મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. સામાન્ય રીતે આ સમય ઉત્સવનો હોય છે, દરેક જગ્યાએ મેળાઓ ભરાય છે, ધાર્મિક પૂજા-પાઠ થાય છે. કોરોનાના આ સંકટકાળમાં લોકોમાં ઉંમગ તો છે, ઉત્સાહ પણ છે પરંતુ આપણા દરેકના મનને સ્પર્શી જાય તેવું અનુશાસન પણ છે. ઘણી ખરી રીતે જોવા જઈએ તો નાગરિકોમાં જવાબદારીની સમજ પણ છે. લોકો પોતાનું ધ્યાન રાખીને, બીજાઓનું ધ્યાન રાખીને, પોતાના રોજીંદા કામ પણ કરી રહ્યા છે. દેશમાં થઈ રહેલા પ્રત્યેક આયોજનમાં જે રીતનો સંયમ અને સાદગી આ વખતે જોવાઈ રહી છે, તે અભૂતપૂર્વ છે. ગણેશોત્સવ પણ ક્યાંક ઓનલાઈન મનાવવામાં આવી રહ્યો છે, તો મોટાભાગની જગ્યાઓએ આ વખતે ઈકોફ્રેન્ડ્લી ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. સાથીઓ, આપણે જો બહુ બારીકાઈથી જોઈએ તો એક વાત ચોક્કસ આપણા ધ્યાનમાં આવશે – આપણા ઉત્સવ અને પર્યાવરણ. આ બંને વચ્ચે બહુ ગાઢ સંબંધ રહ્યો છે. જ્યાં એક તરફ આપણા ઉત્સવોમાં પર્યાવરણ અને પ્રકૃતિની સાથે સહજીવનનો સંદેશ છુપાયેલો હોય છે, તો બીજી તરફ, કેટલાયે ઉત્સવો પ્રકૃતિની રક્ષા માટે જ મનાવવામાં આવે છે. જેમ કે બિહારના પશ્ચિમ ચંપારણમાં સદીઓથી થારૂ આદિવાસી સમાજના લોકો 60 કલાકનું લોકડાઉન અથવા તેમના જ શબ્દોમાં કહીએ તો, 60 કલાકના બરનાનું પાલન કરે છે. પ્રકૃતિની રક્ષા માટે બરનાને થારૂ સમાજે પોતાની પરંપરાનો ભાગ બનાવી લીધો છે, અને સદીઓથી બનાવેલો છે. આ દરમિયાન ન કોઈ ગામમાં આવે છે, કે ન કોઈ પોતાના ઘરની બહાર નીકળે છે, અને લોકો માને છે કે જો તેઓ બહાર નીકળ્યા અથવા કોઈ બહારથી આવ્યું તો તેમના આવવા-જવાથી, લોકોની રોજીંદી ગતિવિધીઓથી, નવા છોડ-ઝાડને નુકસાન થઈ શકે છે. બરનાની શરૂઆતમાં ભવ્ય રીતે આપણા આદિવાસી ભાઈ-બહેનો પૂજા-પાઠ કરે છે, અને તેના સમાપન પર આદિવાસી પરંપરાના ગીત,સંગીત, નૃત્ય જેવા કાર્યક્રમો પણ જોરશોર સાથે થાય છે.
સાથીઓ, આ દિવસોમાં ઓણમનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ ચિંગમ મહિનામાં આવે છે. આ દરમિયાન લોકો કંઈક નવું ખરીદે છે, પોતાના ઘરને સજાવે છે, પૂકલ્લમ બનાવે છે, ઓણમ-સાદિયાનો આનંદ લે છે, વિવિધ પ્રકારની રમતો અને સ્પર્ધાઓ પણ થાય છે. ઓણમની ધૂમ તો આજે દૂરસુદૂર વિદેશો સુધી પહોંચી છે. અમેરિકા હોય, યૂરોપ હોય, કે ખાડીનાં દેશો હોય, ઓણમનો ઉલ્લાસ આપને દરેક જગ્યાએ મળશે. ઓણમ એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બની રહ્યો છે.
સાથીઓ, ઓણમ આપણી કૃષિ સાથે જોડાયેલો તહેવાર છે. તે આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે પણ એક નવી શરૂઆતનો સમય હોય છે. ખેડૂતોની શક્તિથી જ તો આપણું જીવન, આપણો સમાજ ચાલે છે. આપણા તહેવારો ખેડૂતોના પરિશ્રમથી જ રંગબેરંગી બને છે. આપણા અન્નદાતાને, ખેડૂતોની જીવન આપનારી શક્તિને તો વેદોમાં પણ બહુ ગૌરવપૂર્ણરૂપથી નમન કરવામાં આવી છે.
ઋગ્વેદમાં મંત્ર છે,
અન્નાનામ પતયે નમઃ, ક્ષેત્રાણામ પતયે નમઃ…
એટલે કે અન્નદાતાને નમન, ખેડૂતોને નમન… આપણા ખેડૂતોએ કોરોનાની આ મુશ્કેલ પરિસ્થિતીમાં પણ પોતાની તાકાતને સાબિત કરી છે. આપણા દેશમાં આ વખતે ખરીફ પાકની રોપણી ગત વર્ષની તુલનામાં 7 ટકા વધારે થઈ છે.
ડાંગરની રોપણી આ વખતે લગભગ 10 ટકા, કઠોળ પાક લગભગ 5 ટકા, જાડા અનાજ- Coarse Cereals લગભગ 3 ટકા, તેલીબિયાં લગભગ 13 ટકા, કપાસ લગભગ 3 ટકા વધુ રોપવામાં આવ્યા છે. હું તેને માટે દેશના ખેડૂતોને શુભેચ્છા પાઠવું છું, તેમના પરિશ્રમને નમન કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોનાના આ સમયગાળામાં દેશ કેટલાયે મોરચે એક સાથે લડી રહ્યો છે, પરંતુ તેની સાથે-સાથે, કેટલીયે વાર મનમાં એ પણ સવાલ થતો રહ્યો છે કે આટલા લાંબા સમય સુધી ઘરમાં રહેવાને કારણે મારા નાના-નાના બાળમિત્રોનો સમય કેવી રીતે પસાર થતો હશે. અને એટલે જ મેં ગાંધીનગરની ચિલ્ડ્ર્ન યુનિવર્સિટી – જે દુનિયામાં એક નોખા પ્રકારનો પ્રયોગ છે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, આ બધાની સાથે મળીને, આપણે બાળકો માટે શું કરી શકીએ છીએ, તેના પર મંથન કર્યું, ચિંતન કર્યું. મારા માટે તે અતિ સુખદ હતું, લાભકારી હતું કારણ કે એક રીતે તે મારા માટે પણ કંઈક નવું જાણવાનો, નવું શિખવાનો લ્હાવો બની ગયો.
સાથીઓ, આમારા ચિંતનનો વિષય હતો, રમકડાં. અને ખાસ કરીને ભારતીય રમકડાં. અમે આ વાત પર મંથન કર્યું કે ભારતના બાળકોને અવનવા રમકડાં કેવી રીતે મળે, ભારત રમકડાં ઉત્પાદનનું એક મોટું મથક કેવી રીતે બને. આમ તો હું “મન કી બાત” સાંભળનારા બાળકોના માતા-પિતા પાસે ક્ષમા માંગુ છું, કારણ કે બની શકે કે હવે આ “મન કી બાત” સાંભળ્યા પછી રમકડાંની નવી નવી ડિમાન્ડ સાંભળવાનું કદાચ તેમની સામે એક નવું કામ આવી જશે.
સાથીઓ, રમકડાં જ્યાં એક્ટિવિટીને વધારનારા હોય છે, તો રમકડાં આપણી મહત્વાકાંક્ષાઓને પણ પાંખો આપે છે. રમકડાં ન માત્ર મનને બહેલાવે છે, રમકડાં મનને બનાવે પણ છે, અને હેતુ પણ ઘડે છે. મેં ક્યાંક વાંચ્યું કે રમકડાંના સંબંધમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે, બેસ્ટ ટોય, એ હોય છે જે Incomplete હોય. એવું રમકડું જે અધૂરું હોય, અને બાળકો હળીમળીને રમત-રમતમાં તેને પૂરું કરે. ગુરુદેવ ટાગોરે કહ્યું હતું કે જ્યારે તેઓ નાનાં હતાં ત્યારે પોતાની કલ્પનાથી જ ઘરમાં મળી રહેતાં સામાનમાંથી જ પોતાના દોસ્તો સાથે પોતાના રમકડાં અને રમતો બનાવતા હતા. પરંતુ એક દિવસ બાળપણની એ મોજ-મસ્તીની પળોમાં મોટેરાઓની દખલ થઇ. થયું એવું કે તેમનો એક સાથી એક મોટું અને સુંદર વિદેશી રમકડું લઈને આવ્યો. રમકડાંને લઈને રોફ અનુભવતા દરેક સાથીનું ધ્યાન રમત કરતાં વધુ તે રમકડા પર ચોંટી ગયું. દરેકના આકર્ષણનું કેન્દ્ર રમત નહીં પરંતુ રમકડું બની ગયું. જે બાળક કાલ સુધી બધા સાથે રમતું હતું, બધા સાથે રહેતું હતું, હળી-મળી જતું હતું, રમતમાં ડૂબી જતું હતું, તે હવે આઘું રહેવા લાગ્યું હતું. એક રીતે અન્ય બાળકો સાથે વેગળાપણાનો ભાવ તેના મનમાં બેસી ગયો. મોંઘા રમકડાંમાં બનાવવા માટે કંઈ પણ નહોતું, શિખવા માટે પણ કંઈ નહોતું. એટલે કે એક આકર્ષક રમકડાંએ એક ઉત્કૃષ્ઠ બાળકને ક્યાંક દબાવી દીધો, છૂપાવી દીધો, મુરઝાવી દીધો. આ રમકડાંએ ધનનું, સંપત્તિનું, સહેજ મોટાઈનું પ્રદર્શન કર્યું પરંતુ તે બાળકની ક્રિએટીવ સ્પિરિટને વધતા અને ઘડાતા રોકી દીધી. રમકડું તો આવી ગયું, પરંતુ ખેલ પૂરૂં થઇ ગયું અને બાળકોનું ખિલવાનું પણ રોકાઈ ગયું. તેથી જ ગુરુદેવ કહેતા હતા કે રમકડાં એવા હોવા જોઈએ જે બાળકના બાળપણને બહાર લાવે, તેની ક્રિએટીવીટીને સામે લાવે. બાળકોના જીવનના અલગ-અલગ પાસાંઓ પર રમકડાંઓનો જે પ્રભાવ છે, તેના પર રાષ્ટ્રિય શિક્ષા નીતિમાં પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. રમત-રમતમાં શિખવું, રમકડાં બનાવવાનું શિખવું, રમકડાં જ્યાં બને છે ત્યાંની મુલાકાત કરવી, આ બધાને અભ્યાસક્રમ નો ભાગ બનાવવામાં આવ્યો છે.
સાથીઓ, આપણા દેશમાં લોકલ રમકડાંની બહુ સમૃદ્ધ પરંપરા રહી છે. કેટલાય પ્રતિભાશાળી અને કુશળ કારીગરો છે જે સારા રમકડાં બનાવવામાં પારંગત છે. ભારતના કેટલાક ક્ષેત્રો ટોય ક્લસ્ટર એટલે કે રમકડાંનાં કેન્દ્ર તરીકે પણ વિકસિત થઈ રહ્યા છે. જેમકે કર્ણાટકના રામનગરમમાં ચન્નાપટના, આંધ્રપ્રદેશના કૃષ્ણામાં કોંડાપલ્લી, તામિલનાડુમાં તાંજોર, આસામમાં ધુબરી, ઉત્તરપ્રદેશનું વારાણસી – કેટલીયે એવી જગ્યાઓ છે, કેટલાય નામ ગણાવી શકીએ છીએ. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વનો રમકડાં ઉદ્યોગ 7 લાખ કરોડ રૂપિયાથી પણ વધારેનો છે. 7 લાખ કરોડ રૂપિયાનો આટલો મોટો વેપાર, પરંતુ ભારતનો ભાગ તેમાં બહુ જ ઓછો છે. હવે તમે વિચારો કે જે રાષ્ટ્ર પાસે આટલો વારસો હોય, પરંપરા હોય, વિવિધતા હોય, યુવા આબાદી હોય, શું રમકડાંના બજારમાં તેની ભાગીદારી આટલી ઓછી હોય, એ આપણને સારું લાગશે ? જી નહીં. આ સાંભળ્યા પછી તમને પણ સારું નહીં લાગે. જુઓ સાથીઓ, ટોય ઈન્ડસ્ટ્રી બહુ જ વ્યાપક છે. ગૃહ ઉદ્યોગ, નાનાં અને લઘુ ઉદ્યોગ, એમએસએમઈ, ઉપરાંત મોટા ઉદ્યોગ અને પ્રાઈવેટ ઉદ્યમી પણ તેની હેઠળ આવે છે. તેને આગળ વધારવા માટે દેશે મળીને મહેનત કરવી પડશે. હવે જેમ કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રીમાન સી.વી.રાજૂ છે. તેમના ગામના એતી-કોપ્પકા રમકડાં એક સમયે ઘણાં પ્રચલિત હતા. તેની ખાસિયત એ હતી કે આ રમકડાં લાકડાંમાંથી બનતા હતા અને બીજી વાત એ કે આ રમકડાંઓમાં તમને કોઈ એન્ગલ કે ખૂણો નહીં જોવા મળે. આ રમકડાં દરેક તરફથી રાઉન્ડ હતા, તેથી બાળકોને વાગવાની પણ શક્યતા નહોતી રહેતી. સી.વી.રાજૂએ એતી-કોપ્પકા રમકડાં માટે હવે પોતાના ગામના કારીગરો સાથે મળીને એક રીતે નવી ઝૂંબેશ શરૂ કરી દીધી છે. સારી ક્વોલિટીના એતી-કોપ્પકા રમકડાં બનાવીને સી.વી.રાજૂએ સ્થાનિક રમકડાંની ખોવાયેલી ગરિમાને પાછી લાવી દીધી છે. રમકડાં સાથે આપણે બે વસ્તુ કરી શકીએ છીએ – આપણા ગૌરવશાળી ભૂતકાળને આપણા જીવનમાં ફરી ઉતારી શકીએ છીએ અને આપણા સ્વર્ણિમ ભવિષ્યને પણ સુધારી શકીએ છીએ. હું આપણા સ્ટાર્ટ-અપ મિત્રોને, આપણા નવા ઉદ્યમીઓને કહું છું – ટીમ અપ ફોર ટોય્ઝ… આવો, મળીને રમકડાં બનાવીએ. હવે બધા માટે લોકલ રમકડાં માટે વોકલ બનવાનો સમય છે. આવો, આપણે આપણા યુવાઓ માટે કેટલાક નવા પ્રકારના, સારી ગુણવત્તાવાળા રમકડાં બનાવીએ. રમકડાં એ હોય જેની હાજરીમાં આપણું બાળપણ ખીલે પણ અને ખિલખિલાટ પણ કરે. આપણે એવા રમકડાં બનાવીએ, જે પર્યાવરણને પણ અનુકૂળ હોય.
સાથીઓ, આવી જ રીતે હવે કોમ્પ્યુટર અને સ્માર્ટફોનના આ જમાનામાં કોમ્પ્યુટર ગેમ્સનું પણ બહુ ચલણ છે. આ ગેમ્સ બાળકો પણ રમે છે, મોટાઓ પણ રમે છે. પરંતુ તેમાં પણ જેટલી ગેમ્સ હોય છે, તેની થીમ પણ મોટાભાગે બહારની જ હોય છે. આપણા દેશમાં આટલા આઈડીયા છે, આટલા કોન્સેપ્ટ છે, ઘણો સમૃદ્ધ આપણો ઈતિહાસ રહ્યો છે. શું આપણે તેના પર ગેમ્સ બનાવી શકીએ છીએ? હું દેશના યુવા ટેલેન્ટને કહું છું કે આપ ભારતમાં પણ ગેમ્સ બનાવો અને ભારતની પણ ગેમ્સ બનાવો. કહેવાય પણ છે કે – Let the games begin ! તો ચાલો રમત શરૂ કરીએ.
સાથીઓ, આત્મનિર્ભર ભારત અભિયાનમાં વર્ચ્યુઅલ ગેમ્સ હોય, રમકડાંનું ક્ષેત્ર હોય, બધાએ બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે અને આ અવસર પણ છે. જ્યારે આજથી સો વર્ષ પહેલા અસહયોગ આંદોલન શરૂ થયું, તો ગાંધીજીએ લખ્યું હતું કે, – “અસહયોગ આંદોલન, દેશવાસીઓમાં આત્મસન્માન અને પોતાની શક્તિની ઓળખ કરાવવાનો એક પ્રયાસ છે. ”
આજે, જ્યારે આપણે દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો આપણે પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે, દરેક ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. અસહયોગ આંદોલનના રૂપમાં જે બીજ વાવવામાં આવ્યું હતું, તેને હવે આત્મનિર્ભર ભારતના વટવૃક્ષમાં પરિવર્તિત કરવું આપણા બધાની જવાબદારી છે.
મારા પ્રિય દેશવાસીઓ, ભારતિયોની ઈનોવેશન અને સોલ્યુશન આપવાની ક્ષમતાથી દરેક વ્યક્તિ વાકેફ છે અને જ્યારે સમર્પણ ભાવ હોય, સંવેદના હોય, તો આ શક્તિ અસીમ બની જાય છે. આ મહિનાની શરૂઆતમાં દેશના યુવાનોની સામે એક એપ ઈનોવેશન ચેલેન્જ રાખવામાં આવી. આ આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જમાં આપણા યુવાઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો. લગભગ 7 હજાર એન્ટ્રી આવી, તેમાં પણ લગભગ લગભગ બે તૃતિયાંશ એપ્સ Tier two અને tier three શહેરોના યુવાનોએ બનાવી છે. આ આત્મનિર્ભર ભારત માટે, દેશના ભવિષ્ય માટે ઘણાં જ શુભ સંકેત છે. આત્મનિર્ભર એપ ઈનોવેશન ચેલેન્જ ના પરિણામ જોઈને આપ ચોક્કસ પ્રભાવિત થશો. ઘણી તપાસ અને ચકાસણી બાદ, અલગ-અલગ કેટેગરીમાં લગભગ બે ડઝન એપ ને અવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આપ ચોક્કસ આ એપ વિશે જાણો અને તેમની સાથે જોડાઓ. બની શકે કે આપ પણ આવું કંઈક બનાવવા માટે પ્રેરિત થઈ જાવ. તેમાં એક એપ છે, કુટુકી કિડ્સ લર્નિંગ એપ. આ નાનાં બાળકો માટેની એવી Interactive app છે જેમાં ગીતો અને વાર્તાઓના માધ્યમથી બાળકો મેથ્સ-સાયન્સમાં ઘણું બધું શીખી શકે છે. તેમાં એક્ટિવીટી પણ છે, રમત પણ છે. એવી જ રીતે એક માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મની પણ એપ છે. તેનું નામ છે – કૂ…કે ડબલ ઓ… કૂ. તેમાં આપણે આપણી માતૃભાષામાં ટેક્સ્ટ, વીડિયો અને ઓડિયોના માધ્યમથી પોતાની વાત મૂકી શકીએ છીએ, ઈન્ટરેક્ટ કરી શકીએ છીએ. તેવી જ રીતે ચિન્ગારી એપ પણ યુવાઓમાં ઘણી પોપ્યુલર થઈ રહી છે. એક એપ છે Ask Sarkar. તેમાં ચેટ બોટના માધ્યમથી તમે ઈન્ટરેક્ટ કરી શકો છો અને કોઈપણ સરકારી યોજના વિશે સાચી જાણકારી મેળવી શકો છો અને તે પણ ટેક્સ્ટ, ઓડિયો અને વીડિયો ત્રણેય માધ્યમથી. તે આપની ઘણી મદદ કરી શકે છે. વધુ એક એપ છે, Step Set Go… આ ફિટનેસ એપ છે. તમે કેટલું ચાલ્યા, કેટલી કેલરી બર્ન કરી, તે બધો હિસાબ આ એપ રાખે છે અને તમને ફિટ રહેવા માટે મોટીવેટ પણ કરે છે. મેં તો આ કેટલાક જ ઉદાહરણ આપ્યા છે. કેટલીયે અન્ય એપ એ પણ આ ચેલેન્જ જીતી છે. કેટલીયે બિઝનેસ એપ છે, ગેમ્સ ની એપ છે, જેમ કે Is Equal To, Books & Expense, Zoho Workplace, FTC Talent. તમે તેના વિશે નેટ પર સર્ચ કરો, આપને ઘણી જાણકારી મળશે. આપ પણ આગળ આવો, કંઈક ઈનોવેટ કરો, કંઈક ઈમ્પ્લિમેન્ટ કરો. આપના પ્રયાસો, આજના નાના-નાના સ્ટાર્ટઅપ, કાલે મોટી-મોટી કંપનીઓમાં બદલાશે અને દુનિયામાં ભારતની ઓળખ બનશે. અને તમે એ ન ભૂલો કે આજે જે દુનિયામાં બહુ મોટી-મોટી કંપનીઓ નજરે પડે છે ને, તે પણ ક્યારેક સ્ટાર્ટ-અપ હતી.
પ્રિય દેશવાસીઓ, આપણાં બાળકો, આપણા વિદ્યાર્થીઓ, પોતાની પૂરી ક્ષમતા દેખાડી શકે, પોતાનું સામર્થ્ય દેખાડી શકે, તેમાં બહુ મોટી ભૂમિકા ન્યૂટ્રિશનની પણ હોય છે, પોષણની પણ હોય છે. આખા દેશમાં સપ્ટેમ્બર મહિનાને પોષણ મહિનો – Nutrition Month ના રૂપમાં મનાવવામાં આવશે. નેશન અને ન્યૂટ્રિશનનો બહુ ગાઢ સંબંધ હોય છે. આપણે ત્યાં એક કહેવત છે, – “યથા અન્નમ તથા મનમ”
એટલે કે જેવું અન્ન હોય છે, તેવો જ આપણો માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ થાય છે. વિશેષજ્ઞો કહે છે કે શિશુને ગર્ભમાં અને બાળપણમાં જેટલું સારું પોષણ મળે છે, તેટલો સારો તેનો માનસિક વિકાસ થાય છે અને તે સ્વસ્થ રહે છે. બાળકોના પોષણ માટે પણ તેટલું જ જરૂરી છે કે માં ને પણ પૂરું પોષણ મળે અને પોષણ કે ન્યૂટ્રિશનનો મતલબ માત્ર એટલો જ નથી કે તમે શું ખાઈ રહ્યા છો, કેટલું ખાઈ રહ્યા છો, કેટલીવાર ખાઇ રહ્યા છો. તેનો મતલબ છે તમારા શરીરને કેટલા જરૂરી પોષક તત્વ, ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહ્યા છે. તમને આયર્ન, કેલ્શિયમ, મળી રહ્યા છે કે નહીં, સોડિયમ મળી રહ્યું છે કે નહીં, વિટામીન મળી રહ્યા છે કે નહીં, આ બધા ન્યૂટ્રિશનના ખૂબ મહત્વનાં પાસાં છે. ન્યૂટ્રિશનના આ આંદોલનમાં લોકોની ભાગીદારી પણ બહુ જરૂરી છે. જન-ભાગીદારી જ તેને સફળ બનાવે છે. ગત કેટલાક વર્ષોમાં આ દિશામાં દેશમાં ઘણાં પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને આપણા ગામોમાં તેને જનભાગીદારી થી જન-આંદોલન બનાવવામાં આવી રહ્યું છે. પોષણ સપ્તાહ હોય, પોષણ માસ હોય, તેના માધ્યમથી વધુમાં વધુ જાગૃકતા પેદા કરાઈ રહી છે. શાળાઓને જોડવામાં આવી છે. બાળકો માટેની સ્પર્ધાઓ થાય, તેમાં અવેરનેસ વધે, તેના માટે પણ સતત પ્રયાસ થઈ રહ્યા છે. જેમ ક્લાસમાં એક ક્લાસ મોનિટર હોય છે, તેવી જ રીતે ન્યૂટ્રિશન મોનિટર પણ હોય, રિપોર્ટ કાર્ડની જેમ ન્યૂટ્રિશન કાર્ડ પણ બને, તેવા પ્રકારની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. પોષણ મહિના દરમિયાન MyGOV પોર્ટલ પર એક ફૂડ એન્ડ ન્યૂટ્રિશન ક્વિઝ પણ આયોજિત કરવામાં આવશે અને સાથે જ એક મીમ કોમ્પિટિશન પણ થશે. આપ પોતે પણ પાર્ટિસીપેટ કરો અને અન્યને પણ મોટિવેટ કરો.
સાથીઓ, જો આપને ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મોકો મળ્યો હશે, અને કોવિડ પછી જ્યારે તે ખૂલશે અને આપને જવાનો મોકો મળશે, તો ત્યાં એક નવીન પ્રકારનો ન્યૂટ્રિશન પાર્ક બનાવવામાં આવ્યો છે. રમત-રમતમાં જ ન્યૂટ્રિશનનું શિક્ષણ, આનંદ-પ્રમોદ સાથે ત્યાં ચોક્કસ જોઈ શકો છો.
સાથીઓ, ભારત એક વિશાળ દેશ છે, ખાણી-પીણીમાં ઘણી વિવિધતા છે. આપણા દેશમાં છ અલગ-અલગ ઋતુઓ હોય છે, અલગ-અલગ ક્ષેત્રોમાં ત્યાંના મોસમ પ્રમાણે અલગ-અલગ વસ્તુઓ પેદા થાય છે. તેથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દરેક ક્ષેત્રનાં મોસમ, ત્યાંના સ્થાનિક ભોજન તથા ત્યાં પેદા થતા અન્ન, ફળ, શાકભાજી અનુસાર એક પોષક, nutrient rich, diet plan બને. હવે જેમ કે મીલેટ – જાડું અનાજ, રાગી છે, જુવાર છે, તે બહુ જ ઉપયોગી પોષક આહાર છે. એક “ભારતીય કૃષિ કોષ” તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં દરેક જિલ્લામાં કયા-કયા પાક થાય છે, તેની ન્યૂટ્રિશન વેલ્યૂ કેટલી છે, તેની સંપૂર્ણ માહીતી હશે. તે તમારા બધા માટે બહુ કામનો કોષ હોઈ શકે છે. આવો, આ પોષણ માસમાં પૌષ્ટિક ખાવા અને સ્વસ્થ રહેવા માટે આપણે બધાને પ્રેરિત કરીએ.
પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં જ્યારે આપણે આપણો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા હતા,ત્યારે એક રસપ્રદ માહિતી પર મારું ધ્યાન ગયું. આ માહિતી છે આપણા સુરક્ષા બળોના બે જાંબાઝોની. એક છે સોફી અને બીજી વિદા. સોફી અને વિદા ઈન્ડિયન આર્મીના શ્વાન છે, Dogs છે અને તેમને Chief of Army Staff ‘Commendation Cards’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. સોફી અને વિદાને આ સન્માન એટલે મળ્યું કે તેમણે પોતાના દેશની રક્ષા કરતા કરતા પોતાનું કર્તવ્ય ઘણું સારી રીતે નિભાવ્યું છે. આપણી સેનાઓમાં, આપણા સુરક્ષાદળો પાસે આવા કેટલાયે બહાદુર શ્વાન છે, Dogs છે, જે દેશ માટે જીવે છે અને દેશ માટે પોતાનું બલિદાન પણ આપે છે. કેટલાયે બોમ્બ વિસ્ફોટને, કેટલાંયે આતંકી ષડયંત્રોને રોકવામાં આવા Dogs એ બહુ મહત્વની ભૂમિકા નિભાવી છે. થોડા સમય પહેલાં મને દેશની સુરક્ષામાં Dogs ની ભૂમિકા વિશે ઘણું વિસ્તારપૂર્વક જાણવાનો મોકો મળ્યો. કેટલાય કિસ્સા પણ સાંભળ્યા. એક Dog બલરામે 2006માં અમરનાથ યાત્રાના રસ્તામાં મોટી માત્રામાં દારૂ-ગોળા શોધી કાઢ્યા હતા. 2002માં Dog ભાવનાએ IED શોધ્યા હતા. IED કાઢતા દરમિયાન આતંકીઓએ વિસ્ફોટ કરી દીધો અને શ્વાન શહીદ થઈ ગઇ હતી. બે-ત્રણ વર્ષ પહેલાં છત્તીસગઢના બીજાપુરમાં સીઆરપીએફનો સ્નિફર ડોગ ક્રેકર પણ IED બ્લાસ્ટમાં શહીદ થઈ ગયો હતો. થોડા દિવસો પહેલાં જ તમે કદાચ ટીવી પર એક ભાવુક કરી દેનાર દ્રશ્ય જોયું હશે, જેમાં બીડ પોલીસ પોતાના સાથી ડોગ રોકી ને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપી રહી હતી. રોકીએ 300 થી પણ વધુ કેસને ઉકેલવામાં પોલીસની મદદ કરી હતી. ડોગ્સની ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યૂ મિશન માં પણ મોટી ભૂમિકા હોય છે. ભારતમાં તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ – એનડીઆરએફ એ આવા ડઝનબંધ ડોગ્સને specially train કર્યા છે. ક્યાંક ધરતીકંપ થતાં, ઈમારત પડી જવા પર, કાટમાળમાં દબાયેલા જીવીત લોકોને બહાર કાઢવામાં આ ડોગ્સ બહુ expert હોય છે.
સાથીઓ, મને પણ એ જણાવવામાં આવ્યું કે ઈન્ડિયન બ્રિડના ડોગ્સ પણ ઘણા સારા હોય છે. ઘણાં સક્ષમ હોય છે. ઈન્ડિયન બ્રિડમાં મુઘોલ હાઉન્ડ છે, હિમાચલી હાઉન્ડ છે, તે ઘણી જ સારી નસલ છે. રાજાપલાયમ, કન્ની, ચિપ્પીપરાઈ અને કોમ્બાઈ પણ ઘણી સારી ઈન્ડિયન બ્રિડ છે. તેમના પાલનમાં ખર્ચ પણ ઘણો ઓછો થાય છે અને તે ભારતીય માહોલમાં ઢળેલા પણ હોય છે. હવે આપણી સુરક્ષા એજન્સીઓ પણ આ ઈન્ડિયન બ્રિડના ડોગ્સને પોતાની સુરક્ષા ટીમમાં સામેલ કરી રહી છે. ગત કેટલાક સમયમાં આર્મી, સીઆઈએસએફ, એનએસજી એ મુઘોલ હાઉન્ડ ડોગ્સને train કરીને ડોગ સ્ક્વોડમાં સામેલ કર્યા છે. સીઆરપીએફ એ કોમ્બાઈ ડોગ્સને સામેલ કર્યા છે. Indian Council of Agriculture Research પણ ભારતીય નસલના ડોગ્સ પર રિસર્ચ કરી રહ્યું છે. હેતુ એ જ છે કે ઈન્ડિયન બ્રિડ્સને વધુ સારા બનાવી શકાય અને ઉપયોગી બનાવી શકાય. આપ ઈન્ટરનેટ પર તેમના નામ સર્ચ કરો, તેના વિશે જાણો, તમે તેમની સુંદરતા, તેમની ગુણવત્તા, જોઈને અચંબિત થઈ જશો. હવે જ્યારે પણ આપ ડોગ પાળવાનું વિચારો, આપ જરૂર આમાંથી જ કોઈ ઈન્ડિયન બ્રિડના ડોગને ઘરે લઈ આવજો. આત્મનિર્ભર ભારત જ્યારે જન-મનનો મંત્ર બની જ રહ્યું છે, તો કોઈપણ ક્ષેત્ર પાછળ કેવી રીતે છૂટી શકે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો બાદ, પાંચ સપ્ટેમ્બરે આપણે શિક્ષક દિવસ મનાવીશું. આપણે બધા જ્યારે આપણા જીવનની સફળતાઓને આપણી જીવનયાત્રાને જોઈએ છીએ તો આપણને આપણા કોઈને કોઈ શિક્ષકની યાદ ચોક્કસ આવે છે. ઝડપથી બદલાતા સમય અને કોરોનાના સંકટકાળમાં આપણા શિક્ષકો સામે પણ સમયની સાથે બદલાવનો એક પડકાર છે. મને ખુશી છે કે આપણા શિક્ષકોએ ન માત્ર આ પડકારનો સ્વિકાર કર્યો પરંતુ તેને અવસરમાં ફેરવી પણ દીધો છે. ભણવામાં ટેકનીકનો વધુમાં વધુ ઉપયોગ કેમ થાય, નવી રીતોને કેવી રીતે અપનાવીએ, વિદ્યાર્થીઓને મદદ કેવી રીતે કરીએ, તે આપણા શિક્ષકોએ સહજતાથી અપનાવ્યું છે અને પોતાના વિદ્યાર્થીઓને પણ શિખવાડ્યું છે. આજે દેશમાં દરેક જગ્યાએ કંઈને કંઈક ઈનોવેશન થઈ રહ્યાં છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ મળીને કંઈક નવું કરી રહ્યા છે. મને ભરોસો છે કે જેવી રીતે દેશમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિના માધ્યમથી એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે, આપણા શિક્ષક તેનો પણ લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.
સાથીઓ, અને ખાસ કરીને મારા શિક્ષક સાથીઓ, વર્ષ 2022માં આપણો દેશ સ્વતંત્રતાના 75 વર્ષનો પર્વ ઉજવશે. સ્વતંત્રતાની પહેલાં અનેક વર્ષો સુધી આપણા દેશમાં આઝાદીની લડાઈ, તેનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે. આ દરમિયાન દેશનો કોઈ ખૂણો એવો નહોતો જ્યાં આઝાદીના લડવૈયાઓએ પોતાના પ્રાણ ન્યોછાવર ન કર્યા હોય, પોતાનું સર્વસ્વ ન ત્યાગી દીધું હોય. એ બહુ જ આવશ્યક છે કે આપણી આજની પેઢી, આપણા વિદ્યાર્થીઓ આઝાદીની લડાઈ, આપણા દેશના નાયકોથી પરિચીત રહે, તેમને એટલા જ અનુભવે. પોતાના જિલ્લામાં, પોતાના વિસ્તારમાં આઝાદીના આંદોલન સમયે શું થયું, કેવી રીતે થયું, કોણ શહીદ થયું, કોણ કેટલા સમય સુધી દેશ માટે જેલમાં રહ્યું. આ વાતો આપણા વિદ્યાર્થીઓ જાણશે તો તેમના વ્યક્તિત્વમાં પણ તેનો પ્રભાવ દેખાશે. તેને માટે ઘણાં કામ કરી શકાય. જેમાં આપણા શિક્ષકોની મોટી જવાબદારી છે. જેમ કે, આપ જે જિલ્લામાં છો, ત્યાં શતાબ્દિઓ સુધી આઝાદીની લડાઈ ચાલી, તે આઝાદીની લડાઈમાં ત્યાં કોઈ ઘટના ઘટી છે કે કેમ? તેને લઈને વિદ્યાર્થીઓ પાસે રિસર્ચ કરાવી શકાય. તેને શાળાના હસ્તલિખિત અંકના રૂપમાં તૈયાર કરી શકાય. આપના શહેરમાં સ્વતંત્રતા આંદોલનથી જોડાયેલી કોઈ જગ્યા હોય તો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ત્યાં લઈ જઈ શકો છો. કોઈ શાળાના વિદ્યાર્થીઓ નક્કી કરી લે કે તે આઝાદીના 75મા વર્ષે પોતાના ક્ષેત્રના આઝાદીના 75 નાયકો પર કવિતાઓ લખશે, નાટ્ય કથા લખશે. આપના પ્રયાસો દેશના હજારો-લાખો અનામી નાયકોને સામે લાવશે જે દેશ માટે જીવ્યા, જે દેશ માટે ખપી ગયા, જેમના નામ સમયની સાથે વિસ્મૃત થઈ ગયા, એવા મહાન વ્યક્તિઓને જો આપણે સામે લાવીશું, આઝાદીના 75મા વર્ષે તેમને યાદ કરીશું તો તે તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે અને જ્યારે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન મનાવી રહ્યા છીએ ત્યારે હું મારા શિક્ષક સાથીઓને જરૂર આગ્રહ કરીશ કે તેઓ આના માટે એક માહોલ બનાવે, બધાને જોડે અને બધા મળીને જોડાઈ જાય.
મારા પ્રિય દેશવાસીઓ, દેશ આજે જે વિકાસ યાત્રા પર ચાલી રહ્યો છે, તેની સફળતા સુખદ ત્યારે જ થશે જ્યારે દરેક દેશવાસી તેમાં સામેલ હોય, આ યાત્રાના યાત્રી હોય, આ પથના પથિક હોય, તેથી એ જરૂરી છે કે દરેક દેશવાસી સ્વસ્થ રહે, સુખી રહે અને આપણે મળીને કોરોનાને સંપૂર્ણપણે હરાવીએ. કોરોના ત્યારે જ હારશે જ્યારે આપ સુરક્ષિત રહેશો, જ્યારે આપ “દો ગજકી દૂરી, માસ્ક જરૂરી” “બે ગજનું અંતર, માસ્ક નિરંતર”, આ સંકલ્પનું સંપૂર્ણ રીતે પાલન કરશો. તમે બધા સ્વસ્થ રહો, સુખી રહો, એ જ શુભેચ્છાઓ સાથે આગામી “મન કી બાત”માં ફરી મળીશું.
ખૂબ…ખૂબ ધન્યવાદ….નમસ્કાર…
This is a time for festivals but at the same time, there is also a sense of discipline among people due to the COVID-19 situation. #MannKiBaat pic.twitter.com/8DWCNBy1Hx
— PMO India (@PMOIndia) August 30, 2020
There is a close link between nature and our festivals. #MannKiBaat pic.twitter.com/ZzEqPEYA0F
— PMO India (@PMOIndia) August 30, 2020
An inspiring example from Bihar... pic.twitter.com/ZhVtpp1SxM
— PMO India (@PMOIndia) August 30, 2020
These days, the festival of Onam is also being celebrated with fervour.
— PMO India (@PMOIndia) August 30, 2020
The zest of Onam has reached foreign lands. Be it USA, Europe or Gulf countries, the joys of Onam can be felt everywhere. Onam is increasingly turning to be an international festival: PM during #MannKiBaat
A tribute to India's farmers. #MannKiBaat pic.twitter.com/pf2PVs2ZaG
— PMO India (@PMOIndia) August 30, 2020
During these times, I have been thinking about my young friends...
— PMO India (@PMOIndia) August 30, 2020
I have been thinking - how can my young friends get more toys, says PM @narendramodi
The best toys are those that bring out creativity. #MannKiBaat pic.twitter.com/LQRbbzfVfg
Developing toy clusters in India to make our nation a toy hub. #MannKiBaat pic.twitter.com/ZKDOKugGgM
— PMO India (@PMOIndia) August 30, 2020
Making toys for the entire world...India has the talent and the ability to become a toy hub. #MannKiBaat pic.twitter.com/rWGcJIY4Gq
— PMO India (@PMOIndia) August 30, 2020
Let us team up for toys. #MannKiBaat pic.twitter.com/J9WtsEm5mf
— PMO India (@PMOIndia) August 30, 2020
India is known as a land of innovators.
— PMO India (@PMOIndia) August 30, 2020
PM @narendramodi talks about the impressive Aatmanirbhar Bharat App Innovation Challenge. #MannKiBaat pic.twitter.com/kjycHPSBqM
India is marking Nutrition Month. This will benefit young children. #MannKiBaat pic.twitter.com/ryxScfs9Ua
— PMO India (@PMOIndia) August 30, 2020
Remembering those who have played a key role in protecting us... #MannKiBaat pic.twitter.com/A5fapVCdBS
— PMO India (@PMOIndia) August 30, 2020
On 5th September we mark Teachers Day and pay tributes to Dr. S. Radhakrishnan. #MannKiBaat pic.twitter.com/SJQbolfUez
— PMO India (@PMOIndia) August 30, 2020
Furthering a spirit of innovation among youngsters. #MannKiBaat pic.twitter.com/6tkZ5ddskv
— PMO India (@PMOIndia) August 30, 2020
Important that our youth is aware about the heroes of our freedom struggle. #MannKiBaat pic.twitter.com/1RITDfW3kw
— PMO India (@PMOIndia) August 30, 2020
Let us always remember the sacrifices of all those who worked towards India's freedom. #MannKiBaat pic.twitter.com/FDFeaKIsfu
— PMO India (@PMOIndia) August 30, 2020