મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો ભોગ બનેલાં સમુદાયોની સેવા કરી હતી : #MannKiBaat દરમિયાન વડાપ્રધાન
ગાંધીજીનું સત્ય સાથે અતૂટ બંધન છે : #MannKiBaat દરમિયાન પ્રધાનમંત્રી મોદી
મહાત્મા ગાંધી માટે વ્યક્તિ ને સમાજ, માનવ અને માનવતા એ જ સર્વસ્વ હતું : #MannKiBaat દરમિયાન પ્રધાનમંત્રી મોદી
જે રીતે 130 કરોડ દેશવાસીઓએ ખૂબ જ ઉત્સાહથી સ્વચ્છતા માટેની ઝુંબેશ ચલાવી હતી, ચાલો હવે આપણે ‘એકલ-ઉપયોગી પ્લાસ્ટિક’ નાબૂદ કરવા હાથ મિલાવીએ: પ્રધાનમંત્રી #MannKiBaat
તમારે પ્રકૃતિ અને વન્યપ્રાણીના નિવાસસ્થાનની મુલાકાત લેવી જ જોઇએ: #MannKiBaat દરમિયાન પ્રધાનમંત્રી મોદી
ભારતમાં પર્યાવરણની સાર-સંભાળ ખૂબ સ્વાભાવિક છે: #MannKiBaat દરમિયાન પ્રધાનમંત્રી મોદી
પૂરા વિશ્વની માનવજાતને હચમચાવી દેનાર ભારતના એ યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદે દુનિયામાં ભારતની તેજસ્વી ઓળખ છોડીને આવ્યા હતા: #MannKiBaat દરમિયાન પ્રધાનમંત્રી મોદી

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, તાજેતરના દિવસોમાં આપણો દેશ એકતરફ વરસાદનો આનંદ માણી રહ્યો છે, તો બીજી તરફ હિંદુસ્તાનના ખૂણેખૂણામાં કોઇને કોઇ પ્રકારના ઉત્સવો અને મેળા ઉજવી રહ્યો છે. દિવાળી સુધી આ બધું એમ જ ચાલતું રહે છે. અને કદાચ આપણા પૂર્વજોએ ઋતુચક્ર, અર્થચક્ર અને સમાજજીવનની વ્યવસ્થાને એવી ખૂબી પૂર્વક ગોઠવી છે કે, કોઇપણ પરિસ્થિતિમાં સમાજમાં કયારેય પણ બીબાઢાળપણું ન આવે. વીતેલા દિવસોમાં આપણે કેટલાય ઉત્સવો ઉજવ્યા. હજી ગઇકાલે જ પૂરા હિંદુસ્તાનમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. કોઇ કલ્પના પણ કરી શકે છે કે, એ કેવું વ્યક્તિત્વ હશે, કે આજે હજારો વર્ષો પછી પણ દરેક ઉત્સવ નવીનતા લઇને આવે છે, પ્રેરણા લઇને આવે છે. નવી ઉર્જા લઇને આવે છે. અને હરકોઇ વ્યક્તિ શ્રીકૃષ્ણના જીવનમાંથી વર્તમાન સમસ્યાઓનો ઉકેલ શોધી શકે છે. હજારો વર્ષ પુરાણું જીવન કે જે, આજે પણ સમસ્યાઓના ઉકેલ માટે ઉદાહરણ આપી શકતું હોય, પ્રેરણા આપી શકતું હોય, તો તે શ્રીકૃષ્ણનું જીવન છે, આટલું સામર્થ્ય હોવા છતાં પણ કયારેક તેઓ રાસમાં લીન બની જતા હતા. તો કયારેક ગાયોની વચ્ચે, કયારેક ગોવાળોની વચ્ચે, કયારેક રમતમાં તો કયારેક વાંસળી વગાડવામાં લીન થઇ જતા હતા. ખબર નહીં, વિવિધતાઓથી ભરેલું આ વ્યક્તિત્વ અપ્રતિમ સામર્થ્યવાન પરંતુ સમાજશક્તિને સમર્પિત, લોકશક્તિને સમર્પિત, લોકસંગઠકના રૂપમાં, નવા વિક્રમો સ્થાપનારૂં વ્યક્તિત્વ શ્રીકૃષ્ણ છે. મિત્રતા કેવી હોય તો સુદામાનો પ્રસંગ કોણ ભૂલી શકે છે અને યુદ્ધભૂમિમાં આટલી બધી મહાનતાઓ હોવા છતાં પણ સારથીનું કામ સ્વીકારી લેવું, કયારેક શીલા ઉઠાવી લેવી. કયારેક એંઠી પતરાળીઓ ઉપાડવી, એટલે કે, દરેક બાબતમાં એક નવીનતાનો અનુભવ થાય છે. અને એટલા માટે, આજે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે, બે મોહનની તરફ મારૂં ધ્યાન જાય છે. એક સુદર્શનચક્રધારી મોહન તો, બીજા ચરખાધારી મોહન. સુદર્શનચક્રધારી મોહન યમુનાનો તટ છોડીને ગુજરાતમાં સમુદ્રતટ પર જઇને દ્વારિકાનગરીમાં સ્થિર થયા. અને સમુદ્રતટ તરફ જન્મેલા મોહન યમુનાના તટ પર આવીને દિલ્હીમાં જીવનના છેલ્લા શ્વાસ લે છે. સુદર્શનચક્રધારી મોહને એ સમયની પરિસ્થિતિમાં હજારો વર્ષ પહેલાં પણ યુદ્ધ નિવારવા માટે સંઘર્ષને ટાળવા માટે, પોતાની બુદ્ધિનો, પોતાના કર્તવ્યનો, પોતાના સામર્થ્યનો, પોતાના ચિંતનનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અને ચરખાધારી મોહને પણ એક એવો રસ્તો પસંદ કર્યો, સ્વતંત્રતા માટે માનવીય મુલ્યોના જતન માટે, વ્યક્તિત્વના મૂળતત્વોને બળ મળે તે માટે, આઝાદીના જંગને એવું એક રૂપ આપ્યું, એવો એક વળાંક આપ્યો જે પૂરી દુનિયા માટે આશ્ચર્ય છે, આજે પણ આશ્ચર્ય છે. નિઃસ્વાર્થ સેવાનું મહત્વ હોય, જ્ઞાનનું મહત્વ હોય, કે પછી જીવનમાં તમામ ઉતાર-ચઢાવ વચ્ચે પણ હસતા રહીને આગળ વધવાનું મહત્વ હોય, આ બધું જ આપણે ભગવાન શ્રીકૃષ્ણના સંદેશમાંથી શીખી શકીએ છીએ. અને એટલા માટે તો શ્રીકૃષ્ણ જગદગુરૂના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.  – કૃષ્ણં વંદે જગદગુરૂમ્.

આજે જ્યારે આપણે ઉત્સવોની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, ભારત વધુ એક મોટા ઉત્સવની તૈયારીમાં લાગેલું છે. અને ભારત જ નહીં, દુનિયાભરમાં તેની ચર્ચા થઇ રહી છે. મારા વ્હાલા દેશવાસીઓ, હું વાત કરી રહ્યો છું. મહાત્મા ગાંધીજીની 150મી જયંતિની. 2 ઓકટોબર, 1869ના રોજ પોરબંદર સમુદ્રના તટ પર જેને આજે આપણે કીર્તીમંદિર કહીએ છીએ તે નાના એવા ઘરમાં, એક વ્યક્તિ નહીં, પણ એક યુગનો જન્મ થયો હતો.  જેમણે માનવ ઇતિહાસને નવો વળાંક આપ્યો, નવા વિક્રમો સ્થાપિત કર્યા. મહાત્મા ગાંધી સાથે એક વાત હંમેશા જોડાયેલી રહી, એક રીતે તેઓના જીવનનો એક ભાગ બની રહી. અને તે હતી, સેવા, સેવાભાવ, સેવા પ્રત્યેની કર્તવ્યપરાયણતા. એમનું સમગ્ર જીવન જોઇએ તો, દક્ષિણ આફ્રિકામાં એવા સમુદાયના લોકોની સેવા કરી જે વંશીય ભેદભાવનો સામનો કરી રહ્યા હતા. તે સમયે તે વાત નાની નહોતી. તેમણે એ ખેડૂતોની સેવા કરી જેમની સાથે ચંપારણ્યમાં ભેદભાવ રાખવામાં આવતો હતો, તેમણે એ મજૂરોની સેવા કરી જેમને યોગ્ય મજૂરી આપવામાં નહોતી આવતી, તેમણે ગરીબ, અસહાય, નબળા અને ભૂખ્યા લોકોની સેવાને પોતાના જીવનનું પરમ કર્તવ્ય માન્યુ. રક્તપિત્ત વિષે કેટલી બધી ભ્રામક માન્યતાઓ હતી? તે તમામ ભ્રામક માન્યતાઓ નાબૂદ કરવા માટે પોતે રક્તપિત્તગ્રસ્ત લોકોની સેવા કરતા હતા અને પોતાના જીવનથી સેવાના માધ્યમથી ઉદાહરણ પૂરૂં પાડતા હતા. તેમણે સેવાને શબ્દોથી નહીં, જીવીને શીખવી હતી. સત્યની સાથે ગાંધીજીનો જેટલો અતૂટ સંબંધ રહ્યો છે એટલો જ અનન્ય અને અતૂટ નાતો સેવાની સાથે પણ રહ્યો છે. કોઇને પણ, જ્યારે પણ, જયાં પણ, જરૂર પડી ત્યારે મહાત્મા ગાંધી સેવા માટે હંમેશા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માત્ર સેવાને જ મહત્વ નહોતું આપ્યું, પરંતુ તેની સાથે જોડાયેલા આત્મસુખ ઉપર પણ એટલો જ ભાર આપ્યો હતો. સેવા શબ્દની સાર્થકતા એ અર્થમાં જ છે કે, તે આનંદની સાથે કરવામાં આવે. – સેવા પરમો ધર્મઃ. પરંતુ તેની સાથે ઉત્કૃષ્ટ આનંદ, ‘સ્વાન્તઃ સુખાય’ ભાવની અનુભૂતિ પણ સેવામાં અંતર્નિહિત છે. બાપુના જીવનમાંથી આપણે આ બહુ સારી રીતે સમજી શકીએ છીએ. મહાત્મા ગાંધી અગણિત ભારતીયોનો અવાજ તો બન્યા જ, પરંતુ માનવમૂલ્યો અને માનવગૌરવ માટે પણ એક પ્રકારે વિશ્વનો અવાજ બની ગયા હતા. મહાત્મા ગાંધી માટે વ્યક્તિ ને સમાજ, માનવ અને માનવતા એ જ સર્વસ્વ હતું. પછી તે, આફ્રિકામાં ફિનીક્સ ફાર્મ હોય, અથવા ટોલસ્ટૉય ફાર્મ હોય કે, સાબરમતી આશ્રમ હોય, અથવા વર્ધા આશ્રમ. તમામ સ્થળોએ તેમણે પોતાની એક અનોખી રીતે સમાજ સંવર્ધન, સમુદાય ગતિશીલન પર ખાસ ભાર મૂક્યો. મારૂં અહીં સદભાગ્ય છે કે, મને પૂજય મહાત્મા ગાંધી સાથે જોડાયેલા કેટલાય મહત્વના સ્થળોએ જઇને નમન કરવાનો મોકો મળ્યો છે. હું કહી શકું એમ છું કે, ગાંધી સેવાભાવથી સંગઠનભાવ પર પણ જોર આપતા હતા. સમાજસેવા અને સમાજસંવર્ધન, communiry service અને community mobilisation એવી ભાવના છે જેને આપણે આપણા વહેવારીક જીવનમાં પણ ઉતારી શકીએ છીએ. ખરા અર્થમાં, આ જ તો મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ છે, સાચી કર્માંજલી છે. આવી તકો તો ઘણી આવે છે, આપણે તેની સાથે જોડાઇએ પણ છીએ, પણ શું ગાંધીજીનાં 150 વર્ષનો અવસર આવીને જતો રહે તે આપણને મંજૂર છે ખરો?   ના જી દેશવાસીઓ. આપણે બધા, પોતાની જાતને પૂછીએ, ચિંતન કરીએ, મંથન કરીએ, સામૂહીક રીતે ચર્ચાવિચારણા કરીએ. આપણે સમાજના અન્ય લોકો સાથે મળીને, તમામ વર્ગોની સાથે મળીને, તમામ વયના લોકો સાથે મળીને, પછી એ ગામ હોય, શહેર હોય, પુરૂષ હોય કે સ્ત્રી હોય, બધા સાથે મળીને વિચારીએ કે, સમાજ માટે શું કરીએ, વ્યક્તિગત રીતે હું એ પ્રયાસોમાં શું યોગદાન આપું. મારા તરફથી તેમાં મૂલ્યવર્ધન થાય? અને સામૂહિકતાની પોતાની એક તાકાત હોય છે. ગાંધી સાર્ધશતાબ્દિના આ તમામ કાર્યક્રમોમાં સામૂહિકતા પણ હોય અને સેવા પણ હોય. આપણે આખો મહોલ્લો મળીને કેમ ના નીકળી પડીએ!  આપણી જો ફૂટબોલની ટીમ હોય તો ફૂટબોલની ટીમ, ફૂટબોલ રમીશું જ, પરંતુ સાથે ગાંધી આદર્શોને અનુરૂપ સેવાનું એકાદ કામ પણ કરીશું. આપણું મહિલા મંડળ હોય, તો લેડીઝ કલબનાં આધુનિક યુગનાં જે કામ હોય છે તે તો કરતાં જ રહીશું. પણ લેડીઝ કલબની બધી સખીઓ સાથે મળીને કોઇ ને કોઇ એક સેવાકાર્ય પણ સાથે મળીને કરીશું. ઘણું બધું કરી શકીએ છીએ, જૂનાં પુસ્તકો એકઠાં કરીને ગરીબોમાં વહેંચીએ, જ્ઞાનનો ફેલાવો કરીએ. અને હું માનું છું, કદાચ 130 કરોડ દેશવાસીઓ પાસે 130 કરોડ કલ્પનાઓ છે, 130 કરોડ સાહસ બની શકે છે. કોઇ મર્યાદા નથી, જે મનમાં આવે તે કરીએ. બસ સદભાવના હોય, સદ્હેતુ હોય, સદ્ઇચ્છા હોય અને પૂરા સમર્પણભાવથી સેવા કરાય અને તે પણ સ્વાંતઃ સુખાય, એક અનન્ય આનંદની અનુભૂતિ માટે કરાય.

મારા વ્હાલા દેશવાસીઓ, થોડા મહિના પહેલાં હું ગુજરાતમાં દાંડી ગયો હતો. સ્વતંત્રતા સંગ્રામમાં મીઠાનો સત્યાગ્રહ, દાંડી એ ખૂબ મહત્વનો ટર્નિંગ પોઇન્ટ છે. મેં દાંડીના મહાત્મા ગાંધીને સમર્પિત એક અતિ આધુનિક સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું. મારો આપને આગ્રહ છે કે, આપ પણ આગામી સમયમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલા કોઇને કોઇ એક સ્થળની મુલાકાત જરૂર લો. એ કોઇપણ સ્થળો હોઇ શકે છે. પોરબંદર હોય, સાબરમતી આશ્રમ હોય, વર્ધાનો આશ્રમ હોય કે, દિલ્હીમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલાં હોય. તમે જ્યારે પણ એવી જગ્યાએ જાવ, તો તમારી તસવીરો સોશ્યલ મીડિયા પર શેર જરૂર કરો. જેથી બીજા લોકો પણ તેનાથી પ્રેરિત થાય. અને તેની સાથે તમારી ભાવના વ્યક્ત કરતાં બે-ચાર વાક્યો પણ લખો. તમારા મનમાં જાગતા ભાવ કોઇપણ મહાન સાહિત્ય રચના કરતાં પણ વધુ તાકાતવાન હશે અને શક્ય છે કે, આજના સમયમાં તમારી નજરે, તમારી કલમથી લખેલું ગાંધીનું એ રૂપ, કદાચ એ વધુ સાંપ્રત પણ લાગશે. આગામી સમયમાં અનેક કાર્યક્રમ, સ્પર્ધાઓ, પ્રદર્શનોનું આયોજન પણ કરાયું છે. પરંતુ આ સંદર્ભમાં એક વાત ખૂબ રસપ્રદ છે, જે હું તમારી સાથે વહેંચવા માંગું છું. વેનીસ બાયએનલ નામનો એક ખૂબ જાણીતો કળાનો કાર્યક્રમ છે. જયાં દુનિયાભરના કળાકાર એકત્રિત થાય છે. આ વખતે વેનીસ બાયએનલના ઇન્ડિયા પેવેલિયનમાં ગાંધીજીની યાદો સાથે જોડાયેલું ખૂબ જ રસપ્રદ પ્રદર્શન રાખવામાં આવેલું છે. તેમાં હરિપુરાની તસવીરો વિશેષ રૂપથી રસપ્રદ હતી. તમને યાદ હશે કે, ગુજરાતના હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું, જ્યાં સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ ચૂંટાયા હતા તે ઘટના પણ ઇતિહાસમાં સામેલ છે. આ કળા તસ્વીરોનો એક ખૂબ જ સુંદર ઇતિહાસ છે. કોંગ્રેસના હરિપુરા સત્ર પહેલાં મહાત્મા ગાંધીએ 1937-38માં શાંતિનિકેતન કળા ભવનના તે વખતના પ્રાચાર્ય નંદલાલ બોઝને આમંત્રિત કર્યા હતા. ગાંધીજી ઇચ્છતા હતા કે, તેઓ ભારતમાં રહેતા લોકોની જીવનશૈલીને કળાના માધ્યમથી બતાવે અને તેમની કલા કાર્યનું પ્રદર્શન અધિવેશન દરમ્યાન યોજવામાં આવે. આ એ જ નંદલાલ બોઝ છે, જેમની કળાકૃતિઓ આપણા બંધારણની શોભા વધારે છે. બંધારણને એક નવી ઓળખાણ આપે છે. અને તેમની આ કળા સાધનાએ બંધારણની સાથેસાથે નંદલાલ બોઝને પણ અમર બનાવી દીધા છે. નંદલાલ બોઝે હરિપુરાની આજુબાજુનાં ગામોની મુલાકાત લીધી ને ત્યારપછી ગ્રામીણ ભારતનું જીવન પ્રદર્શિત કરતાં કેટલાંક કળાચિત્રો બનાવ્યાં.  અણમોલ કળાકૃતિઓની વેનીસમાં ખૂબ ચર્ચા થઇ. ગાંધીજીની 150મી જન્મજયંતિએ ફરી એકવાર શુભેચ્છાઓ સાથે હું તમામ હિન્દુસ્તાનીઓ પાસેથી કોઇ ને કોઇ સંકલ્પ કરવાની અપેક્ષા રાખું છું. દેશ માટે, સમાજ માટે, કોઇ પારકા માટે કંઇકને કંઇક કરવું જોઇએ. અને એ જ બાપુને સારી, પ્રામાણિક કાર્યાંજલિ હશે.

મા ભારતીના સપૂતો, તમને યાદ હશે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે બીજી ઓકટોબર પહેલાં લગભગ બે અઠવાડિયાં સુધી દેશભરમાં “સ્વચ્છતા એ જ સેવા” અભિયાન ચલાવીએ છીએ. આ વખતે આ અભિયાન 11મી સપ્ટેમ્બરથી શરૂ થશે. અભિયાન દરમ્યાન આપણે પોત-પોતાનાં ઘરની બહાર નીકળીને શ્રમદાન દ્વારા મહાત્મા ગાંધીને કાર્યાંજલિ અર્પીશું. ઘર હોય કે ગલી, ચોક હોય કે નાળી, શાળા, કોલેજથી લઇને બધાં સાર્વજનિક સ્થળો પર સ્વચ્છતાનું મહાઅભિયાન ચલાવીશું. આ વખતે પ્લાસ્ટિક પર ખાસ ભાર આપેલો છે. 15મી ઓગષ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, જે ઉત્સાહ અને ઉર્જા સાથે સવાસો કરોડ દેશવાસીઓએ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું. ખુલ્લામાં શૌચથી મુક્તિ માટે કાર્ય કર્યું. તે જ રીતે આપણે સાથે મળીને એક જ વખત કામ આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ નાબૂદ કરવો છે. આ ઝુંબેશ વિષે સમાજના તમામ વર્ગોમાં ઉત્સાહ છે. મારા કેટલાય વેપારી ભાઇઓ-બહેનોએ દુકાનમાં બોર્ડ જ લટકાવી દીધું છે. એક પ્લેકાર્ડ ટાંગી દીધું છે. જેના પર લખેલું હોય છે કે, ગ્રાહકો પોતાની થેલી સાથે લઇને જ આવે. તેનાથી પૈસા પણ બચશે અને પર્યાવરણના જતનમાં પોતાનું યોગદાન પણ આપી શકશે. આ વખતે બીજી ઓકટોબરે જ્યારે બાપુની 150મી જયંતિ ઉજવીશું તે પ્રસંગે આપણે તેમને ખુલ્લામાં મળત્યાગથી મુક્ત ભારત તો સમર્પિત કરીશું જ, સાથે તે દિવસે પૂરા દેશમાં પ્લાસ્ટિક વિરૂદ્ધ એક નવા લોક-આંદોલનનો પાયો પણ નાંખીશું. હું સમાજના બધા વર્ગોને, દરેક ગામ, નાના-મોટા શહેરોના રહેવાસીઓને અપીલ કરૂં છું, બે હાથ જોડીને પ્રાર્થના કરૂં છું કે, આ વર્ષે આપણે ગાંધી જયંતિ એક પ્રકારે આ ભારત માતાને પ્લાસ્ટિક કચરાથી મુક્તિના રૂપમાં ઉજવીએ. 2 ઓકટોબરને વિશેષ દિવસના રૂપમાં ઉજવીએ. મહાત્મા ગાંધી જયંતિનો દિવસ એક વિશેષ શ્રમદાનનો ઉત્સવ બને. દેશની તમામ નગરપાલિકાઓ, નગરનિગમો, જિલ્લા-વહિવટીતંત્ર, ગ્રામપંચાયતો, સરકારી-બિનસરકારી તમામ વ્યવસ્થાતંત્રો, તમામ સંગઠનો, એકેએક નાગરિક, સૌ કોઇને મારો અનુરોધ છે કે, પ્લાસ્ટિક કચરાના એકત્રિકરણ અને ભંડારણ માટે યોગ્ય વ્યવસ્થા કરાય. હું કોર્પોરેટ ક્ષેત્રને પણ અપીલ કરૂં છું કે, આ બધ્ધો પ્લાસ્ટિક કચરો જ્યારે એકઠો થઇ જાય તો યોગ્ય નિકાલ માટે તેઓ આગળ આવે, નિકાલની વ્યવસ્થા કરાય. તેને રીસાયકલ કરી શકાય છે. તેનાથી બળતણ બનાવી શકાય છે. આ રીત આપણે આ દિવાળી સુધીમાં પ્લાસ્ટીક કચરાના સુરક્ષિત નિકાલનું કાર્ય પણ પૂરૂં કરી શકીએ છીએ. બસ સંકલ્પની જરૂર છે. પ્રેરણા માટે આમતેમ જોવાની જરૂર નથી. ગાંધીથી મોટી પ્રેરણા બીજી કઇ હોઇ શકે છે!

મારા વ્હાલા દેશવાસીઓ, આપણાં સંસ્કૃત સુભાષિત એક રીતે જ્ઞાનનાં રત્નો હોય છે. આપણને જીવનમાં જે જોઇએ તે તેમાંથી મળી શકે છે. હમણાં-હમણાં તેમની સાથેનો મારો સંપર્ક ઓછો થઇ ગયો છે. પરંતુ પહેલાં મારો સંપર્ક ઘણો વધારે હતો. આજ હું એક સંસ્કૃત સુભાષિતથી એક બહુ મહત્વની વાતને સ્પર્શ કરવા ઇચ્છું છું. અને તે સદીઓ પહેલાં લખાયેલી વાતો છે. પરંતુ આજે પણ તેનું કેટલું મહત્વ છે! એક ઉત્તમ સુભાષિત છે અને તે સુભાષિતે કહ્યું છેઃ

પૃથિવ્યાં ત્રીણિ રત્નાનિ, જલમ્ અન્નમ્ સુભાષિતમ્,

મૂઢૈઃ પાષાણખંડેશું રત્ન સંજ્ઞા પ્રદીયતે

એટલે કે, પૃથ્વીમાં જળ, અન્ન અને સુભાષિત એ ત્રણ રત્નો છે. મૂર્ખાઓ પથ્થરને રત્ન કહે છે. આપણી સંસ્કૃતિમાં અન્નનો ખૂબ અધિક મહિમા છે. તે ત્યાં સુધી કે, પણે અન્નના જ્ઞાનને પણ વિજ્ઞાનમાં બદલી નાંખ્યું છે. સંતુલિત અને પોષક આહાર આપણા બધા માટે જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ અને નવજાત બાળકો માટે, કેમ કે એ લોકો જ આપણા સમાજના ભવિષ્યનો પાયો છે. પોષણ અભિયાન અંતર્ગત દેશભરમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી પોષણને લોક આંદોલન બનાવવામાં આવી રહ્યું છે. લોકો નવી અને રસપ્રદ રીતોથી કૂપોષણ સામે લડાઇ લડી રહ્યા છે. એક વાર મારા ધ્યાનમાં એક વાત લાવવામાં આવી હતી. નાસીકમાં ‘મુઠ્ઠીભર ધાન્ય’ એક મોટું આંદોલન બની ગયું છે. તેમાં પાકની લણણીના દિવસોમાં આંગણવાડી કાર્યકરો અનાજ એકઠું કરે છે. આ અનાજનો ઉપયોગ બાળકો અને મહિલાઓ માટે તાજું ભોજન બનાવવામાં કરવામાં આવે છે. તેમાં દાન કરનારી વ્યક્તિ એક રીતે જાગૃત નાગરિક, સમાજસેવક બની જાય છે. ત્યાર પછી તે આ ધ્યેય માટે પોતે પણ સમર્પિત થઇ જાય છે. આ આંદોલનનો તે એક સિપાઇ બની જાય છે. આપણે બધાંએ, હિંદુસ્તાનના ખૂણેખૂણામાં અન્ન-પ્રાશન સંસ્કાર વિષે સાંભળ્યું છે. બાળકને જ્યારે પહેલીવાર નક્કર ખોરાક ખવડાવવાનું શરૂ કરીએ છીએ ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે. પ્રવાહી ખોરાક નહીં, ઘન ખોરાક. ગુજરાતે 2010માં વિચાર્યું કે, અન્ન પ્રાશન સંસ્કાર પ્રસંગે બાળકોને પૂરક આહાર આપવામાં આવે, જેથી લોકોને તેના વિષે જાગૃત કરી શકાય. આ એક ખૂબ જ સુંદર પહેલ છે. જેને કયાંય પણ અપનાવી શકાય છે. કેટલાંય રાજયોમાં લોકો તિથિ ભોજન અભિયાન ચલાવે છે. પરિવારમાં જો કોઇનો જન્મદિવસ હોય, સારો દિવસ હોય, કોઇ સ્મૃતિ દિવસ હોય, તો તે પરિવારના સભ્યો પૌષ્ટિક ભોજન, સ્વાદિષ્ટ ભોજન બનાવીને આંગણવાડીમાં જાય છે, સ્કૂલોમાં જાય છે અને પરિવારના સભ્યો જાતે જ બાળકોને પીરસે છે, ખવડાવે છે, પોતાની ખુશી પણ વહેંચે છે, અને ખુશીમાં વધારો કરે છે. સેવાભાવ અને આનંદભાવનું અદભૂત મિલન જોવા મળે છે. સાથીઓ, એવી તો કેટલીયે નાની-નાની બાબતો છે. જેનાથી આપણો દેશ કુપોષણ વિરૂદ્ધ એક અસરકારક લડાઇ લડી શકે છે. આજે જાગૃતિના અભાવે કુપોષણથી ગરીબ પણ, અને સુખી પણ, બન્ને પ્રકારના પરિવાર પીડિત છે. પૂરા દેશમાં સપ્ટેમ્બર મહિનો પોષણ અભિયાન રૂપે મનાવવામાં આવશે. આપ ચોક્કસ તેમાં જોડાવ, જાણકારી મેળવો, કંઇક નવું પ્રદાન કરો. આપ પણ યોગદાન આપો. જો તમે એકાદ વ્યક્તિને કૂપોષણ મુક્ત બનાવશો, તો તેનો અર્થ એ છે કે, આપણે દેશને કૂપોષણથી મુક્ત કરીએ છીએ.

ફીમેલ વોઇસઃ- “હેલો, સર મારૂં નામ સૃષ્ટિ વિદ્યા છે. અને હું સેકન્ડ યરની સ્ટુડન્ટ છું. સર, મેં બાર ઓગષ્ટે આપનો એપીસોડ જોયો હતો. બેયર ગ્રીલ્સ સાથે. જેમાં આપ આવ્યા હતા. તો સર, મને આપનો એ એપીસોડ જોઇને ખૂબ સારૂં લાગ્યું. સૌ પ્રથમ તો એ સાંભળીને સારૂં લાગ્યું કે, આપને આપણી સૃષ્ટિ, વન્યજીવન અને પર્યાવરણની કેટલી બધી ચિંતા છે!   કેટલી વધારે કાળજી છે! અને સર મને એ પણ બહુ ગમ્યુ, આપને આ નવા રૂપમાં, નવા સાહસિક રૂપમાં જોઇને. તો સર, હું એ જાણવા ઇચ્છું છું કે, આપનો  એપીસોડ દરમ્યાન અનુભવ કેવો રહ્યો અને સર, અંતમાં હું એક વાત જોડવા ચાહું છું કે, આપનું ફીટનેસ લેવલ /(તંદુરસ્તીનું સ્તર) જોઇને મારા જેવા યંગસ્ટર્સ ખૂબ ઇમ્પ્રેસ/ પ્રભાવિત અને ખૂબ ખૂબ Motivate / પ્રોત્સાહિત થયા છીએ આપને આટલા ચૂસ્ત અને તંદુરસ્ત જોઇને”

સૃષ્ટિજી, તમારા ફોન કોલ માટે ધન્યવાદ. તમારી જેમ જ, હરિયાણાના સોહનાથી કે.કે.પાંડેયજી અને સુરતનાં ઐશ્વર્યા શર્માજી સહિત કેટલાય લોકોએ ડિસ્કવરી ચેનલ પર બતાવવામાં આવેલા “Man Vs. Wild” એપીસોડ વિષે જાણવા ઇચ્છા વ્યકત કરી છે. આ એક એપીસોડથી હું માત્ર હિન્દુસ્તાનના જ નહીં. બલ્કે દુનિયાભરના યુવાનો સાથે જોડાઇ ગયો છું. મેં પણ કયારેય વિચાર્યું નહોતું કે, આપણા દેશના અને દુનિયાના યુવાનોના દિલોમાં મારૂં આ રીતે સ્થાન બની જશે. મેં પણ કયારેય વિચાર્યું નહોતું કે, આપણા દેશના અને દુનિયાના યુવાનો કેટલી વિવિધતાસભર બાબતો તરફ ધ્યાન આપે છે. મેં કયારેય વિચાર્યું નહોતું કે દુનિયાભરનાં યુવાન હૈયાંને સ્પર્શવાની મારી જિંદગીમાં કોઇ તક મળશે. અને બને છે કેવું – હમણાં ગયા અઠવાડિયે હું ભૂતાન ગયો હતો. મેં જોયું છે કે,પ્રધાનમંત્રી તરીકે મને જયારથી કયાંય પણ જવાની તક મળી છે, અને તેમાંય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કારણે સ્થિતિ એવી બની ગઇ છે કે, દુનિયામાં જે કોઇને મળું છું અને બેસું છું તો કોઇને કોઇ પાંચ-સાત મિનિટ તો યોગ વિષે મારી સાથે સવાલ-જવાબ અચૂક કરે છે. ભાગ્યે જ દુનિયાના કોઇ મોટા એવા નેતા હશે જેમણે મારી સાથે યોગ વિષે ચર્ચા ના કરી હોય. અને આખી દુનિયામાં મને અનુભવ થયો છે. પરંતુ હમણાં એક નવો અનુભવ થઇ રહ્યો છે. અને જે પણ મળે છે, જયાં પણ વાત કરવાની તક મળે છે, તે વન્યજીવનના વિષયમાં ચર્ચા કરે છે. પર્યાવરણ વિષે ચર્ચા કરે છે. વાઘ, સિંહ, જીવસૃષ્ટિ વગેરે વિષે. મને નવાઇ લાગે છે કે, લોકોને કેટલો રસ હોય છે! ડિસ્કવરીએ આ કાર્યક્રમને 165 દેશોમાં તેમની ભાષામાં પ્રસારિત કરવાનું આયોજન કર્યું છે. આજે જ્યારે પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન વિશે એક વૈશ્વિક મંથનનો દોર ચાલી રહ્યો છે. મને આશા છ કે, આ કાર્યક્રમ ભારતનો સંદેશ, ભારતની પરંપરા, ભારતની સંસ્કાર યાત્રામાં પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા, આ તમામ બાબતોથી વિશ્વને પરિચિત કરાવવામાં ડિસ્કવરી ચેનલનો આ એપીસોડ ખૂબ મદદ કરશે એવો મને પાકો વિશ્વાસ છે. અને આપણા ભારતમાં આબોહવા ન્યાય અને સ્વચ્છ પર્યાવરણની દિશામાં લીધેલાં પગલાં વિષે લોકો હવે જાણવા ઇચ્છે છે. પરંતુ એક વધુ રસપ્રદ વાત એ પણ છે, જે કેટલાક લોકો સંકોચ સાથે પણ મને જરૂર પૂછે છે કે, મોદીજી એ કહો કે, તમે હિંદી બોલતા હતા અને બીયર ગ્રીલ્સ હિંદી જાણતા નથી, તો આટલો ઝડપથી તમારી સાથે સંવાદ કેવી રીતે થતો હતો. કે પછી બાદમાં, એડિટ કરવામાં આવ્યું છે. શું એટલું વારે-વારે શૂટીંગ કરાયું છે. ખરેખર શું થયું છે. બહુ જીજ્ઞાસાથી પૂછે છે. જૂઓ, આમાં કશું જ રહસ્ય નથી. કેટલાંય લોકોના મનમાં આ સવાલ છે તો હું એ રહસ્ય જાહેર કરી જ દઉં છું. આમ જુઓ તો તે રહસ્ય છે જ નહીં. હકીકત એ છે કે, બીયર ગ્રીલ્સ સાથેની વાતચીતમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે. જ્યારે હું કંઇ પણ બોલતો હતો, ત્યારે તેની સાથેસાથે તેનો અંગ્રેજીમાં અનુવાદ થતો હતો. સાથો સાથ જ ભાષાંતર થતું હતું અને બીયર ગ્રીલ્સના કાનમાં એક નાનું એક કોર્ડલેસ ઉપકરણ લગાડેલું હતું તેનાથી તેને અંગ્રેજીમાં સંભળાતું હતું. આમ હું બોલતો હતો હિંદી, પણ એને સંભળાતું હતું અંગ્રેજી, અને તેના લીધે સંવાદ વધુ સરળ બની જતો હતો. અને ટેકનોલોજીની આ જ તો કમાલ છે. આ શો પછી બહુ મોટી સંખ્યામાં લોકો મને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન વિષે ચર્ચા કરતા જોવા મળ્યા છે. તમે પણ કુદરત અને વન્યજીવન પ્રકૃત્તિ તેમજ અન્ય જીવોને લગતાં સ્થળો પર ચોક્કસ જાવ. મેં પહેલાં પણ કહ્યું છે અને ભારપૂર્વક તમને કહું છું. તમારા જીવનમાં ઇશાન ભારત ચોક્કસ જાવ. શું પ્રકૃત્તિ છે ત્યાં!! તમે જોતાં રહી જશો. તમારી અંદરનું વિશ્વ વિસ્તરી જશે. 15 ઓગષ્ટે લાલ કિલ્લા પરથી મેં આપ સૌને આગ્રહ કર્યો હતો કે, આગામી 3 વર્ષમાં ભારતનાં ઓછામાં ઓછાં 15 સ્થળોની મુલાકાતે જાવ. તે પણ 100 ટકા પર્યટનના હેતુથી જ એવાં 15 સ્થળોએ જાવ, જુઓ, અભ્યાસ કરો, પરિવારને લઇને જાવ, થોડો સમય ત્યાં ગાળો, વીતાવો. વિવિધતાઓથી ભરેલો દેશ! તમને પણ આ વિવિધતાઓ એક શિક્ષકના રૂપમાં અંદરથી વિવિધતાઓથી ભરી દેશે. તમારા પોતાના જીવનનું વિસ્તરણ થશે. તમારૂં ચિંતન વ્યાપક બનશે. અને મારા પર ભરોસો રાખો, કે ભારતની અંદર જ એવાં સ્થળો છે જયાંથી તમે, નવી સ્ફૂર્તિ, નવો ઉત્સાહ, નવો ઉમંગ, નવી પ્રેરણા મેળવીને આવશો. અને શક્ય છે કે, કેટલાંક સ્થળોએ તો તમને વારેવારે જવાનું મન થશે. તમારા કુટુંબને પણ મન થશે.

મારા વ્હાલા દેશવાસીઓ, ભારતમાં પર્યાવરણની સંભાળ અને ચિંતા સ્વાભાવિક જ જોવા મળે છે. ગયા મહિને દેશમાં વાઘની વસતિગણતરી જાહેર કરવાનું મને સદભાગ્ય સાંપડ્યું હતું. તમે જાણો છો કે, ભારતમાં કેટલા વાઘ છે? ભારતમાં વાઘની સંખ્યા 2967 છે. Two Thousand Nine Hundred Sixty Seven. થોડા વરસ પહેલાં તેનાથી અડધા તો મહામહેનતે હતા. વાઘ. વાઘ માટે 2010માં રશિયાના પિટર્સબર્ગમાં વાઘ શિખર સંમેલન યોજાયું હતું. દુનિયામાં વાઘની ઘટી રહેલી વસતિ અંગે તેમાં ચિંતા વ્યકત કરતાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સંકલ્પ હતો 2022 સુધીમાં દુનિયામાં વાઘની સંખ્યા બમણી કરવી. પરંતુ આ નૂતન ભારત છે કે, આપણે લક્ષ્યને વહેલામાં વહેલું સિધ્ધ કરીએ છીએ. આપણે 2019માં આપણે ત્યાંના વાઘોની વસતિ બમણી કરી દીધી. ભારતમાં કેવળ વાઘની વસતિ જ નહિં, બલ્કે, આરક્ષિત વિસ્તારો અને સામુદાયિક આરક્ષિત સ્થાનોની સંખ્યા પણ વધી છે. હું જ્યારે વાઘની વસતિ જાહેર કરી રહ્યો હતો ત્યારે મને ગુજરાતના ગીરના સિંહ પણ યાદ આવી ગયા. મેં જ્યારે ત્યાં મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી હતી ત્યારે ગીરના જંગલમાં સિંહોનો આવાસ વિસ્તાર સંકોચાઇ રહ્યો હતો. તેમની સંખ્યા ઘટી રહી હતી. અમે ગીરમાં એક પછી એક પગલાં ભર્યા. 2007માં ત્યાં મહિલા ગાર્ડઝ(રખેવાળ) તહેનાત કરવાનો નિર્ણય લીધો. પર્યટન વધારવા માટે માળખાકીય સુધારા કર્યા. આપણે જ્યારે પણ પ્રકૃતિ અને વન્ય જીવી વાત કરીયે છીએ તો કેવળ સંરક્ષણની જ વાત કરીએ છીએ. પરંતુ હવે આપમે સંરક્ષણથી આગળ વધીને કરૂણાની – કંપેશન વિષે પણ વિચારવું જ પડશે. આ બાબતે આપણાં શાસ્ત્રોમાં બહુ સરસ માર્ગદર્શન મળ્યું છે. સદીઓ પહેલાં આપણા શાસ્ત્રોમાં આપણે કહ્યું છે.

નિર્વનો બધ્યતે વ્યાધ્રો, નિવ્યાઘ્રં છિદ્દયતે વનમ્

તસ્માદ્ વ્યાધ્રો વનમ્ રક્ષેત્, વનં વ્યાઘ્રં ન પાલયેત્

અર્થાત્ જો વન ન હોય તો, વાઘ મનુષ્યની વસતિમાં આવવા મજબૂર બની જાય છે. અને માર્યા જાય છે. અને જો જંગલમાં વાઘ ન હોય તો, મનુષ્ય જંગલ કાપીને તેનો નાશ કરી નાંખે છે. એટલે હકીકતમાં વાઘ વનનું રક્ષણ કરે છે. વન વાઘનું નહિં.

 આપણા પૂર્વજોએ આ વિષયને કેટલી ઉત્તમ રીતે સમજાવ્યો છે! એટલે આપણે આપણા વનો, વનસ્પતિઓ અને વન્યજીવોનું માત્ર સંરક્ષણ કરવાની જ નહિં પરંતુ એવું વાતાવરણ બનાવવાની પણ જરૂર પડશે. જેનાથી તે યોગ્ય રીતે ફૂલીફાલી શકે.

 મારા વ્હાલા દેશવાસીઓ, 11 સપ્ટેમ્બર, 1893નું સ્વામી વિવેકાનંદજીનું એ ઐતિહાસિક પ્રવચન કોણ ભૂલી શકે છે? પૂરા વિશ્વની માનવજાતને હચમચાવી દેનાર ભારતના એ યુવાન સંન્યાસી દુનિયામાં ભારતની તેજસ્વી ઓળખ છોડીને આવ્યા હતા. જે ગુલામ ભારતની તરફ દુનિયા બહુ વિકૃત ભાવથી જોઇ રહી હતી. તે દુનિયાને 11 સપ્ટેમ્બર, 1893ના રોજ સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરૂષના શબ્દોએ ભારત તરફની દૃષ્ટિ બદલવા માટે મજબૂર કરી દીધી. સ્વામી વિવેકાનંદજીએ ભારતના જે રૂપને જોયુ હતું, સ્વામી વિવેકાનંદજીએ ભારતના જે સામર્થ્યને જાણ્યું હતું, આવો, આપણે તેને જીવવાની કોશિષ કરીએ. આપણી અંદર છે બધું જ છે. આત્મવિશ્વાસની સાથે નીકળી પડીએ.

મારા વ્હાલા દેશવાસીઓ, આપને સૌને યાદ હશે કે, 29 ઓગષ્ટને રાષ્ટ્ર ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ-ચુસ્ત ભારત ઝુંબેશ શરૂ કરવાના છીએ. પોતાને ચુસ્ત બનાવવાના છીએ. દેશને ચુસ્ત બનાવવાનો છે. બાળકો, વડીલો, યુવાનો, મહિલાઓ એમ સૌ કોઇ માટે આ ખૂબ રસપ્રદ અભિયાન હશે. અને તે તમારૂં પોતાનું હશે. પરંતુ તેની વિગતો હું આજે આપવાનો નથી. 29મી ઓગષ્ટની રાહ જુઓ. તે દિવસે હું પોતે તેની વિગતવાર વાત કરવાનો છું. અને તમને તેની સાથે જોડ્યા વિના રહેવાનો નથી. કેમ કે, હું તમને તંદુરસ્ત, ચુસ્ત જોવા માંગું છું. ફીટનેસ – ચુસ્તી માટે તમને જાગ્રત બનાવવા માંગું છું. અને ચુસ્ત ભારત માટે, દેશ માટે, આપણે સાથે મળીને કોઇ લક્ષ્ય પણ નક્કી કરીએ.

મારા વ્હાલા દેશવાસીઓ, હું આપની રાહ જોઇશ, 29 ઓગષ્ટે, ફીટ ઇન્ડિયામાં, સપ્ટેમ્બર મહિનામાં પોષણ અભિયાનમાં, અને ખાસ કરીને 11 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર ”સ્વચ્છતા અભિયાનમાં” અને 2 ઓકટોબર સંપૂર્ણપણે સમર્પિત પ્લાસ્ટીક મુક્તિ માટે. પ્લાસ્ટીકથી મુક્તિ મેળવવા માટે, આપણે બધા ઘરમાં, ઘરની બહાર બધી જગ્યાએ પૂરી તાકાતથી લાગી જઇશું અને મને ખબર છે કે, આ બધાં અભિયાન સોશ્યલ મિડિયામાં તો ધૂમ મચાવશે. આવો એક નવા ઉમંગ, નવા સંકલ્પ, નવી શક્તિ સાથે નીકળી પડીએ.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે મન કી બાતમાં આટલું જ.. ફરી મળીશું. હું આપની વાતોની, આપના સૂચનોની રાહ જોઇશ. આવો, આપણે બધાં મળીને આઝાદીના દિવાનાઓના સપનાનું ભારત બનાવવા માટે, ગાંધીના સપનાં સાકાર કરવા માટે નીકળી પડીએ – સ્વાન્તઃ સુખાય, અંતરના આનંદને સેવાભાવથી પ્રગટ કરતાં કરતાં નીકળી પડીએ..

        ખૂબ-ખૂબ ધન્યવાદ..

        નમસ્કાર..   

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.