓ નક્કી કરે છે. આજે યુવાનોએ ફીટનેસને દેશનો વિકાસ મંત્ર બનાવી દીધો છે. આજે યુવાનોએ રમતોને જૂની વિચારધારાના બંધનોમાંથી આઝાદ કરી દીધી છે.
નવી શિક્ષણ નીતિમાં રમતો પર ભાર મૂકવાનો હોય કે પછી આધુનિક સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનું હોય, ખેલાડીઓની પસંદગીમાં પારદર્શકતા હોય કે પછી રમતમાં આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ હોય, નવા ભારતની આ જ તો ઓળખ છે.
ભારતના યુવાનોની આકાંક્ષાઓ, તેમની આશાઓ નૂતન ભારતના નિર્ણયોનો આધાર બની રહી છે. હવે દેશમાં સ્પોર્ટસ સાયન્સ સેન્ટર્સ સ્થાપિત થઈ ચૂક્યા છે. હવે દેશમાં સમર્પિત સ્પોર્ટસ યુનિવર્સિટીઝ બની રહી છે.
આ બધુ તમારી સગવડ માટે છે, તમારા સપનાં પૂરા કરવા માટે છે.
સાથીઓ,
સ્પોર્ટસની શક્તિ દેશની શક્તિને વધારે છે. સ્પોર્ટસમાં ઓળખ, દેશની ઓળખને વધારે છે. મને આજે પણ યાદ છે કે જ્યારે પણ હું ટોક્યો ઓલિમ્પિક્સમાંથી પાછા ફરેલા ખેલાડીઓને જ્યારે મળ્યો હતો ત્યારે તેમના ચહેરા પર જીત કરતાં દેશ માટે જીત મેળવવાનો ગર્વ હતો. દેશની જીતને કારણે જે ખુશી મળે છે તેની તુલના થઈ શકતી નથી.
તમે પણ આજે માત્ર પોતાના માટે અથવા તો પોતાના પરિવાર માટે રમી રહ્યા નથી. ભલે આ યુનિવર્સિટી ગેમ્સ હોય, પરંતુ એવું માનીને રમતા રહો કે તમે દેશ માટે રમી રહ્યા છો. દેશની અંદર તમે દેશ માટે એક ઉત્તમ ખેલાડી તૈયાર કરી રહ્યા છો. આ જોમ તમને આગળ ધપાવીને આગળ લઈ જશે. આ ભાવના તમને મેદાન પર જીત અપાવશે અને મેડલ પણ અપાવશે.
મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌ યુવા સાથીઓ ખૂબ રમશો, ખૂબ ખેલશો એવા વિશ્વાસની સાથે સમગ્ર દેશમાંથી અહીં આવેલા તમામ યુવા સાથીઓને ફરી એક વખત શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ!