પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર, 2021ના રોજ વોશિંગ્ટન ડીસી, અમેરિકામાં ક્વાડ લીડર્સ સમિટ અગાઉ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
રોગચાળા પછીના સમયગાળામાં બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હતી. પ્રધાનમંત્રી શ્રી મોદી અને પ્રધાનમંત્રી શ્રી મોરિસન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય બેઠક 4 જૂન 2020 ના રોજ લીડર્સ વર્ચ્યુઅલ સમિટ યોજાઈ હતી જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓની વ્યાપક શ્રેણી પર ચર્ચા કરી. તેઓએ તાજેતરમાં યોજાયેલા પ્રથમ ભારત-ઓસ્ટ્રેલિયા વિદેશ અને સંરક્ષણ પ્રધાનોના 2+2 સંવાદ સહિત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ-સ્તરની વાતચીતની સંતુષ્ટિપૂર્વક નોંધ લીધી.
પ્રધાનમંત્રીઓએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ જૂન 2020માં નેતાઓના વર્ચ્યુઅલ સમિટ બાદ પ્રાપ્ત થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને પરસ્પર સુખાકારી માટે નજીકના સહયોગને ચાલુ રાખવા અને ખુલ્લા, મુક્ત, સમૃદ્ધ અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિકના વહેંચાયેલા ઉદ્દેશને આગળ વધારવા માટે સંકલ્પ કર્યો.
તેઓએ દ્વિપક્ષીય વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA) પર ચાલી રહેલી વાટાઘાટો પર સંતોષ વ્યક્ત કર્યો. તે સંદર્ભમાં, તેઓએ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટોની એબોટ દ્વારા ભારત માટે પીએમ સ્કોટ મોરિસનની વિશેષ વેપાર દૂત તરીકે ભારતની મુલાકાતના આયોજનનું સ્વાગત કર્યું અને ડિસેમ્બર 2021 સુધીમાં વચગાળાના કરાર પર વહેલાસર ઘોષણા હાંસલ કરવા બંને પક્ષોની પ્રતિબદ્ધતાની નોંધ લીધી.
પ્રધાનમંત્રીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક ધોરણે જળવાયુ પરિવર્તનના મુદ્દાને ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભે, વડાપ્રધાન મોદીએ પર્યાવરણ સંરક્ષણ પર વ્યાપક સંવાદની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. બંને નેતાઓએ સ્વચ્છ ટેકનોલોજી પૂરી પાડવાની શક્યતાઓ પર પણ ચર્ચા કરી.
પ્રધાનમંત્રીઓ સંમત થયા કે આ ક્ષેત્રમાં બે જીવંત લોકશાહી તરીકે, સપ્લાઈ ચેઈનની સાનુકૂળતા વધારવા માટે બંને દેશોએ રોગચાળા પછીના વિશ્વમાં પડકારો દૂર કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે.
બંને નેતાઓએ ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા અને સમાજમાં પ્રવાસી ભારતીયોના અપાર યોગદાનની પ્રશંસા કરી અને બંને દેશોના લોકોના પારસ્પરિક સંબંધો વધારવાના માર્ગો પર ચર્ચા કરી.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી મોરિસનને ભારત આવવા માટેનું આમંત્રણ નવેસરથી આપ્યું હતું.
Advancing friendship with Australia.
— PMO India (@PMOIndia) September 23, 2021
PM @ScottMorrisonMP held talks with PM @narendramodi. They discussed a wide range of subjects aimed at deepening economic and people-to-people linkages between India and Australia. pic.twitter.com/zTcB00Kb6q