ડૉક્ટર ડેન યેરગિન, આટલા ઉષ્માપૂર્ણ પરિચય માટે તમારો આભાર. અહીં ઉપસ્થિત રહેવા બદલ આપ સૌ મહાનુભાવોનો આભાર.
નમસ્કાર!
અત્યંત વિનમ્રતા પૂર્વક હું આ સેરાવિક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવૉર્ડનો સ્વીકાર કરું છું. આ પુરસ્કાર હું અમારી મહાન માતૃભૂમિ ભારતના લોકોને અર્પિત કરું છું. આ પુરસ્કાર હું અમારી ભૂમિની ગૌરવશાળી પરંપરા કે જે જ્યારે પર્યાવરણ માટે કાળજી લેવાની વાત આવે ત્યારે તેણે જ અમારો માર્ગ પ્રશસ્ત કર્યો છે તેને સમર્પિત કરું છું.
મિત્રો,
આ પુરસ્કાર પર્યાવરણ નેતૃત્વનો સ્વીકાર કરે છે. નેતૃત્વ વિષે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે નેતૃત્વ દેખાડવાની સર્વશ્રેષ્ઠ રીત છે પોતાના કાર્યોના માધ્યમથી બતાવો. એ બાબતમાં કોઈ શંકા નથી કે જ્યારે પર્યાવરણની કાળજી લેવાની વાત આવે છે તો ભારતના લોકો તેમાં નેતૃત્વ ધરાવે છે. આ સદીઓથી ચાલતી આવેલી પરંપરા છે. અમારી સંસ્કૃતિમાં, પ્રકૃતિ અને દેવત્વ એકબીજા સાથે ખૂબ નજીકથી સંકળાયેલા છે. અમારા દેવી દેવતાઓ એક અથવા બીજી રીતે કોઈને કોઈ વૃક્ષ અથવા પ્રાણી સાથે જોડાયેલા છે. આ વૃક્ષો અને પશુઓ પણ પવિત્ર છે. તમે કોઈપણ ભાષામાં કોઈપણ રાજ્યનું સાહિત્ય ઉઠાવો. તમને તેમાંથી લોકો અને પ્રકૃતિ વચ્ચે જળવાયેલા હૂંફાળા સંબંધોના અનેક ઉદાહરણો મળી આવશે.
મિત્રો,
મહાત્મા ગાંધીના રૂપમાં અમારી પાસે સદીના સૌથી મોટા પર્યાવરણના નેતા રહેલા છે. જો માનવ સમાજ તેમના દ્વારા બતાવેલા રસ્તા ઉપર ચાલ્યો હોત તો આજે આપણે જેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેનો આપણે સામનો ના કરવો પડ્યો હોત. હું તમને બધાને વિનંતી કરીશ કે તમે, ગુજરાતના દરિયાઈ શહેર પોરબંદરમાં મહાત્મા ગાંધીના ઘરની એકવાર મુલાકાત અવશ્ય લેજો. તેમના ઘરની બાજુમાં જ તમને જળ સંચય વિશેના વ્યાવહારિક પાઠ ભણવા મળશે. 200 વર્ષ પહેલા જમીનની નીચે ટાંકીઓ બનાવવામાં આવી હતી. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે તે બનાવવામાં આવી હતી.
મિત્રો,
જળવાયુ પરિવર્તન અને મોટી કુદરતી આપત્તિઓ એ વર્તમાન સમયના મોટા પડકારો છે. તે બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તેમની સામે લડવાના બે રસ્તાઓ છે. એક છે નીતિઓ, કાયદાઓ, નિયમો અને શાસનના માધ્યમથી. તેમનું પોતાનું એક વિશેષ મહત્વ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારી સાથે હું કેટલાક ઉદાહરણો વહેંચી શકું છું: ભારતની વીજળી માટેની સ્થાપિત ક્ષમતામાં બિન અશ્મિભૂત બળતણના સ્ત્રોતોનો ભાગ હવે 38 ટકા જેટલો વધી ગયો છે. અમે એપ્રિલ 2020થી ભારત – 6 ઉત્સર્જન કાયદાઓ બાજુ વળ્યા છીએ. તે યુરો-6 ફ્યુઅલને સમકક્ષ છે. ભારત વર્ષ 2030 સુધીમાં કુદરતી ગેસના હિસ્સાને વર્તમાન 6%થી વધારીને 15% સુધી કરવા ઉપર કામ કરી રહ્યું છે. અમે હાઈડ્રોજનને એક બળતણ તરીકે ઉપયોગમાં લેવા માટે હમણાં ગયા મહિને જ એક નેશનલ હાઈડ્રોજન મિશનની શરૂઆત કરી છે. હમણાં તાજેતરમાં જ પીએમ કુસુમ નામની એક યોજનાની પણ શરૂઆત કરવામાં આવી છે. તે સૂર્ય ઉર્જાની પેઢીના એક ન્યાયોચિત અને વિકેન્દ્રીત મોડલને પ્રોત્સાહન આપશે. પરંતુ નીતિઓ, કાયદાઓ, નિયમો અને શાસનની ઉપર પણ કઇંક હોય છે. જળવાયુ પરિવર્તન સામે લડવાની સૌથી વધુ અસરકારક રીત છે પોતાના વર્તનમાં પરિવર્તન. એક બહુ પ્રચલિત વાર્તા છે, તમારામાંથી ઘણા લોકો કદાચ સાંભળી પણ હશે. એક નાના બાળકને ફાટેલો વિશ્વનો નકશો આપવામાં આવ્યો હતો. તે એવું વિચારીને બાળકને આપવામાં આવ્યો હતો કે તે હવે કદાચ ક્યારેય સરખો નહિં થઈ શકે. પરંતુ ખરેખર તો તે બાળકે સફળતાપૂર્વક તેને કરી બતાવ્યો. જ્યારે તે બાળકને પૂછવામાં આવ્યું કે તેણે આ કઈ રીતે કર્યું તો બાળકે કહ્યું કે આ વિશ્વ નકશાની પાછળ એક વ્યક્તિનું ચિત્ર હતું. એટલે બાળકે જે કર્યું તે માત્ર તે માણસની આકૃતિને ભેગી કરવાનું જ કામ કર્યું હતું. અને તેના કારણે વિશ્વનો નકશો પણ એકસાથે જોડાઈ ગયો. આમાં સંદેશ સપષ્ટ છે – ચાલો આપણે આપણી જાતને પહેલા સરખી કરીએ અને વિશ્વ આપોઆપ એક વધુ શ્રેષ્ઠતમ સ્થળ બની જશે.
મિત્રો,
વર્તનમાં પરિવર્તન લાવવાનું આ વલણ એ અમારી પારંપરિક આદતોનો મુખ્ય હિસ્સો છે કે જે અમને કરુણા સાથે વપરાશ કરવાનું શીખવે છે. બુદ્ધિહીન વાપરો અને ફેંકી દેવાની બાબત અમારી નીતિનો એક ભાગ નથી. અમારી કૃષિ પદ્ધતિ અથવા અમારા ખોરાક બાજુ જુઓ. અમારી મોબિલિટી ભાતો અથવા ઉર્જા વપરાશ ભાતો સામે જુઓ. મને મારા ખેડૂતો ઉપર ગર્વ છે કે જેઓ સિંચાઇની આધુનિક ટેકનોલોજીનો સતત ઉપયોગ કરી રહ્યા છે. જમીનનું આરોગ્ય જાળવવા અને પેસ્ટીસાઈડના ઉપયોગને ઘટાડવા અંગે સતત જાગૃતિ વધી રહી છે. આજે વિશ્વ તંદુરસ્તી અને આરોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આરોગ્યપ્રદ અને ઓર્ગેનિક ખોરાક માટે દિવસે-દિવસે માંગ વધી રહી છે. ભારત પોતાના મસાલાઓ, અમારા આયુર્વેદિક ઉત્પાદનો અને અન્ય ઘણી વસ્તુઓના માધ્યમથી આ વૈશ્વિક પરિવર્તનને બળ આપી શકે છે. તે જ રીતે પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહારની વાત કરીએ. તમને જાણીને આનંદ થશે કે ભારતમાં, અમે 27 નગરો અને શહેરોમાં મેટ્રો નેટવર્ક ઉપર કામ કરી રહ્યા છીએ.
મિત્રો,
મોટા પાયે વર્તણૂકમાં પરિવર્તન લાવવા માટે આપણે એવા ઉપાયો શોધી કાઢવાની જરૂર છે કે જે ઇનોવેટિવ હોય, સસ્તા હોય અને જન ભાગીદારી દ્વારા શક્તિ પ્રાપ્ત કરેલ હોય. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. ભારતના લોકોએ એટલા મોટા પાયા પર એલઇડી બલ્બનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું કે જે આજ સુધીમાં ક્યારેય નહોતું થયું. માર્ચ 2021ની તારીખ સુધીમાં, આશરે 37 મિલિયન એલઇડી બલ્બનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી ખર્ચ અને ઉર્જા બંનેમાં બચત થઈ છે. ડર વર્ષે આશરે 38 મિલિયન ટન કરતાં વધુ કાર્બન ડાયોક્સાઈડનો ઘટાડો થયો છે. ભારતની ગિવ ઈટ અપ ચળવળનું બીજું પણ એક ઉદાહરણ છે. વધુ જરૂરિયાત ધરાવતા લોકોના લાભ માટે લોકોને પોતાની એલપીજી સબસિડી છોડી દેવા માટે એક સામાન્ય વિનંતી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં અનેક લોકોએ પોતાની જાતે જ આ સબસિડી છોડી દીધી. આ બાબતે ભારતમાં લાખો પરિવારોને ધુમાડા વગરનું રસોડુ પૂરું પાડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો. ભારતમાં એલપીજી કવરેજમાં વર્ષ 2014 માં 55% થી લઈને વર્તમાન સમયમાં 99.6% સુધીનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેના કારણે મહિલાઓને સૌથી વધુ લાભ મળ્યો છે. અત્યારના સમયમાં હું એક બીજું પણ બહુ હકારાત્મક પરિવર્તન નજરે જોઈ રહ્યો છું. કચરામાંથી કંચન એ ભારતમાં બહુ પ્રચલિત શબ્દ બની રહ્યો છે. અમારા નાગરિકો વિવિધ ક્ષેત્રોમાં નવીન રિસાયકલિંગ મોડલ સાથે બહાર આવી રહ્યા છે. તેનાથી ચક્રાકાર અર્થતંત્રને વેગ મળશે. અમારો દેશ સસ્તા વાહનવ્યવહારની દિશામાં સંતુલિત વિકલ્પોની પહેલો અંતર્ગત કચરામાંથી કંચન ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યો છે. 15 એમએમટીના ઉત્પાદન લક્ષ્ય સાથે વર્ષ 2024 સુધીમાં 5000 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ્સની સ્થાપના કરી દેવામાં આવશે. તે પર્યાવરણને મદદ કરશે અને આગળ જતાં માનવ સશક્તિકરણમાં સહાયક બનશે.
મિત્રો,
સમગ્ર ભારતમાં ઇથેનોલની સ્વીકૃતિ વધી રહી છે. લોકોના પ્રતિભાવોના આધાર પર અમે વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનું નક્કી કર્યું છે કે જે વર્ષ 2030 ના લક્ષ્ય કરતાં વધુ જલ્દી છે.
મિત્રો,
તમને એ જાણીને આનંદ થશે કે છેલ્લા સાત વર્ષના સમયગાળામાં ભારતના જંગલ આવરણમાં નોંધપાત્ર વધારો થયો છે. સિંહ, વાઘ, ચિત્તાઓ અને જળચર પ્રાણીઓની વસ્તીમાં વધારો થયો છે. વર્તનમાં આવેલા હકારાત્મક પરિવર્તનની આ બહુ મોટી નિશાનીઓ છે. આ એ જ પરિવર્તનો છે કે જે આપણને એ બાબતની બાહેંધરી આપે છે કે ભારત એ પોતાના વર્ષ 2030ની તારીખનાં લક્ષ્યાંકની પહેલા જ પેરિસ સમજૂતી કરારના લક્ષ્યાંકોને હાંસલ કરી લેવા માટે સાચા રસ્તા પર આગળ વધી રહ્યું છે.
મિત્રો,
પર્યાવરણમાં પરિવર્તન લાવવાના ભારતના વિઝનમાં એકસમાન વિચારધારા ધરાવતા દેશો સાથે કામ કરવાની નીતિનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની પ્રારંભિક સફળતાએ એ બાબત સાબિત કરી છે કે જ્યારે વધુ સારો ગ્રહ બનાવવાના પ્રયત્નોની વાત આવે તો ભારત અત્યંત ગંભીર છે. અમે આ પ્રકારના પ્રયાસો ભવિષ્યમાં પણ કરતાં રહીશું. તે ટ્રસ્ટીશીપના મહાત્મા ગાંધીના સિદ્ધાંત સાથે સામંજસ્ય ધરાવે છે. ટ્રસ્ટીશીપના કેન્દ્રસ્થાને સંયુક્તતા, કરુણા અને જવાબદારી રહેલા છે. ટ્રસ્ટીશીપનો એક અર્થ એ પણ થાય છે કે સંસાધનોનો ઉપયોગ સંભાળપૂર્વક કરવો. મહાત્મા ગાંધીએ સાચું જ કહ્યું હતું, હું તેને ટાંકું છું: “આપણે જે રીતે પસંદ કરીએ તે જ રીતે આપણે પ્રકૃતિની ભેટોનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ તેના પુસ્તકોમાં ઉપાડ એ હંમેશા જમા કરાવવા જેટલો જ હોય છે.” ટાંકણ પૂરું થયું. પ્રકૃતિ એ હંમેશા એક સરળ બૅલેન્સ શીટ રાખે છે. જે પણ ઉપલબ્ધ છે અથવા તો જમા કરાવવામાં આવ્યું છે તેનો ઉપાડ કરી શકાય છે. પરંતુ તેની વિતરણ યોગ્ય રીતે થવું જોઈએ કરણ કે જો આપણે સંસાધનોનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ તો આપણે બીજા કોઈ પાસેથી તેને ઝૂંટવી લઈએ છીએ. આ એ જ વાત છે કે ભારત જળવાયુ સામે લડવામાં મદદ કરવા માટે જળવાયુ ન્યાય વિષેની વાત કરી રહ્યું છે.
મિત્રો,
બુદ્ધિપૂર્વક અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિચારવાનો સમય હવે આવી ગયો છે. આખરે તો આ તમારા અથવા મારા વિષેની વાત નથી. તે આપણાં ગ્રહના ભવિષ્ય વિષેની વાત છે. આપણી આવનારી પેઢીઓનું આપણી ઉપરનું આ ઋણ છે. આ પુરસ્કાર માટે હું ફરી એકવાર આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.