Eager for your inputs for 100th episode of Mann Ki Baat: PM Modi to countrymen
It is a matter of satisfaction that today awareness about organ donation is increasing in the country: PM Modi
Huge role of Nari Shakti in rising the potential of India: PM Modi
The speed with which India is moving forward in the field of solar energy is a big achievement in itself: PM Modi
The spirit of 'Ek Bharat, Shreshtha Bharat' strengthens our nation: PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપ સહુનું એક વાર ફરી ખૂબ-ખૂબ સ્વાગત છે. આજે આ ચર્ચાને શરૂ કરતાં મનમસ્તિષ્કમાં અનેક ભાવ ઉમટી રહ્યા છે. અમારો અને તમારો ‘મન કી બાત’નો આ સાથ તેના નવાણુંમા (99) હપ્તામાં પહોંચી ગયો છે. સામાન્ય રીતે આપણે આપણે સાંભળીએ છીએ કે નવાણુંનો અંક બહુ જ અઘરો હોય છે. ક્રિકેટમાં તો ‘નર્વસ નાઇન્ટિઝ’ને ખૂબ જ કઠિન પડાવ માનવામાં આવે છે. પરંતુ જ્યાં ભારતના જન-જનના ‘મનની વાત’ હોય ત્યાંની પ્રેરણા જ કંઈક અલગ હોય છે. મને એ વાતની પણ પ્રસન્નતા છે કે ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તા અંગે દેશના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. મને ઘણા સારા સંદેશાઓ મળી રહ્યા છે, ફૉન આવી રહ્યા છે. આજે જ્યારે આપણે સ્વતંત્રતાનો અમૃત કાળ મનાવી રહ્યા છીએ, નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છીએ, તો સોમી (100મા) ‘મન કી બાત’ અંગે તમારાં સૂચનો અને વિચારોને જાણવા માટે હું પણ ખૂબ જ ઉત્સુક છું. મને, તમારા આવાં સૂચનોની આતુરતાપૂર્વક પ્રતીક્ષા છે. આમ તો આતુરતા હંમેશાં હોય છે, પરંતુ આ વખતે પ્રતીક્ષા જરા વધુ છે. તમારાં આ સૂચનો અને વિચાર જ ૩૦ એપ્રિલે થનારા સોમી (100મા) ‘મન કી બાત’ને વધુ યાદગાર બનાવશે.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.

આથી તો આપણને બાળપણમાં શિવિ અને દધીચિ જેવા દેહદાન કરનારાઓની વાર્તા સંભળાવવામાં આવે છે.

સાથીઓ, આધુનિક મેડિકલ સાયન્સના આ યુગમાં ઑર્ગન ડૉનેશન, કોઈને જીવન આપવાનું એક ખૂબ જ મોટું માધ્યમ બની ચૂક્યું છે. કહે છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પછી પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી આઠથી નવ લોકોને એક નવું જીવન મળવાની સંભાવના થાય છે. સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઑર્ગન ડૉનેશન પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે. વર્ષ 2013માં આપણા દેશમાં ઑર્ગન ડૉનેશનના પાંચ હજારથી પણ ઓછા કિસ્સાઓ હતા, પરંતુ વર્ષ 2022માં આ સંખ્યા વધીને ૧૫ હજારથી વધી ગઈ છે. ઑર્ગન ડૉનેશન કરનારી વ્યક્તિઓએ, તેમના પરિવારે ખરેખર ખૂબ જ પુણ્યનું કામ કર્યું છે.

સાથીઓ, મારું ઘણા સમયથી મન હતું કે હું આવું પુણ્ય કાર્ય કરનારા લોકોના ‘મનની વાત’ જાણું અને તેને દેશવાસીઓ સાથે વહેંચું. આથી આજે ‘મન કી બાત’માં આપણી સાથે એક વહાલી દીકરી, એક સુંદર ઢીંગલીના પિતા અને તેમની માતાજી આપણી સાથે જોડાવા જઈ રહી છે. પિતાજીનું નામ છે સુખબીરસિંહ સંધૂ જી અને માતાજીનું નામ છે સુપ્રીત કૌરજી, આ પરિવાર પંજાબના અમૃતસરમાં રહે છે. ઘણી પ્રાર્થના પછી તેમને એક સુંદર ઢીંગલી, દીકરી થઈ હતી. ઘરના લોકોએ ખૂબ જ પ્રેમથી તેનું નામ રાખ્યું હતું – અબાબત કૌર. અબાબતનો અર્થ બીજાની સેવા સાથે જોડાયેલો છે. બીજાનું કષ્ટ દૂર કરવા સાથે જોડાયેલો છે. અબાબત જ્યારે માત્ર ઓગણચાલીસ (39) દિવસની હતી ત્યારે તે આ દુનિયા છોડીને ચાલી ગઈ. પરંતુ સુખબીરસિંહ સંધૂ અને તેમની પત્ની સુપ્રીત કૌરજીએ, તેમના પરિવારે ઘણો જ પ્રેરણાદાયક નિર્ણય કર્યો. આ નિર્ણય હતો- ઓગણચાલીસ (39) દિવસની ઉંમરની દીકરીના અંગદાનનો- ઑર્ગન ડૉનેશનનો. આપણી સાથે આ સમયે ફૉન લાઇન પર સુખબીરસિંહ અને તેમનાં શ્રીમતીજી ઉપસ્થિત છે. આવો, તેમની સાથે વાત કરીએ.

 

 

પ્રધાનમંત્રીજી:- સુખબીરજી નમસ્તે.

સુખબીરજી:- નમસ્તે માનનીય પ્રધાનમંત્રીજી. સત શ્રી અકાલ.

પ્રધાનમંત્રીજી:- સત શ્રીઅકાલજી, સત શ્રી અકાલજી, સુખબીરજી, હું આજે ‘મન કી બાત’ના સંદર્ભમાં વિચારી રહ્યો હતો તો મને લાગ્યું કે અબાબતની વાત એટલી પ્રેરણાદાયક છે કે તે તમારા જ મોંઢે સાંભળું કારણકે ઘરમાં દીકરીનો જન્મ જ્યારે થાય છે તો અનેક સપના, અનેક ખુશીઓ લઈને આવે છે, પરંતુ દીકરી આટલી જલ્દી ચાલી જાય તે કષ્ટ કેટલું ભયંકર હશે તેનો પણ હું અંદાજ લગાવી શકું છું. જે રીતે તમે નિર્ણય કર્યો, તો હું બધી વાત જાણવા માગું છું, જી.

સુખબીરજી:- સર, ભગવાને ખૂબ જ સારું બાળક આપ્યું હતું અમને, ખૂબ જ વ્હાલી ઢીંગલી અમારા ઘરમાં આવી હતી. તેના જન્મતાં જ અમને ખબર પડી કે તેના મગજમાં નાડીઓનો એક એવો ગુચ્છો બનેલો છે કે જેના કારણે તેના હૃદયનો આકાર મોટો થઈ રહ્યો છે. તો અમે ચિંતા પડી ગયાં કે બાળકની તબિયત આટલી સારી છે , આટલું સુંદર છે અને આટલી મોટી સમસ્યા લઈને જન્મ્યું છે. પહેલા ૨૪ દિવસ સુધી તો બાળક ઘણું ઠીક રહ્યું, બિલકુલ નૉર્મલ રહ્યું. અચાનક તેનું હૃદય, એકદમ કામ કરવાનું બંધ થઈ ગયું, તો અમે તરત જ તેને હૉસ્પિટલ લઈને ગયા, ત્યાં ડૉક્ટરોએ તેને જીવતી તો કરી દીધી, પરંતુ સમજવામાં સમય લાગ્યો કે તેને શું તકલીફ પડી, આટલી મોટી તકલીફ નાના બાળકને અને અચાનક હૃદયરોગનો હુમલો થયો તો અમે તેને સારવાર માટે પીજીઆઈ ચંડીગઢ લઈ ગયા. પરંતુ બીમારી એવી હતી કે તેની સારવાર આટલી નાની ઉંમરમાં સંભવ નહોતી. ડૉક્ટરોએ ઘણો પ્રયાસ કર્યો કે તેને જીવતી કરવામાં આવે. જો છ મહિના સુધી બાળક જીવી જાય તો તેના ઑપરેશનનું વિચારી શકાય તેમ હતું. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું, માત્ર ૩૯ દિવસની જ્યારે થઈ ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેને ફરી વાર હૃદયરોગનો હુમલો થયો છે. હવે આશા બહુ જ ઓછી રહી ગઈ હતી. તો અમે બંને પતિ-પત્ની રોતાંરોતાં એવા નિર્ણય પર પહોંચ્યા કે અમે જોયું હતું તેને બહાદુરીથી ઝઝૂમતા, વારંવાર એવું લાગી રહ્યુ હતું કે જાણે હવે ચાલી જશે, પરંતુ તે ફરી બેઠી થઈ જતી હતી, તો અમને એવું લાગ્યું કે આ બાળકનો અહીં આવવાનો કોઈ હેતુ છે તો તેણે જ્યારે બિલકુલ જ જવાબ દઈ દીધો તો અમે બંનેએ નિર્ણય કર્યો કે શા માટે આપણે આ બાળકના ઑર્ગન ડૉનેટ ન કરી દઈએ. કદાચ, બીજા કોઈના જીવનમાં ઉજાસ આવી જાય, પછી અમે પીજીઆઈના જે ઍડ્મિનિસ્ટ્રેટિવ બ્લૉક છે તેમાં સંપર્ક કર્યો અને તેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આટલા નાના બાળકની માત્ર કિડની જ લઈ શકાય છે. પરમાત્માએ હિંમત આપી ગુરુ નાનક સાહેબનું ચિંતન છે. આ વિચારથી અમે નિર્ણય લઈ લીધો.

પ્રધાનમંત્રીજી:- ગુરુઓએ જે ઉપદેશ આપ્યો છે જી, તેને તમે જીવીને બતાવ્યો છે. સુપ્રીતજી છે શું? તેમની સાથે વાત થઈ શકશે?

સુખબીરજી:- જી સર.

સુપ્રીતજી:- હેલ્લો.

પ્રધાનમંત્રીજી:- સુપ્રીતજી, હું તમને પ્રણામ કરું છું.

સુપ્રીતજી:- નમસ્કાર, સર નમસ્કાર સર. આ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપ અમારી સાથે વાત કરી રહ્યા છો.

પ્રધાનમંત્રીજી:- તમે આટલું મોટું કામ કર્યું છે અને હું માનું છું કે દેશ જ્યારે આ બધી વાતો સાંભળશે તો ઘણા લોકો કોઈનો જીવ બચાવવા માટે આગળ આવશે. અબાબતનું આ યોગદાન છે, તે ખૂબ જ મોટું છે જી.

સુપ્રીતજી:- સર, આ  પણ ગુરુ નાનક બાદશાહજીની કદાચ ભેટ હતી કે તેમણે હિંમત આપી, આવો નિર્ણય લેવામાં.

પ્રધાનમંત્રીજી- ગુરુઓની કૃપા વગર તો કંઈ બની જ ન શકે જી.

સુપ્રીતજી:- બિલકુલ સર, બિલકુલ.

પ્રધાનમંત્રીજી:- સુખબીરજી, જ્યારે તમે હૉસ્પિટલાં હતાં અને આ હચમચાવી દે તેવા સમાચાર જ્યારે ડૉક્ટરે તમને આપ્યા, તે પછી પણ તમે સ્વસ્થ મનથી તમે અને તમારાં શ્રીમતીજીએ આટલો મોટો નિર્ણય કર્યો, ગુરુઓનો ઉપદેશ તો છે જ કે તમારા મનમાં આટલો મોટો ઉદાર વિચાર અને સાચે જ અબાબતનો જે અર્થ સામાન્ય ભાષામાં કહીએ તો મદદગાર થાય છે. આ કામ કરી દીધું, તે પળ વિશે હું સાંભળવા માગું છું.

સુખબીરજી:- સર, ખરેખર તો અમારા એક પારિવારિક મિત્ર છે- પ્રિયાજી. તેમણે પોતાનાં ઑર્ગન ડૉનેટ કર્યાં હતાં. તેમનામાંથી પણ અમને પ્રેરણા મળી તો તે સમયે અમને લાગ્યું કે શરીર તો પંચ તત્ત્વોમાં વિલીન થઈ જશે. જ્યારે કોઈ જુદું પડી જાય છે, ચાલ્યું જાય છે તો તેના શરીરને સળગાવી દેવામાં આવે છે કે દાટી દેવામાં આવે છે, પરંતુ જો તેનાં ઑર્ગન કોઈનાં કામમાં આવી જાય તો આ ભલાઈનું જ કામ છે અને તે સમયે, અમને વધુ ગર્વની અનુભૂતિ થઈ જ્યારે ડૉક્ટરે, કહ્યું અમને કે, તમારી દીકરી ભારતની સૌથી નાની ઉંમરની દાતા બની છે, જેનાં ઑર્ગન સફળતાપૂર્વક પ્રત્યારોપિત થયાં, તો અમારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું કે જે નામ અમે અમારાં માતાપિતાનું, આટલી ઉંમર સુધી ન કરી શક્યાં, એક નાનકડી બાળકી આવીને આટલા દિવસોમાં અમારું નામ ઊંચું કરી ગઈ અને તેનાથી બીજી મોટી વાત એ છે કે આજે તમારી સાથે વાત થઈ રહી છે આ વિષયમાં. અમે ગર્વની અનુભૂતિ કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીજી:- સુખબીરજી, આજે તમારી દીકરીનું માત્ર એક જ અંગ જીવિત છે તેવું નથી. તમારી દીકરી માનવતાની અમરગાથાની અમર યાત્રી બની ગઈ છે. તેના શરીરના અંશના મારફત તે આજે પણ ઉપસ્થિત છે. આવા ઉમદા ભલાઈના કામ માટે, હું તમને, તમારાં શ્રીમતીજીની, તમારા પરિવારની પ્રશંસા કરું છું.

સુખબીરજી:- આપનો આભાર સર.

સાથીઓ, ઑર્ગન ડૉનેશન માટે સૌથી મોટી ધગશ એ જ હોય છે કે જતાં-જાં પણ કોઈનું ભલું થઈ જાય. કોઈનું જીવન બચી જાય. જે લોકો ઑર્ગન ડૉનેશનની રાહ જુએ છે, તેઓ જાણે છે કે રાહની એક-એક પળ વિતાવવી, કેટલી મુશ્કેલ હોય છે. અને આવામાં જ્યારે કોઈ અંગદાન કે દેહદાન કરનારું મળી જાય છે તો તેમાં ઈશ્વરનું સ્વરૂપ જ દેખાય છે. ઝારખંડનાં નિવાસી સ્નેહલતા ચૌધરીજી પણ આવી જ હતી જેમણે ઈશ્વર બનીને બીજાને જિંદગી આપી. ૬૩ વર્ષની સ્નેહલતા ચૌધરીજી, પોતાનું હૃદય, કિડની અને લિવર દાન કરીને ચાલી ગઈ. આજે ‘મન કી બાત’માં તેમના ભાઈ અભિજીત ચૌધરી પણ અમારી સાથે છે. આવો તેમની પાસેથી સાંભળીએ.

પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, નમસ્કાર.

અભિજીતજી:- પ્રણામ સર.

પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, તમે એક એવી માતાના દીકરા છો જેમણે તમને જન્મ આપીને એક રીતે જીવન તો આપ્યું જ, પરંતુ પોતાના મૃત્યુ પછી પણ તમારી માતા જી અનેક લોકોને જીવન આપીને ગયાં. એક પુત્ર તરીકે અભિજીત જી, તમે જરૂર ગર્વ અનુભવતા હશો.

અભિજીતજી:- હા જી સર.

પ્રધાનમંત્રીજી:- તમે, તમારી માતાજીના વિશે જરા જણાવો, કઈ પરિસ્થિતિઓમાં ઑર્ગન ડૉનેશનનો નિર્ણય લેવામાં આવ્યો?

અભિજીતજી:- મારી માતાજી સરાઇકેલા નામનું એક નાનકડું ગામ છે, ઝારખંડમાં, ત્યાં મારાં મમ્મીપપ્પા બંને રહે છે. તેઓ છેલ્લાં પચ્ચીસ વર્ષથી સતત મૉર્નિંગ વૉક કરતા હતા અને પોતાની ટેવ મુજબ સવારે ચાર વાગે પોતાના મૉર્નિંગ વૉક માટે નીકળ્યાં હતાં. તે સમયે એક મૉટરસાઇકલવાળાએ તેમને પાછળથી ધક્કો માર્યો અને તેઓ તે સમયે પડી ગયાં જેનાથી તેમના માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ. તરત જ અમે લોકો તેમને સદર હૉસ્પિટલ સરાઈકેલા લઈ ગયા જ્યાં ડૉક્ટર સાહેબે તેમને મલમ પટ્ટી કરી પરંતુ લોહી બહુ નીકળી રહ્યું હતું. અને તેમને કોઈ ભાન નહોતું. તરત જ અમે લોકો તેમને ટાટા મેઇન હૉસ્પિટલ લઈને ચાલ્યા ગયા. ત્યાં તેમની સર્જરી થઈ, 48 કલાકના ઑબ્ઝર્વેશન પછી ડૉક્ટર સાહેબે કહ્યું કે હવે તક ઘણી ઓછી છે. પછી અમે તેમને ઍરલિફ્ટ કરીને દિલ્લીની એઇમ્સ લઈ આવ્યાં અમે લોકો. ત્યાં તેમની ટ્રીટમેન્ટ થઈ લગભગ સાત-આઠ દિવસ. તે પછી પૉઝિશન ઠીક હતી, એકદમ તેમનું બ્લડ પ્રૅશર નીચું આવી ગયું. તે પછી ખબર પડી કે તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું છે. તે પછી ડૉક્ટર સાહેબ અમને પ્રૉટોકૉલ સાથે બ્રીફ કરી રહ્યા હતા ઑર્ગન ડૉનેશન વિશે. અમે અમારા પિતાજીને કદાચ આ વાત જણાવી ન શકત, કે ઑર્ગન ડૉનેશન જેવી કોઈ ચીજ પણ હોય છે, કારણકે અમને લાગ્યું કે તેઓ એ વાતને પચાવી નહીં શકે તો તેમના મગજમાંથી અમે એ કાઢવા માગતા હતા કે આવું કંઈ ચાલી રહ્યું છે. જેવું જ અમે તેમને કહ્યું કે ઑર્ગન ડૉનેશનની વાત ચાલી રહી છે ત્યારે તેમણે એવું કહ્યું કે નહીં, નહીં, મમ્મીની આ બહુ ઈચ્છા હતી અને આપણે આમ કરવાનું છે. અમે ઘણા નિરાશ થઈ ગયા તે સમય સુધી, જ્યાં સુધી અમને એ ખબર પડી કે મમ્મી નહીં બચી શકે, પરંતુ જેવી આ ઑર્ગન ડૉનેશનવાળી ચર્ચા શરૂ થઈ તો નિરાશા એક ખૂબ જ સકારાત્મક બાજુ ચાલી ગઈ અને અમે ઘણા એક ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આવી ગયા.તેને કરતાં-કરતાં પછી અમે લોકો, રાત્રે આઠ વાગે કાઉન્સેલિંગ થયું. બીજા દિવસે, અમે લોકોએ ઑર્ગન ડૉનેશન ક ર્યું. તેમાં મમ્મીની એક વિચારસરણી બહુ જ મોટી હતી કે પહેલાં તે નેત્રદાન અને આ બધી ચીજોમાં- સામાજિક પ્રવૃત્તિઓમાં ઘણી જ સક્રિય હતી. કદાચ આ જ વિચારને કારણે આટલી મોટી ચીજ અમે લોકો કરી શક્યા અને મારા પિતાજીનો જે નિર્ણય હતો તે ચીજ વિશે, આ કારણે તે ચીજ થઈ શકી.

પ્રધાનમંત્રીજી:- કેટલા લોકોના કામ આવ્યાં અંગો?

અભિજીતજી:- તેમનું હૃદય, તેમની બે કિડની, લિવર અને બંને આંખ...આ ડૉનેશન થયું હતું તો ચાર લોકોનો જીવ અને બે જણાને આંખ મળી છે.

પ્રધાનમંત્રીજી:- અભિજીતજી, તમારા પિતાજી અને માતાજી બંને નમનના અધિકારી છે. હું તેમને પ્રણામ કરું છું અને તમારા પિતાજીએ આટલા મોટા નિર્ણયમાં, તમારા પરિવારજનોનું નેતૃત્વ કર્યું તે ખરેખર ખૂબ જ પ્રેરક છે અને હું માનું છું કે મા તો મા જ હોય છે. માતા પોતાની રીતે પ્રેરણા હોય છે, પરંતુ માતા જે પરંપરાઓ છોડીને જાય છે તે એક પછી એક પેઢીએ, ખૂબ જ મોટી તાકાત બની જાય છે. અંગદાન માટે તમારી માતાજીની પ્રેરણા આજે પૂરા દેશ સુધી પહોંચી રહી છે. હું તમારા આ પવિત્ર કાર્ય અને મહાન કાર્ય માટે તમારા સમગ્ર પરિવારને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અભિજીતજી, ધન્યવાદ જી અને તમારા પિતાજીને અમારા પ્રણામ અવશ્ય કહેજો.

અભિજીતજી:- જરૂર, જરૂર, થેંક યૂ.

સાથીઓ, ૩૯ દિવસની અબાબત કૌર હોય કે ૬૩ વર્ષનાં સ્નેહલતા ચૌધરી, તેમના જેવા દાનવીર, આપણને જીવનનું મહત્ત્વ સમજાવીને જાય છે. આપણા દેશમાં, આજે મોટી સંખ્યામાં એવા જરૂરિયાતવાળા છે જે સ્વસ્થ જીવનની આશામાં કોઈ અંગ દાન કરનારાની પ્રતીક્ષા કરે છે. મને સંતોષ છે કે અંગદાનને સરળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં એક જેવી નીતિ પર પણ કામ થઈ રહ્યું છે. આ દિશામાં રાજ્યોની ડૉમિસાઇલ જેવી શરતને હટાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, અર્થાત્, હવે દેશના કોઈ પણ રાજ્યમાં જઈને દર્દી અંગ પ્રાપ્ત કરવા માટે નોંધણી કરાવી શકશે. સરકારે ઑર્ગન ડૉનેશન નાટે ૬૫ વર્ષથી ઓછી આયુની સીમાને પણ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેમના પ્રયાસો વચ્ચે, મારો દેશવાસીઓને અનુરોધ છે કે ઑર્ગન ડૉનર, વધુમાં વધુ સંખ્યામાં આગળ આવે. તમારો એક નિર્ણય, અનેક લોકોની જિંદગી બચાવી શકે છે, જિંદગી બનાવી શકે છે.

મારા પ્રિય દેશવાસીઓ, આ નવરાત્રિનો સમય છે, શક્તિની ઉપાસનાનો સમય છે. આજે, ભારતનું જે સામર્થ્ય નવી રીતે નિખરીને સામે આવી રહ્યું છે, તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી નારી શક્તિની છે. અત્યારે એવાં અનેક ઉદાહરણ આપણી સામે આવ્યાં છે. તમે સૉશિયલ મિડિયા પર, એશિયાની પહેલી મહિલા લૉકો પાઇલૉટ સુરેખા યાદવજીને જરૂર જોયાં હશે. સુરેખાજી એક વધુ કીર્તિમાન રચતાં, વંદે ભારત ઍક્સ્પ્રેસનાં પણ પહેલાં મહિલા લૉકો પાઇલૉટ બની ગયાં છે. આ મહિને, નિર્માતા ગુનીત માંગા અને નિર્દેશક કાર્તિકી ગોંસાલ્વિસની દસ્તાવેજી ‘એલિફન્ટ વ્હિસ્પર્સ’એ ઑસ્કાર જીતીને દેશનું નામ ઉજાળ્યું છે. દેશ માટે એક વધુ ઉપલબ્ધિ ભાભા એટૉમિક રિસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિક બહેન જ્યોતિર્મયી મોહંતીજીએ પણ પ્રાપ્ત કરી છે.જ્યોતિર્મયીજીને કેમિસ્ટ્રી અને કેમિકલ ઍન્જિનિયરિંગના ક્ષેત્રમાં IUPACનો વિશેષ એવૉર્ડ મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ ભારતની અંડર-૧૯ મહિલા ક્રિકેટ ટીમે ટી-20 વિશ્વ કપ જીતીને નવો ઇતિહાસ રચ્યો. જો તમે રાજનીતિ તરફ જોશો તો એક નવી શરૂઆત નાગાલેન્ડમાં થઈ છે. નાગાલેન્ડમાં 75 વર્ષમાં પહેલી વાર બે મહિલા ધારાસભ્યો જીતીને વિધાનસભા પહોંચી છે. તેમાંથી એકને નાગાલેન્ડ સરકારમાં મંત્રી પણ બનાવાયાં છે. અર્થાત્ રાજ્યના લોકોને પહેલી વાર એક મહિલા મંત્રી પણ મળ્યાં છે.

સાથીઓ, કેટલાક દિવસો પહેલાં મારી મુલાકાત, એ વીર દીકરીઓ સાથે થઈ, જે તુર્કિએમાં વિનાશકારી ભૂકંપ પછી ત્યાંના લોકોની મદદ માટે ગઈ હતી. તે બધી એનડીઆરએફની ટુકડીમાં સહભાગી હતી. તેમનાં સાહસ અને કુશળતાની સમગ્ર દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ શાંતિસેનામાં માત્ર મહિલાની પ્લાટૂનની પણ તૈનાતી કરવામાં આવી છે.

આજે, દેશની દીકરીઓ, આપણી ત્રણેય સેનામાં, પોતાના શૌર્યનો ધ્વજ ઊંચાઈએ ફરકાવી રહી છે. ગ્રૂપ કૅપ્ટન શાલિજા ધામી કૉમ્બેટ યૂનિટમાં કમાન્ડ ઍપૉઇન્ટમેન્ટ મેળવનારી પહેલી મહિલા વાયુ સેના અધિકારી બની છે. તેમની પાસે લગભગ ૩ હજાર કલાકનો ઉડ્ડયન અનુભવ છે. આ રીતે, ભારતીય સેનાની વીર કૅપ્ટન શિવા ચૌહાણ સિયાચીનમાં તૈનાત થનારી પહેલી મહિલા અધિકારી બની છે. સિયાચિનમાં જ્યાં પારો ઋણ સાઇઠ (-60) ડિગ્રી સુધી ચાલ્યો જાય છે, ત્યાં શિવા ત્રણ મહિનાઓ સુધી તૈનાત રહેશે.

સાથીઓ, આ સૂચિ એટલી લાંબી છે કે અહીં બધાંની ચર્ચા કરવી પણ મુશ્કેલ છે. આવી બધી મહિલાઓ, આપણી દીકરીઓ, આજે, ભારત અને ભારતનાં સપનાંઓને ઊર્જા આપી રહી છે. નારીશક્તિની આ ઊર્જા જ વિકસિત ભારતનો પ્રાણવાયુ છે.

મારા પ્રિય દેશવાસીઓ, આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઊર્જા, રિન્યૂએબલ એનર્જીની ઘણી વાતો થઈ રહી છે. હું, જ્યારે વિશ્વમાં લોકોને મળું છૂં તો તેઓ આ ક્ષેત્રમાં ભારતની અભૂતપૂર્વ સફળતાની જરૂર ચર્ચા કરે છે. ખાસ કરીને ભારત સૉલાર ઍનર્જીના ક્ષેત્રમાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે પોતાની રીતે એક મોટી ઉપલબ્ધિ છે. ભારતના લોકો તો સદીઓથી સૂર્ય સાથે વિશેષ રીતે સંબંધ રાખે છે. આપણે ત્યાં સૂર્યની શક્તિ વિશે જે વૈજ્ઞાનિક સમજ રહી છ, સૂર્યની ઉપાસનાની જે પરંપરા રહી છે, તે અન્ય સ્થાનો પર, ઓછી જોવા મળે છે. મને આનંદ છે કે આજે દરેક દેશવાસી સૌર ઊર્જાનું મહત્ત્વ પણ સમજી રહ્યો છે અને ‘ક્લીન એનર્જી’માં પોતાનું યોગદાન પણ આપવા ઈચ્છે છે. ‘સૌનો પ્રયાસ’ની આ જ લાગણી આજે ભારતના સૉલાર મિશનને આગળ વધારી રહી છે. મહારાષ્ટ્રના પૂણેમાં, આવા જ એક ઉત્કૃષ્ટ પ્રયાસે મારું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અહીં MSR-Olive Housing Society ના લોકોએ નક્કી કર્યું કે તેઓ સૉસાયટીમાં પીવાનું પાણી, લિફ્ટ અને લાઇટ જેવા સામૂહિક ઉપયોગની ચીજો, હવે સૉલાર એનર્જીથી જ ચલાવશે. તે પછી આ સૉસાયટી બધાએ મળીને સૉલાર પેનલ લગાવી. આજે આ સૉલાર પેનલથી દર વર્ષે લગભગ 90 હજાર કિલો વૉટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. તેનાથી દર મહિને લગભગ 40,000 રૂપિયાની બચત થઈ રહી છે. આ બચતનો લાભ સૉસાયટીના બધા લોકોને થઈ રહ્યો છે.

સાથીઓ, પૂણેની જેમ જ દમણ-દીવમાં જે દીવ છે, જે એક અલગ જિલ્લો છે, ત્યાંના લોકોએ પણ, એક અદ્ભુત કામ કરીને દેખાડ્યું છે. તમે જાણતા જ હશો કે દીવ, સોમનાથ પાસે છે. દીવ ભારતનો પહેલો એવો જિલ્લો બન્યો છે જે દિવસના સમયે, બધી જરૂરિયાતો માટે સો ટકા ક્લીન એનર્જીનો ઉપયોગ કરી રહ્યો છે.દીવની આ સફળતાનો મંત્ર પણ ‘સૌના પ્રયાસ’ જ છે. ક્યારેક ત્યાં વીજળી ઉત્પાદન માટે સંસાધનોનો પડકાર હતો. લોકોએ આ પડકારના સમાધાન માટે સૉલાર એનર્જીને પસંદ કરી. ત્યાં ઉજ્જડ જમીન અને અનેક ઈમારતો પર સૉલાર પેનલલગાવવામાં આવી. આ પેનલથી, દીવમાં, દિવસના સમયે, જેટલી વીજળીની જરૂરિયાત હોય છે, તેનાથી વધુ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આ સૉલાર પ્રૉજેક્ટથી, વીજળી ખરીદી પર ખર્ચ થતા લગભગ બાવન કરોડ રૂપિયા પણ બચ્યા છે. તેનાથી પર્યાવરણની પણ મોટી રક્ષા થઈ છે.

સાથીઓ, પૂણે અને દીવે જે કરીને દેખાડ્યું છે, આવા પ્રયાસો દેશભરમાં અન્ય અનેક જગ્યાએ પણ થઈ રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે પર્યાવરણ અને પ્રકૃતિ વિશે આપણે ભારતીયો કેટલા સંવેદનશીલ છીએ, અને આપણો દેશ, કેવી રીતે ભવિષ્યની પેઢી માટે ખૂબ જ જાગૃત છે. હું આ પ્રકારના બધા પ્રયાસોની હૃદયથી પ્રશંસા કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં સમય સાથે સ્થિતિ-પરિસ્થિતિઓ અનુસાર, અનેક પરંપરાઓ વિકસિત થાય છે. આ પરંપરાઓ, આપણી સંસ્કૃતિનું સામર્થ્ય વધારે છે અને તેને નિત્ય નૂતન પ્રાણશક્તિ પણ આપે છે. કેટલાક મહિનાઓ પહેલાં આવી જ એક પરંપરા શરૂ થઈ કાશીમાં. કાશી-તમિલ સંગમમ્ દરમિયાન, કાશી અને તમિલ ક્ષેત્રની વચ્ચે સદીઓથી ચાલી રહેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરવામાં આવી. આપણે જ્યારે એકબીજા વિશે જાણીએ છીએ, શીખીએ છીએ, તો એકતાની આ ભાવના વધુ પ્રગાઢ થાય છે. એકતાની આ ભાવના સાથે આગામી મહિને ગુજરાતના વિભિન્ન હિસ્સાઓમાં સૌરાષ્ટ્ર–તમિલ સંગમમ્ થવા જઈ રહ્યો છે.સૌરાષ્ટ્ર–તમિલ સંગમમ્ ૧૭થી ૩૦ એપ્રિલ સુધી ચાલશે. ‘મન કી બાત’ના કેટલાક શ્રોતાઓ અવશ્ય વિચારતા હશે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો તમિલનાડુ સાથે શું સંબંધ છે? વાસ્તવમાં, સદીઓ પહેલાં સૌરાષ્ટ્રના અનેક લોકો તમિલનાડુના અલગ-અલગ હિસ્સાઓમાં વસી ગયા હતા. આલોકો આજે ‘સૌરાષ્ટ્રી તમિલ’ના નામથી ઓળખાય છે. તેમની ખાણીપીણી, રહેણીકરણી, સામાજિક સંસ્કારોમાં આજે પણ કંઈક-કંઈક સૌરાષ્ટ્રની ઝલક જોવા મળી જાય છે. મને આ આયોજન અંગે તમિલનાડુના ઘણા બધા લોકોના પ્રશંસા ભરેલા પત્રો મળ્યા છે. મદુરાઈમાં રહેતા જયચંદ્રજીએ એક ખૂબ જ ભાવુક વાત લખી છે. તેમણે કહ્યું કે “હજારો વર્ષ પછી, પહેલી વાર કોઈએ સૌરાષ્ટ્ર-તમિલના આ સંબંધો વિશે વિચાર્યું છે. સૌરાષ્ટ્રથી તમિલનાડુ આવીને વસેલા લોકોને પૂછ્યું છે.” જયચંદ્રજીની વાતો, હજારો તમિલ ભાઈ-બહેનોની અભિવ્યક્તિ છે.

સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને, હું, આસામ સાથે જોડાયેલા એક સમાચાર વિશે કહેવા માગું છું. આ પણ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરે છે. તમે બધાં જાણો છો કે આપણે વીર લાસિત બોરફૂકનજીની 400મી જયંતી ઉજવી રહ્યા છીએ. વીર લાસિત બોરફૂકને અત્યાચારી મોગલ સલ્તનતના હાથોમાંથી ગુવાહાટીને સ્વતંત્ર કરાવ્યું હતું. આજે દેશ, આ મહાન યૌદ્ધાના અદમ્ય સાહસથી પરિચિત થઈ રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં, લાસિત બોરફૂકનના જીવન પર આધારિત નિબંધ લેખનનું એક અભિયાન ચલાવાયું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેના માટે લગભગ ૪૫ લાખ લોકોએ નિબંધ મોકલ્યા. તમને એ જાણીને પણ આનંદ થશે કે હવે તે ગીનિઝ રેકૉર્ડ બની ચૂક્યો છે. અને સૌથી મોટી વાત એ છે અને વધુ પ્રસન્નતાની વાત એ છે કે વીર લાસિત બોરફૂકન પર આ જે નિબંધ લખવામાં આવ્યા છે તેમાં લગભગ ૨૩ અલગ-અલગ ભાષાઓમાં લખાયા છે અને લોકોએ મોકલ્યા છે.તેમાં, અસમિયા ભાષા ઉપરાંત હિન્દી, અંગ્રેજી, બાંગ્લા, બોડો, નેપાળી, સંસ્કૃત, સંથાલી જેવી ભાષાઓમાં લોકોએ નિબંધો મોકલ્યા છે. હું આ પ્રયાસનો હિસ્સો બનેલા બધાં લોકોની હૃદયથી પ્રશંસા કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે કાશ્મીર કે શ્રીનગરની વાત થાય છે તો સૌથી પહેલાં, આપણી સામે, તેની ઘાટીઓ અને ડલ સરોવરની તસવીર આવે છે. આપણામાંથી પ્રત્યેક ડાલ સરોવરના દૃશ્યનો આનંદ માણવા માગે છે પરંતુ ડલ ઝીલમાં એક બીજી વાત વિશેષ છે. ડલ ઝીલ, પોતાના સ્વાદિષ્ટ લૉટસ સ્ટેમ્સ- કમલની દાંડી અથવા કમળ કાકડી માટે પણ ઓળખાય છે. કમળની દાંડીને દેશના અલગ-અલગ સ્થાનોમાં, અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. કાશ્મીરમાં તેને નાદરુ કહે છે. કાશ્મીરના નાદરુની માગ સતત વધી રહી છે. આ માગને જોતાં ડલ સરોવરમાં નાદરુની ખેતી કરનારા ખેડૂતોએ એક એફપીઓ બનાવ્યું છે. આ એફપીઓમાં લગભગ 250 ખેડૂતો જોડાયા છે. આજે આ ખેડૂતો પોતાના નાદરુને વિદેશોમાં પણ મોકલવા લાગ્યા છે. હજુ થોડા સમય પહેલાં જઆ ખેડૂતોએ એની બે સામાન (ખેપ) યુએઇ મોકલી છે. આ સફળતા કાશ્મીરનું નામ તો કરી જ રહી છે, સાથે જ, તેનાથી સેંકડો ખેડૂતોની આવક પણ વધી છે.

સાથીઓ, કાશ્મીરના લોકોનો કૃષિ સાથે જ જોડાયેલો આવો જ એક બીજો પ્રયાસ આજકાલ પોતાની સફળતાની સુગંધ ફેલાવી રહ્યો છે. તમે વિચારતા હશો કે હું સફળતાની સુગંધ કેમ બોલી રહ્યો છું. વાત છે જ સુગંધની. સુવાસની તો વાત છે. હકીકતે, જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાં એક નગર છે ‘ભદરવાહ’. ત્યાંના ખેડૂતો દાયકાઓથી મકાઈની પારંપરિક ખેતી કરતા આવ્યા છે. પરંતુ કેટલાક ખેડૂતોએ કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેઓ ફ્લૉરીકલ્ચર, અર્થાત્ ફૂલોની ખેતી તરફ વળ્યા. આજે, ત્યાંના લગભગ ૨૫ સો ખેડૂતો (અઢી હજાર ખેડૂતો) લવેન્ડરની ખેતી કરી રહ્યા છે. તેને કેન્દ્ર સરકારના એરોમા મિશનની મદદ પણ મળી છે. આ નવી ખેતીએ ખેડૂતોની આવકમાં મોટી વૃદ્ધિ કરી છે અને આજે, લવેન્ડરની સાથેસાથે તેની સફળતાની સુવાસ પણ દૂર-દૂર સુધી ફેલાઈ રહી છે.

સાથીઓ, જ્યારે કાશ્મીરની વાત હોય, કમળની વાત હોય, ફૂલની વાત હોય, સુગંધની ત હોય તો કમળના ફૂલ પર બિરાજરમાન રહેનારાં માતા શારદાનું સ્મરણ થવું બહુ જ સ્વાભાવિક છે. કેટલાક દિવસો પહેલાં કુપવાડામાં માતા શારદાના ભવ્ય મંદિરનું લોકાર્પણ થયું છે. આ મંદિર એ જ માર્ગ પર બન્યું છે જ્યાં ક્યારેક શારદા પીઠના દર્શન માટે જતા હતા. સ્થાનિક લોકોએ આ મંદિરના નિર્માણમાં ઘણી મદદ કરી છે. હું જમ્મુ-કાસ્મીરના લોકોને આ શુભ કાર્ય માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે ‘મન કી બાત’માં બસ આટલું જ. આવતી વખતે, તમારી સાથે ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તામાં મુલાકાત થશે. તમે બધા, પોતાનાં સૂચનો અવશ્ય મોકલજો. માર્ચના આ મહિનામાં આપણે, હોળીથી લઈને નવરાત્રિ સુધી, અનેક પર્વ અને તહેવારોમાં વ્યસ્ત રહ્યા છીએ. રમઝાનનો પવિત્ર મહિનો પણ શરૂ થઈ ચૂક્યો છે. આગામી કેટલાક દિવસોમાં શ્રી રામ નવમીનું મહા પર્વ પણ આવનાર છે. તે પછી મહાવીર જયંતી, ગુડ ફ્રાઇડે અને ઇસ્ટર પણ આવશે. એપ્રિલના મહિનામાં આપણે, ભારતની બે મહાન વિભૂતિઓનો જન્મદિવસ મનાવીએ છીએ. આ બે મહાપુરુષ છે- મહાત્મા જ્યોતિબા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. આ બંને જ મહાપુરુષોએ સમાજમાં ભેદભાવ દૂર કરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આજે, સ્વતંત્રતાના અમૃતકાલમાં, આપણે આવી મહાન વિભૂતિઓ પાસેથી શીખવા અને નિરંતર પ્રેરણા લેવાની આવશ્યકતા છે.આપણે, આપણાં કર્તવ્યોને, સહુથી આગળ રાખવાનાં છે. સાથીઓ, આ સમયે, કેટલીક જગ્યાઓ પર કૉરોના પણ વધી રહ્યો છે. આથી તમારે બધાંએ સાવધાની રાખવાની છે, સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવાનું છે. આવતા મહિને, ‘મન કી બાત’ના સોમા (100મા) હપ્તામાં, આપણે લોકો, ફરી મળીશું, ત્યાં સુધી મને વિદાય આપો. ધન્યવાદ. નમસ્કાર.

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi visits the Indian Arrival Monument
November 21, 2024

Prime Minister visited the Indian Arrival monument at Monument Gardens in Georgetown today. He was accompanied by PM of Guyana Brig (Retd) Mark Phillips. An ensemble of Tassa Drums welcomed Prime Minister as he paid floral tribute at the Arrival Monument. Paying homage at the monument, Prime Minister recalled the struggle and sacrifices of Indian diaspora and their pivotal contribution to preserving and promoting Indian culture and tradition in Guyana. He planted a Bel Patra sapling at the monument.

The monument is a replica of the first ship which arrived in Guyana in 1838 bringing indentured migrants from India. It was gifted by India to the people of Guyana in 1991.