A hologram statue of Netaji has been installed at India Gate. The entire nation welcomed this move with great joy: PM Modi
The 'Amar Jawan Jyoti' near India Gate and the eternal flame at the 'National War Memorial' have been merged. This was a touching moment for all: PM
Padma award have been given to the unsung heroes of our country, who have done extraordinary things in ordinary circumstances: PM
Corruption hollows the country like a termite: PM Modi
The vibrancy and spiritual power of Indian culture has always attracted people from all over the world: PM Modi
Ladakh will soon get an impressive Open Synthetic Track and Astro Turf Football Stadium: PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે મન કી બાતની એક વધુ કડી દ્વારા આપણે એક સાથે જોડાઇ રહ્યા છીએ. આ ૨૦૨૨ની પહેલી મન કી બાત છે. આજે આપણે ફરી એવી ચર્ચાઓને આગળ વધારીશું જે આપણા દેશ અને દેશવાસીઓની સકારાત્મક પ્રેરણાઓ અને સામૂહિક પ્રયત્નો સાથે જોડાયેલી હોય છે. આજે આપણા પૂજય બાપુ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. ૩૦ જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુના ઉપદેશોની પણ યાદ અપાવે છે. હજી થોડા દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર દિવસ પણ ઉજવ્યો. દિલ્હીમાં રાજપથ પર આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ઝલક જોઇ તેણે સૌને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે. આ વખતે તમે એક બદલાવ જોયો હશે. હવે પ્રજાસત્તાક દિવસ સમારંભ ૨૩ જાન્યુઆરી એટલે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી શરૂ થશે અને ૩૦ જાન્યુઆરી સુધી એટલે કે, ગાંધીજીની પુણ્યતિથિ સુધી ચાલશે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની ડીજીટલ પ્રતિમા પણ સ્થાપિત કરી દેવાઇ છે.  આ બાબતનું જે રીતે દેશે સ્વાગત કર્યું, દેશના ખૂણેખૂણાથી આનંદનું જે મોજું ફરી વળ્યું, દરેક દેશવાસીએ જે પ્રકારની ભાવનાઓ પ્રગટ કરી તેને આપણે કયારેય ભૂલી નહીં શકીએ.

સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.

સાથીઓ, અમૃત મહોત્સવના આ આયોજનોની વચ્ચે દેશમાં કેટલાયે મહત્વના રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા. તેમાંનો એક છે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કાર એવા બાળકોને મળ્યા, જેમણે નાની ઉંમરમાં જ સાહસિક અને પ્રેરણાદાયક કામ કર્યું છે. આપણે બધાંએ પોતાના ઘરમાં આ બાળકો વિશે જરૂર જણાવવું જોઇએ. તેનાથી આપણાં બાળકોને પણ પ્રેરણા મળશે અને તેમનામાં દેશનું નામ રોશન કરવાનો ઉત્સાહ જાગશે. દેશમાં હમણાં જ પદ્મપુરસ્કારોની પણ જાહેરાત થઇ છે. પદ્મપુરસ્કાર મેળવનારામાં કેટલાય એવા નામ પણ છે જેમના વિશે બહુ ઓછા લોકો જામે છે. આ આપણા દેશના unsung heroes છે. જેમણે સાધારણ સંજોગોમાં પણ અસાધારણ કામ કર્યું છે. જેમ કે, ઉત્તરાખંડના બસંતી દેવીજીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બસંતી દેવીએ તેમનું પૂરૂં જીવન સંઘર્ષોની વચ્ચે વિતાવ્યું. નાની ઉંમરમાં જ તેમના પતિનું અવસાન થઇ ગયું હતું અને તેઓ એક આશ્રમમાં રહેવા લાગ્યાં. ત્યાં રહીને તેમણે નદીને બચાવવા માટે સંઘર્ષ કર્યો અને પર્યાવરણ માટે અસાધારણ યોગદાન આપ્યું. તેમણે મહિલાઓના સશક્તીકરણ માટે પણ ઘણું કામ કર્યું છે. આ રીતે જ મણિપુરના ૭૭ વર્ષના લૌરેમ્બમ બીનો દેવી દાયકાઓથી મણિપુરની લીબા વસ્ત્રકળાનું સંરક્ષણ કરી રહ્યા છે. તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના અર્જુનસિંહને બૈગા આદિવાસી નૃત્યની કળાને ઓળખ અપાવવા માટે પદ્મ સન્માન મળ્યું છે. પદ્મ સન્માન મેળવનારા વધુ એક મહાનુભાવ છે શ્રીમાન અમાઇ મહાલિંગા નાઇક. તેઓ એક ખેડૂત છે. અને કર્ણાટકના નિવાસી છે. તેમને કેટલાક લોકો ટનલ મેન પણ કહે છે. તેમણે ખેતીમાં એવા એવા નવીનીકરણ કર્યા છે, જેને જોઇને કોઇપણ દંગ રહી જાય. તેમના પ્રયાસોનો બહુ મોટો લાભ નાના ખેડૂતોને થઇ રહ્યો છે. આવા બીજા પણ કેટલાય unsung heroes(અસ્તુત્ય નાયકો) છે. દેશે તેમના યોગદાન માટે જેમને સન્માનિત કર્યા છે. આપ તેમના વિષે જાણવાની પણ ચોક્કસ કોશિશ કરજો. તેમનાથી આપણને જીવનમાં ઘણુંબધું શીખવા મળશે.

મારા વ્હાલા દેશવાસીઓ, અમૃત મહોત્સવ વિશે તમે બધા સાથીઓ મને ઢગલાબંધ પત્રો અને સંદેશા મોકલો છો, અનેક સૂચનો કરો છે. આ શ્રેણીમાં કંઇક એવું થયું છે, જે મારા માટે અવિસ્મરણીય છે. એક કરોડથી વધુ બાળકોએ મને પોતાની મન કી બાત પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલી છે. આ એક કરોડ પોસ્ટકાર્ડ દેશના, જુદાજુદા ભાગમાંથી આવ્યા છે, વિદેશથી પણ આવ્યા છે. તેમાંથી ઘણા પોસ્ટકાર્ડ મેં સમય કાઢીને વાંચવાનો પ્રયત્ન કર્યો છે. આ પોસ્ટકાર્ડઝમાં એ બાબતનું દર્શન થાય છે કે દેશના ભવિષ્ય માટે આપણી નવી પેઢીની વિચારસરણી કેટલી વ્યાપક અને કેટલી વિશાળ છે. મેં મન કી બાતના શ્રોતાઓ માટે કેટલાક પોસ્ટકાર્ડ અલગ તારવ્યા છે જેને હું તમારી સાથે શેર કરવા માંગું છું. જેમ કે આ એક, આસામના ગુવાહાટીથી રિધ્ધિમા સ્વર્ગિયારીનું પોસ્ટકાર્ડ છે. રિધ્ધિમા સાતમા ધોરણની વિદ્યાર્થિની છે, અને તેમણે લખ્યું છે કે, આઝાદીના એકસોમા વર્ષમાં તેઓ એક એવું ભારત જોવા ઇચ્છે છે જે દુનિયાનો સૌથી સ્વચ્છ દેશ હોય, આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત હોય, સો ટકા સાક્ષરદેશોમાં સામેલ હોય, અકસ્માત મુક્ત દેશ હોય, અને ટકાઉ ટેકનોલોજીથી અન્ન સલામતીમાં સક્ષમ હોય. રિધ્ધિમા, આપણી દીકરીઓ જે વિચારે છે, જે સપના દેશ માટે જુએ છે, તે તો પૂરા થાય છે જ. જયારે સૌના પ્રયત્નો જોડાશે, તમારી યુવાપેઢી તેને લક્ષ્ય બનાવીને કામ કરશે, તો તમે ભારતને જેવું બનાવવા ઇચ્છો છો, તેવું ચોક્કસ બનશે. એક પોસ્ટકાર્ડ મને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની નવ્યા વર્માનો પણ મળ્યો છે. નવ્યાએ લખ્યું છે કે, તેમનું સપનું ૨૦૪૭માં એવા ભારતનું છે, જયાં બધાને સન્માનપૂર્ણ જીવન મળે, જયાં ખેડૂત સમૃદ્ધ હોય અને ભ્રષ્ટાચાર ન હોય. નવ્યા દેશ માટેનું તમારૂં સપનું બહું વખાણવાલાયક છે. આ દિશામાં દેશ ઝડપથી આગળ પણ વધી રહ્યો છે. તમે ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાત કરી. ભ્રષ્ટાચાર તો ઉધઇની જેમ દેશને પોલો કરી નાંખે છે. તેનાથી મુક્તિ માટે ૨૦૪૭ની રાહ શા માટે જોવી ? આ કામ આપણે સૌ દેશવાસીઓએ, આજની યુવાપેઢીએ મળીને કરવાનું છે, બને તેટલું જલ્દી કરવાનું છે. અને એ માટે બહુ જરૂરી છે કે આપણે આપણા કર્તવ્યોને પ્રાથમિકતા આપીએ. જયાં ફરજ નિભાવવાનો અહેસાસ થાય છે. કર્તવ્ય સર્વોપરી હોય છે. ત્યાં ભ્રષ્ટાચાર ફરકી પણ નથી શકતો.

સાથીઓ, વધુ એક પોસ્ટકાર્ડ મારી સામે છે ચેન્નાઇના મોહંમદ ઇબ્રાહીમનો. ઇબ્રાહીમ ૨૦૪૭માં ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટી શક્તિના રૂપમાં જોવા ઇચ્છે છે. તેઓ ઇચ્છે છે કે, ચંદ્ર પર ભારતનું પોતાનું સંશોધન મથક હોય, અને મંગળ પર ભારત, માનવ વસ્તીને, વસાવવાનું કામ શરૂ કરે. સાથોસાથ ઇબ્રાહીમ પૃથ્વીને પણ પ્રદૂષણથી મુક્ત કરવામાં ભારતની મોટી ભૂમિકા જુએ છે. ઇબ્રાહીમ, જે દેશની પાસે તમારા જેવા નવજુવાન હોય, તેમના માટે કશું પણ અસંભવ નથી.

સાથીઓ, મારી સામે એક પત્ર છે. મધ્યપ્રદેશના રાયસેનમાં સરસ્વતી વિદ્યામંદિરની દસમા ધોરણની વિદ્યાર્થિની ભાવનાનો. સૌથી પહેલા તો હું ભાવનાને કહીશ કે, તમે જે રીતે તમારા પોસ્ટકાર્ડને ત્રિરંગાથી શણગાર્યું છે તે મને બહુ ગમ્યું. ભાવનાએ ક્રાંતિકારી શિરીષકુમાર વિષે લખ્યું છે.

સાથીઓ, ગોવાથી મને લોરેન્શિયો પરેરાનું પોસ્ટકાર્ડ મળ્યું છે. તે બારમા ધોરણના વિદ્યાર્થી છે. તેમના પત્રનો પણ વિષય છે. આઝાદીના unsung heroes(અસ્તૃત્ય નાયકો). હું તેનો ગુજરાતી ભાવાર્થ તમને જણાવું છું. તેમણે લખ્યું છે, “ભીખાજી કામા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થનારા સૌથી બહાદુર મહિલાઓમાંના એક હતાં.” તેમણે દીકરીઓને સશક્ત બનાવવા માટે દેશવિદેશમાં ઘણા અભિયાન ચલાવ્યાં. અનેક પ્રદર્શનો યોજ્યા. ચોક્કસપણે ભીખાજી કામા સ્વાધીનતા આંદોલનના સૌથી નીડર મહિલાઓમાંના એક હતા. ૧૯૦૭માં તેમણે જર્મનીમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ ત્રિરંગાને સ્વરૂપ આપવામાં  જે વ્યક્તિએ જેમને સાથ આપ્યો હતો, તે હતા – શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માજીનું નિધન ૧૯૩૦માં જીનીવામાં થયું હતું. તેમની અંતિમ ઇચ્છા હતી કે, ભારતની આઝાદી પછી તેમના અસ્થિ ભારત લાવવામાં આવે. આમ તો, ૧૯૪૭માં આઝાદીના બીજા દિવસે જ તેમના અસ્થિ ભારત પરત લાવવા જોઇતા હતા, પરંતુ તે કામ ન થયું. કદાય પરમાત્માની ઇચ્છા હશે કે આ કામ હું કરૂં અને આ કામ કરવાનું સૌભાગ્ય પણ મને જ મળ્યું. હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે વર્ષ ૨૦૦૩માં તેમના અસ્થિ ભારત લાવવામાં આવ્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં તેમના જન્મસ્થાન, કચ્છના માંડવીમાં એક સ્મારકનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

સાથીઓ, ભારતની આઝાદીના અમૃત મહોત્સવનો ઉત્સાહ કેવળ આપણા દેશમાં જ નથી. મને ભારતના મિત્ર દેશ ક્રોએશિયાથી પણ ૭૫ પોસ્ટકાર્ડ મળ્યા છે. ક્રોએશિયાના જાગ્રેબમાં School of Applied Arts and Design ના વિદ્યાર્થીઓએ આ ૭૫ કાર્ડઝ ભારતના લોકો માટે મોકલ્યા છે અને અમૃત મહોત્સવના અભિનંદન આપ્યા છે. હું આપ સૌ દેશવાસીઓ તરફથી ક્રોએશિયા અને ત્યાંના લોકોને ધન્યવાદ આપું છું.

મારા દેશવાસીઓ, ભારત શિક્ષણ અને જ્ઞાનની તપોભૂમિ રહ્યું છે. આપણે શિક્ષણને પુસ્તકિયા જ્ઞાન સુધી મર્યાદિત નથી રાખ્યું, પરંતુ તેને જીવનના એક સમગ્ર અનુભવના રૂપે જોયું છે. આપણા દેશની મહાન વિભૂતિઓનો પણ શિક્ષણ સાથે ગાઢ નાતો રહ્યો છે. પંડિત મદન મોહન માલવીયજીએ જયાં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, તો મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી. આપણા આણંદમાં એક બહુ સરસ જગ્યા છે – વલ્લભ વિદ્યાનગર. સરદાર પટેલના આગ્રહથી તેમના બે સહયોગીઓ, ભાઇ કાક અને ભીખા ભાઇએ ત્યાં યુવાનો માટે શિક્ષણકેન્દ્રોની સ્થાપના કરી. એ રીતે જ પશ્ચિમ બંગાળમાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે શાન્તિનિકેતનની સ્થાપના કરી. મહારાજા ગાયકવાડ પણ કેળવણીના પ્રબળ સમર્થકોમાંના એક હતા. તેમણે અનેક શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરાવ્યું અને ડોકટર આંબેડકર તથા શ્રી અરબિંદો સહિત અનેક વિભૂતિઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરી. એવા જ મહાનુભાવોની યાદીમાં એક નામ રાજા મહેન્દ્ર પ્રતાપસિંહનું પણ છે. રાજા મહેન્દ્ર પ્રતાપસિંહજીએ એક ટેકનીકલ સ્કૂલની સ્થાપના માટે પોતાનું ઘર જ સોંપી દીધું હતું. તેમણે અલીગઢ અને મથુરામાં શિક્ષણ કેન્દ્રના નિર્માણ માટે ખૂબ આર્થિક મદદ કરી. થોડા સમય પહેલાં મને અલીગઢમાં તેમના નામે એખ યુનિવર્સિટીનું ખાતમૂહુર્ત કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મને આનંદ છે કે, જ્ઞાનના પ્રકાશને જન-જન સુધી પહોંચાડવાની આ જીવંત ભાવના ભારતમાં આજે પણ અખંડ છે. શું તમે જાણો છે કે, આ ભાવનાની સૌથી સુંદર વાત શું છે? એ સુંદર વાત એક છે કે શિક્ષણ માટેની જાગૃતિ સમાજમાં દરેક સ્તરે જોવા મળી રહી છે. તમિલનાડુના તિરૂપુર જીલ્લાના ઉદુમલપેટ બ્લોકમાં રહેતા તાયમ્મલજીનું ઉદાહરણ તો ખૂબ જ પ્રેરણાદાયક છે. તાયમ્મલજીની પાસે પોતાની કોઇ જમીન નથી. વર્ષોથી તેમનો પરિવાર નાળિયેર પાણી વેચીનો પોતાનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતિ ભલે સારી ન હોય પરંતુ તાયમ્મલજીએ તેમના દીકરાદીકરીને ભણાવવામાં કોઇ કસર બાકી રાખી નથી. તેમના સંતાનો ચિન્નવિરમપટ્ટી પંચાયતની યુનિયન મિડલ સ્કૂલમાં ભણતા હતા. એમ જ એક દિવસ શાળામાં વાલીઓ સાથેની મિટીંગમાં વાત આવી કે વર્ગો અને શાળાની સ્થિતિ સુધારવામાં આવે, શાળાનું આંતરમાળખું સારૂં કરવામાં આવે. તાયમ્મલજી પણ આ વાલીમીટીંગમાં હતા. તેમણે બધું સાંભળ્યું. આ બેઠકમાં ફરી ચર્ચા તે કામો માટે પૈસાની ખેંચ પર આવીને અટકી ગઇ. ત્યાર બાદ તાયમ્મલજીએ જે કર્યું તેની કલ્પના કોઇ કરી શકે તેમ નહોતું. જે તાયમ્મલજીએ નાળિયેર પાણી વેચીને થોડી મૂડી એકઠી કરી હતી. તેમણે એક લાખ રૂપિયા સ્કૂલ માટે દાન કરી દીધા. ખરેખર આવું કરવા માટે બહુ મોટું દિલ જોઇએ. સેવાભાવ જોઇએ. તાયમ્મલજીનું કહેવું છે કે, હજી જે શાળા છે, તેમાં આઠમા ધોરણ સુધીનું જ શિક્ષણ અપાય છે. હવે જ્યારે શાળાનું આંતરમાળખું સુધરી જશે તો અહીંયા ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ મળવા લાગશે. આપણા દેશમાં શિક્ષણ વિશે આ એ જ ભાવના છે જેની હું ચર્ચા કરી રહ્યો હતો. મને આઇ.આઇ.ટી. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના આ રીતના દાન વિશે પણ જાણવા મળ્યું છે. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી જય ચૌધરીજીએ આઇ.આઇ.ટી. બી.એચ.યુ. ફાઉન્ડેશનને દસ લાખ ડોલર એટલે કે લગભગ સાડા સાત કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

સાથીઓ, આપણા દેશમાં જુદાજુદા ક્ષેત્રો સાથે જોડાયેલા એવા ઘણા લોકો છે, જે બીજાની મદદ કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે છે. મને અત્યંત આનંદ છે કે આ રીતના પ્રયાસો ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં, ખાસ કરીને આપણી અલગ અલગ આઇઆઇટીમાં સતત જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં પણ આ પ્રકારના પ્રેરણ ઉદાહરણોની ખોટ નથી. આ રીતના પ્રયાસોને વધુ પ્રોત્સાહન આપવા ગયા વર્ષે સપ્ટેમ્બર માસથી દેશમાં વિદ્યાંજલી અભિયાનની પણ શરૂઆત થઇ છે. તેનો હેતુ વિવિધ સંગઠનો, કંપનીઓનો ફાળો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી દેશભરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. વિદ્યાંજલી અભિયાન સામુહિક ભાગીદારી અને માલિકીની ભાવનાથી આગળ વધી રહ્યું છે. પોતાની શાળા, કોલેજ સાથે સતત જોડાયેલા રહેવું, પોતાની શક્તિ અનુસાર કંઇક ને કંઇક યોગદાન આપતા રહેવું એ એક એવી બાબત છે જેનો સંતોષ અને આનંદ અનુભવ લઇને જ જાણી શકાય છે.

મારા વ્હાલા દેશવાસીઓ, પ્રકૃતિને પ્રેમ અને જીવ માત્ર માટે કરૂણા એ આપણી સંસ્કૃતિ પણ છે અને સહજ સ્વભાવ પણ છે આપણા આ સંસ્કારોની ઝલક હમણાં તાજેતરમાં જ ત્યારે જોવા મળી જયારે મધ્યપ્રદેશના પેંચ વાઘ અભ્યારણ્યમાં એક વાઘણે દુનિયાને અલવિદા કરી દીધી. આ વાઘણને લોકો કોલર વાળી વાઘણ કહેતા હતા. વન વિભાગે તેને ટી-૧૫ નામ આપ્યું હતું. આ વાઘણના મૃત્યુએ લોકોને એટલા ભાવુક બનાવી દીધા, જાણે તેમનું કોઇ સ્વજન દુનિયા છોડી ગયું હોય. લોકોએ રીતસર તેના અંતિમ સંસ્કાર કર્યા, તેને પૂરા સન્માન અને સ્નેહ સાથે વિદાઇ આપી. તમે પણ આ તસ્વીરો સોશિયલ મીડિયામાં જરૂર જોઇ હશે. પૂરી દુનિયામાં પ્રકૃતિ અને જીવો માટે આપણા, ભારતીયોના આ પ્રેમની ખૂબ પ્રશંસા થઇ. કોલરવાળી વાઘણે તેના જીવનકાળમાં ૨૯ બચ્ચાંને જન્મ આપ્યો અને ૨૫ને પાળી પોષીને મોટાં પણ કર્યાં. આપણે ટી-૧૫ના આ જીવનને પણ ઉજવ્યું અને તેણે જયારે દુનિયા છોડી તો તેને ભાવસભર વિદાઇ પણ આપી. આ જ તો ભારતના લોકોની ખૂબી છે. આપણે દરેક ચેતન જીવ સાથે પ્રેમનો સંબંધ બનાવી લઇએ છીએ. એવું જ એક દ્રશ્ય આપણને આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ જોવા મળ્યું. આ પરેડમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોના ચાર્જર ઘોડા વિરાટે પોતાની આખરી પરેડમાં ભાગ લીધો. આ ઘોડો વિરાટ, ૨૦૦૩માં રાષ્ટ્રપતિભવન આવ્યો હતો અને દરેક વખતે પ્રજાસત્તાક દિવસે કમાન્ડન્ટ ચાર્જરના રૂપમાં પરેડની આગેવાની લેતો હતો. જયારે કોઇ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષનું રાષ્ટ્રપતિભવનમાં સ્વાગત થયું હતું, ત્યારે પણ તે પોતાની આ ભૂમિકા નિભાવતો હતો. આ વર્ષે સેના દિવસે એ અશ્વ વિરાટને સેના પ્રમુખ દ્વારા સેનાધ્યક્ષ પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું. વિરાટની વિરાટ સેવાઓને જોઇને તેની સેવાનિવૃત્તિ પછી એટલી જ ભવ્ય રીતે તેને વિદાઇ આપવામાં આવી.

મારા વ્હાલા દેશવાસીઓ, જયારે એક નિષ્ઠ પ્રયાસ થાય છે, સદભાવનાથી કામ થાય છે તો તેના પરિણામ પણ મળે છે. તેનું એક સર્વોત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, આસામથી આસામનું નામ લેતાં જ ત્યાંના ચાના બગીચા અને ઘણા બધાં રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિચાર આવે છે. સાથોસાથ એક શીંગી ગૈંડા એટલે કે, One horn Rhinoનું ચિત્ર પણ આપણા મનમાં ઉપસી આવે છે. આપ સૌ જાણો છો કે આ એક શીંગી ગૈંડો અસમિયા સંસ્કૃતિનો ભાગ રહ્યો છે. ભારત રત્ન ભૂપેન હજારિકાજીનું આ ગીત દરેકના કાનમાં ગુંજતું હશે.

સાથીઓ, આ ગીતનો અર્થ છે તે ખૂબ સુસંગત છે. આ ગીતમાં કહેવાયું છે, કાઝીરંગાનો લીલોછમ પરિવેશ, હાથી અને વાઘના નિવાસ, એક શીંગી ગેંડાને પૃથ્વી જુએ, પક્ષીઓનો મધુરવ કલરવ સાંભળે. આસામની વિશ્વપ્રસિદ્ધ હાથશાળ પર વણેલા મૂંગા અને એરીના પોષાકોમાં પણ ગૈંડાની આકૃતિ જોવા મળે છે. આસામની સંસ્કૃતિમાં જે ગૈંડાનો આટલો મોટો મહિમા છે, તેને પણ સંકટોનો સામનો કરવો પડતો હતો. વર્ષ ૨૦૧૩માં ૩૭ અને ૨૦૧૪માં ૩૨ ગૈંડાને શિકારીઓએ મારી નાંખ્યા હતા. આ પડકારને પહોંચી વળવા માટે છેલ્લા સાત વર્ષમાં સરકારે વિશેષ પ્રયાસોથી ગૈંડાના શિકાર વિરૂદ્ધ એક બહુ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું. ગઇ ૨૨ સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસના અવસરે શિકારીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા ૨૪૦૦થી વધુ શીંગડાઓને સળગાવી દેવામાં આવ્યા હતા. ચોર શિકારીઓ માટે આ એક સખત સંદેશ હતો. એવા જ પ્રયાસોના પરિણામે હવે આસામમાં ગેંડાઓના શિકારમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૩માં જયાં ૩૭ ગેંડાની હત્યા કરાઇ હતી ત્યાં ૨૦૨૦માં ૨ અને ૨૦૨૧માં માત્ર ૧ ગૈંડાના શિકારનો મામલો સામે આવ્યો છે. ગેંડાને બચાવવા માટેના આસામના લોકોના સંકલ્પની હું પ્રસંશા કરૂં છું.

સાથીઓ, ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો અને આધ્યાત્મિક શક્તિએ હંમેશા દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે. હું જો આપને કહું કે ભારતીય સંસ્કૃતિ, અમેરિકા, કેનેડા, દુબઇ, સિંગાપુર, પશ્ચિમી યુરોપ અને જાપાનમાં ખૂબ જ લોકપ્રિય છે તો આ વાત આપને બહુ સામાન્ય લાગશે, આપને કોઇ નવાઇ નહીં લાગે. પરંતુ, હું જો એમ કહું કે, ભારતીય સંસ્કૃતિનું લેટીન અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પણ ભારે આકર્ષણ છે, તો તમે એક વખત ચોકકસ વિચારમાં પડી જશો. મેક્સિકોમાં ખાદીને પ્રોત્સાહન આપવાની વાત હોય કે, પછી બ્રાઝિલમાં ભારતીય પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ, મન કી બાતમાં આપણે અગાઉ આ વિષયો પર ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે હું આપને આર્જેન્ટીનામાં ફરકી રહેલા ભારતીય સંસ્કૃતિના ધ્વજ વિષે વાત કરીશ. આર્જેન્ટીનામાં આપણી સંસ્કૃતિને ખૂબ પસંદ કરવામાં આવે છે. ૨૦૧૮માં મેં આર્જેન્ટીનાની મારી મુલાકાત દરમિયાન યોગના કાર્યક્રમમાં - શાંતિ માટે યોગમાં ભાગ લીધો હતો. અહીં આર્જેન્ટીનામાં એક સંસ્થા છે - હસ્તિનાપુર ફાઉન્ડેશન. તમને સાંભળીને નવાઇ લાગે છે ને ! ક્યાં આર્જેન્ટીના અને ત્યાં પણ હસ્તિનાપુર ફાઉન્ડેશન ! આ ફાઉન્ડેશન આર્જેન્ટીનામાં ભારતીય વૈદિક પરંપરાઓના પ્રસારમાં વ્યસ્ત છે. તેના સ્થાપના ૪૦ વર્ષ પહેલાં એક મહિલા પ્રોફેસર એડા અલબ્રેસ્ટે કરી હતી. આજે પ્રોફેસર એડા અલબ્રેસ્ટ ૯૦ વર્ષના થવા જઇ રહ્યા છે. ભારતની સાથે એમનો લગાવ કેવી રીતે થયો તે પણ ખૂબ રસપ્રદ છે. તેઓ જયારે ૧૮ વર્ષના હતા ત્યારે પહેલીવાર ભારતીય સંસ્કૃતિની શક્તિનો તેમને પરિચય થયો. તેમણે ભારતમાં સારો એવો સમય વિતાવ્યો. ભગવદગીતા અને ઉપનિષદો વિષે ઉંડાણથી અભ્યાસ કર્યો. આજે હસ્તિનાપુર ફાઉન્ડેશનના ૪૦ હજારથી વધુ સભ્યો છે અને આર્જેન્ટીના તથા અન્ય લેટિન અમેરિકી દેશોમાં તેની લગભગ ૩૦ શાખાઓ છે. હસ્તિનાપુર ફાઉન્ડેશને સ્પેનિશ ભાષામાં ૧૦૦થી વધુ વૈદિક અને દાર્શનિક ગ્રંથ પણ પ્રકાશિત કર્યા છે. તેમનો આશ્રમ પણ ખૂબ મનમોહક છે. આશ્રમમાં ૧૨ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક દેવીદેવતાઓની મૂર્તિઓ છે. આ બધાના કેન્દ્રમાં એક એવું મંદિર પણ છે તે અદ્વૈતવાદી ધ્યાન માટે બનાવવામાં આવ્યું છે.

સાથીઓ, આવા જ સેંકડો ઉદાહરણ એ દર્શાવે છે, કે આપણી સંસ્કૃતિ આપણા માટે જ નહીં, બલ્કે પૂરી દુનિયા માટે એક અણમોલ વારસો છે. દુનિયાભરના લોકો તેને જાણવા માંગે છે, સમજવા માંગે છે, જીવવા માંગે છે. આપણે પણ પૂરી જવાબદારી સાથે આપણા સાંસ્કૃતિક વારસાને ખુદ પોતાના જીવનનો હિસ્સો બનાવીને બધા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઇએ.

મારા વ્હાલા દેશવાસીઓ, હવે હું આપને અને ખાસ કરીને આપણા યુવાઓને એક પ્રશ્ન કરવા માંગું છું. હવે વિચારો, તમે એક વારમાં કેટલા પુશ-અપ્સ કરી શકો છે. આપને હું જે જણાવવાનો છું તે ચોક્કસપણે આશ્ચર્યમાં મૂકી દેશે. મણિપુરમાં ૨૪ વર્ષના યુવાન થૌનાઓજમ નિંરજોય સિંહે એક મિનિટમાં ૧૦૯ પુશ-અપ્સ કરીને વિક્રમ સર્જયો છે. નિરંજોય સિંહ માટે વિક્રમ તોડવો કોઇ નવી વાત નથી. તેમણે આ અગાઉ પણ એક મિનિટમાં એક હાથથી સૌથી વધુ નકલ પુશ-અપ્સનો વિક્રમ રચ્યો હતો. મને પૂરો વિશ્વાસ છે કે નિરંજોય સિંહથી તમે પ્રેરિત થશો અને શારીરિક તંદુરસ્તીને તમારા જીવનનો હિસ્સો બનાવશો.

સાથીઓ, આજે હું તમને લદ્દાખની એક એવી જાણકારી આપવા માંગું છું તે જેના વિશે જાણીને તમને ચોક્કસ ગર્વ થશે. લદ્દાખને બહુ જલ્દી એક શાનદાર ઓપન સિન્થેટીક ટ્રેક અને એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ સ્ટેડિયમની ભેટ મળવાની છે. આ સ્ટેડિયમ દસ હજાર ફૂટથી વધુ ઉંચાઇએ બની રહ્યું છે અને તેનું નિર્માણ જલદી પૂરૂં થવામાં છે. લદ્દાખનું આ સૌથી મોટું ખુલ્લું સ્ટેડિયમ હશે, જયાં ૩૦ હજાર દર્શકો એક સાથે બેસી શકશે. લદ્દાખના આ આધુનિક ફૂટબોલ સ્ટેડિયમમાં આઠ લેન વાળો એક સિન્થેટીક ટ્રેક પણ હશે. આ ઉપરાંત ત્યાં એક હજાર પથારીવાળી એક છાત્રાલયની સગવડ પણ હશે. તમને એ જાણીને આનંદ થશે કે આ સ્ટેડિયમને ફૂટબોલની સૌથી મોટી સંસ્થા ફીફાએ પણ પ્રમાણિત કર્યું છે. રમતગમતનું આવું કોઇ મોટું આંતરમાળખું જયારે પણ તૈયાર થાય છે, તો તે દેશના યુનાવો માટે સર્વોત્તમ તકો લઇને આવે છે. સાથોસાથ જયાં વ્યવસ્થા થાય છે ત્યાં પણ દેશભરના લોકોની આવનજાવન થતી હોય છે. પ્રવાસનને પ્રોત્સાહન મળે છે અને રોજગારીની અનેક તકોનું સર્જન થાય છે. લદ્દાખના અનેક યુવાનોને પણ આ સ્ટેડિયમનો લાભ થશે.

મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત માં આ વખતે પણ આપણે અનેક વિષયો પર વાત કરી. હજી એક વધુ વિષય છે, જે અત્યારે સૌના મનમાં છે અને તે છે કોરોનાનો વિષય. કોરોનાની નવી લહેર સામે ભારત બહુ સફળતાપૂર્વક લડી રહ્યો છે અને એ પણ ગર્વની વાત છે કે, અત્યારસુધીમાં લગભગ સાડા ચાર કરોડ બાળકોએ કોરોના રસીનો ડોઝ લઇ લીધો છે. એનો અર્થ એ થયો કે ૧૫ થી ૧૮ વર્ષની વય શ્રેણીના લગભગ ૬૦ ટકા તરૂણોએ ૩ થી ૪ અઠવાડિયામાં જ રસી લઇ લીધી છે. તેનાથી આપણા યુવાનોની માત્ર રક્ષા જ નહીં થાય પરંતુ તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં પણ મદદ મળશે. વધુ એક સારી વાત એ છે કે, ૨૦ દિવસના સમયમાં જ એક કરોડ લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઇ લીધો છે. આપણા દેશની રસી પર દેશવાસીઓનો ભરોસો આપણી બહુ મોટી તાકાત છે. હવે તો કોરોનાનો ચેપ લાગવાના કેસ પણ ઓછા થવાના શરૂ થઇ ગયા છે – આ ખૂબ હકારાત્મક સંકેત છે. લોકો સલામત રહે, દેશની આર્થિક પ્રવૃતિઓની ગતિ યથાવત રહે. તે જ દરેક દેશવાસીની કામના છે. અને આપ તો જાણો છો જ, મન કી બાતમાં કેટલીક વાતો કહ્યા વિના હું રહી જ, નથી શકતો, જેમ કે, સ્વચ્છતા અભિયાનને આપણે ભૂલવાનું નથી, સિંગલ યુઝ પ્લાસ્ટીક વિરૂદ્ધના અભિયાનમાં આપણે વધુ ઝડપ લાવવી જરૂરી છે, વોકલ ફોર લોકલ ના મંત્ર એ આપણી જવાબદારી છે, આપણે આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખરા દિલથી જોડાઇ રહેવાનું છે. આપણા સૌના પ્રયાસોથી જ દેશ, વિકાસની નવી ઉંચાઇએ પહોંચશે. એ જ મનોકામના સાથે, હું, આપની વિદાય લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.