મહામહિમ,
તમે ફાળવેલા સમય અને તમે રજૂ કરેલા વિચારો બદલ ફરી એક વાર તમારા બધાનો આભાર. આપણે આજે ખૂબ જ ફળદાયક અને રચનાત્મક ચર્ચા કરી છે.
આપણે આ પ્રકારનાં પડકારો ઝીલવા માટે સર્વસામાન્ય વ્યૂહરચના બનાવવા સહમત થયા છીએ.
વળી આપણે એકબીજાને સાથસહકાર આપીને સમાધાન શોધવા સહમત થયા છીએ – આપણે જાણકારીઓ, શ્રેષ્ઠ પદ્ધતિઓ, ક્ષમતાઓ અને જ્યાં શક્ય હોય, ત્યાં સંસાધનોનું આદાન-પ્રદાન કરીશું.
કેટલાંક ભાગીદાર દેશોએ ચોક્કસ વિનંતી કરી છે, જેમાં દવા અને ઉપકરણ સામેલ છે. મારી ટીમ આ બાબતોનું ધ્યાન રાખશે. હું તમને ખાતરી આપું છું કે, આપણે આપણા પડોશી દેશો માટે સારામાં સારી કામગીરી કરીશું.
આપણે આપણા અધિકારીઓને ગાઢ સંપર્ક જાળવવા અને સામાન્ય વ્યૂહરચના બનાવવા જણાવીશું, ખાસ કરીને તેમને એકબીજા સાથે ખભેખભો મિલાવીને સંયુક્તપણે કામ કરવા માટે.
ચાલો આપણે આપણા દરેક દેશમાં આ ક્ષેત્રનાં નિષ્ણાતોને ઓળખીએ અને તેઓ હવેથી અઠવાડિયામાં એક વાર આ જ પ્રકારની વીડિયો-કોન્ફરન્સ કરી શકે છે અને આપણી આજની ચર્ચાને આગળ વધારી શકે છે.
મહામહિમ,
આપણે સંયુક્તપણે આ પડકાર ઝીલીએ અને આપણે એકબીજાનાં સાથસરકારથી એને સફળતાપૂર્વક પરાસ્ત કરીએ.
આપણા પડોશી દેશોનું જોડાણ આખી દુનિયા માટે ઉદાહરણ બનવું જોઈએ.
અંતે હું આપણા દરેક નાગરિકોનાં સારા સ્વાસ્થ્યની અને આપણા વિસ્તારમાં આ બિમારી અટકાવવા સહિયારા પ્રયાસોમાં સફળતા મળે એવી શુભેચ્છા પાઠવું છું.
તમારો આભાર. તમારો ખૂબ-ખૂબ આભાર.