નમસ્તે!
એક્સ્પો 2020 દુબઈ ખાતે ભારતીય પેવેલિયનમાં આપ સૌનું સ્વાગત છે. આ એક ઐતિહાસિક એક્સ્પો છે. મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં યોજાનારું આ પ્રથમ છે. આ એક્સ્પોમાં ભારત એના સૌથી મોટા પેવેલિયન્સ પૈકીના એક સાથે ભાગ લઈ રહ્યું છે. મને ખાતરી છે કે યુએઈ અને દુબઈ સાથે આપણા ગાઢ અને ઐતિહાસિક સંબંધો વધુ નિર્માણ કરવામાં આ એક્સ્પો લાંબી મજલ કાપશે. સરકાર અને ભારતના લોકો વતી હું સૌ પ્રથમ યુએઈના પ્રમુખ અને અબુધાબીના શાસક મહામહિમ શ્રી શેખ ખલિફા બિન ઝાયેદ બિન અલ નહ્યાનને શુભકામનાઓ પાઠવીને શરૂઆત કરવા માગું છું.
હું યુએઈના પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તેમજ દુબઈના શાસક મહામહિમ શ્રીમાન શેખ મોહંમદ બિન રશીદ અલ મક્તૂમને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવવા માગું છું. હું મારા બંધુ, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શ્રીમાન શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નહ્યાનને પણ મારી શુભકામનાઓ પાઠવું છું. આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં આપણે જે પ્રગતિ સાધી છે એમાં તેઓ નિમિત્ત રહ્યા છે. આપણા બેઉ દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણું કાર્ય ચાલુ રાખવા હું આશાવાદી છું.
મિત્રો,
એક્સ્પો 2020નો મુખ્ય વિષય છે: કનેક્ટિંગ માઇન્ડ્સ, ક્રિએટિંગ ધ ફ્યુચર. આ થીમની ભાવના આપણે ન્યુ ઇન્ડિયા-નૂતન ભારતના સર્જન માટે આગળ વધીએ છીએ ત્યારે ભારતના પ્રયાસોમાં પણ દેખાય છે. ભવ્ય રીતે એક્સ્પો 2020 આયોજિત કરવા માટે હું યુએઈ સરકારને અભિનંદન પણ આપવા માગું છું. આ એક્સ્પો સદીમાં એક વાર આવતી મહામારીની સામે માનવજગતની સ્થિતિસ્થાપક્તાની સાબિતી પણ છે.
મિત્રો,
ભારતના પેવેલિયનનો થીમ છે: ઓપનનેસ, ઓપર્ચ્યુનિટી અને ગ્રોથ. આજે ભારત વિશ્વના સૌથી ખુલ્લા દેશોમાંનો એક છે. તે જ્ઞાન, ભણતર માટે ખુલ્લો છે, યથાર્થદર્શન માટે ખુલ્લો છે, નવીનીકરણ માટે ખુલ્લો છે, રોકાણ માટે ખુલ્લો છે. અને એટલે જ હું, આપને અમારા દેશમાં આવવા અને રોકાણ કરવા આમંત્રણ આપું છું. આજે, ભારત તકોની ભૂમિ છે. પછી તે કલાનું ક્ષેત્ર હોય કે વાણિજ્યનું, ઉદ્યોગ હોય કે શિક્ષણ, અહીં શોધવા માટેની તકો, ભાગીદારી માટેની તકો, પ્રગતિ કરવા માટેની તકો રહેલી છે. ભારત આવો અને આ તકોને તલાશો. ભારત આપને મહત્તમ વિકાસ પણ પ્રદાન કરે છે. વિકાસ વ્યાપમાં, વિકાસ મહત્વાકાંક્ષામાં, વિકાસ પરિણામોમાં. ભારત આવો અને અમારી વિકાસ ગાથાનો હિસ્સો બનો.
મિત્રો,
ભારત એની વાઇબ્રન્સી અને વિવિધતા માટે જાણીતો છે. અમારે ત્યાં સંસ્કૃતિઓ, ભાષાઓ, ભોજન, કલા, સંગીત અને નૃત્યના વિવિધ સ્વરૂપો છે. આ વિવિધતા અમારા પેવેલિયનમાં પરાવર્તિત થાય છે. એવી જ રીતે, ભારત પ્રતિભાઓનું પાવર હાઉસ છે. અમારો દેશ ટેકનોલોજી, સંશોધન અને નવીનીકરણના વિશ્વમાં ઘણી આગેકૂચ કરી રહ્યો છે. અમારો આર્થિક વિકાસ વારસાગત ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ્સના સંયોજનથી સંપન્ન છે. ભારતનું પેવેલિયન આ બહુવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ ભારતને પ્રદર્શિત કરશે. તે આરોગ્ય, ટેક્સ્ટાઇલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેવા અને બીજા વધુ જેવા બહુવિધ ક્ષેત્રોમાં રોકાણની તકોને પણ પ્રદર્શિત કરશે. છેલ્લા સાત વર્ષોમાં, ભારત સરકારે આર્થિક વિકાસને વેગ આપવા ઘણા સુધારા હાથ ધર્યા છે. અમે આ વલણ ચાલુ રાખવા વધુ સુધારા કરતા રહીશું.
મિત્રો,
ભારત અમૃત મહોત્સવ રૂપે આઝાદીના 75 વર્ષો ઉજવી રહ્યું છે ત્યારે અમે દરેકને ભારતના પેવેલિયનની મુલાકાત લેવા અને પુનરુત્થાન કરતા ન્યુ ઈન્ડિયામાં તકોનો લાભ લેવા આમંત્રિત કરીએ છીએ. આપણે સૌ સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ, સબ કા પ્રયાસની સાથે વિશ્વને જીવવા માટેનું વધુ સારું સ્થળ બનાવીએ.
આભાર,
ખૂબ ખૂબ ધન્યવાદ