પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઈજિપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સીસી 25 જૂન 2023ના રોજ અલ-ઇત્તિહાદિયા પેલેસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું.
બંને નેતાઓએ જાન્યુઆરી 2023માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ સીસીની રાજ્ય મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરી, અને દ્વિપક્ષીય સંબંધોને આપેલી ગતિનું સ્વાગત કર્યું. તેઓ સંમત થયા હતા કે ઇજિપ્તની કેબિનેટમાં નવી સ્થાપિત 'ઈન્ડિયા યુનિટ' દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે ઉપયોગી સાધન છે.
નેતાઓએ ખાસ કરીને વેપાર અને રોકાણ, માહિતી ટેકનોલોજી, સંરક્ષણ અને સુરક્ષા, પુનઃપ્રાપ્ય ઊર્જા, કૃષિ, આરોગ્ય, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સીસીએ G-20માં વધુ સહકારની પણ ચર્ચા કરી, જેમાં ખાદ્ય અને ઊર્જા અસુરક્ષા, આબોહવા પરિવર્તન અને ગ્લોબલ સાઉથ માટે સંકલિત અવાજની જરૂરિયાતના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ જી20 લીડર્સ સમિટ માટે સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ સીસીનું સ્વાગત કરવા માટે તત્પરતા દર્શાવી.
દ્વિપક્ષીય સંબંધોને "વ્યૂહાત્મક ભાગીદારી"માં ઉન્નત કરવાના કરાર પર નેતાઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કૃષિ, પુરાતત્વ અને પ્રાચીન વસ્તુઓ અને સ્પર્ધા કાયદાના ક્ષેત્રોમાં ત્રણ એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ઇજિપ્તના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી મુસ્તફા મદબૌલી અને અન્ય ઘણા વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ હાજર હતા. ભારત તરફથી EAM, NSA અને વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.