પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 11 જાન્યુઆરી 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટી પ્રશાસકો સાથે કોવિડ-19 રસીકરણની સ્થિતિ અને પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી હતી.
વાયરસ સામે સંકલિત યુદ્ધ
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સતત સંકલન અને કમ્યુનિકેશન અને સમયસર નિર્ણયો લેવાની કામગીરીને બિરદાવી હતી કારણ કે કોરોના વાયરસ સામેની લડાઇમાં આ કામગીરીએ ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. તેના પરિણામે, અન્ય દેશોની તુલનાએ ભારતમાં આ વાયરસના સંક્રમણનો ફેલાવો ઘણો નિયંત્રિત કરી શકાયો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ મહામારીના શરૂઆતના તબક્કામાં લોકોના મનમાં જે ડર અને દહેશતની સ્થિતિ હતી તે હવે દૂર થઇ છે અને લોકોમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે જેની સકારાત્મક અસરો આર્થિક પ્રવૃત્તિઓમાં પણ પ્રતિબિંબિત થઇ રહી છે. તેમણે આ જંગમાં ખૂબ જ જોશભેર સહયોગ આપવા બદલ રાજ્ય સરકારોની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.
વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી 16 જાન્યુઆરીથી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનના આરંભ સાથે દેશ આ વાયરસ સામેની જંગમાં હવે નિર્ણાયક તબક્કે આવી ગયો છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે, ભારતમાં બંને રસીને ઇમરજન્સીમાં ઉપયોગની અધિકૃતતા આપવામાં આવી છે તે ગૌરવની વાત છે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, બંને માન્યતા પ્રાપ્ત રસી સમગ્ર દુનિયામાં અન્ય રસીઓની સરખામણીએ ઘણી સસ્તી છે અને તેમણે ઉમેર્યું હતું કે, જો કોઇ વિદેશી રસી પર નિર્ભર રહેવાનું થયું હોત તો ભારતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, રસીકરણમાં ભારતનો બહોળો અનુભવ આ ભગીરથ કાર્યમાં હાથવગો પુરવાર થશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યો સાથે વિચારવિમર્શ કર્યા પછી નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સમુદાયે આપેલી સલાહના આધારે રસીકરણની પ્રાથમિકતા નિર્ધારિત કરવામાં આવી છે. બંને સરકારો અને ખાનગી ક્ષેત્રોના આરોગ્ય કર્મચારીઓને સૌથી પહેલાં રસી પ્રાપ્ત થશે. તેમની સાથે સાથે, સફાઇ કર્મચારીઓ, અગ્ર હરોળમાં સેવા આપતા અન્ય કામદારો, પોલીસ અને અર્ધ લશ્કરી દળના જવાનો, હોમગાર્ડ્સ, આપદા વ્યવસ્થાપન સ્વયંસેવકો અને નાગરિક સંરક્ષણમાં જોડાયેલા અન્ય જવાનો, કન્ટેઇન્મેન્ટ અને દેખરેખ સાથે સંકળાયેલા મહેસૂલ અધિકારીઓને પણ પ્રથમ તબક્કામાં રસી પ્રાપ્ત થશે. પ્રથમ રાઉન્ડમાં આવા 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, પ્રથમ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવેલા આ 3 કરોડ લોકોની રસીનો કોઇપણ પ્રકારનો ખર્ચ રાજ્યોએ નહીં ભોગવવો પડે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખર્ચ કેન્દ્ર દ્વારા ઉપાડવામાં આવશે.
બીજા તબક્કામાં, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, સહ-બિમારી ધરાવતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો અથવા જેમને સંક્રમણનું અતિ જોખમ હોય તેવા લોકોને રસી આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેરફેર માટેની તમામ તૈયારીઓ દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરી લેવામાં આવી છે તેમ કહેતા પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં રસીકરણની ડ્રાય રન પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણી નવી તૈયારીઓ અને કોવિડ માટેની SOPને દેશમાં સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમો અને ચૂંટણી યોજવાના જૂના અનુભવો સાથે સાંકળી લેવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે, ચૂંટણીમાં જે પ્રકારે બૂથ સ્તરની વ્યૂહનીતિ અપનાવવામાં આવે છે જેવી જ વ્યૂહનીતિનો અહીં પણ ઉપયોગ કરવાની જરૂર છે.
Co-Win
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આ રસીકરણ કવાયતનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ જેમને રસીકરણની જરૂર હોય તેવા લોકોની ઓળખ અને દેખરેખનું છે. આ માટે, Co-WIN ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આધારની મદદથી લાભાર્થીઓને ઓળખી કાઢવામાં આવશે તેમજ સમયસર બીજો ડોઝ પણ સુનિશ્ચિત થઇ શકશે. પ્રધાનમંત્રીએ Co-WIN પર રસીકરણના વાસ્તવિક સમયના ડેટા અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાના મહત્વનો પણ વિશેષરૂપે ઉલ્લેખ કર્યો હતો.
કોઇપણ વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત થયા પછી, Co-WIN તાત્કાલિક ડિજિટલ રસીકરણ પ્રમાણપત્ર ઇશ્યુ કરશે. આ પ્રમાણપત્ર બીજા ડોઝ માટે વ્યક્તિને રિમાઇન્ડર આપવાનું કામ કરશે અને બીજા ડોઝ પછી તેમને ફાઇનલ પ્રમાણપત્ર આપવામાં આવશે.
આગામી થોડા મહિનામાં 30 કરોડનું લક્ષ્ય
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં રસીકરણ કવાયતનું મહત્વ એટલા માટે પણ વધુ છે કારણ કે અન્ય ઘણા દેશો આપણને અનુસરીને આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 રસીકરણ છેલ્લા 3-4 અઠવાડિયાથી અંદાજે 50 દેશોમાં ચાલી રહ્યું છે અને હજુ સુધીમાં માત્ર 2.5 કરોડ લોકોને રસી આપી શકાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનું લક્ષ્ય આગામી થોડા મહિનામાં 30 કરોડ લોકોને રસી આપવાનું છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઇ વ્યક્તિને રસી આપ્યા પછી પ્રતિકૂળતા લાગે તો સંભાળ લેવા માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર તૈયાર કરવામાં આવ્યું છે અને ઉમેર્યું હતું કે, સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમ માટે આવું વ્યવસ્થાતંત્ર પહેલાંથી જ અસ્તિત્વમાં છે અને તેને આ રસીકરણ કવાયત માટે વધુ મજબૂત કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ આ સમગ્ર કામગીરી દરમિયાન કોવિડ સંબંધિત પ્રોટોકોલના પાલનના મહત્વનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું હતું કે, જેઓ રસી પ્રાપ્ત કરે છે તેમણે પણ વાયરસનું સંક્રમણ ફેલાતું રોકાવા માટે આ સાવચેતીઓનું પાલન ચાલુ જ રાખવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રસીકરણ સંબંધિત અફવાઓને ફેલાતી રોકવા માટે યોગ્ય વ્યવસ્થાતંત્રનો અમલ કરવો પડશે. આના માટે, ધાર્મિક અને સામાજિક સંગઠનો, NYK, NSS, SHG વગેરેની મદદ લઇ શકાય.
બર્ડ ફ્લુ પડકારનું નિયંત્રણ
પ્રધાનમંત્રીએ આ બેઠક દરમિયાન કેરળ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના નવ રાજ્યોમાં બર્ડ ફ્લુના ફેલાવા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું ગતું કે, મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયે આ સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે યોજના અમલમાં મૂકી છે જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ્સની ભૂમિકા મુખ્ય રહેશે. તેમણે અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે, તેઓ આ કામગીરીમાં DMને માર્ગદર્શન આપે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં હજુ સુધી બર્ડ ફ્લુનો ફેલાવો નથી નોંધાયા તેવા અન્ય રાજ્યોએ પણ સતત સતર્કતા દાખવવી જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, વન, આરોગ્ય અને પશુ સંવર્ધન વિભાગો વચ્ચે યોગ્ય સંકલનની મદદથી આપણે ટૂંક સમયમાં આ પડકારને નિયંત્રણમાં લઇ શકીશું.
રસીકરણની તૈયારીઓ અને પ્રતિભાવો
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ સામેની જંગમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓના નેતૃત્વ હેઠળ આપણા દેશે મોટાભાગના દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ઘણું સારું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કામગીરીમાં આજદિન સુધી રાજ્યોએ જે સંકલન કર્યું છે તેવું જ સંકલન રસીકરણની કવાયતમાં પણ યથાવત રહેવું જોઇએ.
રસીકરણ અભિયાનના આરંભ અંગે મુખ્યમંત્રીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રસી અંગે કેટલાક મુદ્દાઓ અને ચિંતાઓની પણ ચર્ચા કરી હતી અને આ બેઠકમાં જ તેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
કેન્દ્ર આરોગ્ય સચિવે રસીકરણ કવાયતની તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, રસીકરણ જન ભાગીદારી આધારિત રહેશે અને વર્તમાન આરોગ્ય સંભાળ સેટઅપ સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર ક્રમબદ્ધ રીતે તેમજ સરળતાથી તેને આગળ વધારવામાં આવશે. તેમણે આ કવાયત માટે હેરફેર સંબંધિત તૈયારીઓનું પણ વિહંગાવલોકન આપ્યું હતું.