મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
નવા વિષયો સાથે, નવાં પ્રેરક ઉદાહરણો સાથે, નવા-નવા સંદેશાઓને સમેટીને એક વાર ફરી હું તમારી સાથે ‘મન કી બાત’ કરવા આવ્યો છું. શું તમને ખબર છે કે આ વખતે મને સૌથી વધુ પત્રો અને સંદેશ કયા વિષય પર મળ્યા છે? એ વિષય એવો છે જે ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય સાથે જોડાયેલો છે. હું વાત કરી રહ્યો છું દેશને મળેલા પ્રધાનમંત્રીસંગ્રહાલયની. આ ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પર પ્રધાનમંત્રીસંગ્રહાલયનું લોકાર્પણ થયું છે. તેને દેશના નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એક શ્રોતા છે શ્રીમાન સાર્થકજી, તેઓ ગુરુગ્રામ રહે છે અને પહેલી તક મળતા જ તેઓ પ્રધાનમંત્રીસંગ્રહાલય જોવા આવ્યા છે. સાર્થકજીએ Namo App પર જે સંદેશ મને લખ્યો છે તે ખૂબ જ રસપ્રદ છે. તેમણે લખ્યું છે કે તેઓ વર્ષોથી સમાચાર ચેનલો જુએ છે, સમાચારપત્રો વાંચે છે, સૉશિયલ મિડિયા સાથે પણ જોડાયેલા છે, આથી તેમને લાગતું હતું કે તેમનું સામાન્ય જ્ઞાન સારું હશે, પરંતુ જ્યારે તેઓ પી. એમ. સંગ્રહાલય ગયા તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું, તેમને અનુભવાયું કે તેઓ પોતાના દેશ અને દેશનું નેતૃત્વ કરનારા લોકો વિશે ઘણું બધું જાણતા જ નથી. તેમણે પી. એમ. સંગ્રહાલયની કેટલીક એવી ચીજો વિશે લખ્યું છે જે તેમની જિજ્ઞાસાને વધારનારી હતી, જેમ કે તેમને લાલબહાદુર શાસ્ત્રીજીનો તે ચરખો જોઈને ઘણી ખુશી થઈ, જે તેમને સાસરિયા પક્ષ તરફથી ભેટ મળ્યો હતો. તેમણે શાસ્ત્રીજીની પાસબુક પણ જોઈ અને એ પણ જોયું કે તેમની પાસે કેટલી ઓછી બચત હતી. સાર્થકજીએ લખ્યું છે કે તેમને એ પણ નહોતી ખબર કે મોરારજીભાઈ દેસાઈ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાતા પહેલાં ગુજરાતમાં નાયબ કલેક્ટર હતા. પ્રશાસનિક સેવામાં તેમની એક લાંબી કારકિર્દી રહી છે. સાર્થકજી, ચૌધરી ચરણસિંહજી વિશે લખે છે કે તેમને ખબર જ નહોતી કે જમીનદારી ઉન્મૂલન ક્ષેત્રમાં ચૌધરી ચરણસિંહજીનું ખૂબ જ મોટું યોગદાન હતું. એટલું જ નહીં, તેઓ વધુમાં લખે છે કે જ્યારે જમીન સુધારાના વિષયમાં ત્યાં તેમણે જોયું કે
શ્રીમાન પી. વી. નરસિમ્હારાવજી જમીન સુધારાના કામમાં ખૂબ જ ગાઢ રૂચિ લેતા હતા.સાર્થકજીને પણ આ મ્યૂઝિયમમાં આવીને જ ખબર પડી કે ચંદ્રશેખરજીએ ૪ હજાર કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. તેમણે જ્યારે સંગ્રહાલયમાં એ ચીજોને જોઈ જે અટલજી ઉપયોગ કરતા હતા, તેમનાં ભાષણોને સાંભળ્યાં તો તેઓ ગર્વાન્વિત થઈ ગયા. સાર્થકજીએ એ પણ કહ્યું કે આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને આપણા પ્રધાનમંત્રીજવાહરલાલ નહેરુ વિશે પણ ઘણી રોચક જાણકારીઓ છે.
સાથીઓ, દેશના વડા પ્રધાનોના યોગદાનને યાદ કરવા માટે સ્વતંત્રતાના અમૃત મહોત્સવથી વધુ સારો સમય કયો હોઈ શકે? દેશ માટે ગૌરવની વાત છે કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે. ઇતિહાસ વિશે લોકોનો રસ ઘણો વધી રહ્યો છે અને તેવામાં પી. એમ. મ્યૂઝિયમ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જે દેશના અણમોલ વારસા સાથે તેમને જોડી રહ્યું છે.
એમ તો, સાથીઓ, જ્યારે સંગ્રહાલય વિશે તમારી સાથે આટલી વાતો થઈ રહી છે તો મને મન થયું કે હું પણ તમને કેટલાક પ્રશ્નો કરું. જોઈએ કે તમારું સામાન્ય જ્ઞાન કેટલું છે? તમને કેટલી જાણકારી છે? મારા નવયુવાન સાથીઓ, તમે તૈયાર છો? કાગળ, કલમ હાથમાં લઈ લીધાં? હવે હું તમને જે પૂછવા જઈ રહ્યો છું તેનો ઉત્તર Namo App કે સૉશિયલ મિડિયા પર #museumquiz સાથે શૅર કરી શકો છો અને અવશ્ય કરો. મારો તમને અનુરોધ છે કે તમે આ બધા પ્રશ્નોના જવાબ જરૂર આપો. તેનાથી દેશભરના લોકોને સંગ્રહાલય વિશે રસ વધુ વધશે. શું તમે જાણો છો કે દેશના કયા શહેરમાં એક પ્રસિદ્ધ રેલવે સંગ્રહાલય છે, જ્યાં છેલ્લાં ૪૫ વર્ષથી લોકોને ભારતીય રેલવેના વારસાને જોવાની તક મળે છે? હું તમને એક સંકેત આપું છું. તમે અહીં Fairy Queen, Saloon Of Prince Of Walesથી લઈને Fireless Steam Locomotive પણ જોઈ શકો છો. શું તમે જાણો છો કે મુંબઈમાં એ કયું સંગ્રહાલય છે જ્યાં આપણને બહુ જ રોચક રીતે ચલણ (કરન્સી)નો વિકાસ (ઇવૉલ્યૂશન) જોવા મળે છે?
અહીં ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિના સિક્કા હાજર છે તો બીજી તરફ ઇ-મની પણ હાજર છે. ત્રીજો પ્રશ્ન. વિરાસત એ ખાલસા આ સંગ્રહાલય સાથે જોડાયેલી છે. શું તમે જાણો છો કે આ સંગ્રહાલય પંજાબના કયા શહેરમાં આવેલું છે? પતંગબાજીમાં તો તમને સહુને ખૂબ જ આનંદ આવતો હશે, આગલો પ્રશ્ન તેની સાથે જોડાયેલો છે. દેશનું એક માત્ર પતંગ સંગ્રહાલય ક્યાં છે? ચાલો, હું તમને એક સંકેત આપું છું. અહીં જે સૌથી મોટો પતંગ રાખ્યો છે તેનો આકાર ૨૨ x (ગુણ્યા/બાય)૧૬ ફૂટ છે. કંઈ ખબર પડી કે નહીં? નહીં? તો એક વધુ ચીજ કહું છું. તે જે શહેરમાં છે તેનો બાપુ સાથે વિશેષ સંબંધ રહ્યો છે. બાળપણમાં ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ કોને નથી હોતો. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં ટપાલ ટિકિટ સાથે જોડાયેલું નેશનલ મ્યૂઝિયમ ક્યાં છે? હું તમને એક વધુ પ્રશ્ન કરું છું. ગુલશન મહલ નામના ભવનમાં કયું મ્યૂઝિયમછે? તમારા માટે સંકેત એ છે કે આ સંગ્રહાલયમાં તમે ફિલ્મના નિર્દેશક પણ બની શકો છો, કેમેરા, એડિટિંગની ઝીણામાં ઝીણી બાબતોને પણ જોઈ શકો છો. અચ્છા, શું તમે એવા કોઈ સંગ્રહાલય વિશે જાણો છો જે ભારતના કાપડ સાથે જોડાયેલા વારસાની ઉજવણી કરે છે? આ સંગ્રહાલયમાં મિનિયેચર પેઇન્ટિંગ્સ, જૈન મેનૂસ્ક્રિપ્ટ્સ, સ્કલ્પ્ચર, ઘણું બધું છે. તે પોતાના અનોખા પ્રદર્શન માટે પણ જાણીતું છે.
સાથીઓ, ટૅક્નૉલૉજીના આ સમયમાં તમારા માટે જવાબ શોધવો ઘણો સરળ છે. આ પ્રશ્નો મેં એટલા માટે પૂછ્યા જેથી આપણી નવી પેઢીમાં જિજ્ઞાસા વધે, તેઓ તેના વિશે વધુ વાંચે, તેમને જોવા જાય. હવે તો સંગ્રહાલયના મહત્ત્વના કારણે અનેક લોકો, પોતે આગળ આવીને, મ્યૂઝિયમ માટે ઘણું દાન પણ કરી રહ્યા છે. ઘણા લોકો પોતાના જૂના કલેક્શનને, ઐતિહાસિક વસ્તુઓને પણ મ્યૂઝિયમને દાનમાં આપી રહ્યા છે. તમે જ્યારે આવું કરો છો તે એક રીતે તમે એક સાંસ્કૃતિક મૂડીને સમગ્ર સમાજ સાથે વહેંચો છો. ભારતમાં પણ લોકો હવે તેના માટે આગળ આવી રહ્યા છે. હું, આવા બધા ખાનગી પ્રયાસોની પણ પ્રશંસા કરું છું. આજે બદલાતા સમયમાં અને કૉવિડ પ્રૉટૉકૉલના કારણે મ્યૂઝિયમમાં નવી રીતભાત અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મ્યૂઝિયમમાં ડિજિટાઇઝેશન પર પણ ધ્યાન વધ્યું છે.
તમે બધા જાણો છો કે ૧૮ મેએ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવશે. તેને જોતાં, મારા યુવાન સાથીઓ માટે મારી પાસે એક આઇડિયા છે. આવનારા રજાના દિવસોમાં, તમે તમારી મિત્રોની મંડળી સાથે, કોઈ સ્થાનિક મ્યૂઝિયમ જોવા જાવ તો કેવું? તમે તમારો અનુભવ #MuseumMemories ની સાથે જરૂર શૅર કરો. તમે આવું કરશો તો બીજાના મનમાં પણ સંગ્રહાલય વિશે જિજ્ઞાસા વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે તમારા જીવનમાં ઘણા સંકલ્પ લેતા હશો. તેમને પૂરા કરવા માટે પરિશ્રમ પણ કરતા હશો. સાથીઓ, પરંતુ તાજેતરમાં જ, મને એવા સંકલ્પ વિશે જાણવા મળ્યું, જે ખરેખર ઘણો અલગ હતો, ઘણો અનોખો હતો. આથી મેં વિચાર્યું કે ‘મન કી બાત’ના શ્રોતાઓને તે જરૂર જણાવું.
સાથીઓ, શું તમે વિચારી શકો છો કે કોઈ પોતાના ઘરેથી એવો સંકલ્પ લઈને નીકળે કે આજે દિવસભર તે આખું શહેર ફરશે અને એક પણ પૈસાની લેવડદેવડ રોકડમાં નહીં કરે? કેશમાં નહીં કરે? છે ને રસપ્રદ સંકલ્પ? દિલ્લીની બે દીકરીઓ સાગરિકા અને પ્રેક્ષાએ આવા જ કેશલેસ ડે આઉટનો એક્સ્પેરિમેન્ટ કર્યો. સાગરિકા અને પ્રેક્ષા દિલ્લીમાં જ્યાં પણ ગઈ, તેમને ડિજિટલ પેમેન્ટની સુવિધા મળી ગઈ. યુપીઆઈ ક્યૂઆર કૉડના કારણે તેમને રોકડા કાઢવાની જરૂર જ ન પડી. ત્યાં સુધી કે સ્ટ્રીટ ફૂડ અને લારી પર પણ મોટા ભાગની જગ્યાએ તેમને ઑનલાઇન લેવડદેવડની સુવિધા મળી.
સાથીઓ, કોઈ કહેશે કે આ તો દિલ્લી છે, મેટ્રૉ સિટી છે, ત્યાં તો આ બધું સરળ છે. પરંતુ એવું નથી કે યુપીઆઈનો આ પ્રસાર માત્ર દિલ્લી જેવાં મોટાં શહેરો પૂરતો જ સીમિત છે. એક સંદેશ મને ગાઝિયાબાદથી આનંદિતા ત્રિપાઠીનો પણ મળ્યો છે. આનંદિતા ગયા સપ્તાહે પોતાના પતિની સાથે નૉર્થ ઇસ્ટ ફરવા ગયાં હતાં. તેમણે આસામથી લઈને મેઘાલય અને અરુણાચલ પ્રદેશના તવાંગ સુધી પોતાની મુસાફરીનો અનુભવ મને જણાવ્યો. તમને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે અનેક દિવસોની આ મુસાફરીમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ તેમને રોકડા કાઢવાની જરૂરિયાત જ ન પડી. જે જગ્યાઓ પર કેટલાંક વર્ષો પહેલાં સુધી ઇન્ટરનેટની સુવિધા પણ નહોતી,
ત્યાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટની સુવિધા હાજર છે. સાગરિકા, પ્રેક્ષા અને આનંદિતાના અનુભવોને જોઈને હું તમને પણ અનુરોધ કરીશ કે કેશલેસ ડે આઉટનો ઍક્સ્પેરિમેન્ટ કરી જુઓ, જરૂર કરો.
સાથીઓ, ગત કેટલાંક વર્ષોમાં ભીમ યુપીઆઈ ઝડપથી આપણા અર્થતંત્ર અને ટેવોનો ભાગ બની ગઈ છે. હવે તો નાનાં-નાનાં શહેરોમાં અને મોટા ભાગનાં ગામોમાં પણ લોકો યુપીઆઈથી જ લેવડદેવડ કરે છે. ડિજિટલ ઇકૉનૉમીથી દેશમાં એક સંસ્કૃતિ પણ જન્મી રહી છે. ગલી-વિસ્તારોની નાની-નાની દુકાનોમાં ડિજિટલ પેમેન્ટ હોવાના કારણે તેમને વધુમાં વધુ ગ્રાહકોને સર્વિસ દેવાનું સરળ થઈ ગયું છે. તેમને હવે છુટ્ટા પૈસાની પણ તકલીફ નથી થતી. તમે પણ યુપીઆઈની સુવિધા રોજિંદા જીવનમાં અનુભવતા હશો. ક્યાંય પણ જાવ, રોકડા લઈને જવાની, બૅંક જવાની, ઍટીએમ શોધવાની ઝંઝટ નથી રહી. મોબાઇલથી જ બધાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા આ નાનાં-નાનાં ઑનલાઇન પેમેન્ટથી દેશમાં કેટલી મોટી ડિજિટલ ઇકૉનૉમી તૈયાર થઈ છે? આ સમયે આપણા દેશમાં લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાની લેવડદેવડ દરરોજ થઈ રહી છે. ગત માર્ચ મહિનામાં તો યુપીઆઈ લેવડદેવડ લગભગ ૧૦ લાખ કરોડ સુધી પહોંચી ગઈ. તેનાથી દેશમાં સુવિધા પણ વધી રહી છે અને પ્રમાણિકતાનું વાતાવરણ પણ બની રહ્યું છે. હવે તો દેશમાં Fin-Techસાથે જોડાયેલાં અનેક નવાં સ્ટાર્ટ-અપ પણ આગળ વધી રહ્યાં છે. હું ઈચ્છીશ કે જો તમારી પાસે પણ ડિજિટલ પેમેન્ટ અને સ્ટાર્ટ અપ ઇકૉ સિસ્ટમની આ શક્તિ સાથે જોડાયેલા કોઈ અનુભવ હોય તો તેમને જણાવો. તમારા અનુભવ બીજા અનેક દેશવાસીઓ માટે પ્રેરણા બની શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ટૅક્નૉલૉજીની આ શક્તિ સામાન્ય લોકોનું જીવન બદલી રહી છે, તે આપણને આપણી આસપાસ સતત દેખાઈ રહ્યું છે. ટૅક્નૉલૉજીએ એક બીજું મોટું કામ કર્યું છે. આ કામ છે દિવ્યાંગ સાથીઓની અસાધારણ ક્ષમતાનો લાભ, દેશ અને દુનિયાને અપાવવાનો. આપણાં દિવ્યાંગ ભાઈ-બહેન શું કરી શકે છે તે આપણે ટૉકિયો પેરાલિમ્પિક્સમાં જોયું છે. રમતની જેમ જ કળા, શિક્ષણ અને બીજાં અનેક ક્ષેત્રોમાં દિવ્યાંગ સાથીઓ કમાલ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આ સાથીઓને ટૅક્નૉલૉજીની તાકાત મળી જાય છે,
તો તેઓ વધુમોટાં શિખર સર કરી શકે છે. આથી દેશ આજકાલ સતત સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દિવ્યાંગો માટે સુલભ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. દેશમાં એવાં અનેક સ્ટાર્ટ અપ્સ અને સંગઠન પણ છે જે આ દિશામાં પ્રેરણાદાયી કામ કરી રહ્યાં છે. આવી જ એક સંસ્થા છે- Voice Of Specially-abled people, આ સંસ્થા assistive technologyના ક્ષેત્રમાં નવા અવસરોને પ્રમૉટ કરે છે. જે દિવ્યાંગ કલાકાર છે તેમના કામને, દુનિયા સુધી પહોંચાડવા માટે એક નવીન શરૂઆત પણ કરવામાં આવી છે. Voice Of Specially-abledpeopleના આ કલાકારોનાં ચિત્રોની ડિજિટલ આર્ટ ગેલેરી તૈયાર કરી છે. દિવ્યાંગ સાથી કઈ રીતે અસાધારણ પ્રતિભા ધરાવતા હોય છે અને તેમની પાસે કેટલી અસાધારણ ક્ષમતા હોય છે- આ આર્ટ ગેલેરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. દિવ્યાંગ સાથીઓના જીવનમાં કેવા-કેવા પડકારો હોય છે, તેમાંથી નીકળીને તેઓ ક્યાં સુધી પહોંચે છે! આવા અનેક વિષયોને આ ચિત્રોમાં તમે અનુભવી શકો છો. તમે પણ જો કોઈ દિવ્યાંગ સાથીને જાણતા હો, તેમની પ્રતિભાને જાણતા હો તો ડિજિટલ ટૅક્નૉલૉજીની મદદથી તેને દુનિયા સામે લાવી શકો છો. જે દિવ્યાંગ સાથી છે તે પણ આ પ્રકારના પ્રયાસો સાથે જરૂર જોડાય.
મારા પ્રિય દેશવાસીઓ, દેશના મોટા ભાગના હિસ્સામાં ગરમી ખૂબ ઝડપથી વધી રહી છે. વધી રહેલી ગરમી, પાણી બચાવવાની આપણી જવાબદારીને પણ એટલી જ વધારી દે છે. બની શકે કે તમે જ્યાં હો ત્યાં પર્યાપ્ત માત્રામાં પાણી ઉપલબ્ધ હોય. પરંતુ તમારે એ કરોડો લોકોને હંમેશાં યાદ રાખવાના છે જે જળ સંકટવાળાં ક્ષેત્રોમાં રહે છે, જેમના માટે પાણીનું એક-એક ટીપું અમૃત સમાન હોય છે.
સાથીઓ, આ સમયે સ્વતંત્રતાનાં ૭૫મા વર્ષમાં, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં, દેશ જે સંકલ્પો સાથે આગળ વધી રહ્યો છે, તેમાં એક જળ સંરક્ષણ પણ છે. અમૃત મહોત્સવ દરમિયાન દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવામાં આવશે.
તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું અભિયાન છે? તે દિવસો દૂર નથી જ્યારે તમારાં પોતાનાં શહેરોમાં ૭૫ અમૃત સરોવર હશે. હું, તમને સહુને, અને ખાસ કરીને, યુવાનો પાસેથી ઈચ્છીશ કે તેઓ આ અભિયાન વિશે જાણે અને તેમની જવાબદારી પણ ઉઠાવે. જો તમારા ક્ષેત્રમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો કોઈ ઇતિહાસ હોય, કોઈ સેનાનીની સ્મૃતિ હોય તો તેને પણ અમૃત સરોવર સાથે જોડી શકો છો. એમ તો, મને એ જાણીને સારું લાગ્યું કે અમૃત સરોવરનો સંકલ્પ લીધા પછી અનેક સ્થળો પર ઝડપથી કામ શરૂ થઈ ચૂક્યું છે. મને યુપીના રામપુરની ગ્રામ પંચાયત પટવાઈ વિશે જાણવા મળ્યું છે. ત્યાં ગ્રામ સભાની ભૂમિ પર એક તળાવ હતું, પરંતુ તે ગંદકી અને કચરાના ઢગલાથી ખદબદતું હતું. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં, ઘણી મહેનત કરીને, સ્થાનિક લોકોની મદદથી, સ્થાનિક શાળાનાં બાળકોની મદદથી, તે ગંદા તળાવનો કાયાકલ્પ થઈ ગયો છે. હવે, તે સરોવરના કિનારે રિટેઇનિંગ વૉલ, ચાર દીવાલો, ફૂડ કૉર્ટ, ફૂવારા અને લાઇટિંગની પણ ન જાણે, કેટ-કેટલી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું રામપુરની પટવાઈ ગ્રામ પંચાયતને, ગામના લોકોને, ત્યાંનાં બાળકોના આ પ્રયાસ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ, પાણીની ઉપલબ્ધતા અને પાણીની તંગી, આ કોઈ પણ દેશની પ્રગતિ અને ગતિને નિર્ધારિત કરે છે. તમે પણ અવલોકન કર્યું હશે કે ‘મન કી બાત’માં, હું, સ્વચ્છતા જેવા વિષયો સાથે વારંવાર જળ સંરક્ષણની વાત જરૂર કરું છું. આપણા ગ્રંથમાં તો સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે-
पानियम् परमम् लोके, जीवानाम् जीवनम् समृतम ।।
અર્થાત્, સંસારમાં, જળ જ, દરેક જીવના, જીવનનો આધાર છે અને જળ જ સૌથી મોટું સંસાધન પણ છે. આથી તો આપણા પૂર્વજોએ જળ સંરક્ષણ પર આટલું જોર આપ્યું. વેદોથી લઈને પુરાણો સુધી, દરેક જગ્યાએ પાણી બચાવવા માટે, તળાવ, સરોવર વગેરે બનાવવાને, મનુષ્યનું સામાજિક અને આધ્યાત્મિક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે. વાલ્મીકિ રામાયણમાં જળ સ્ત્રોતોને જોડવા પર, જળ સંરક્ષણ પર, વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ જ રીતે, ઇતિહાસના સ્ટુડન્ટ્સ જાણતા હશે કે સિન્ધુ સરસ્વતી અને હડપ્પા સભ્યતા દરમિયાન પણ ભારતમાં પાણી સંબંધે કેટલી વિકસિત એન્જિનિયરિંગ હતી. પ્રાચીન કાળમાં અનેક શહેરોમાં જળ સ્રોતોની પરસ્પર ઇન્ટર કનેક્ટેડ સિસ્ટમ રહેતી હતી, અને આ તે સમય હતો જ્યારે વસતિ એટલી બધી નહોતી. પ્રાકૃતિક સંસાધનોની પણ તંગી નહોતી. એક રીતે, વિપુલતા હતી, તેમ છતાં, જળ સંરક્ષણ વિશે, ત્યારે, જાગૃતિ સૌથી વધુ હતી. પરંતુ આજે સ્થિતિ તેનાથી વિપરીત છે. મારો તમને સહુને અનુરોધ છે, તમે તમારા વિસ્તારના આવાં જૂનાં તળાવો, કૂવા અને સરોવરો વિશે જાણો. અમૃત સરોવર અભિયાનના કારણે જળ સંરક્ષણની સાથોસાથ તમને વિસ્તારની ઓળખ પણ થશે. તેનાથી શહેરોમાં, વિસ્તારોમાં, સ્થાનિક પર્યટનનાં સ્થળ પણ વિકસિત થશે. લોકોને હરવા-ફરવાની પણ એક જગ્યા મળશે.
સાથીઓ, જળ સાથે જોડાયેલો દરેક પ્રયાસ આપણી કાલ સાથે જોડાયેલો છે. તેમાં સમગ્ર સમાજની જવાબદારી હોય છે. તેના માટે સદીઓથી અલગ-અલગ સમાજ, અલગ-અલગ પ્રયાસ સતત કરતા આવ્યા છે. જેમ કે ‘કચ્છના રણ’ની એક જનજાતિ ‘માલધારી’ જળ સંરક્ષણ માટે ‘વૃદાસ’ નામનો ઉપયોગ કરે છે. તેના હેઠળ નાના કૂવા બનાવવામાં આવે છે અને તેના બચાવ માટે આસપાસ ઝાડ લગાવવામાં આવે છે. આ જ રીતે મધ્ય પ્રદેશની ભીલ જનજાતિએ પોતાની એક ઐતિહાસિક પરંપરા ‘હલમા’ને જળ સંરક્ષણ માટે ઉપયોગ કરી છે. આ પરંપરા હેઠળ આ જનજાતિના લોકો પાણી સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉપાય શોધવા માટે એક જગ્યાએ એકત્રિત થાય છે. હલમા પરંપરાથી મળેલાં સૂચનોના કારણે આ ક્ષેત્રમાં પાણીનું સંકટ ઓછું થયું છે અને ભૂગર્ભ જળનું સ્તર પણ વધી રહ્યું છે.
સાથીઓ, આવા જ કર્તવ્યનો ભાવ જો બધાના મનમાં આવી જાય તો જળ સંકટ સાથે જોડાયેલા મોટામાં મોટા પડકારનો ઉકેલ આવી શકે છે. આવો, સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણે જળ સંરક્ષણ અને જીવન સંરક્ષણનો સંકલ્પ લઈએ.
આપણે ટીપું-ટીપું જળ બચાવીશું અને દરેક જીવન બચાવીશું.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે કે કેટલાક દિવસો પહેલાં મેં મારા યુવાન મિત્રો સાથે, સ્ટુડન્ટ્સ સાથે ‘પરીક્ષા પર ચર્ચા’ કરી હતી. આ ચર્ચા દરમિયાન કેટલાક સ્ટુડન્ટ્સે કહ્યું કે તેમને એક્ઝામમાં ગણિતથી ડર લાગે છે. આ પ્રકારની વાત અનેક વિદ્યાર્થીઓએ મને પોતાના સંદેશમાં પણ મોકલી હતી. તે સમયે જ મેં એવું નક્કી કર્યું હતું કે ગણિત-મેથેમેટિક્સ પર હું આ વખતે ‘મન કી બાત’માં જરૂર ચર્ચા કરીશ.
સાથીઓ, ગણિત તો એવો વિષય છે જેના વિશે આપણે ભારતીયોએ સૌથી વધુ સહજ હોવું જોઈએ. છેવટે, ગણિત અંગે સમગ્ર દુનિયાને સૌથી વધુ શોધ અને યોગદાન ભારતના લોકોએ જ તો આપ્યું છે. શૂન્ય, અર્થાત્, ઝીરોની શોધ અને તેના મહત્ત્વ વિશે તમે ઘણું સાંભળ્યું પણ હશે. ઘણી વાર, તમે એમ પણ સાંભળતા હશો કે જો ઝીરોની શોધ ન થઈ હોત તો કદાચ આપણે, દુનિયાની આટલી વૈજ્ઞાનિક પ્રગતિ પણ ન જોઈ શક્યા હોત. કેલ્ક્યુલસથી લઈને કમ્પ્યૂટર્સ સુધી – આ બધી વૈજ્ઞાનિક શોધ ઝીરો પર જ તો આધારિત છે. ભારતના ગણિતજ્ઞો અને વિદ્વાનોએ ત્યાં સુધી લખ્યું છે કે
यत् किंचित वस्तु तत सर्व, गणितेन बिना नहि !
અર્થાત્, આ સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ પણ છે તે બધું જ ગણિત પર જ આધારિત છે. તમે વિજ્ઞાનનો અભ્યાસ યાદ કરો, તો તેનો અર્થ તમને સમજાઈ જશે. વિજ્ઞાનનો દરેક પ્રિન્સિપલ એક મેથેમેટિકલ ફૉર્મ્યુલામાં જ તો વ્યક્ત કરાય છે. ન્યૂટનના લૉઝ હોય, આઇનસ્ટાઇનનું ફેમસ ઇક્વેશન, બ્રહ્માંડ સાથે જોડાયેલું આખું વિજ્ઞાન એક ગણિત જ તો છે. હવે તો વૈજ્ઞાનિક પણ થિયરી ઑફ એવરીથિંગની પણ ચર્ચા કરે છે. અર્થાત્, એક એવી સિંગલ ફૉર્મ્યૂલા જેનાથી બ્રહ્માંડની દરેક ચીજને અભિવ્યક્ત કરી શકાય. ગણિતની મદદથી વૈજ્ઞાનિક સમજના આટલા વિસ્તારની કલ્પના આપણા ઋષિઓએ હંમેશાં કરી છે. આપણે જો શૂન્યનો આવિષ્કાર કર્યો તો સાથે જ અનંત, અર્થાત્ ઇન્ફાનાઇટને પણ ઍક્સ્પ્રેસ કર્યું છે. સામાન્ય બોલચાલમાં જ્યારે આપણે સંખ્યાઓ અને નંબર્સની વાત કરીએ છીએતો મિલિયન, બિલિયન અને ટ્રિલિયન સુધી બોલીએ અને વિચારીએ છીએ,
પરંતુ વેદોમાં અને ભારતીય ગણિતમાં આ ગણના ઘણે આગળ સુધી જાય છે. આપણે ત્યાં એક જૂનો શ્લોક પ્રચલિત છે-
एकं दशं शतं चैव, सहस्त्रम अयुतं तथा ।
लक्षं च नियुंत चैव, कोटि: अर्बुदम् एव च ।।
वृन्दं खर्वो निखर्व: च, शंख: पद्म: च सागर: ।
अन्त्यं मध्यं परार्ध: च, दश वृद्ध्या यथा क्रमम् ।।
આ શ્લોકમાં સંખ્યાનો ઑર્ડર જણાવવામાં આવ્યો છે. જેમ કે,
એક, દસ, સો, હજાર અને અયુત ।
લાખ, નિયુત, અને કોટિ એટલે કે કરોડ ।
આ પ્રકારે આ સંખ્યા જાય છે- શંખ, પદ્મ અને સાગર સુધી. એક સાગરનો અર્થ થાય છે ૧૦ની પાવર ૫૭. એટલું જ નહીં, તેનાથી આગળ પણ, ઓધ અને મહોધ જેવી સંખ્યાઓ હોય છે. એક મહોધ હોય છે- ૧૦ની પાવર ૬૨ જેટલું અર્થાત એકની આગળ ૬૨ શૂન્ય, સિક્સ્ટી ટુ ઝીરો. આપણે આટલી મોટી સંખ્યાની કલ્પના પણ મગજમાં કરીએ છીએ તો મુશ્કેલી થાય છે, પરંતુ ભારતીય ગણિતમાં તેનો પ્રયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. હમણાં કેટલાક દિવસો પહેલાં જ મને ઇન્ટેલ કંપનીના સીઇઓ મળ્યા હતા. તેમણે મને એક પેઇન્ટિંગ આપ્યું હતું જેમાં પણ વામન અવતારના માધ્યમથી ગણના અથવા માપની આવી જ એક પદ્ધતિનું ભારતીય પદ્ધતિનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ઇન્ટેલનું નામ આવ્યું તો કમ્પ્યૂટર તમારા મગજમાં આપોઆપ આવી ગયું હશે. કમ્પ્યૂટરની ભાષામાં તમે બાઇનરી સિસ્ટમ વિશે પણ સાંભળ્યું હશે, પરંતુ, શું તમને ખબર છે કે આપણા દેશમાં આચાર્ય પિંગળા જેવા ઋષિ થયા હતા, જેમણે બાઇનરીની કલ્પના કરી હતી. આ જ રીતે આર્યભટ્ટથી લઈને રામાનુજન જેવા ગણિતજ્ઞો સુધી ગણિતના અનેક સિદ્ધાંતો પર આપણે ત્યાં કામ થયું છે.
સાથીઓ, આપણે ભારતીયો માટે ગણિત ક્યારેય મુશ્કેલ વિષય નથી રહ્યો, તેનું એક મોટું કારણ આપણું વૈદિક ગણિત પણ છે.
આધુનિક કાળમાં વૈદિક ગણિતનો શ્રેય જાય છે- શ્રી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજને. તેમણે કેલ્ક્યુલેશનની પ્રાચીન રીતોને રિવાઇવ કરી અને તેને વૈદિક ગણિત નામ આપ્યું. વૈદિક ગણિતની સૌથી ખાસ વાત એ છે કે તેના દ્વારા તમે અઘરામાં અઘરી ગણતરીઓ આંખ પટપટાવતા સુધીમાં મનમાં જ કરી લો છો. આજ કાલ તો સૉશિયલ મિડિયા પર વૈદિક ગણિત શીખવા અને શીખવનારા આવા અનેક યુવાનોના વિડિયો પણ તમે જોયા હશે.
સાથીઓ, આજે ‘મન કી બાત’માં વૈદિક ગણિત શીખવનારા એક આવા જ સાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથી છે કોલકાતાના ગૌરવ ટેકરીવાલજી. અને તેઓ છેલ્લા બે-અઢી દાયકાથી વૈદિક મેથેમેટિક્સ આ મૂવમેન્ટને ખૂબ જ સમર્પિત ભાવથી આગળ વધારી રહ્યા છે. આવો, તેમની સાથે કેટલીક વાતો કરીએ.
મોદીજી- ગૌરવજી, નમસ્તે.
ગૌરવ- નમસ્તે સર.
મોદીજી- મેં સાંભળ્યું છે કે તમે વૈદિક મેથ્સમાં ઘણી રૂચિ ધરાવો છો, ઘણું બધું કરો છો. તો પહેલા તો હું તમારા વિષયમાં કંઈક જાણવા ઈચ્છીશ અને પછી આ વિષયમાં તમારી રૂચિ કેમ છે, જરા બતાવો.
ગૌરવ- સર, જ્યારે હું વીસ વર્ષ પહેલાં, જ્યારે બિઝનેસ સ્કૂલ માટે એપ્લાય કરી રહ્યો હતો તો તેની કમ્પિટિટિવ ઍક્ઝામ આપવાની રહેતી જેનું નામ હતું કેટ. તેમાં ઘણા બધા ગણિતના પ્રશ્નો પૂછાતા. તેના જવાબ ઓછામાં ઓછા સમયમાં આપવા પડતા હતા. તો મારી માતાએ મને એક બુક લાવીને આપી જેનું નામ હતું વૈદિક ગણિત. સ્વામી શ્રી ભારતીકૃષ્ણ તીર્થજી મહારાજે તે બુક લખી હતી. અને તેમાં તેમણે ૧૬ સૂત્રો આપ્યાં હતાં. જેમાં ગણિત ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી થઈ જતું હતું. જ્યારે મેં તે વાંચ્યું તો મને ખૂબ જ પ્રેરણા મળી અને પછી મારી રૂચિ જાગૃત થઈ મેથેમેટિક્સમાં. મને સમજાયું કે તે સબ્જેક્ટ જે ભારતની ભેટ છે, જે આપણો વારસો છે, તેને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી શકાય છે.
ત્યારથી મેં તેને એક મિશન બનાવ્યું કે વૈદિક ગણિતને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવે. કારણકે ગણિતનો ભય દરેકને સતાવે છે. અને વૈદિક ગણિતથી સરળ બીજું શું હોઈ શકે?
મોદીજી- ગૌરવજી, કેટલાં વર્ષોથી તમે તેમાં કામ કરી રહ્યા છો?
ગૌરવ- મને આજે થઈ ગયા, લગભગ ૨૦ વર્ષ સર. હું તેમાં જ લાગેલો છું.
મોદીજી- અને અવેરનેસ માટે શું કરો છો, કયા-કયા પ્રયોગ કરો છો, કેવી રીતે જાવ છો લોકો પાસે?
ગૌરવ- અમે લોકો શાળામાં જઈએ છીએ, અમે લોકો ઑનલાઇન શિક્ષણ આપીએ છીએ. અમારી સંસ્થાનું નામ છે વેદિક મેથ્સ ફૉરમ ઇન્ડિયા. તે સંસ્થા હેઠળ અમે લોકો ઇન્ટરનેટના માધ્યમથી ૨૪ કલાક વેદિક મેથ્સ ભણાવીએ છીએ, સર.
મોદીજી- ગૌરવજી, તમે તો જાણતા હશો કે હું સતત બાળકો સાથે વાતચીત કરવાનું પસંદ કરું છું અને હું અવસર શોધતો રહું છું અને ઍક્ઝામ વૉરિયર સાથે તો હું બિલકુલ એક રીતે, મેં તેમને ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ્ડ કરી દીધું છે અને મારો પણ અનુભવ છે કે મોટા ભાગે જ્યારે હું બાળકો સાથે વાત કરું છું તો ગણિતનું નામ સાંભળતા જ લોકો ભાગી જાય છે અને મારો તો એ પ્રયાસ રહ્યો છે કે વગર કારણે આ જે એક ભય ઊભો થયો છે તેને કાઢવામાં આવે, આ કાલ્પનિક ડર કાઢવામાં આવે અને નાની-નાની ટૅક્નિક, જે પરંપરાથી ચાલતી આવે છે, જે ભારત માટે, ગણિતનો વિષય કંઈ નવો નથી. કદાચ, દુનિયામાં પુરાતન પરંપરાઓમાં ભારત પાસે ગણિતની પરંપરા રહી છે, તો ઍક્ઝામ વૉરિયરમાંથી ડર કાઢવાનો છે, તો તમે શું કહેશો તેમને?
ગોરવ- સર, આ તો સૌથી વધુ ઉપયોગી છે બાળકો માટે, કારણકે ઍક્ઝામનો જે ડર હોય છે તે દરેક પરિવારમાં ઘર કરી ગયો છે. ઍક્ઝામ માટે બાળકો ટ્યૂશન લે છે, પેરન્ટ્સ હેરાન રહે છે. ટીચર પણ હેરાન રહે છે. તો વૈદિક ગણિતથી તે બધું છૂમંતર થઈ જાય છે. આ સાધારણ ગણિતની સરખામણીમાં વૈદિક ગણિત પંદરસો ટકા ઝડપી છે અને તેનાથી બાળકોમાં બહુ કૉન્ફિડન્સ આવે છે અને મગજ પણ ઝડપથી ચાલે છે.
દા. ત. અમે લોકોએ વૈદિક ગણિત સાથે યોગને પણ ઇન્ટ્રૉડ્યુસ કર્યો છે. જેથી બાળકો જો ઈચ્છે તો આંખો બંધ કરીને પણ કેલ્ક્યુલેશન કરી શકે છે, વૈદિક ગણિત પદ્ધતિ દ્વારા.
મોદીજી- આમ તો ધ્યાનની જે પરંપરા છે તેમાં, આ પ્રકારે ગણિત કરવું, તે પણ ધ્યાનનો એક પ્રાઇમરી કૉર્સ હોય છે.
ગૌરવ – રાઇટ, સર.
મોદીજી- ચાલો, ગૌરવજી, ઘણું સારું લાગ્યું મને, અને તમે મિશન મૉડમાં આ કામને ઉઠાવ્યું છે અને વિશેષ કરીને તમારાં માતા એક સારા ગુરુના રૂપમાં તમને આ રસ્તા પર લઈ આવ્યાં. મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
ગૌરવ- આભાર સર. હું તમારો આભાર વ્યક્ત કરું છું, સર. કે વૈદિક ગણિતને તમે આટલું મહત્ત્વ આપ્યું અને મને પસંદ કર્યો, સર. તો we are very thankful.
મોદીજી- ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
ગૌરવ- નમસ્તે સર.
સાથીઓ, ગૌરવજીએ ખૂબ જ સારી રીતે જણાવ્યું કે વૈદિક ગણિત કેવી રીતે ગણિતને મુશ્કેલમાંથી મજેદાર બનાવી શકે છે. એટલું જ નહીં, વૈદિક ગણિતથી તમે મોટાં-મોટાં સાયન્ટિફિક પ્રૉબ્લેમ્સ પણ સૉલ્વ કરી શકો છો. હું ઈચ્છીશ કે, બધાં માતાપિતા પોતાનાં બાળકોને વૈદિક ગણિત જરૂર શીખવાડે. તેનાથી, તેમનો કૉન્ફિડન્સ તો વધશે જ, તેમના બ્રેઇનનો એનાલિટિકલ પાવર પણ વધશે અને હા, ગણિત વિશે કેટલાંક બાળકોમાં જે પણ થોડોઘણો ડર હોય છે તે ડર પણ પૂરી રીતે સમાપ્ત થઈ જશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે મ્યૂઝિયમથી લઈને મેથ સુધી અનેક જ્ઞાનવર્ધક વિષયો પર ચર્ચા થઈ. આ બધા વિષયો તમારા લોકોનાં સૂચનોથી જ ‘મન કી બાત’નો હિસ્સો બની જાય છે. મને તમે, આ રીતે, ભવિષ્યમાં પણ પોતાનાં સૂચનો Namo App અને MyGov દ્વારા મોકલતાં રહેજો. આવનારા દિવસાં દેશમાં ઈદનો તહેવાર પણ આવનાર છે.
ત્રણ મેએ અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામની જયંતી પણ ઉજવાશે. કેટલાક દિવસો પછી વૈશાખ બુદ્ધ પૂર્ણિમાનું પર્વ પણ આવશે. આ બધા તહેવાર સંયમ, પવિત્રતા, દાન અને સૌહાર્દના પર્વ છે. તમને બધાને આ પર્વની અગ્રીમ શુભકામનાઓ. આ પર્વને ખૂબ જ ઉલ્લાસ અને સૌહાર્દ સાથે મનાવો. આ બધા વચ્ચે તમારે કોરોનાથી પણ સતર્ક રહેવાનું છે. માસ્ક પહેરવું, નિયમિત અંતરાલ પર હાથ ધોતા રહેવું, બચાવ માટે જે પણ જરૂરી ઉપાય છે, તમે તેનું પાલન કરતા રહેજો. આવતી વખતે ‘મન કી બાત’માં આપણે ફરી મળીશું અને તમારા મોકલાયેલા કેટલાક બીજા નવા વિષયો પર ચર્ચા કરીશું, ત્યાં સુધી વિદાય લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
People from across the country have written letters and messages to PM @narendramodi about the Pradhanmantri Sangrahalaya.
— PMO India (@PMOIndia) April 24, 2022
The museum was inaugurated on 14th April, the birth anniversary of Babasaheb Ambedkar.
Here's what some of the visitors wrote to the PM... pic.twitter.com/7CPjIbIPQ0
Do you know the answers to these questions?
— PMO India (@PMOIndia) April 24, 2022
Write them on the NaMo App and social media using #MuseumQuiz. pic.twitter.com/e1AwIOWKA0
Here are a few more questions to test your knowledge! #MuseumQuiz pic.twitter.com/rMTPNmImGs
— PMO India (@PMOIndia) April 24, 2022
Do visit a local museum during holidays and share your experiences using #MuseumMemories. pic.twitter.com/YhCrchoSPV
— PMO India (@PMOIndia) April 24, 2022
PM @narendramodi mentions about a unique 'Cashless Day Out' experiments by citizens.
— PMO India (@PMOIndia) April 24, 2022
This shows the fast rising adoption of digital payments across the country. #MannKiBaat pic.twitter.com/XlNoodOltN
Small online payments are helping build a big digital economy. #MannKiBaat pic.twitter.com/ls7f7Cq8Ni
— PMO India (@PMOIndia) April 24, 2022
Just like in sports, divyangjan are doing wonders in arts, academics and many other fields.
— PMO India (@PMOIndia) April 24, 2022
With the power of technology they are achieving greater heights. #MannKiBaat pic.twitter.com/3UR2I1OBTu
PM @narendramodi mentions divyang welfare efforts being carried out by start-ups. Have a look...#MannKiBaat pic.twitter.com/7jTeUNNxVO
— PMO India (@PMOIndia) April 24, 2022
In the Azadi Ka Amrit Mahotsav, water conservation is one of the resolves with which the country is moving forward.
— PMO India (@PMOIndia) April 24, 2022
75 Amrit Sarovars will be built in every district of the country. #MannKiBaat pic.twitter.com/gh8OU7eA39
Water is the basis of life of every living being.
— PMO India (@PMOIndia) April 24, 2022
In our ancient scriptures too, water conservation has been emphasized upon. #MannKiBaat pic.twitter.com/rs29cdBmSf
It is the responsibility of the whole society to conserve water. #MannKiBaat pic.twitter.com/VV74a0AjVf
— PMO India (@PMOIndia) April 24, 2022
Few days ago during #ParikshaPeCharcha my young friends asked me to discuss about mathematics.
— PMO India (@PMOIndia) April 24, 2022
Several greats of India have made significant contributions in the field of mathematics. #MannKiBaat pic.twitter.com/2dmCRPw8O5
When we talk about numbers, we speak and think till million, billion and trillion.
— PMO India (@PMOIndia) April 24, 2022
But, in Vedas and in Indian mathematics, this calculation goes beyond that. #MannKiBaat pic.twitter.com/FH5kEuwrfz
Do hear this interesting conversation of PM @narendramodi with Gaurav Tekriwal Ji of Kolkata, who is promoting vedic maths.
— PMO India (@PMOIndia) April 24, 2022
Tekriwal Ji shares how this is helping the youngsters specifically. #MannKiBaat https://t.co/Hf6bBe7Tan
Mathematics has never been a difficult subject for us Indians. A big reason for this is our Vedic Mathematics. #MannKiBaat pic.twitter.com/kZZCrUBKQz
— PMO India (@PMOIndia) April 24, 2022