Sardar Patel and Birsa Munda shared the vision of national unity: PM Modi
Let’s pledge to make India a global animation powerhouse: PM Modi
Journey towards Aatmanirbhar Bharat has become a Jan Abhiyan: PM Modi
Stop, think and act: PM Modi on Digital arrest frauds
Many extraordinary people across the country are helping to preserve our cultural heritage: PM
Today, people around the world want to know more about India: PM Modi
Glad to see that people in India are becoming more aware of fitness: PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.

સાથીઓ, ભારતમાં દરેક યુગમાં કેટલાક પડકારો આવ્યા અને દરેક યુગમાં એવા અસાધારણ ભારતવાસી જન્મ્યા, જેમણે આ પડકારોનો સામનો કર્યો. આજે 'મન કી બાત'માં, હું, સાહસ અને દૂરદૃષ્ટિ રાખનારા આવા જ બે મહાનાયકોની ચર્ચા કરીશ. તેમની 150મી જયંતીને મનાવવાનો દેશે નિશ્ચય કર્યો છે. 31 ઑક્ટોબરે સરદાર પટેલની 150મી જયંતીનું વર્ષ શરૂ થશે. તે પછી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાનું 150મું જયંતી વર્ષ શરૂ થશે. આ બંને મહાપુરુષે અલગ-અલગ પડકારો જોયા, પરંતુ બંનેનું સપનું એક જ હતું- 'દેશની એકતા'.

સાથીઓ, વિતેલાં વર્ષોમાં દેશે આવા મહાન નાયક-નાયિકાઓની જયંતીને નવી ઊર્જા સાથે મનાવીને, નવી પેઢીને, નવી પ્રેરણા આપી છે. તમને સ્મરણ હશે કે જ્યારે આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી હતી, તો કેટલું બધું વિશેષ થયું હતું. ન્યૂ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી આફ્રિકાના નાનકડા ગામ સુધી, વિશ્વના લોકોએ ભારતના સત્ય અને અહિંસાના સંદેશને સમજ્યો, તેને ફરીથી જાણ્યો, તેને જીવ્યો. નવયુવાનોથી વૃદ્ધો સુધી, ભારતીયોથી વિદેશીઓ સુધી, દરેકે ગાંધીજીના ઉપદેશોને નવા સંદર્ભમાં સમજ્યા, નવી વૈશ્વિક પરિસ્થિતિઓના સંદર્ભમાં તેમને જાણ્યા. જ્યારે આપણે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતીને મનાવી તો દેશના નવયુવાનોએ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શક્તિઓને નવી પરિભાષામાં સમજી. આ યોજનાઓએ આપણને એ અનુભૂતિ કરાવી કે આપણા મહાપુરુષો અતીતમાં ખોવાઈ નથી જતા, પરંતુ તેમનું જીવન આપણા વર્તમાનને ભવિષ્યનો રસ્તો દેખાડે છે.

સાથીઓ, સરકારે ભલે આ મહાન વિભૂતિઓની 150મી જયંતીને રાષ્ટ્રીય સ્તર પર મનાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તમારી સહભાગિતા જ આ અભિયાનમાં પ્રાણ ભરશે, તેને જીવંત બનાવશે. હું આપ સહુને આગ્રહ કરીશ કે તમે આ અભિયાનના હિસ્સા બનો. લોખંડીપુરુષ સરદાર પટેલ સાથે જોડાયેલા તમારા વિચાર અને કાર્ય #Sardar150ની સાથે વહેંચો અને ધરતી-આબા બિરસા મુંડાની પ્રેરણાઓને #BirsaMunda150 સાથે દુનિયા સામે લાવો. આવો, એક સાથે મળીને આ ઉત્સવને ભારતની અનેકતામાં એકતાનો ઉત્સવ બનાવીએ, આને વિરાસતથી વિકાસનો ઉત્સવ બનાવીએ.

મારા પ્રિય દેશવાસીઓ, તમને એ દિવસ અવશ્ય યાદ હશે જ્યારે 'છોટા ભીમ' ટીવી પર આવવાનું શરૂ થયું હતું. બાળકો તો તેને ક્યારેય નહીં ભૂલી શકે, કેટલો રોમાંચ હતો 'છોટા ભીમ' અંગે. તમને આશ્ચર્ય થશે કે આજે 'ઢોલકપુર કા ઢોલ', માત્ર ભારતમાં જ નહીં, પરંતુ બીજા દેશનાં બાળકોને પણ ઘણું આકર્ષે છે. આ જ રીતે આપણી બીજી એનિમેટેડ શ્રેણીઓ, 'કૃષ્ણ', 'હનુમાન', 'મોટુ-પતલુ'ના ચાહનારા  પણ દુનિયાભરમાં છે. ભારતનાં એનિમેટેડ પાત્રો, અહીંની એનિમેટેડ ફિલ્મો પોતાની કથાસામગ્રી અને સર્જનાત્મકતાના કારણે દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહી છે. તમે જોયું હશે કે સ્માર્ટફૉનથી લઈને સિનેમા સ્ક્રીન સુધી, ગેમિંગ કૉન્સોલથી લઈને વર્ચ્યુઅલ રિયાલિટી સુધી, એનિમેશન દરેક સ્થળે છે. એનિમેશનની દુનિયામાં ભારત નવી ક્રાંતિ કરવાની રાહ પર છે. ભારતની ગેમિંગ સ્પેસનો પણ ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. Indian games પણ આજકાલ દુનિયાભરમાં લોકપ્રિય બની રહી છે. કેટલાક મહિના પહેલાં મેં ભારતના અગ્રણી gamers સાથે મુલાકાત કરી હતી ત્યારે મને ભારતીય રમતોની અદ્ભુત સર્જનાત્મકતા અને ગુણવત્તા જાણવા-સમજવાની તક મળી હતી. ખરેખર, દેશમાં સર્જનાત્મક ઊર્જાની એક લહેર ચાલી રહી છે. એનિમેશનની દુનિયામાં 'મેડ ઇન ઇન્ડિયા' અને 'મેડ બાય ઇન્ડિયન્સ' છવાયેલા છે. તમને એ જાણીને આનંદ થશે કે આજે ભારતની પ્રતિભા, વિદેશી પ્રૉડક્શનનો પણ મહત્ત્તવપૂર્ણ હિસ્સો બની રહી છે. અત્યારની 'સ્પાઇડરમેન' હોય કે 'ટ્રાન્સફૉર્મર્સ', આ બંને ફિલ્મોમાં હરિનારાયણ રાજીવના પ્રદાનને લોકોએ ખૂબ વખાણ્યું છે. ભારતના એનિમેશન સ્ટુડિયો, ડિઝની અને વૉર્નર બ્રધર્સ જેવી, દુનિયાની જાણીતી પ્રૉડક્શન કંપનીઓ સાથે કામ કરી રહી છે.

સાથીઓ, આજે આપણા યુવાનો મૌલિક ભારતીય કથાસામગ્રી, જેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોય છે, તેને તૈયાર કરી રહ્યા છે. તેને દુનિયાભરમાં જોવામાં આવી રહી છે. એનિમેશન વિભાગ આજે એક એવા ઉદ્યોગનું સ્વરૂપ લઈ ચૂક્યો છે, જે બીજા ઉદ્યોગોને શક્તિ આપી રહ્યો છે, જેમ કે, આજકાલ વીઆર ટુરિઝમ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. તમે વર્ચ્યુઅલ ટૂરના માધ્યમથી અજંતાની ગુફાઓને જોઈ શકો છો, કોણાર્ક મંદિરની પરસાળમાં ભ્રમણ કરી શકો છો, કે પછી, વારાણસીના ઘાટોનો આનંદ મેળવી શકો છો. આ બધું વીઆર એનિમેશન ભારતના સર્જકોએ તૈયાર કર્યું છે. વીઆરના માધ્યમથી આ સ્થળોને જોયા પછી અનેક લોકો વાસ્તવિકતામાં, આ પર્યટન સ્થળોનો પ્રવાસ કરવા માગે છે, એટલે કે પર્યટન સ્થળોની આભાસી યાત્રા, લોકોના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવાનું માધ્યમ બની ગઈ છે. આજે આ ક્ષેત્રમાં, એનિમેટર સાથે જ વાર્તા કહેનારા, લેખકો, વૉઇસ ઑવર નિષ્ણાતો, સંગીતકારો, રમત વિકસાવનારાઓ, વીઆર અને એઆર નિષ્ણાતોની માગ સતત વધતી જઈ રહી છે. આથી, હું ભારતના યુવાનોને કહીશ - તમારી સર્જનાત્મકતાનો વિસ્તાર કરો. કોને ખબર, દુનિયાની આગામી સુપર હિટ એનિમેશન તમારા કમ્પ્યૂટરમાંથી નીકળે. આગામી વાઇરલ ગેમ તમારું સર્જન હોઈ શકે છે. શૈક્ષણિક એનિમેશનમાં તમારું ઇન્નૉવેશન મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ 28 ઑક્ટોબરે એટલે કે કાલે 'વિશ્વ એનિમેશન દિવસ' પણ મનાવાશે. આવો, આપણે ભારતને વૈશ્વિક એનિમેશન ઊર્જા ગૃહ(Global Animation Powerhouse) બનાવવાનો સંકલ્પ કરીએ.

મારા પ્રિય દેશવાસીઓ, સ્વામી વિવેકાનંદે એક વાર સફળતાનો મંત્ર આપ્યો હતો. તેમનો મંત્ર હતો- ‘કોઈ એક વિચાર લો, તે એક વિચારને પોતાનું જીવન બનાવો, તેને વિચારો, તેનું સપનું જુઓ, તેને જીવવાનું શરૂ કરો.' આજે, આત્મનિર્ભર ભારત અભિયાન પણ સફળતાના આ મંત્ર પર ચાલી રહ્યું છે. આ અભિયાન આપણી સામૂહિક ચેતનાનો હિસ્સો બની ગયું છે. સતત, ડગલે ને પગલે આપણી પ્રેરણા બની ગયું છે. આત્મનિર્ભરતા આપણી નીતિ જ નહીં, આપણો જુસ્સો બની ગયું છે. બહુ વર્ષો નથી થયાં, માત્ર દસ વર્ષ પહેલાંની જ વાત છે, ત્યારે જો કોઈ કહેતું હતું કે કોઈ જટિલ ટૅક્નૉલૉજીને ભારતમાં વિકસિત કરવાની છે તો અનેક લોકોને વિશ્વાસ થતો નહોતો, તો અનેક લોકો ઉપહાસ કરતા હતા- પરંતુ આજે તે જ લોકો, દેશની સફળતાને જોઈને આશ્ચર્ય પામે છે. આત્મનિર્ભર થઈ રહેલું ભારત, દરેક ક્ષેત્રમાં ચમત્કાર કરી રહ્યું છે. તમે વિચારો, એક જમાનામાં મોબાઇલ ફૉન આયાત કરનારું ભારત, આજે વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે. ક્યારેક દુનિયામાં સૌથી વધુ સંરક્ષણ સાધનો ખરીદનારું ભારત, આજે, 85 દેશોમાં નિકાસ પણ કરી રહ્યું છે. અંતરીક્ષ ટૅક્નૉલૉજીમાં ભારત, આજે, ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવ પર પહોંચનારો પહેલો દેશ બની ગયો છે અને એક વાત તો મને સૌથી વધુ સારી લાગે છે, તે એ કે, આત્મનિર્ભરતાનું આ અભિયાન, હવે માત્ર સરકારી અભિયાન નથી, હવે આત્મનિર્ભર ભારત અભિયાન, એક જન અભિયાન બની રહ્યું છે - દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ. જેમ કે આ મહિને લદ્દાખના હાનલેમાં આપણે એશિયાની સૌથી મોટી 'ઇમેજિંગ ટેલિસ્કૉપ MACE'નું પણ ઉદ્ઘાટન કર્યું છે. તે 4,300 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. જાણો છો, તેની પણ વિશેષ વાત શું છે? તે 'મેડ ઇન ઇન્ડિયા' છે. વિચારો, જે સ્થાન પર, માઇનસ 30 ડિગ્રી ઠંડી પડી હોય, જ્યાં ઑક્સિજનનો પણ અભાવ હોય, ત્યાં આપણા વૈજ્ઞાનિકો અને સ્થાનિક ઉદ્યોગોએ તે કરીને દેખાડ્યું છે, જે એશિયાના કોઈ દેશે નથી કર્યું. હાનલેનું ટેલિસ્કૉપ ભલે દૂરની દુનિયા દેખી રહ્યું હોય, પરંતુ તે આપણને એક બીજી વસ્તુ પણ દેખાડી રહ્યું છે અને તે વસ્તુ છે- આત્મનિર્ભર ભારતનું સામર્થ્ય.

સાથીઓ, હું ઇચ્છું છું કે તમે પણ એક કામ અવશ્ય કરો. આત્મનિર્ભર થતા ભારતનાં વધુમાં વધુ ઉદાહરણ, આવા પ્રયાસોને, શૅર કરો. તમે, તમારા પડોશમાં કયું નવું ઇન્નૉવેશન જોયું, કયા સ્થાનિક સ્ટાર્ટ અપે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યાં, તે #AatmanirbharInnovation સાથે સૉશિયલ મીડિયા પર જાણકારીઓ સાથે લખો અને આત્મનિર્ભર ભારતનો ઉત્સવ મનાવો. તહેવારોની આ ઋતુમાં તો આપણે બધાં આત્મનિર્ભર ભારતના આ અભિયાનને વધુ મજબૂત કરીએ છીએ. આપણે 'વૉકલ ફૉર લૉકલ'ના મંત્ર સાથે આપણી ખરીદી કરીએ છીએ. આ નવું ભારત જ્યાં અસંભવ માત્ર એક પડકાર છે, જ્યાં મેક ઇન ઇન્ડિયા હવે મેક ફૉર વર્લ્ડ બની ગયું છે, જ્યાં દરેક નાગરિક એક ઇન્નૉવેટર છે, જ્યાં દરેક પડકાર એક તક છે. આપણે ન માત્ર ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે, પરંતુ આપણા દેશને ઇન્નૉવેશનના (Global Powerhouse)વૈશ્વિક ઊર્જા કેન્દ્રના રૂપમાં મજબૂત પણ કરવાનો છે.

મારા પ્રિય દેશવાસીઓ, હું તમને એક ઑડિયો સંભળાવું છું.

#(audio)#

ફ્રૉડ કૉલ કરનાર  1: હેલ્લો

પીડિત: સર નમસ્તે સર.

ફ્રૉડ કૉલ કરનાર  1 : નમસ્તે.

પીડિત: સર, બોલો, સર.

ફ્રૉડ કૉલ કરનાર  1: જુઓ, આ જે તમે એફઆઈઆર નંબર મને મોકલ્યો છે, તે નંબરની વિરુદ્ધ 17 ફરિયાદો છે અમારી પાસે, તમે આ નંબર ઉપયોગ કરી રહ્યા છો?

પીડિત: હું તે નથી વાપરતો, સર.

ફ્રૉડ કૉલ કરનાર  1: અત્યારે ક્યાંથી વાત કરી રહ્યા છો?

પીડિત: સર, કર્ણાટક સર. અત્યારે ઘરમાં છું.

ફ્રૉડ કૉલ કરનાર  1: ઓકે, ચાલો, તમે તમારું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવો, જેથી આ નંબર બ્લૉક કરી લેવામાં આવે. ભવિષ્યમાં તમને કોઈ પ્રૉબ્લેમ ન થાય. ઓકે?

પીડિત: હા, સર.

ફ્રૉડ કૉલ કરનાર  1: હવે હું તમને કનેક્ટ કરી રહ્યો છું, તે આપણા તપાસ કરનાર અધિકારી છે. તમે તમારું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવો, જેથી આ નંબર બ્લૉક કરી લેવામાં આવે. ઓકે.

પીડિત: હા સર.

ફ્રૉડ કૉલ કરનાર  1: હા જી, જણાવો, હું કોની સાથે વાત કરી રહ્યો છું? તમારું આધાર કાર્ડ મને બતાવજો. વેરિફાય કરવા માટે જણાવો.

પીડિત: સર, મારી પાસે નથી, સર, આધાર કાર્ડ સર, પ્લીઝ સર.

ફ્રૉડ કૉલ કરનાર  1: ફૉન, તમારા ફૉનમાં છે?

પીડિત: ના સર.

ફ્રૉડ કૉલ કરનાર  1: ફૉનમાં આધાર કાર્ડનો ફૉટો નથી તમારી પાસે?

પીડિત: ના સર.

ફ્રૉડ કૉલ કરનાર  1: નંબર યાદ છે તમને?

પીડિત: સર નથી, સર. નંબર પણ યાદ નથી, સર.

ફ્રૉડ કૉલ કરનાર 1: અમારે માત્ર વેરિફાય કરવાનો છે, ઓકે? વેરિફાય કરવા માટે.

પીડિત: નથી સર.

ફ્રૉડ કૉલ કરનાર 1: તમે ડરો નહીં. ડરો નહીં. જો તમે કંઈ નથી કર્યું તો તમે ડરો નહીં.

પીડિત: હા સર, હા સર.

ફ્રૉડ કૉલ કરનાર 1: તમારી પાસે આધાર કાર્ડ હોય તો મને દેખાડી દો વેરિફાય કરવા માટે.

પીડિત: ના સર, ના સર. હું ગામડે આવ્યો હતો. સર, ત્યાં ઘરમાં છે, સર.

ફ્રૉડ કૉલ કરનાર 1: ઓકે

બીજો અવાજ: મે આઈ કમ ઇન સર?

ફ્રૉડ કૉલ કરનાર 1: કમ ઇન

ફ્રૉડ કૉલ કરનાર 2: જય હિંદ

ફ્રૉડ કૉલ કરનાર 1: જય હિંદ

ફ્રૉડ કૉલ કરનાર: આ વ્યક્તિનો એક સાઇડનો વિડિયો કૉલ રેકૉર્ડ કરો, પ્રૉટોકૉલ પ્રમાણે. ઓકે.

########

આ ઑડિયો માત્ર જાણકારી માટે નથી, આ કોઈ મનોરંજનવાળો ઑડિયો નથી, એક ગંભીર ચિંતાને લઈને ઑડિયો આવ્યો છે. તમે હમણાં જે વાતચીત સાંભળી, તે ડિજિટલ એરેસ્ટના ફ્રોડની છે. આ વાતચીત એક પીડિત અને એક છેતરપિંડી કરનાર વચ્ચે થઈ છે. ડિજિટલ એરેસ્ટની છેતરપિંડીમાં ફૉન કરનારા, ક્યારેક પોલીસ, ક્યારેક સીબીઆઈ, ક્યારેક નાર્કૉટિક્સ, ક્યારેક આરબીઆઈ, આવા ભાંતિ-ભાંતિનાં લેબલ લગાડીને બનાવટી અધિકારી બનીને વાત કરે છે અને ખૂબ જ વિશ્વાસ સાથે વાત કરે છે. મને 'મન કી બાત'ના ઘણા બધા શ્રોતાઓએ કહ્યું કે તેની ચર્ચા અવશ્ય કરવી જોઈએ. આવો, હું તમને જણાવું છું કે, આ છેતરપિંડી કરનારી ટોળી કેવી રીતે કામ કરે છે, આ ખતરનાક ખેલ શું છે? તમારે પણ સમજવું ખૂબ જ આવશ્યક છે, બીજાને પણ સમજાવવું એટલું જ આવશ્યક છે. પહેલો ખેલ- તમારી વ્યક્તિગત જાણકારી. તેઓ બધું જાણીને રાખે છે. "તમે ગયા મહિને ગોવા ગયા હતા ને? તમારી દીકરી દિલ્લીમાં ભણે છે ને?" તેઓ તમારા વિશે એટલી જાણકારી મેળવીને રાખે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાવ. બીજો ખેલ- ભયનું વાતાવરણ ઉત્પન્ન કરો. ગણવેશ, સરકારી કાર્યાલયનો સેટ-અપ, કાયદાકીય કલમો, તેઓ તમને એટલા બધા બીવડાવી દેશે ફૉન પર, વાત-વાતમાં તમે વિચારી પણ નહીં શકો. અને પછી ત્રીજો ખેલ શરૂ થાય છે, ત્રીજો ખેલ- સમયનું દબાણ. 'અત્યારે જ નિર્ણય કરવો પડશે, નહીંતર તમારી ધરપકડ કરવી પડશે.' આ લોકો પીડિત પર એટલું મનોવૈજ્ઞાનિક દબાણ બનાવે છે કે તે સ્તબ્ધ થઈ જાય છે. ડિજિટલ એરેસ્ટના શિકાર થનારામાં દરેક વર્ગના, દરેક વયના લોકો છે. લોકોએ ડરના કારણે, પોતાની મહેનતથી કમાયેલા લાખો રૂપિયા ગુમાવી દીધા છે. ક્યારેય પણ તમને આ પ્રકારનો કોઈ કૉલ આવે તો તમારે ડરવાનું નથી. તમને જાણ હોવી જોઈએ કે કોઈ પણ તપાસ સંસ્થા, ફૉન કૉલ કે વિડિયો કૉલ પર, આ પ્રકારની પૂછપરછ ક્યારેય નથી કરતી. હું તમને ડિજિટલ સુરક્ષાનાં ત્રણ ચરણ જણાવું છું. આ ત્રણ ચરણ છે- 'અટકો, વિચારો, કાર્યવાહી કરો.' કૉલ આવતાં જ, 'અટકો' - ગભરાવ નહીં, શાંત રહો. ઉતાવળમાં કોઈ પગલું ન ભરો, કોઈને પણ પોતાની વ્યક્તિગત જાણકારી ન આપો, સંભવ હોય તો સ્ક્રીનશૉટ લઈ લો અને રેકૉર્ડિંગ અવશ્ય કરો. તે પછી આવે છે બીજું ચરણ, પહેલું ચરણ હતું 'અટકો', બીજું ચરણ છે, 'વિચારો'. કોઈ પણ સરકારી સંસ્થા ફૉન પર આવી ધમકી નથી આપતી, ન તો વિડિયો કૉલ પર પૂછપરછ કરે છે, ન તો આવી રીતે પૈસાની માગણી કરે છે. જો ડર લાગે તો સમજો કે કંઈક ગડબડ છે. અને પહેલું ચરણ, બીજું ચરણ અને હવે હું કહું છું, ત્રીજું ચરણ. પહેલા ચરણમાં મેં કહ્યું હતું, 'અટકો', બીજા ચરણમાં મેં કહ્યું હતું, 'વિચારો' અને ત્રીજા ચરણમાં હું કહું છું, 'કાર્યવાહી કરો'. રાષ્ટ્રીય સાઇબર હેલ્પલાઇન 1930 ડાયલ કરો, cybercrime.gov.in પર રિપૉર્ટ કરો, પરિવાર અને પોલીસને જણાવો, પુરાવા સુરક્ષિત રાખો. 'અટકો', પછી 'વિચારો' અને પછી 'કાર્યવાહી કરો'. આ ત્રણ તમારી ડિજિટલ સુરક્ષાના રક્ષક બનશે.

સાથીઓ, હું ફરી કહીશ કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વ્યવસ્થા કાયદામાં નથી, આ માત્ર એક છેતરપિંડી છે, છળ છે, જૂઠ છે, બદમાશોની ટોળી છે, અને જે લોકો આવું કરી રહ્યા છે, તેઓ સમાજના શત્રુ છે. ડિજિટલ એરેસ્ટના નામ પર જે છેતરપિંડી ચાલી રહી છે, તેની સામે તમામ તપાસ સંસ્થા, રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. આ સંસ્થાઓમાં  તાલમેળ બનાવવા માટે નેશનલ સાઇબર કૉઑર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થાઓ તરફથી આવી છેતરપિંડી કરનારા હજારો વિડિયો કૉલિંગ આઈડીને બ્લૉક કરવામાં આવ્યા છે. લાખો સિમ કાર્ડ, મૉબાઇલ ફૉન અને બેન્ક ખાતાંઓને પણ બ્લૉક કરવામાં આવ્યાં છે. સંસ્થાઓ પોતાનું કામ કરી રહી છે, પરંતુ ડિજિટલ એરેસ્ટના નામ પર થઈ રહેલા કૌભાંડથી બચવા માટે ખૂબ જ આવશ્યક છે- દરેકની જાગૃતિ, દરેક નાગરિકની જાગૃતિ. જે લોકો પણ આ પ્રકારની સાઇબર છેતરપિંડીનો શિકાર થાય છે, તેમણે વધુમાં વધુ લોકોને તેના વિશે જણાવવું જોઈએ. તમે જાગૃતિ માટે #SafeDigitalIndiaનો પ્રયોગ કરી શકો છો. હું શાળાઓ અને કૉલેજોને પણ કહીશ કે સાઇબર કૌભાંડની વિરુદ્ધ અભિયાનમાં વિદ્યાર્થીઓને પણ જોડો. સમાજમાં બધાના પ્રયાસોથી જ આપણે આ પડકારનો સામનો કરી શકીશું.

મારા પ્રિય દેશવાસીઓ, આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ કેલિગ્રાફી એટલે કે સુલેખનમાં ઘણો રસ રાખે છે. તેના દ્વારા આપણા અક્ષરો, સુંદર અને આકર્ષક બને છે. આજે જમ્મુ-કાશ્મીરમાં તેનો ઉપયોગ સ્થાનિક સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અહીંના અનંતનાગની ફિરદૌસા બશીરજીને કેલિગ્રાફીમાં નિપુણતા પ્રાપ્ત છે. તેના દ્વારા તેઓ સ્થાનિક સંસ્કૃતિનાં અનેક પાસાંને સામે લાવી રહ્યાં છે. ફિરદૌસાજીની કેલિગ્રાફીએ સ્થાનિક લોકો, વિશેષ કરીને, યુવાનોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આવો જ એક પ્રયાસ ઉધમપુરના ગોરીનાથજી કરી રહ્યા છે. એક સદીથી પણ વધુ જૂની સારંગી દ્વારા તેઓ ડોગરા સંસ્કૃતિ અને વારસાને વિભિન્ન રૂપમાં એકત્ર કરવામાં લાગેલા છે. સારંગીની ધૂનો સાથે તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રાચીન વાર્તાઓ અને ઐતિહાસિક ઘટનાઓને રસપ્રદ રીતે કહે છે. દેશના અલગ-અલગ હિસ્સાઓમાં પણ તમને આવા અનેક અસાધારણ લોકો મળી આવશે જે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે આગળ આવ્યા છે. ડી. વૈકુંઠમ્ લગભગ 50 વર્ષથી ચેરિયાલ લોક કળા (Folk Art)ને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. તેલંગાણા સાથે જોડાયેલી આ કળાને આગળ વધારવાનો તેમનો આ પ્રયાસ અદ્ભુત છે. ચેરિયાલ પેઇન્ટિંગને તૈયાર કરવાની પ્રક્રિયા ખૂબ જ અદ્વિતીય છે. તે એક સ્ક્રૉલના સ્વરૂપમાં વાર્તાઓને સામે લાવે છે. તેમાં આપણા ઇતિહાસ અને પ્રાચીન કથાઓની પૂરી ઝલક મળે છે. છત્તીસગઢમાં નારાયણપુરના બુટલુરામ માથરાજી અબૂઝમાડિયા જનજાતિની લોકકળાને સંરક્ષિત કરવામાં લાગેલા છે. છેલ્લા ચાર દાયકાઓથી તેઓ પોતાના આ મિશનમાં લાગેલા છે. તેમની આ કળા 'બેટી બચાઓ-બેટી પઢાઓ' અને 'સ્વચ્છ ભારત' જેવાં અભિયાનો સાથે લોકોને જોડવામાં ખૂબ જ અસરકારક રહી છે.

સાથીઓ, અત્યારે આપણે વાત કરી રહ્યા હતા કાશ્મીરની ઘાટીઓથી લઈને છત્તીસગઢનાં જંગલો સુધી, આપણી કળા અને સંસ્કૃતિ કેવી રીતે નવા-નવા રંગો વિખેરી રહી છે, પરંતુ આ વાત અહીં સમાપ્ત નથી થતી. આપણી આ કળાની ફોરમ દૂર-દૂર સુધી ફેલાઈ રહી છે. દુનિયાના અલગ-અલગ દેશોમાં લોકો ભારતીય કળા અને સંસ્કૃતિથી મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. જ્યારે હું તમને ઉધમપુરમાં ગૂંજતી સારંગીની વાત કરી રહ્યો હતો ત્યારે મને યાદ આવ્યું કે હજારો માઇલ દૂર, રશિયાના શહેર યાકૂત્સ્કમાં કેવી ભારતીય કળાની મધુર ધૂન ગૂંજી રહી હતી. કલ્પના કરો, ઠંડીનો એક અડધો દિવસ માઇનસ 65 ડિગ્રી તાપમાન, ચારે તરફ બરફની સફેદ ચાદર અને ત્યાં એક થિયેટરમાં દર્શક મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યો છે- કાલિદાસનું 'અભિજ્ઞાન શાકુંતલમ્'. શું તમે વિચારી શકો છો, દુનિયાના સૌથી ઠંડા શહેર યાકૂત્સ્કમાં, ભારતીય સાહિત્યની ઉષ્ણતા ! આ કલ્પના નથી, સત્ય છે- આપણને બધાને ગર્વ અને આનંદ આપનારું સત્ય.

સાથીઓ, કેટલાંક અઠવાડિયાં પહેલાં, હું લાઓસ પણ ગયો હતો. તે નવરાત્રિનો સમય હતો અને ત્યાં મેં કંઈક અદ્ભુત જોયું. સ્થાનિક કલાકારો 'ફલક ફલમ્' પ્રસ્તુત કરી રહ્યા હતા - 'લાઓસની રામાયણ'. તેમની આંખોમાં એ જ ભક્તિ, તેમના સ્વરમાં એ જ સમર્પણ હતું, જે રામાયણ પ્રત્યે આપણા મનમાં છે. આ જ રીતે કુવૈતમાં શ્રી અબ્દુલ્લા અલ બારુને રામાયણ અને મહાભારતનો અરબીમાં અનુવાદ કર્યો છે. આ કાર્ય માત્ર અનુવાદ નથી, પરંતુ બે મહાન સંસ્કૃતિઓની વચ્ચે એક સેતુ છે. તેમનો આ પ્રયાસ અરબ જગતમાં ભારતીય સાહિત્ય પ્રત્યેની નવી સમજને વિકસિત કરી રહ્યો છે. પેરુથી એક બીજું પ્રેરક ઉદાહરણ છે - એરલિંદા ગાર્સિયા (Erlinda Garcia). તેઓ ત્યાંના યુવાઓને ભરતનાટ્યમ્ શીખવાડી રહ્યાં છે અને મારિયા વાલદેસ (Maria Valdez) ઓડિસી નૃત્યનું પ્રશિક્ષણ આપી રહ્યાં છે. આ કળાઓથી પ્રભાવિત થઈને, દક્ષિણ અમેરિકાના અનેક દેશોમાં 'ભારતીય શાસ્ત્રીય નૃત્યો'ની ધૂમ મચેલી છે.

સાથીઓ, વિદેશી ધરતી પર ભારતનાં આ ઉદાહરણો દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિની શક્તિ કેટલી અદ્ભુત છે. તે સતત વિશ્વને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

જ્યાં જ્યાં છે કળા, ત્યાં-ત્યાં છે ભારત '

જ્યાં જ્યાં છે સંસ્કૃતિ, ત્યાં-ત્યાં છે ભારત '

આજે દુનિયાભરના લોકો ભારતને જાણવા માગે છે, ભારતના લોકોને જાણવા માગે છે. આથી તમને બધાને એક અનુરોધ પણ છે, તમારી આસપાસ આવી સાંસ્કૃતિક પહેલને #CulturalBridgesની સાથે વહેંચો. 'મન કી બાત'માં આપણે આવાં ઉદાહરણો પર આગળ પણ ચર્ચા કરીશું.

મારા પ્રિય દેશવાસીઓ, દેશના મોટા હિસ્સામાં ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે. પરંતુ ફિટનેસનું પેશન, ફિટ ઇન્ડિયાની સ્પિરિટ- તેને કોઈ પણ ઋતુથી કોઈ ફરક નથી પડતો. જેને ફિટ રહેવાની ટેવ હોય છે, તે ઠંડી, ગરમી અને વરસાદ, કંઈ નથી જોતા. મને આનંદ છે કે ભારતમાં હવે લોકો ફિટનેસ માટે ઘણા જાગૃત થઈ રહ્યા છે. તમે પણ જોઈ રહ્યા હશો કે તમારી આસપાસના બગીચાઓમાં લોકોની સંખ્યા વધી રહી હશે. બગીચાઓમાં ફરતા વૃદ્ધો, નવયુવાનો અને યોગ કરતા પરિવારોને જોઈને, મને, સારું લાગે છે. મને યાદ છે, જ્યારે હું યોગ દિવસ પર શ્રીનગર હતો, વરસાદ છતાં, અનેક લોકો 'યોગ' માટે એકત્ર થયા હતા. હમણાં કેટલાક દિવસ પહેલાં શ્રીનગરમાં જે મેરેથૉન થઈ, તેમાં પણ મને ફિટ રહેવાનો આ જ ઉત્સાહ દેખાયો. ફિટ ઇન્ડિયાની આ ભાવના, હવે એક લોક ચળવળ બની રહી છે.

સાથીઓ, મને એ જોઈને સારું લાગે છે કે, આપણી શાળાઓ, બાળકોની ફિટનેસ પર હવે વધુ ધ્યાન આપી રહી છે. ફિટ ઇન્ડિયા સ્કૂલ અવર્સ પણ એક અનોખી પહેલ છે. શાળા પોતાના પહેલા પિરિયડનો ઉપયોગ અલગ-અલગ ફિટનેસ પ્રવૃત્તિ માટે કરી રહી છે. અનેક સ્કૂલોમાં, કોઈ દિવસ બાળકો પાસે યોગ કરાવાય છે, તો કોઈ દિવસ એરોબિક્સનાં સત્રો હોય છે, તો એક દિવસ સ્પૉર્ટ્સ સ્કિલ પર કામ કરવામાં આવે છે, કોઈ દિવસ ખો-ખો અને કબડ્ડી જેવી પારંપરિક રમતો રમાડાય છે અને તેની અસર પણ ખૂબ સારી છે. હાજરી વધી રહી છે, બાળકોની એકાગ્રતા વધી રહી છે અને બાળકોને મજા પણ આવે છે.

સાથીઓ, હું સારાં સ્વાસ્થ્યની આ ઊર્જા દરેક જગ્યાએ જોઈ રહ્યો છું. 'મન કી બાત'માં પણ, ઘણા બધા શ્રોતાઓએ મને પોતાનો અનુભવ મોકલ્યો છે. કેટલાક લોકો તો ખૂબ જ રોચક પ્રયોગ કરી રહ્યા છે. જેમ કે એક ઉદાહરણ છે ફેમિલી ફિટનેસ અવરનું, એટલે કે એક પરિવાર, પ્રત્યેક શનિ-રવિ એક કલાક ફેમિલી ફિટનેસ એક્ટિવિટી માટે આપી રહ્યો છે. એક બીજું ઉદાહરણ સ્વદેશી રમતોને પુનર્જીવિત કરવાનું છે એટલે કે કેટલાક પરિવારો પોતાનાં બાળકોને પરંપરાગત રમતો શીખવાડી રહ્યા છે, રમાડી રહ્યા છે. તમે પણ પોતાના ફિટનેસ રૂટિનનો અનુભવ #fitindiaના નામે સૉશિયલ મીડિયા પર અવશ્ય જણાવો. હું દેશના લોકોને એક આવશ્યક જાણકારી પણ આપવા માગું છું. આ વખતે 31 ઑક્ટોબરે સરદાર પટેલની જયંતીની સાથે દિવાળીનું પર્વ પણ છે. આપણે પ્રત્યેક વર્ષે 31 ઑક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર 'રન ફૉર યૂનિટી'નું આયોજન કરીએ છીએ. દિવાળીના કારણે આ વખતે 29 ઑક્ટોબરે એટલે કે મંગળવારે 'રન ફૉર યૂનિટી'નું આયોજન કરવામાં આવશે. મારો આગ્રહ છે કે, વધુમાં વધુ સંખ્યામાં તેમાં ભાગ લો - દેશની એકતાના મંત્ર સાથે જ ફિટનેસના મંત્રને પણ બધી તરફ ફેલાવો.

મારા પ્રિય દેશવાસીઓ, 'મન કી બાત'માં આ વખતે આટલું જ. તમે તમારો ફીડબેક જરૂર મોકલતા રહો. આ તહેવારોનો સમય છે. 'મન કી બાત'ના શ્રોતાઓને ધનતેરસ, દિવાળી, છઠ પૂજા, ગુરુ નાનક જયંતી અને બધા પર્વોની ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમે બધા પૂરા ઉત્સાહ સાથે તહેવાર મનાવો – વૉકલ ફૉર લૉકલનો મંત્ર યાદ રાખો, પ્રયાસ કરો કે તહેવારો દરમિયાન તમારા ઘરમાં સ્થાનિક દુકાનદારો પાસેથી ખરીદાયેલો સામાન અવશ્ય આવે. એક વાર ફરી, તમને બધાને, આવનારા પર્વોના ઘણા-ઘણા વધામણા. ધન્યવાદ.

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi