હિમાચલ પ્રદેશ દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું જેણે પોતાની તમામ પાત્રતા ધરાવતી વસ્તીને કોરોના વિરોધી રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપ્યો છે
હિમાચલ એ બાબતનો પુરાવો છે કે, કેવી રીતે દેશનો ગ્રામીણ સમાજ દુનિયાના સૌથી મોટા અને સૌથી ઝડપી રસીકરણ અભિયાનને સશક્ત બનાવી રહ્યો છે
ડ્રોનના નવા નિયમોથી આરોગ્ય અને કૃષિ જેવા સંખ્યાબંધ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે મદદ મળશે: પ્રધાનમંત્રી
મહિલાઓના સ્વ-સહાય સમૂહો માટેનું આગામી વિશેષ ઑનલાઇન પ્લેટફોર્મ આપણી બહેનોને દેશભરમાં તેમજ વિદેશમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરવામાં મદદરૂપ થશે: પ્રધાનમંત્રી
હિમાચલની જમીનને રસાયણમુક્ત બનાવવા માટે હિમાચલના ખેડૂતો અને બાગકામ કરનારાઓને 'અમૃત કાળ' દરમિયાન હિમાચલને ફરી પાછા સજીવ ખેતી તરફ લઇ જવા માટે આહ્વાન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હિમાચલ પ્રદેશના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે રસીકરણ કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, શ્રી અનુરાગસિંહ ઠાકુર, સાંસદો, ધારાસભ્યો, પંચાયતના નેતાઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સંવાદ દરમિયાન, ડોડરા ક્વાર સીમલાની સિવિલ હોસ્પિટલના ડૉ. રાહુલ સાથે સંવાદ કરતી વખતે પ્રધાનમંત્રીએ રસીનો ઓછામાં ઓછો બગાડ કરવા બદલ તેમની ટીમની પ્રશંસા કરી હતી અને મુશ્કેલ તેમજ દુર્ગમ વિસ્તારોમાં પણ સેવા આપવા અંગેના તેમના અનુભવો વિશે ચર્ચા કરી હતી. રસીકરણના એક લાભાર્થી મંડીના થુનાગના રહેવાસી શ્રી દયાળસિંહ સાથે વાત કરતી વખતે પ્રધાનમંત્રીએ તેમની સાથે રસીકરણની સુવિધાઓ અંગે અને કેવી રીતે રસીકરણ સંબંધિત અફવાઓનો તેઓ સામનો કરે છે તે વિશે પૂછપરછ કરી હતી. લાભાર્થીએ પ્રધાનમંત્રીના નેતૃત્વ બદલ તેમનો અભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી. કુલ્લુના રહેવાસી આશા કામદાર નિરમા દેવી સાથે વાત કરતી વખતે પ્રધાનમંત્રીએ રસીકરણ કવાયત અંગે તેમના અનુભવો વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રી રસીકરણ કવાયતમાં મદદરૂપ થઇ શકે તેવી સ્થાનિક પરંપરાના ઉપયોગ વિશે પણ વાત કરી હતી. તેમણે ટીમ દ્વારા અપનાવવામાં આવેલા સંવાદના મોડલ અને સહકારપૂર્ણ કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે રસી આપવા માટે તેમની ટીમ કેવી રીતે લાંબા અંતરના પ્રવાસો ખેડે છે તેના વિશે પૂછપરછ કરી હતી.

હમીરપુરના રહેવાસી શ્રીમતી નિર્મલા દેવી સાથે સંવાદ કરતી વખતે પ્રધાનમંત્રીએ વરિષ્ઠ નાગરિકોના અનુભવો વિશે તેમને પૂછ્યું હતું. અભિયાન માટે પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો પહોંચાડવા બદલ તેમણે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા. પ્રધાનમંત્રીએ હિમાચલમાં ચલાવવામાં આવી રહેલી વિવિધ આરોગ્ય યોજનાઓની પ્રશંસા કરી હતી. ઉનાના રહેવાલી કરમો દેવીજી અત્યાર સુધીમાં 22500 લોકોને રસી આપવાનું વિશિષ્ટ બહુમાન ધરાવે છે. તેમણે પોતાના પગમાં ફ્રેક્ચર થયું હોવા છતાં રસીકરણ અભિયાનમાં પોતાની ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું હોવાથી પ્રધાનમંત્રીએ તેમના જુસ્સા અને લાગણીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ કરમો દેવી જેવા લોકોના પ્રયાસોના કારણે જ એકધારો ચાલી રહ્યો છે. લાહૌલ અને સ્પિતિના રહેવાસી શ્રી નવાંગ ઉપાશક સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ કેવી રીતે એક આધ્યાત્મિક અગ્રણી તરીકે તેમણે લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં તેમના હોદ્દાનો ઉપયોગ કર્યો તેના વિશે ચર્ચા કરી હતી. શ્રી મોદીએ અટલ ટનલના કારણે આ પ્રદેશના લોકોના જીવન પર કેવો પ્રભાવ પડ્યો છે તેના વિશે પણ ચર્ચા કરી હતી. શ્રી ઉપાશકે આ ટનલના કારણે કેવી રીતે તેનો પરિવહનનો માર્ગ ટૂંકો થઇ ગયો અને સમયની બચતના કારણે તેમજ કનેક્ટિવિટીમાં સુધારાના કારણે કેવી રીતે તેમને ફાયદો થયો તેના વિશે વિગતે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ લાહૌલ સ્પિતિને સૌથી વધારે ઝડપથી રસીકરણ કવાયત અપનાવનાર પ્રદેશ બનાવવામાં બૌદ્ધ ધર્મગુરુઓએ કરેલી મદદ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ સંવાદ દરમિયાન ખૂબ જ વ્યક્તિગત અને અનૌપચારિક રીતે લાગણીને સ્પર્શી હતી.

ઉપસ્થિતોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હિમાચલ પ્રદેશ 100 વર્ષમાં એકાદ વખત આવતી સૌથી મોટી મહામારી સામેની જંગમાં ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હિમાચલ પ્રદેશ સમગ્ર ભારતમાં એવું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની પાત્રતા ધરાવતી તમામ વસ્તીને કોરોના વિરોધી રસીનો ઓછોમાં ઓછો એક ડોઝ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સફળતા આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાને રેખાંકિત કરે છે.

તેમણે કહ્યું હતું કે, ભારતમાં રસીકરણની સફળતા તેના નાગરિકોના જુસ્સા અને સખત પરિશ્રમનું જ પરિણામ છે. ભારત એક દિવસમાં 1.25 કરોડ લોકોના રસીકરણની વિક્રમી ગતિએ પોતાના રસીકરણ કાર્યક્રમને આગળ ધપાવી રહ્યું છે. આનો અર્થ એવો થાય કે, ભારતમાં થઇ રહેલા દૈનિક રસીકરણનો આંકડો સંખ્યાબંધ દેશોની કુલ વસ્તી કરતાં વધારે છે. પ્રધાનમંત્રીએ રસીકરણ કાર્યક્રમમાં યોગદાન આપનારા તમામ ડૉક્ટરો, આશા કામદારો, આંગણવાડી કામદારો, મેડિકલ કર્મચારીઓ, શિક્ષકો અને મહિલાઓની કામગીરીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે 'સબકા પ્રયાસ' અંગે વાત કરી હતી તેની યાદો ફરી તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સફળતા તે બાબતની અભિવ્યક્તિ છે. તેમણે હિમાચલ પ્રદેશ દેવોની ભૂમિ હોવાના તથ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ સંદર્ભે સંવાદ અને સહકારના મોડલની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, લાહૌલ- સ્પિતિ જેવા દૂરસ્થ જિલ્લાઓમાં પણ હિમાચલ પ્રદેશ 100% પ્રથમ ડોઝ આપવામાં અગ્રેસર રહ્યું છે. આ એવા વિસ્તારો છે જે અટલ ટનલનું નિર્માણ થયું તે પહેલાં કેટલાય મહિનાઓ સુધી દેશના અન્ય હિસ્સાથી વિખુટા પડી જતા હતા. તેમણે રસીકરણના પ્રયાસોને ડામવાના ખોટા ઇરાદા સાથે ફેલાવવામાં આવતી અફવાઓ અને ખોટી માન્યતાઓનો પ્રસાર ન થવા દેવા બદલ હિમાચલના લોકોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હિમાચલ એ બાબતનો પુરાવો છે કે, કેવી રીતે દેશનો ગ્રામીણ સમાજ દુનિયાના સૌથી મોટા અને સૌથી ઝડપી રસીકરણ અભિયાનને સશક્ત બનાવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મજબૂત કનેક્ટિવિટીના કારણે પર્યટનને પણ સીધો ફાયદો મળી રહ્યો છે, જે ખેડૂતો અને બાગકામ કરનારાઓ ફળો અને શાકભાજી ઉછેરે છે તેમને પણ લાભ થઇ રહ્યો છે. ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને, હિમાચલ પ્રદેશનું કૌશલ્યવાન યુવાધન તેમની સંસ્કૃતિ અને પર્યટનની સંભાવનાઓને દેશ અને વિદેશમાં લઇ જઇ શકે છે.

તાજતેરમાં બહાર પાડવામાં આવેલા ડ્રોનના નિયમોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નિયમોથી આરોગ્ય અને કૃષિ જેવા સંખ્યાબંધ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે મદદ મળી રહેશે. આનાથી નવી સંભાવનાઓના દ્વાર ખુલશે તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે કરવામાં આવેલી અન્ય ઘોષણાઓનો પણ સંદર્ભ ટાંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર હવે મહિલા સ્વ-સહાય સમૂહો માટે વિશેષ ઑનલાઇન પ્લેટફોર્મનું નિર્માણ કરવા જઇ રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ માધ્યમ દ્વારા આપણી બહેનો દેશભરમાં અને આખી દુનિયામાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકશે. તેઓ સફરજન, નારંગી, કિન્નૌ, મશરૂમ, ટામેટા અને બીજા સંખ્યાબંધ ઉત્પાદનોને દેશના દરેક ખુણા અને ગલી-નાકા સુધી પહોંચાડી શકશે.

‘આઝાદીનો અમૃત મહોત્વ’ના પ્રસંગે, પ્રધાનમંત્રીએ હિમાચલના પ્રદેશના ખેડૂતો અને બાગકામ કરનારાઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ આગામી 25 વર્ષમાં હિમાચલ પ્રદેશમાં સજીવ ખેતી (ઓર્ગેનિક ખેતી) કરે. તેમણે કહ્યું હતું કે, આપણે ધીમે ધીમે આપણી જમીનને રસાયણમુક્ત કરવાની છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો