"જય હિંદનો મંત્ર સૌને પ્રેરણા આપે છે"
"યુવાનો સાથે સંવાદ કરવો એ મારા માટે હંમેશા વિશેષ હોય છે"
"NCC અને NSS યુવા પેઢીને દેશના લક્ષ્યો અને દેશની ચિંતાઓ સાથે જોડે છે"
"તમે 'વિકસિત ભારત'ના સૌથી મોટા લાભાર્થી બનવાના છો અને તમે જ તેનું નિર્માણ કરવાની સૌથી મોટી જવાબદારી નિભાવો છો"
"ભારતની સિદ્ધિઓમાં વિશ્વ પોતાના માટે નવું ભવિષ્ય જુએ છે"
"જ્યારે તમારાં લક્ષ્યો દેશના લક્ષ્યો સાથે જોડાયેલા હોય ત્યારે તમારી સફળતાનો વ્યાપ મોટો થઇ જાય છે. દુનિયા તમારી સફળતાને ભારતની સફળતા તરીકે જોશે”
"ભારતના યુવાનોએ અત્યાર સુધી છુપાયેલા સામર્થ્યને બહાર લાવવાનું છે અને અકલ્પ્ય ઉકેલો શોધવાના છે "
“તમે યુવાન છો, તમારું ભવિષ્ય બનાવવાનો આ સમય છે. તમે નવા વિચારો અને નવા ધોરણોના સર્જક છો. તમે નવા ભારત માટે ટ્રેલબ્લેઝર છો”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા. ઉપસ્થિતોને સંબોધન કરી વખતે પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, નેતાજી સુભાષચંદ્ર બોઝના પોશાક પહેરેલા અસંખ્ય બાળકો પ્રધાનમંત્રીના નિવાસસ્થાને આવ્યા હોય તેવું આ પહેલી વખત બન્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "જય હિંદનો મંત્ર સૌને પ્રેરણા આપે છે".

પ્રધાનમંત્રીએ ગયા અઠવાડિયે દેશના યુવાનો સાથે કરેલા સંવાદની યાદો તાજી કરી હતી એક મહિના પહેલાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી તેની નોંધ લીધી હતી જેમાં વીર સાહિબજાદાઓના શૌર્ય અને હિંમતની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમણે કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવ, અગ્નિવીરોની પ્રથમ બેચ, ઉત્તર પ્રદેશમાં ખેલ મહાકુંભમાં યુવા રમત-ગમતના ખેલાડીઓ, સંસદ અને તેમના નિવાસસ્થાને બાળકો અને બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે થયેલા તેમના સંવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ 27 જાન્યુઆરીના રોજ યોજાનારી વિદ્યાર્થીઓ સાથે યોજાનારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ યુવાનો સાથેના આ સંવાદના મહત્વના બે કારણોનો ઉલ્લેખ કર્યો હતો. સૌથી પહેલું તો, યુવાનોની ઊર્જા, તાજગી, નવીનતા અને જુસ્સાની વાત કરી હતી, જેના દ્વારા તમામ સકારાત્મકતા તેમને દિવસ-રાત મહેનત કરવાની પ્રેરણા આપે છે. બીજું, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તમે બધા આ 'અમૃતકાળ'માં સપનાની મહત્વાકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરો છો અને તમે 'વિકસિત ભારત'ના સૌથી મોટા લાભાર્થી બનવાના છો તેમજ તમે જ તેનું નિર્માણ કરવાની સૌથી મોટી જવાબદારી નિભાવી રહ્યાં છો."

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જાહેર જીવનના વિવિધ પરિમાણોમાં યુવાનોની વધતી ભૂમિકા જોવા મળે તે પ્રોત્સાહક વાત છે. તેમણે પરાક્રમ દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવના અન્ય કાર્યક્રમોમાં યુવાનોની વિશાળ ભાગીદારીને યાદ કરી હતી, જે યુવાનોના સપના અને દેશ પ્રત્યે તેમના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ કોરોના મહામારી દરમિયાન NCC અને NSSના સ્વયંસેવકોએ આપેલા યોગદાનની નોંધ લીધી હતી અને આવા સંગઠનોને પ્રોત્સાહિત કરવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. દેશના સરહદી અને દરિયાકાંઠાના પ્રદેશોને જે પડકારોનો સામનો કરવો પડે છે તેના માટે યુવાનોને તૈયાર કરવા સરકારની તૈયારીઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરના ડઝનબંધ જિલ્લાઓમાં વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળની મદદથી તેમને વિશેષ તાલીમ આપવામાં આવે છે. તેમણે નોંધ્યું હતું કે, આ કવાયત માત્ર યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરશે એવું નથી પરંતુ તેઓ જરૂરિયાતના સમયે પ્રથમ પ્રતિભાવકર્તા તરીકે કામ કરવાનું સામર્થ્ય પણ ધરાવતા હશે. પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ બોર્ડર પ્રોગ્રામ પર પણ પ્રકાશ પાડ્યો હતો જેમાં દેશની સરહદોની નજીકમાં આવેલા ગામડાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "સરહદી વિસ્તારોમાં યુવાનોની ક્ષમતાને વેગ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેથી પરિવારો એવા ગામડાઓમાં પાછા ફરી શકે કે જ્યાં શિક્ષણ અને રોજગાર માટે વધુ સારી તકો ઉભી થાય છે."

પ્રધાનમંત્રીએ ઉપસ્થિત કેડેટ્સને જણાવ્યું હતું કે, તેમની તમામ સફળતામાં તેમના માતા-પિતા અને પરિવારનું પણ યોગદાન છે અને તે ‘સબકા સાથ’ સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’નો મંત્ર તેના માટે જવાબદાર છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "જ્યારે તમારા લક્ષ્યો દેશના લક્ષ્યો સાથે જોડાયેલા હોય ત્યારે તમારી સફળતાનો વ્યાપ મોટો થઇ જાય છે. વિશ્વ તમારી સફળતાને ભારતની સફળતા તરીકે જોશે”. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, હોમી જહાંગીર ભાભા અને ડૉ. સી.વી. રામન જેવા વૈજ્ઞાનિકો તેમજ મેજર ધ્યાનચંદ અને રમતગમત સાથે સંકળાયેલી તેમના જેવી અન્ય હસ્તીઓનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ તેમના સીમાચિહ્નો અને સિદ્ધિઓને ભારતની સફળતા માને છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, "ભારતની સિદ્ધિઓમાં વિશ્વ પોતાના માટે એક નવું ભવિષ્ય જુએ છે". સબકા પ્રયાસની ભાવનામાં રહેલી તાકાતની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઐતિહાસિક સફળતાઓ એ છે જે સમગ્ર માનવજાત માટે વિકાસના પગથિયાં બને.

વર્તમાન સમયમાં યુવાનો માટે અભૂતપૂર્વ તકો ઉપલબ્ધ થઇ રહી છે તે હાલના સમયની વિશેષતા હોવાનું પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું. તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો અને માનવજાતના ભવિષ્ય પર ભારતનું ધ્યાન એક નવી પ્રેરણા હોવાનું ટાંક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશ AI, મશીન લર્નિંગ અને અન્ય ભવિષ્યવાદી ટેક્નોલોજીમાં મોખરે છે. તેમણે રમતગમત અને આવી અન્ય પ્રવૃત્તિઓ માટે મજબૂત પ્રણાલીની પણ નોંધ લીધી. તેમણે કહ્યું હતું કે, “તમારે આ બધાનો હિસ્સો બનવાનું છે. તમારે અત્યાર સુધી છુપાયેલા સામર્થ્યને બહાર લાવવાનું છે અને અકલ્પ્ય ઉકેલો શોધવાના છે."

દેશ માટે ભવિષ્યના ધ્યેયો અને સંકલ્પો અત્યંત મહત્વપૂર્ણ હોવાની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાનના મુખ્ય અગ્રતા ક્ષેત્રો પર પણ સમાન પ્રમાણમાં ભાર મૂકવામાં આવે તે જરૂરી છે. તેમણે યુવાનોને દેશમાં થઇ રહેલા પરિવર્તનોથી માહિતગાર રહેવા માટે અનુરોધ કર્યો હતો અને તેમને હાલમાં ચાલી રહેલા અભિયાનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જણાવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશના દરેક યુવાનોએ તેને જીવન મિશન તરીકે ધ્યાનમાં લેવું જોઇએ અને તેમના વિસ્તાર, ગામ, નગરો અને શહેરોને સ્વચ્છ રાખવા માટે કામ કરવાનું સૂચન કર્યું હતું. એવી જ રીતે, તેમણે અમૃત મહોત્સવ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ પર ઓછામાં ઓછું એક પુસ્તક વાંચવાનો પણ સૌને અનુરોધ કર્યો હતો. તેમણે સૌને કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓને લગતી કવિતા, વાર્તા અથવા વ્લોગિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે અને તેમની શાળાઓને આ પ્રવૃત્તિઓ માટે સ્પર્ધાઓ યોજવાનું સૂચન કરવા માટે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ યુવાનોને તેમના જિલ્લાઓમાં બનાવવામાં આવી રહેલા અમૃત સરોવરની નજીક વનીકરણનું કાર્ય હાથ ધરવા માટે અને તેની જાળવણી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવા માટે પણ સૂચન કર્યું હતું. તેમણે યુવાનોને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં ભાગ લેવા અને તેમના પરિવારના સભ્યોને તેમાં સામેલ થવા માટે સમજાવવાનું પણ કહ્યું હતું. તેમણે દરેક ઘરમાં યોગની સંસ્કૃતિ કેળવવાના મુદ્દાને સ્પર્શ્યો હતો. પ્રધાનમંત્રીએ યુવાનોને G-20 શિખર બેઠક વિશે પોતાની જાતને અપડેટ રાખવા અને ભારતના અધ્યક્ષપદ વિશે સક્રિય ચર્ચામાં ભાગ લેવા માટે પણ વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ ‘આપણા વારસાનું ગૌરવ’ અને ‘ગુલામીની માનસિકતામાંથી આઝાદી’ના સંકલ્પોનો ઉલ્લેખ કરીને આ સંકલ્પોને સાર્થક કરવામાં યુવાનોની ભૂમિકા હોઇ શકે તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ તેઓ ક્યાંય પણ પ્રવાસે જાય ત્યારે તેમાં હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતના સંબોધનનું સમાપન કરતા જણાવ્યું હતું કે, “તમે યુવાન છો, તમારાં ભવિષ્યનું ઘડતર કરવાનો આ સમય છે. તમે નવા વિચારો અને નવા ધોરણોના સર્જક છો. તમે નવા ભારત માટે ટ્રેલબ્લેઝર છો.”

આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર, કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી અર્જૂન મુંડા, કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ શ્રી અજય ભટ્ટ, શ્રીમતી રેણુકાસિંહ સરુતા અને શ્રી નિશીથ પ્રામાણિક સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government