#MannKiBaat: PM Modi shares an interesting conversation he had with Lata Mangeshkar Ji ahead of her birthday
Not only 'delivery in', think about 'delivery out' also. Share your joy with those in need: PM #MannKiBaat
On this Diwali, let us organise public programmes to honour our daughters, let us celebrate their achievements: PM Modi #MannKiBaat #BharatKiLaxmi
#MannKiBaat: e-cigarettes became a fashion statement, banned to protect youth from it's ill effects, says PM
It is a matter of great joy for India that the Pope will declare Sister Mariam Thresia a saint on October 13: PM during #MannKiBaat
Let us shun single-use plastic as a tribute to Mahatma Gandhi: PM Modi during #MannKiBaat

        મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. સાથીઓ, આજે ‘મન કી બાત’માં દેશના તે મહાન વ્યક્તિત્વ વિશે હું વાત કરીશ. આપણે સહુ હિન્દુસ્તાનવાસીઓના દિલમાં તેમના પ્રત્યે બહુ સન્માન છે. તેમના પ્રત્યે આદર ન રાખતા હોય, સન્માન ન કરતા હોય તેવો ભાગ્યે જ કોઈ નાગરિક હશે. તેઓ વયમાં આપણા બધાથી બહુ મોટા છે અને દેશના અલગ-અલગ તબક્કામાં, અલગ-અલગ દૌરનાં તેઓ સાક્ષી છે. તેમને આપણે દીદી કહીએ છીએ – લતા દીદી. તેઓ આ 28 સપ્ટેમ્બરે 90 વર્ષનાં થઈ રહ્યાં છે. વિદેશ યાત્રા પર નીકળતા પહેલાં, મને દીદી સાથે ફોન પર વાત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. તે વાતચીત એવી જ હતી, જે બહુ વાત્સલ્ય સાથે, નાના ભાઈ, પોતાની મોટી બહેન સાથે વાત કરે છે. હું આ પ્રકારના વ્યક્તિગત સંવાદ વિશે ક્યારેય કહેતો નથી, પરંતુ આજે ઈચ્છું છું કે તમે પણ લતા દીદીની વાતો સાંભળો, તે વાતચીત સાંભળો. સાંભળો કે કેવી રીતે આયુષ્યના આ તબક્કામાં પણ લતા દીદી દેશની સાથે જોડાયેલી તમામ વાતો માટે ઉત્સુક છે, તત્પર છે અને જીવનનો સંતોષ પણ, ભારતની પ્રગતિમાં છે, બદલતા ભારતમાં છે, નવી ઊંચાઈઓ સ્પર્શી રહેલા ભારતમાં છે.

મોદી જીઃ લતા દીદી, પ્રણામ. હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.

લતા દીદી : પ્રણામ.

મોદીજી: મેં ફોન એટલા માટે  કર્યો કારણ કે આ વખતે આપના જન્મદિવસ પર…

લતાજી: હા હા

મોદીજી: હું હવાઈ જહાજમાં પ્રવાસ કરી રહ્યો છું.

લતાજી: અચ્છા

મોદીજી: તો મેં વિચાર્યું કે પહેલાં જ

લતાજી: હા હા

મોદીજી: આપને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ, વહેલી શુભેચ્છા આપી દઉં. આપનું સ્વાસ્થ્ય સારું રહે, આપના આશીર્વાદ અમારા પર રહે, બસ એ જ પ્રાર્થના અને આપને  પ્રણામ કરવા માટે, મેં અમેરિકા જતા પહેલાં જ આપને ફોન કરી દીધો.

લતાજી: આપનો ફોન આવશે તે સાંભળીને હું ઘણી બધી, એ થઈ ગઈ હતી. આપ જઈને પરત ક્યારે ફરશો?

મોદીજી: હું 28મીએ મોડી રાત્રે અને 29મીએ સવારે પાછો આવીશ અને ત્યારે તો આપનો જન્મદિન થઈ ગયો હશે.

લતાજી: અચ્છા, અચ્છા. જન્મદિન તો શું મનાવવાનો, અને બસ ઘરમાં જ બધા લોકો…

મોદીજી: દીદી, જુઓ મને તો…

લતાજી: આપના આશીર્વાદ મળે તો

મોદીજી: અરે, આપના આશીર્વાદ અમે માગીએ છીએ, આપ તો અમારાથી મોટા છો.

લતાજી: વયમાં મોટા તો ઘણા, કેટલાક લોકો હોય છે પરંતુ પોતાના કામથી જે મોટું હોય છે, તેમના આશીર્વાદ મળવો એ મોટી બાબત હોય છે.

મોદીજી: દીદી, તમે ઉંમરમાં તો બહુ મોટા છો અને કામમાં પણ મોટા છો અને આપે જે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે સાધના અને તપશ્ચર્યા કરીને મેળવી છે.

લતાજી: જી, હું તો વિચારું છું કે મારાં માતાપિતાના આશીર્વાદ છે અને શ્રોતાઓના આશીર્વાદ છે. હું કંઈ નથી.

મોદીજી: જી, આજ તો આપની નમ્રતા છે, તે આપણી નવી પેઢીના બધા માટે, તે બહુ મોટું શિક્ષણ છે. બહુ મોટી પ્રેરણા અમારા માટે છે કે આપે જીવનમાં આટલું બધું ક્લીયર કર્યા પછી પણ, આપનાં માતાપિતાના સંસ્કાર અને તે નમ્રતાને હંમેશાં પ્રાથમિકતા આપી છે.

લતાજી: જી.

મોદીજી: અને મને તો ખુશી છે કે જ્યારે આપ ગર્વથી કહો છો કે આપની માતા ગુજરાતી હતાં.

લતાજી: જી.

મોદીજી: અને હું જ્યારે પણ આપની પાસે આવ્યો

લતાજી: જી.

મોદીજી: આપે મને કંઈને કંઈ ગુજરાતી ખવડાવ્યું.

લતાજી: જી. આપ શું છો તે આપને પોતાને પણ ખબર નથી. હું જાણું છું કે આપના આવવાથી ભારતનું ચિત્ર બદલાઈ રહ્યું છે અને તે, મને તેનાથી બહુ જ આનંદ થાય છે. ઘણું સારું લાગે છે.

મોદીજી: બસ દીદી, આપના આશીર્વાદ રહે, સમગ્ર દેશ પર આપના આશીર્વાદ રહે, અને અમારા જેવા લોકો કંઈ ને કંઈ સારું કરતા રહે, મને આપે હંમેશાં પ્રેરણા આપી છે. આપનો પત્ર પણ મને મળતો રહે છે અને આપની કંઈ ને કંઈ ભેટ-સોગાદ પણ મને મળતી રહે છે તો આ આત્મીયતા, જે એક પારિવારિક સંબંધ છે તેનો એક વિશેષ આનંદ મને થાય છે.

લતાજી: જી જી. નહીં હું આપને બહુ તકલીફ આપવા માગતી નથી કારણકે હું જોઉં છું, જાણું છું કે આપ કેટલા વ્યસ્ત હો છો અને આપને કેટલું કામ હોય છે. શું-શું વિચારવું પડે છે. જ્યારે આપ જઈને આપની માતાના ચરણસ્પર્શ કરીને આવ્યા, જોયું તો મેં પણ કોઈને મોકલ્યા હતા તેમની પાસે અને તેમના આશીર્વાદ લીધા.

મોદીજી: હા. મારી બાને યાદ હતું અને તેમણે મને વાત કરી હતી.

લતાજી: જી.

મોદીજી: હા.

લતાજી: અને ટેલિફોન પર તેમણે મને આશીર્વાદ આપ્યા તો મને ઘણું સારું લાગ્યું.

મોદીજી: મારી બા ઘણી પ્રસન્ન હતી, આપના આ પ્રેમના કારણે.

લતાજી: જી. જી.

મોદીજી: અને હું આપનો બહુ આભારી છું કે આપ હંમેશાં મારી ચિંતા કરો છો. અને ફરી એક વાર હું આપને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.

લતાજી: જી.

મોદીજી: આ વખતે મુંબઈ આવ્યો હતો તો ઈચ્છા હતી કે પ્રત્યક્ષ મળવા આવી જઉં.

લતાજી: જી જી, જરૂર.

મોદીજી: પરંતુ સમયની એટલી વ્યસ્તતા હતી કે હું ન આવી શક્યો.

લતાજી: જી.

મોદીજી: પરંતુ હું બહુ જલદી આવીશ.

લતાજી: જી

મોદીજી: અને ઘરે આવીને કેટલીક ગુજરાતી વાનગીઓ આપના હાથેથી ખાઈશ.

લતાજી: જી, જરૂર જરૂર જરૂર. એ તો મારું સૌભાગ્ય હશે.

મોદીજી: પ્રણામ દીદી.

લતાજી: પ્રણામ.

મોદીજી: ખૂબ ખૂબ શુભકામનાઓ. આપને.

લતાજી: ખૂબ-ખૂબ પ્રણામ.

મોદીજી: પ્રણામ જી.

        મારા  પ્રિય દેશવાસીઓ, નવરાત્રિની સાથે જ, આજથી, તહેવારોનું વાતાવરણ ફરી એક વાર નવા ઉમંગ, નવી ઊર્જા, નવો ઉત્સાહ, નવા સંકલ્પથી ભરાઈ જશે. તહેવારોની મૌસમ છે ને. આગામી કેટલાંય સપ્તાહ સુધી દેશભરમાં તહેવારોની રોનક રહેશે. આપણે બધા, નવરાત્રિ મહોત્સવ, ગરબા, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી, ભાઈબીજ, છઠ પૂજા, અગણિત તહેવારો મનાવીશું. આપ સહુને, આવનારા તહેવારોની ખૂબ ખૂબ શુભકામનાઓ. તહેવારોમાં  પરિવારના બધા લોકો સાથે આવશે. ઘર ખુશીઓથી ભરાયેલું રહેશે. પરંતુ તમે જોયું હશે કે આપણી આસપાસ પણ ઘણાં બધા એવા લોકો છે જે આ તહેવારોની ખુશીઓથી વંચિત રહી જાય છે અને એટલે જ તો કહેવાય છે કે દીવા તળે અંધારું. કદાચ, આ કહેવત માત્ર શબ્દ નથી, આપણા બધા માટે, એક આદેશ છે, એક દર્શન છે, એક પ્રેરણા છે. વિચારો, એક તરફ કેટલાંક ઘર રોશનીથી ઝગમગી ઊઠે છે, તો બીજી તરફ, તેની સામે, આસપાસ કેટલાંક ઘરોમાં અંધારું છવાયેલું રહે છે. કેટલાંક ઘરોમાં મીઠાઈઓ બગડી જાય છે, તો કેટલાંક ઘરોમાં બાળકો મીઠાઈ માટે વલખાં મારે છે. ક્યાંક કબાટમાં કપડાં રાખવાની જગ્યા નથી હોતી, તો ક્યાંક તન ઢાંકવાની મથામણ ચાલતી હોય છે. શું તેને દીવા તળે અંધારું નહીં કહીએ? આ જ તો દીવા તળે અંધારું છે. આ તહેવારોનો અસલી આનંદ ત્યારે છે જ્યારે આ અંધારું હટે, આ અંધારું ઓછું થાય- ઉજાશ ફેલાય. આપણે, ત્યાં પણ ખુશીઓ વહેંચીએ જ્યાં અભાવ છે અને તે આપણો સ્વભાવ પણ બને. આપણાં ઘરોમાં મીઠાઈઓની, કપડાંની, ભેટોની, જ્યાં ડિલિવરી થાય તો એક પળ બીજાને આપવા માટે પણ વિચારીએ. ઓછોમાં ઓછું, આપણાં ઘરોમાં જે વસ્તુ વધુ પ્રમાણમાં છે, જેને આપણે કોઈ કામમાં નથી લેતા, આવી ચીજોને બીજામાં વહેંચીએ. અનેક શહેરોમાં, અનેક એનજીઓના યુવા સાથીઓનાં સ્ટાર્ટ અપ આવું કામ કરે છે. તેઓ લોકોના ઘરોમાંથી કપડાં, મીઠાઈઓ, ભોજ, બધું એકઠું કરીને જરૂરિયાતાર્થીઓને શોધી શોધીને તેમના સુધી પહોંચાડે છે અને ગુપચૂપ આ પ્રવૃત્તિ કરે છે. શું  આ વખતે, તહેવારોની આ મૌસમમાં પૂરી જાગૃતિ અને સંકલ્પ સાથે, આ દીવા તળે અંધારું મિટાવી શકીએ? અનેક ગરીબ પરિવારોના ચહેરા પર આવેલું સ્મિત, તહેવારો પર તમારી ખુશીઓને બે ગણી કરી દેશે, આપનો ચહેરો ઓર ચમકી ઉઠશે. આપનો દીવડો વધુ પ્રકાશમાન થઈ જશે. આપની દિવાળી વધુ ઉજળી થઈ જશે.

        મારા પ્રિય ભાઈઓ-બહેનો, દીપાવલીમાં સૌભાગ્ય અને સમૃદ્ધિના રૂપમાં લક્ષ્મીજીનું ઘરેઘરે આગમન થાય છે. પરંપરાગત રૂપમાં લક્ષ્મીજીનું સ્વાગત છે. શું આ વખતે આપણે નવી રીતે લક્ષ્મીજીનું સ્વાગત કરી શકીએ આપણી સંસ્કૃતિમાં દીકરીઓને લક્ષ્મીજી માનવામાં આવે છે કારણકે દીકરી સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. શું આ વખતે આપણે આપણા સમાજમાં, ગામડાંઓમાં, શહેરોમાં, દીકરીઓના સન્માનના કાર્યક્રમો રાખી શકીએ? સાર્વજનિક કાર્યક્રમો રાખી શકીએ? આપણી વચ્ચે અનેક એવી દીકરીઓ હશે જે પોતાની મહેનત અને લગનથી, પ્રતિભાથી પરિવારનું, સમાજનું, દેશનું નામ ઉજાળી રહી હશે. શું આ દિવાળી પર ભારતની આ લક્ષ્મીના સન્માનનો કાર્યક્રમ આપણે કરી શકીએ? આપણી આસપાસ અનેક દીકરીઓ, અનેક વહુઓ એવી હશે જે અસાધારણ કામ કરી રહી હશે. કોઈ ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરી રહી હશે. કોઈ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવામાં લાગેલી હશે, તો કોઈ ડૉક્ટર, ઍન્જિનિયર બનીને સમાજની સેવા કરી રહી હશે. વકીલ બનીને, કોઈને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી રહી હશે. આપણો સમાજ, આવી દીકરીઓની ઓળખ કરે, સન્માન કરે અને તેમના પર ગર્વ લે. તેમના સન્માનના કાર્યક્રમો દેશભરમાં થાય. એક કામ બીજું એ કરી શકીએ છીએ કે આ દીકરીઓની ઉપલબ્ધિઓ વિશે સૉશિયલ મિડિયામાં વધુમાં વધુ શૅર કરીએ અને # (હૅશટેગ) ઉપયોગ કરીએ #bharatkilaxmi (ભારત કી લક્ષ્મી). જેવી રીતે આપણે બધાએ મળીને એક મહાઅભિયાન ચલાવ્યું હતું સેલ્ફી વિથ ડૉટર અને તે દુનિયાભરમાં ફેલાઈ ગયું હતું તે રીતે આ વખતે આપણે અભિયાન ચલાવીએ- ભારત કી લક્ષ્મી. ભારતની લક્ષ્મીના પ્રોત્સાહનનો અર્થ છે દેશ અને દેશવાસીઓની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરવો.

        મારા પ્રિય દેશવાસીઓ, મેં પહેલાં પણ કહ્યું હતું કે 'મન કી બાત'નો એક મોટો લાભ એ છે કે મને અનેક જાણ્યા-અજાણ્યા લોકો સાથે પ્રત્યક્ષ-પરોક્ષ સંવાદ કરવાનું સૌભાગ્ય મળી જાય છે. ગત દિવસો દૂર-સુદૂર અરુણાચલના એક વિદ્યાર્થિની અલીના તાયંગે મને બહુ રસપ્રદ પત્ર મોકલ્યો છે. અને તેમાં લખ્યું છે, હું પત્ર વાંચી રહ્યો છું, તમારી સામે…

“આદરણીય પ્રધાનમંત્રીજી,

        મારું નામ અલીના તાયંગ છે. હું રોઇંગ, અરુણાચલ પ્રદેશથી છું. આ વખતે જ્યારે મારી પરીક્ષાનું પરિણામ આવ્યું તો મને કેટલાક લોકોએ પૂછ્યું કે તેં એક્ઝામ વૉરિયર્સ પુસ્તક વાંચ્યું? આ પુસ્તક તો મેં નથી વાંચ્યું.  પરંતુ પાછા આવીને મેં આ પુસ્તક વાંચ્યું અને તેને બે-ત્રણ વાર વાંચ્યું. તેના વિશે મારો અનુભવ ઘણો સારો રહ્યો. મને લાગ્યું કે જો મેં આ પુસ્તક પરીક્ષા પહેલાં વાંચ્યું હોત, તો મને ઘણો લાભ મળ્યો હોત. મને આ પુસ્તકનાં અનેક પાસાં ઘણાં સારાં લાગ્યાં. પરંતુ મેં એ પણ ચીજો જોઈ કે વિદ્યાર્થીઓ માટે તો ઘણા સારા મંત્ર છે, પરંતુ માતાપિતા અને શિક્ષકો માટે તો આ પુસ્તકમાં વધુ કંઈ નથી. હું ઈચ્છીશ કે જો તમે આ પુસ્તકની નવી આવૃત્તિ વિશે કંઈક વિચારી રહ્યા હો તો તેમાં માતાપિતા અને શિક્ષકો માટે કંઈક વધુ મંત્ર, કંઈક વધુ સામગ્રી જરૂર જોડજો.”

        જુઓ, મારા યુવા સાથીઓને પણ ભરોસો છે કે દેશના પ્રધાનસેવકને કામ કહેશો તો તે થઈ જશે.

        મારા નાનકડા વિદ્યાર્થી મિત્ર, પહેલા તો આ પત્ર લખવા માટે આપનો ધન્યવાદ. એક્ઝામ વૉરિયર્સ 2-3 વાર વાંચવા માટે ધન્યવાદ. અને વાંચતી વખતે, તેમાં શું ખામી છે તે પણ મને કહેવા માટે ઘણો ધન્યવાદ અને સાથે-સાથે મારા આ નાનકડા મિત્રએ મને કામ પણ સોંપી દીધું છે. કંઈક કરવાનો આદેશ આપી દીધો છે. હું જરૂર તમારા આદેશનું પાલન કરીશ. તમે જે કહ્યું છે કે જો હું નવી આવૃત્તિ માટે સમય કાઢી શકું તો જરૂર તેમાં હું માતાપિતા માટે, શિક્ષકો માટે કંઈક વાતો લખવાનો પ્રયાસ કરીશ. પરંતુ હું તમને બધાને આગ્રહ કરીશ કે શું તમે લોકો મને મદદ કરી શકો છો? રોજબરોજની જિંદગીમાં, તમે શું અનુભવ કરો છો? દેશના બધા વિદ્યાર્થીઓને, શિક્ષકોને, માતાપિતાને મારો આગ્રહ છે કે તમે તણાવરહિત પરીક્ષા સાથે જોડાયેલાં પાસાંઓ વિશે તમારો અનુભવ મને કહો. તમારાં સૂચનો આપો. હું જરૂર તેનું અધ્યયન કરીશ. તેના પર વિચારીશ અને તેમાંથી મને જે કંઈ ઠીક લાગશે તેને પણ હું મારા પોતાના શબ્દોમાં, મારી રીતે જરૂર લખવાનો પ્રયાસ કરીશ અને બની શકે છે કે જો તમારાં સૂચનો વધુ આવશે તો મારી નવી આવૃત્તિ નક્કી છપાશે જ. તો હું રાહ જોઈશ તમારા વિચારોની. અરુણાચલના આપણા નાના મિત્ર, વિદ્યાર્થી અલીના તાયંગનો ફરી એક વાર આભાર વ્યક્ત કરું છું.

        મારા પ્રિય દેશવાસીઓ, તમે સમાચારપત્રોના માધ્યમથી, ટીવીના માધ્યમથી દેશના પ્રધાનમંત્રીના વ્યસ્ત કાર્યક્રમોના વિષયમાં જાણો પણ છો, વ્યસ્તતાની ચર્ચા પણ કરો છો. પરંતુ તમને ખબર છે ને કે હું પણ તમારી જેમ જ એક સામાન્ય માનવી છું. એક સામાન્ય નાગરિક છું અને આથી એક સામાન્ય જિંદગીમાં જે જે ચીજોનો પ્રભાવ થાય છે તેવો પ્રભાવ મારા જીવનમાં મારા મન પર પણ થાય છે કારણકે હું પણ તમારી વચ્ચેથી જ આવ્યો છું ને. જુઓ, આ વખતે યુએસ ઑપનમાં, જીતની, જેટલી ચર્ચા હતી, તેટલી જ રનર અપ Daniil Medvedevના વક્તવ્યની પણ હતી. સૉશિયલ મિડિયા પર ઘણું ચાલી રહ્યું હતું. તો પછી મેં પણ તે વક્તવ્ય સાંભળ્યું અને મૅચ પણ જોઈ. 23 વર્ષના Daniil Medvedev, તેમની સાદગી અને તેમની પરિપક્વતા, બધાને પ્રભાવિત કરનારાં હતાં. હું તો ઘણો પ્રભાવિત થયો. આ વક્તવ્યની બસ થોડા સમય પહેલાં જ તેઓ 19 વાર ગ્રાન્ડ સ્લેમના વિજેતા અને ટૅનિસના દંતકથારૂપ રાફેલ નાડાલથી ફાઇનલમાં હારીને આવ્યા હતા. આ અવસર પર કોઈ બીજું હોત તો તે ઉદાસ અને નિરાશ થઈ ગયું હોત, પરંતુ તેમનો ચહેરો કરમાયો નહીં, પરંતુ તેમણે, પોતાની વાતોથી, બધાના ચહેરા પર સ્મિત લાવી દીધું. તેમની વિનમ્રતા, સરળતા અને સાચા અર્થમાં ખેલદિલીની ભાવનાનું જે રૂપ જોવા મળ્યું તેના બધા પ્રશંસક થઈ ગયા. તેમની વાતોનું ત્યાં હાજર દર્શકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. Daniil એ વિજેતા નાડાલની પણ ખૂબ જ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કઈ રીતે નાડાલે લાખો યુવાઓને ટૅનિસ માટે પ્રેરિત કર્યા છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે તેમની સાથે રમવું કેટલું પડકારજનક હતું. અઘરા પડકારમાં હાર પછી પણ તેમણે પોતાના પ્રતિદ્વંદી નાડાલની ખૂબ જ પ્રશંસા કરીને ખેલદિલીનો જીવતો જાગતો પુરાવો આપી દીધો. જોકે બીજી તરફ વિજેતા નાડાલે પણ Daniilની રમતની ખૂબ જ પ્રશંસા કરી. એક જ મેચમાં હારનારાનું જોશ અને જીતનારાની વિનમ્રતા બંને જોવાલાયક હતી. જો તમે Daniil Medvedevનું વક્તવ્ય ન સાંભળ્યું હોય તો હું તમને બધાને, વિશેષ રૂપે યુવાઓને કહીશ કે તેનો આ વિડિયો જરૂર જુઓ. તેમાં દરેક વર્ગ અને દરેક ઉંમરના લોકોને શીખવા માટે ઘણું બધું છે. આ એ ક્ષણ હોય છે જે હાર-જીતની ઉપર હ ય છે. હાર-જીતનું કોઈ મહત્ત્વ નથી હોતું. જિંદગી જીતી જાય છે અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં ઘણી સારી ઢબે આ વાતને કહેવાઈ છે. આપણા પૂર્વજોની વિચારસરણી ખરેખર પ્રશંસનીય છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે :

विद्या विनय उपेता हरति

 चेतांसी कस्य मनुजस्य

मणि कांचन संयोग:

जनयति लोकस्य लोचन आनन्दम

અર્થાત્, જ્યારે કોઈ વ્યક્તિમાં યોગ્યતા અને વિનમ્રતા એક સાથે સમાહિત થઈ જાય તો પછી તે કોનું હૃદય ન જીતી શકે? વાસ્તવમાં, આ યુવા ખેલાડીએ દુનિયાભરના લોકોનું હૃદય જીતી લીધું છે.

        મારા પ્રિય દેશવાસીઓ, અને ખાસ કરીને મારા યુવાન મિત્રો, હું હવે જે વાત કરવા જઈ રહ્યો છું, તે સીધીસીધી તમારી ભલાઈ માટે કરી રહ્યો છું. વાદ-વિવાદ ચાલતા રહેશે, પક્ષ-વિપક્ષ ચાલતો રહેશે, પરંતુ કેટલીક ચીજો જો વધતા પહેલાં જ રોકી લેવામાં આવે તો બહુ મોટો લાભ થાય છે. જે ચીજો બહુ વધી જાય છે, બહુ ફેલાઈ જાય છે, તેને બાદમાં રોકવી ઘણી અઘરી પડે છે. પરંતુ જો શરૂઆતમાં જ આપણે જાગૃત થઈને તેને રોકી લઈએ તો ઘણું બધું બચાવી શકાય છે. મારું મન કહે છે કે  આ ભાવથી, આજે ખાસ કરીને યુવાન મિત્રોને જરૂર કેટલીક વાતો કરું. આપણે બધા જાણીએ છીએ કે તમાકુનો નશો આરોગ્ય માટે ઘણો નુકસાનદાયક હોય છે અને તેની લત છોડવી પણ ઘણી મુશ્કેલ થઈ જાય છે. તમાકુ ખાનારા લોકોને કેન્સર, ડાયાબિટિસ, બ્લડ પ્રૅશર જેવી બીમારીઓનો ખતરો ઘણો બધો વધી જાય છે. આવું દરેક કહે છે. તમાકુનો નશો તેમાં હાજર નિકૉટિનના કારણે હોય છે. કિશોરાવસ્થામાં તેના સેવનથી મગજનો વિકાસ પણ પ્રભાવિત થાય છે. પરંતુ આજે હું, તમારી સાથે એક નવા વિષય પર વાત કરવા માગું છું. તમને ખબર હશે જ કે હાલમાં જ ભારતમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાન્ય સિગરેટથી અલગ ઇ-સિગારેટ એક પ્રકારનું ઇલેક્ટ્રૉનિક ઉપકરણ હોય છે. ઇ-સિગારેટમાં નિકૉટિનયુક્ત પ્રવાહી પદાર્થોને ગરમ કરીને એક પ્રકારનો રાસાયણિક ધૂમાડો બને છે. તેના માધ્યમથી નિકૉટિનનું સેવન કરવામાં આવે છે. સામાન્ય સિગારેટના ખતરાને આપણે બહુ સારી રીતે સમજીએ છીએ, પરંતુ ઇ-સિગારેટ વિશે એક ખોટી ધારણા જન્માવામાં આવી છે. એવી ભ્રાન્તિ ફેલાવવામાં આવી છે કે ઇ-સિગારેટથી કોઈ ખતરો નથી. બાકી સિગારેટની જેમ તેનાથી દુર્ગંધ ન ફેલાય તે માટે તેમાં સુગંધિત રસાયણ સુદ્ધાં મેળવવામાં આવતાં હતાં. આપણે આસપાસ જોયું છે કે જો ઘરમાં પિતા ચૅઇન સ્મૉકર હોય તો પણ તેઓ ઘરના બાકીના લોકોને ધૂમ્રપાન કરતા રોકે છે, ટોકે છે. અને ઈચ્છે છે કે તેમનાં બાળકોને સિગરેટ-બીડીની ટેવ ન પડે. તેમની એવી કોશિશ હોય છે કે પરિવારનો કોઈ પણ સભ્ય ધૂમ્રપાન ન કરે, સ્મૉકિંગ ન કરે. તેઓ જાણે છે કે ધૂમ્રપાનથી, તમાકુથી શરીરને ભારે નુકસાન થાય છે. સિગરેટના ખતરા વિશે કોઈ પણ પ્રકારનો ભ્રમ નથી. તેનાથી નુકસાન થાય છે. તે વેચનાર પણ જાણે છે. પીનારો પણ જાણે છે અને જોનારો પણ જાણે છે. પરંતુ ઇ-સિગારેટનો મામલો ઘણો જ અલગ છે. ઇ-સિગારેટ વિશે લોકોમાં આટલી જાગૃતિ નથી. તેઓ તેના ખતરા વિશે પણ પૂરી રીતે અજાણ છે અને તેના કારણે ક્યારેક-ક્યારેક કુતૂહલમાં ઇ-સિગારેટ ચૂપચાપ ઘરમાં પ્રવેશ કરી જાય છે અને ક્યારેક તો જાદુ દેખાડી રહ્યો છું તેમ કરીને પણ બાળકો એકબીજાને દેખાડતા રહે છે. પરિવારમાં મા-બાપ સામે પણ જુઓ, હું આજે નવો જાદુ દેખાડું છું. જુઓ, મારા મોઢામાંથી હું ધૂમાડો કાઢું છું. જુઓ, વગર આગ લગાડે, વગર દીવાસળી સળગાવે, જુઓ હું ધૂમાડો કાઢું છું. જાણે કોઈ જાદુનો ટીવી શૉ દેખાડી રહ્યો હોય અને પરિવારના લોકો તાળી પણ પાડી દે છે. ખબર જ નથી. એક વાર જેમ ઘરના કિશોર અને યુવાનો તેની ચુંગાલમાં ફસાઈ ગયા તો પછી ધીરેધીરે તેઓ આ નશાના વ્યસની થઈ જાય છે. આ ખરાબ લતના શિકાર બની જાય છે. આપણું યુવાન ધન બરબાદીના રસ્તા પર ચાલી નીકળે છે. અજાણ્યામાં ચાલી નીકળે છે. વાસ્તવમાં ઇ-સિગારેટમાં અનેક હાનિકારક રસાયણો મેળવવામાં આવે છે, જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તમે જાણો જ છો કે જ્યારે કોઈ આપણી આસપાસ ધૂમ્રપાન કરે છે તો આપણને તેની ખબર ગંધથી પડી જાય છે. તેના ખિસ્સામાં સિગારેટનું પેકેટ હોય ત્યારે પણ ગંધથી ખબર પડી જાય છે. પરંતુ ઇ-સિગારટેની સાથે આવી વાત નથી. આવામાં, અનેક કિશોર અને યુવાનો જાણે-અજાણે અને ક્યારેક ફૅશન સ્ટેટમેન્ટના રૂપમાં ઘણા ગર્વની સાથે પોતાનાં પુસ્તકોની વચ્ચે, પોતાના દફ્તરમાં, પોતાના ખિસ્સામાં, ક્યારેકક્યારેક પોતાના હાથમાં લઈને ફરતા દેખાઈ રહ્યા છે અને તેઓ તેના શિકાર થઈ જાય છે. યુવાન પેઢી દેશનું ભવિષ્ય છે. ઇ-સિગારેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેથી નશાની આ નવી રીત આપણા યુવાન દેશને બરબાદ ન કરી નાખે. દરેક પરિવારનાં સપનાં કચડી ન નાખે. બાળકોની જિંદગી બરબાદ ન થઈ જાય. આ બીમારી, આ ટેવ સમાજમાં મૂળિયાં ન જમાવી દે.

        હું તમને સહુને આગ્રહ કરું છું કે તમાકુના વ્યસનને છોડી દો અને ઇ-સિગારેટના સંબંધમાં કોઈ ગેરસમજ ન રાખો. આવો આપણે બધા મળીને એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ.

        હા, તમને Fit India યાદ છે ને? ફિટ ઇન્ડિયાનો અર્થ એવો થોડો છે કે હાથ-પગ…સવાર સાંજ બે-બે કલાક આપણે જિમ ચાલ્યા જઈએ તો થઈ જશે. આ બધાથી પણ બચવાનું હોય છે ફિટ ઇન્ડિયા માટે. મને વિશ્વાસ છે કે મારી વાત તમને ખરાબ નહીં લાગે. જરૂર સારી લાગશે.

        મારા પ્રિય ભાઈઓ-બહેનો, આપણા બધા માટે આ સૌભાગ્યની વાત છે કે આપણા ભારતવર્ષ એવા અસાધારણ લોકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે જેણે પોતાના માટે નહીં, પરંતુ બીજાની ભલાઈ માટે પોતાનું આખું જીવન સમર્પી દીધું છે.

        આ આપણી ભારતમાતા, આ આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. અનેક માનવરત્ન આ ધરતીમાંથી નીકળે છે. ભારતવર્ષ એવા અસાધારણ લોકોની જન્મભૂમિ, કર્મભૂમિ રહ્યું છે. અને આ એ લોકો છે જેમણે પોતાના માટે નહીં, બીજાના માટે, પોતાને સમર્પી દીધા છે. આવી જ એક મહાન વિભૂતિને 13 ઑક્ટોબરે વેટિકન સિટીમાં સન્માનિત કરાઈ રહ્યા છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે પૉપ ફ્રાન્સિસ આવનારી 13 ઑક્ટોબરે મરિયમ થ્રેસિયાને સંત ઘોષિત કરશે. સિસ્ટર મરિયમ થ્રેસિસે 50 વર્ષના પોતાના નાનકડા જીવનકાળમાં જ માનવતાની ભલાઈ માટે જે કાર્ય કર્યાં, તે સમગ્ર દુનિયા માટે ઉદાહરણરૂપ છે. સમાજસેવા અને શિક્ષાના ક્ષેત્ર સાથે તેમનો અદ્ભુત લગાવ હતો. તેમણે અનેક શાળાઓ, હૉસ્ટેલ અને અનાથાલય બનાવ્યાં અને જીવનપર્યંત આ મિશનમાં લાગેલાં રહ્યાં. સિસ્ટર થ્રેસિયાએ જે પણ કાર્ય કર્યું તેને નિષ્ઠા અને લગન સાથે, પૂરા સમર્પણ ભાવથી પૂરું કર્યું. તેમણે Congregation of the sisters of the holy familyની સ્થાપના કરી. જે આજે પણ તેમના જીવનદર્શન અને મિશનને આગળ વધારી રહ્યું છે. હું ફરી એક વાર સિસ્ટર મરિયમ થ્રેસિયાને શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું અને ભારતના લોકોને ખાસ કરીને આપણા ખ્રિસ્તી ભાઈઓ-બહેનોને આ ઉપલબ્ધિ માટે ઘણા બધા અભિનંદન આપું છું.

        મારા પ્રિય દેશવાસીઓ, ભારત જ નહીં, આજે પૂરી દુનિયા માટે એ ગર્વનો વિષય છે કે આજે જ્યારે આપણે ગાંધી 150 મનાવી રહ્યા છીએ, તો તેની સાથે જ 130 કરોડ દેશવાસીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. પર્યાવરણ સંરક્ષણની દિશામાં, ભારતે પૂરા વિશ્વમાં જે રીતનું નેતૃત્વ કર્યું છે, તેને જોઈને આજે બધા દેશોની નજર ભારત પર મંડાયેલી છે. મને પૂરો વિશ્વાસ છે કે તમે બધા 2 ઑક્ટોબરે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ માટે થનારા અભિયાનનો હિસ્સો બનશો જ. ઠેકઠેકાણે લોકો પોતપોતાની રીતે આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. પરંતુ આપણા જ દેશના એક નવયુવાને એક ઘણું અનોખું અભિયાન ચલાવ્યું છે. તેમના આ કામ પર મારું ધ્યાન ગયું તો મેં તેમની સાથે ફોન પર વાત કરીને તેના આ નવા પ્રયોગને જાણવા-સમજવાનો પ્રયાસ કર્યો. બની શકે છે કે તેમની આ વાતો દેશના બીજા લોકોને પણ કામમાં આવે. શ્રીમાન રિપુદમન બેલવીજી એક સારો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ plogging કરે છે. જ્યારે પહેલી વાર મેં plogging શબ્દ સાંભળ્યો તો મારા માટે પણ નવો હતો. વિદેશોમાં તો કદાચ તે શબ્દ કેટલીક માત્રામાં ઉપયોગ થયો છે. પરંતુ ભારતમાં, રિપુદમન બેલ્વીજીએ આને બહુ જ પ્રચારિત કર્યો છે. આવો, તેમની સાથે કેટલીક વાતો કરીએ.

મોદીજી: હેલ્લો રિપુદમનજી, નમસ્કાર. હું નરેન્દ્ર મોદી બોલી રહ્યો છું.

રિપુદમન: જી સર, ખૂબ જ આભાર સાહેબ.

મોદીજી: રિપુદમનજી.

રિપુદમન: હા જી, સાહેબ.

મોદીજી: તમે આ જે Plogging અંગે આટલા સમર્પણભાવથી કામ કરી રહ્યા છો…

રિપુદમન: જી સાહેબ.

મોદીજી: તો મારા મનમાં જિજ્ઞાસા હતી તો મેં વિચાર્યું કે હું પોતે જ ફોન કરીને તમને પૂછું.

રિપુદમન: ઓકે.

મોદીજી: આ વિચાર તમારા મનમાં ક્યાંથી આવ્યો?

રિપુદમન: હા જી સાહેબ.

મોદીજી: આ શબ્દ, આ રીત કેવી રીતે મનમાં આવી?

રિપુદમન: સાહેબ, યુવાનાને આજે કંઈક Cool જોઈએ, કંઈક Interesting જોઈએ, તેમને પ્રેરિત કરવા માટે, તો હું તો પ્રેરિત થઈ ગયો. જો મારે 130 કરોડ ભારતીયોને આ અભિયાન સાથે જોડવા હોય તો મારે કંઈક Cool કરવું પડે, કંઈક રસપ્રદ કરવું પડે, તો હું પોતે એક દોડવીર છું, સવારે જ્યારે આપણે દોડવા જઈએ છીએ તો ટ્રાફિક ઓછો હોય છે. લોકો ઓછા હોય છે તો કચરો અને પ્લાસ્ટિક સૌથી વધુ દેખાય છે તો instead of cribbing and complaining મેં વિચાર્યું કે તેના વિશે કંઈક કરીએ અને પોતાના રનિંગ ગ્રૂપ સાથે સ્ટાર્ટ કર્યું દિલ્લીમાં અને પછી સમગ્ર ભારતમાં તેને લઈને ગયો. દરેક જગ્યાએથી સારો આવકાર મળ્યો…

મોદીજી: ઍક્ઝેટલી તમે શું કરતા હતા? થોડું સમજાવો જેથી મને પણ ધ્યાનમાં આવે અને 'મન કી બાત'ના માધ્યમથી દેશવાસીઓને પણ ખબર પડે.

રિપુદમન: સાહેબ, તો અમે એ સ્ટાર્ટ કર્યું ‘Run and clean up movement’. જ્યાં પણ અમે running groupsને તેના work out પછી, તેમની cool down activityમાં અમે કહ્યું, તમે કચરો ઉઠાવવાનું શરૂ કરો, પ્લાસ્ટિક ઉપાડવાનું શરૂ કરો, તો તમે દોડવાની સાથોસાથ સફાઈ પણ કરી રહ્યા છો. એકાએક ઘણો વ્યાયામ ઉમેરાય છે. તો તમે માત્ર running નથી કરતા અને ઉઠકબેઠક કરી રહ્યા છો, deep squats કરી રહ્યા છો, તમે lunges કરી રહ્યા છો, તમે આગળ ઝૂકી (forward bent કરી) રહ્યા છો. તો આ એક સંપૂર્ણ કસરત (holistic work out) થઈ ગઈ. અને આપને જાણીને આનંદ થશે કે ગયા વર્ષે ઘણાં બધા fitness સામયિકોમાં indiaના top fitness trendમાં આ આનંદને નામાંકિત કરાયો છે…

મોદીજી: તમને અભિનંદન આ વાત માટે.

રિપુદમન: ધન્યવાદ સાહેબ.

મોદીજી: તો અત્યારે તમે 5 સપ્ટેમ્બરથી કોચીથી શરૂ કર્યું છે?

રિપુદમનઃ જી સાહેબ, આ મિશનનું નામ છે ‘R I Elan Run to make India Litter Free’. જેવી રીતે આપે 2 ઑક્ટોબરને એક ઐતિહાસિક ચુકાદો આપવાનો છે અને મને ખાતરી છે કે કચરા મુક્ત થશે તો પ્લાસ્ટિક મુક્ત પણ થશે અને તે એક વ્યક્તિગત જવાબદારી આવશે અને તેથી I am running and cleaning up thousand kilometres covering 50 cities.

તો બધાએ કહ્યું કે કદાચ તે દુનિયાની સૌથી લાંબી સ્વચ્છતા ઝુંબેશ હશે અને તેની સાથોસાથ આપણે એક બહુ જ કૂલ સાહેબ, સૉશિયલ મિડિયા # હૅશટેગ વાપર્યો છે. આપણે #PlasticUpvaas જ્યાં આપણે લોકોને કહી રહ્યા છીએ કે તમે અમને કહો, તમે કઈ સિંગલ ચીજ છે, કોઈ પણ સિંગલ યુઝ..માત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક જ નહીં પરંતુ સિંગલ યુઝવાળી કોઈ પણ ચીજ જે તમે તમારા જીવનમાંથી સંપૂર્ણપણે હટાવી દેશો.

મોદીજી: વાહ…તમે 5 સપ્ટેમ્બરથી નીકળ્યા છો તો શું અનુભવ રહ્યો તમારો અત્યાર સુધીનો?

રિપુદમન: સાહેબ, અત્યાર સુધી તો ઘણો સારો અનુભવ રહ્યો છે. ગયાં બે વર્ષમાં પણ અમે 300 આસપાસ plogging drives સમગ્ર ભારતમાં કરી છે, તો જ્યારે અમે કોચીથી શરૂઆત કરી તો દોડનારાં જૂથો જોડાયાં, ત્યાંના જે સ્થાનિક સફાઇ કરવાવાળા હોય છે તેમને મેં સાથે જોડ્યા. કોચી પછી મદુરાઈ, કોઇમ્બતુર, સાલેમ, હમણાં અમે ઉડુપીમાં કર્યું. ત્યાં એક શાળાનું આમંત્રણ આવ્યું તો નાનાંનાનાં બાળકો, સાહેબ, ત્રીજા ધોરણથી લઈને છઠ્ઠા ધોરણ સુધી, તેમને એક કાર્યશાળા માટે બોલાવ્યા હતા. મને. અડધા કલાક માટે અને તે અડધા કલાકની કાર્યશાળા ત્રણ કલાકની plogging drive બની ગઈ. સાહેબ, કારણકે બાળકો એટલા ઉત્સાહિત હતા કે તેઓ આ કરવા માગતા હતા અને તેઓ તેને પાછું કરવા માગતા હતા અને પોતાનાં માબાપને બતાવવું, પોતાના પડોશીઓને બતાવવું, પોતાના મિત્રોને બતાવવું, સૌથી મોટું પ્રેરણાદાયક હોય છે આપણા માટે તેને આગળના સ્તર પર લઈ જવું.

મોદીજીઃ રિપુજી, પરિશ્રમ નથી આ, એક સાધના છે. સાચે જ તમે સાધના કરી રહ્યા છો.

રિપુદમન: જી સાહેબ.

મોદીજી: મારી તરફથી ઘણા અભિનંદન આપું છું, પરંતુ માનો કે તમારે ત્રણ વાતો દેશવાસીઓને કહેવાની છે તો એવી કઈ ત્રણ વાતો ચોક્કસ શું સંદેશ આપવા માગશો તમે?

રિપુદમનઃ હું ખરેખર ત્રણ પગલાં આપવામાં માગીશ. ભારતને ગંદકીથી મુક્ત કરવા, કુડા મુક્ત ભારત માટે. પહેલું પગલું, કચરો કચરાપેટીમાં જ નાખો. બીજું પગલું, જો તમને કોઈ કચરો દેખાય જમીન પર તો તેને ઉઠાવો અને કચરાપેટીમાં નાખો. ત્રીજું પગલું. જો કચરા પેટી ન દેખાય તો પોતાના ખિસ્સામાં રાખો અથવા પોતાની ગાડીમાં રાખીને ઘરે લઈ જાવ. સૂકા અને ભીના કચરામાં અલગ પાડો અને સવારે મહાનગરપાલિકાની ગાડી આવે તેને આપી દો. જો આપણે આ ત્રણ પગલાંને અનુસરીશું તો આપણે ગંદકીમુક્ત ભારત જોઈશું. આપણને કચરામુક્ત ભારત મળશે.

મોદીજી: જુઓ રિપુજી, ઘણા સરળ શબ્દો અને સામાન્ય માનવી કરી શકે તે ભાષામાં તમે એક રીતે ગાંધીજીનાં સપનાંને લઈને ચાલી રહ્યા છો. સાથોસાથ ગાંધીજીની જે સરળ શબ્દોમાં વાત કરવાની પદ્ધતિ હતી તેને તમે અપનાવી લીધી છે.

રિપુદમન: ધન્યવાદ.

મોદીજી: તેથી તમે અભિનંદનને પાત્ર છો રિપુદમનજી, તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું અને તેમણે એક ખૂબ જ નવીન રીતે અને ખાસ કરીને નવયુવાનોને પસંદ આવે તે રીતે આ આખા કાર્યક્રમને બનાવ્યો છે.

હું તેમને ખૂબ જ અભિનંદન આપું છું અને સાથીઓ, આ વખતે પૂજ્ય બાપુની જયંતીના અવસર પર રમતગમત મંત્રાલય પણ ‘Fit India Plogging Run’ નું આયોજન કરવા જઈ રહ્યું છે. બે ઑક્ટોબરે બે કિલોમીટર plogging, પૂરા દેશભરમાં આ કાર્યક્રમ થવાના છે. આ કાર્યક્રમ કેવી રીતે કરવા જોઈએ, કાર્યક્રમમાં શું થાય છે તે રિપુદમનજીના અનુભવથી આપણે સાંભળ્યું છે. બે ઑક્ટોબરથી શરૂ થનારા આ અભિયાનમાં આપણે બધાએ એ કરવાનું છે કે આપણે બે કિલોમીટર સુધી જૉગિંગ પણ કરીએ અને રસ્તામાં પડેલા પ્લાસ્ટિકના કચરાને એકઠો પણ કરીએ. તેનાથી આપણે ન માત્ર આપણા આરોગ્યનો ખ્યાલ રાખીશું પરંતુ ધરતી માના આરોગ્યની પણ રક્ષા કરી શકીશું. આ અભિયાનથી, લોકોમાં ફિટનેસ સાથે સ્વચ્છતા વિશે પણ જાગૃતિ વધી રહી છે.  મને વિશ્વાસ છે કે 130 કરોડ દેશવાસીઓ આ દિશાં એક પગલું ઉઠાવશે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થવાની દિશામાં આપણું ભારત 130 કરોડ પગલાં આગળ વધી જશે. રિપુદમનજીને, ફરી એક વાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને તેમને, તેમની ટીમને, આ નવી કલ્પના માટે, મારા તરફથી ઘણા બધા અભિનંદન. આભાર.

        મારા પ્રિય દેશવાસીઓ, 2 ઑક્ટોબરની તૈયારીઓ તો સમગ્ર દેશ અને દુનિયામાં ચાલી રહી છે, પરંતુ આપણે ‘ગાંધી 150’ને કર્તવ્યપથ પર લઈ જવા માગીએ છીએ. પોતાના જીવનને દેશહિતમાં બદલવા માટે આગળ વધવા માગીએ છીએ. એક વાત વહેલી યાદ કરાવવાની ઈચ્છા થાય છે. આમ તો, હું આગામી ‘મન કી બાત’માં તેને વિસ્તારથી જરૂર કરીશ પરંતુ આજે જરા અગાઉથી એટલા માટે કહી રહ્યો છું જેથી તમને તૈયારી કરવાનો અવસર મળે. તમને યાદ છે કે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું આપણું સહુનું સપનું છે અને આ નિમિત્તે, દર વર્ષે 31 ઑક્ટોબરે આપણે સમગ્ર દેશમાં ‘Run For Unity’ દેશની એકતા માટે દોડ. બાળકો, વૃદ્ધ, બધા લોકો, શાળા, કૉલેજ બધા, હજારોની સંખ્યામાં, હિન્દુસ્તાનનાં લાખો ગામોંમાં તે દિવસે દેશની એકતા માટે આપણે દોડવાનું છે. તો તમે અત્યારથી જ તૈયારી શરૂ કરી દો. વિસ્તારથી તો આગળ વાત જરૂર કરીશ પરંતુ અત્યારે સમય છે, કેટલાક લોકો અભ્યાસ પણ શરૂ કરી શકે છે, કંઈક યોજના પણ કરી શકે છે.

        મારા પ્રિય દેશવાસીઓ, તમને યાદ હશે કે 15 ઑગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2022 સુધી તમે ભારતનાં 15 સ્થાનો પર જાવ. ઓછામાં ઓછાં 15 સ્થાનો અને તે પણ બની શકે તો એક રાત, બે રાત રોકાવાનો કાર્યક્રમ બનાવો. તમે હિન્દુસ્તાનને જુઓ, સમજો, અનુભવ કરો. આપણી પાસે કેટલી વિવિધતાઓ છે, અને જ્યારે આ દિવાળીના તહેવારમાં રજાના દિવસો આવે છે, લોકો જરૂર જાય છે અને આથી હું ફરીથી આગ્રહ કરીશ કે તમે ભારતના કોઈ પણ એવાં 15 સ્થાનો પર ફરવા જરૂર જાવ.

        મારા પ્રિય દેશવાસીઓ, હમણાં પરમ દિવસે જ વિશ્વ પર્યટન દિવસ મનાવાયો અને દુનિયાની કેટલીક જવાબદાર સંસ્થાઓ પર્યટનને ક્રમ પણ આપે છે અને તમને જાણીને ખુશી થશે કે ભારતે પ્રવાસ અને પર્યટન સ્પર્ધા સૂચકાંક (Travel and Tourism competition index)માં ઘણો સુધાર કર્યો છે. અને તે બધું તમારા બધાના સહયોગના કારણે થયું છે. ખાસ કરીને પર્યટનનું મહત્ત્વ સમજવાના કારણે થયું છે. સ્વચ્છતા અભિયાનનું પણ તેમાં ઘણું મોટું યોગદાન છે. અને આ સુધાર કેટલો છે, હું કહું તમને? તમને જરૂર આનંદ થશે. આજે આપણો ક્રમ 34 છે અને પાંચ વર્ષ પહેલાં આપણો ક્રમ 65મો હતો એટલે એક રીતે આપણે ઘણો મોટો કૂદકો મારી દીધો છે.

        જો આપણે વધુ પ્રયત્ન કર્યા તો સ્વતંત્રતાનાં 75 વર્ષ આવતાં સુધીમાં આપણે પર્યટનમાં દુનિયાનાં પ્રમુખ સ્થાનોમાં પોતાની જગ્યા બનાવી લઈશું.

        મારા પ્રિય દેશવાસીઓ, તમને બધાને ફરી એક વાર વિવિધતાથી ભરેલા ભારતના વિવિધ તહેવારોની પણ ઘણી બધી શુભકામનાઓ. હા, એ પણ જરૂર જોજો કે દિવાળીના દિવસોમાં ફટાકડા વગેરેના કારણે ક્યાંય આગ, ક્યાંય કોઈ વ્યક્તિનું નુકસાન ન થઈ જાય. તેના માટે જે પણ સાવધાની રાખવી જોઈએ તે તમે જરૂર રાખજો. ખુશી પણ હોવી જોઈએ, આનંદ પણ હોવો જોઈએ, ઉત્સાહ પણ હોવો જોઈએ અને આપણા તહેવાર સામૂહિકતાની સુગંધ પણ લાવે છે, સામૂહિકતાના સંસ્કાર પણ લાવે છે. સામૂહિક જીવન જ એક નવું સામર્થ્ય આપે છે. આ નવા સામર્થ્યની સાધનાનો મુકામ હોય છે તહેવાર. આવો, મળીને ઉમંગથી, ઉત્સાહથી નવા સપના, નવા સંકલ્પની સાથે આપણે તહેવારોને પણ મનાવીએ. ફરી એક વાર ખૂબ-ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.