જૉય હોરિ-બોલ! જૉય હૉરિ-બોલ!
હૉરિ-બોલ! હૉરિ-બોલ! જૉય હૉરિ-બોલ!
બાંગ્લાદેશ સરકારના પ્રતિષ્ઠિત પ્રતિનિધિ કૃષિ મંત્રી ડોક્ટર મોહમ્મદ અબ્દુર રઝાકજી, શ્રી શેખ સેલીમજી, લેફ્ટનન્ટ કર્નલ મુહમ્મદ ફારૂક ખાનજી, ભારતના સંસદમાં મારા અન્ય સહયોગી અને મારા મિત્ર, શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજીની પરંપરા અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરી રહેલા શાંતનુ ઠાકુરજી, ભારતથી આવેલા અખિલ ભારત મતુઆ મહાસંઘના પ્રતિનિધિ, શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજીમાં અપાર શ્રદ્ધા રાખતા મારાં બહેનો અને ભાઇઓ અને તમામ આદરણીય સાથીઓ! આપ સૌને આદરપૂર્વક
નોમોસ્કાર!
આજે શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજીની કૃપાથી મને ઓરાકાન્ડી ઠાકુરવાડીની આ પૂણ્યભૂમિને પ્રણામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. હું શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજી, શ્રી શ્રી ગુરુચાન્દ ઠાકુરજીના ચરણોમાં શીશ ઝુકાવીને નમન કરું છું.
હમણાં મારી અહીં કેટલાંક મહાનુભાવો સાથે વાત થઈ રહી હતી તો એમણે કહ્યું- કોણે વિચાર્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી કદી ઓરાકાંડી આવશે. ભારતમાં રહેતા ‘મૉતુવા શોમ્પ્રોદાય’ના મારા હજારો-લાખો ભાઇ-બહેનોને ઓરાકાંડી આવીને જે લાગણી થાય છે એવી જ લાગણી હું આજે અનુભવી રહ્યો છું. હું આજે અહીં આવ્યો છું તો મેં એમના તરફથી પણ આ પૂણ્યભૂમિને ચરણ સ્પર્શ કર્યા છે.
આ દિવસની, આ પવિત્ર અવસરની પ્રતીક્ષા મને ઘણાં વર્ષોથી હતી. વર્ષ 2015માં જ્યારે હું પ્રધાનમંત્રી તરીકે પહેલી વાર બાંગ્લાદેશ આવ્યો હતો, ત્યારે મેં અહીં આવવાની ઇચ્છા પ્રગટ કરી હતી. મારી એ ઇચ્છા, મારી એ કામના આજે પૂરી થઈ છે.
મને સતત શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજીના અનુયાયીઓ તરફથી પ્રેમ અને સ્નેહ હંમેશા મળતા રહ્યા છે, એમના પરિવારનું પોતીકાપણું મને મળતું રહ્યું છે. હું આજે ઠાકુરવાડીના દર્શન-લાભની પાછળ એમના આશીર્વાદના પ્રભાવને પણ માનું છું.
મને યાદ છે, પશ્ચિમ બંગાળમાં ઠાકુર નગરમાં હું જ્યારે ગયો હતો, ત્યારે ત્યાં મારા મૉતુવા ભાઇઓ-બહેનોએ મને પરિવારના સભ્યની જેમ બહુ પ્રેમ આપ્યો હતો. ખાસ કરીને ‘ બૉરો-મા’નું પોતીકાપણું, માની જેમ એમના આશીર્વાદ, મારાં જીવનની અણમોલ ઘડી રહી છે.
પશ્ચિમ બંગાળમાં ઠાકુર નગરથી બાંગ્લાદેશમાં ઠાકુરવાડી સુધી, એવી જ શ્રદ્ધા છે, એવી જ આસ્થા છે અને એવો જ અનુભવ છે.
હું બાંગ્લાદેશના રાષ્ટ્રીય પર્વ પર ભારતના 130 કરોડ ભાઇઓ-બહેનો તરફથી આપના માટે પ્રેમ અને શુભકામના લાવ્યો છું. આપ સૌને બાંગ્લાદેશની આઝાદીનાં 50 વર્ષો પૂર્ણ થવા બદલ અઢળક હાર્દિક શુભકામનાઓ.
ગઈકાલે ઢાકામાં રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમ દરમ્યાન મેં બાંગ્લાદેશના શૌર્ય-પરાક્રમની, એ સંસ્કૃતિની અદભૂત ઝલક નિહાળી જે આ અદભૂત દેશે સાચવીને રાખી છે અને જેનો આપ બહુ અગ્રણી ભાગ છો.
અહીં આવતા પહેલાં હું જાતિર પીતા બૉન્ગોબૌંધુ શેખ મુજિબૂર રૉહમાનની ‘શમાધિ શૌધૌ’ પર ગયો, ત્યાં શ્રદ્ધા-સુમન અર્પિત કર્યા. શેખ મુજિબૂર રૉહમાનજીનું નેતૃત્વ, એમની દ્રષ્ટિ અને બાંગ્લાદેશના લોકો પર એમનો વિશ્વાસ એક ઉદાહરણ છે.
આજે જે રીતે ભારત-બાંગ્લાદેશની સરકારો બેઉ દેશોના સ્વાભાવિક સંબંધોને મજબૂત કરી રહી છે, સાંસ્કૃતિક રૂપે, એ જ કામ ઠાકુરવાડી અને શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજીના સંદેશ દાયકાઓથી કરતા આવ્યા છે.
એક રીતે આ સ્થાન ભારત અને બાંગ્લાદેશના આત્મીય સંબંધોનું તીર્થ સ્થાન છે, આપણા સંબંધો જનથી જનના સંબંધો છે, મનથી મનના સંબંધો છે.
ભારત અને બાંગ્લાદેશ બંને જ દેશો પોતાના વિકાસને, પોતાની પ્રગતિથી સમગ્ર વિશ્વની પ્રગતિ જોવા ઇચ્છે છે. બેઉ જ દેશ દુનિયામાં અસ્થિરતા, આતંક અને અશાંતિના બદલે સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઇચ્છે છે.
આ મૂલ્ય, આ શીખ શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુર દેવજીએ આપણને આપી હતી. આજે સમગ્ર વિશ્વ જે મૂલ્યોની વાત કરે છે, માનવતાના જે ભવિષ્યનું સ્વપ્ન જુએ છે, એ મૂલ્યો માટે શ્રી શ્રી હૉરિચાન્દજીએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.
મહાન કવિ શ્રી મહાનૉન્દો હાલદારે શ્રી શ્રી ગુરુચૉન્દ ચૉરિતામાં લખ્યું છે-
તપશીલ જાતિ માધુજ્જ જા કિછુ હોયચે ।
હૉરીચન્દ કલ્પવૃક્ષ સૉકલી ફેલેછે ॥
અર્થાત, શોષિત, પીડિત, દલિત, વંચિત સમાજે જે કઈ પણ ઇચ્છીયું, જે કઈ મેળવ્યું, એ શ્રી શ્રી હૉરિચાન્દજી જેવા કલ્પવૃક્ષનું જ ફળ છે.
શ્રી શ્રી હૉરિચાન્દજીએ બતાવેલા માર્ગ પર ચાલતા જ, આજે આપણે એક સમાન, સમરસ સમાજની તરફ આગળ વધ્યા છીએ. એમણે એ જમાનામાં મહિલાઓના શિક્ષણ, એમની સામાજિક ભાગીદારીને માટે કામ શરૂ કરી દીધું હતું. આજે આપણે મહિલા સશક્તિકરણના પ્રયાસોને સમગ્ર વિશ્વમાં આગળ વધતા જોઇ રહ્યા છીએ.
જ્યારે આપણે શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરના સંદેશાને સમજીએ છીએ, ‘હૉરી-લીલા-અમૃતો’ના પાઠ કરીએ છીએ તો એવું લાગે છે કે જાણે એમણે આગળની સદીઓ પહેલાં જ જોઇ લીધું હતું. એમની પાસે એક દિવ્ય દ્રષ્ટિ હતી, એક અલૌકિક પ્રજ્ઞા હતી.
ગુલામીના એ દોરમાં પણ તેમણે સમાજને એ બતાવ્યું કે આપણી વાસ્તવિક પ્રગતિનો માર્ગ શું છે. આજે ભારત હોય કે બાંગ્લાદેશ, સામાજિક એક્તા, સમરસતાના એ જ મંત્રોથી આપણા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે, વિકાસના નવા પરિમાણ સ્પર્શી રહ્યા છે.
સાથીઓ,
શ્રી શ્રી હૉરિચાન્દ દેવજીના જીવને આપણને વધુ એક શીખ આપી છે. એમણે ઇશ્વરીય પ્રેમનો પણ સંદેશ આપ્યો, પણ સાથે જ આપણને આપણા કર્તવ્યોનું પણ ભાન કરાવ્યું. તેમણે આપણને એ બતાવ્યું કે ઉત્પીડન અને દુ”ખની વિરુદ્ધ સંઘર્ષ પણ સાધના છે.
આજે શ્રી શ્રી હૉરિચાન્દ દેવજીના લાખો-કરોડો અનુયાયી, પછી તે ભારતમાં હોય, બાંગ્લાદેશમાં કે પછી બીજે ક્યાંય, એમના ચીંધેલા માર્ગે ચાલી રહ્યા છે, માનવતાની સામે જે સંકટ છે, એના સમાધાનમાં સહયોગ કરી રહ્યા છે.
મારું સૌભાગ્ય છે કે શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજીના વારસાને સંભાળી રહેલા શાંતૌનુ ઠાકુરજી ભારતમાં સંસદમાં મારા સહયોગી છે. જો કે તેઓ ઉમરમાં મારાથી નાના છે, છતાં મને પણ એમનામાંથી ઘણું બધું શીખવા મળે છે. એનું કારણ એ જ કે તેમણે શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજીની મહાન શીખને પોતાના જીવનમાં ઉતારી છે. તેઓ બહુ કર્મઠ છે. સમાજના લોકો માટે સંવેદનશીલતાની સાથે દિવસ રાત પ્રયાસ કરે છે.
સાથીઓ,
આજે ભારત અને બાંગ્લાદેશની સામે જે રીતે સમાન પડકારો છે, એના સમાધાન માટે શ્રી શ્રી હૉરિચાન્દ દેવજીની પ્રેરણા બહુ જ મહત્ત્વની છે. બેઉ દેશોએ સાથે મળીને દરેક પડકારનો સામનો કરવો જરૂરી છે. આ જ આપણું કર્તવ્ય છે, આ જ આ બેઉ દેશોના કરોડો લોકો માટે કલ્યાણનો માર્ગ છે.
કોરોના મહામારી દરમિયાન ભારત અને બાંગ્લાદેશ, બેઉ દેશોએ પોતાના આ સામર્થ્યને સિદ્ધ કરી બતાવ્યું છે. આજે બેઉ દેશો આ મહામારીનો મજબૂતાઇથી સામનો કરી રહ્યા છે અને સાથે મળીને સામનો કરી રહ્યા છે. મેડ ઇન ઈન્ડિયા વૅક્સિન બાંગ્લાદેશના નાગરિકો સુધી પહોંચે, ભારત એને પોતાનું કર્તવ્ય સમજીને કામ કરી રહ્યું છે.
શ્રી શ્રી હૉરિચાન્દજીએ હંમેશા જ આધુનિકતા અને પરિવર્તનનું સમર્થન કર્યું હતું. મને જણાવાયું છે કે જ્યારે મહામારીનું સંકટ શરૂ થયું હતું ત્યારે અહીં ઓરાકાન્ડીમાં આપ સૌએ ટેકનોલોજીને અપનાવી, ઓનલાઇન કિર્તન કર્યા, સામાજિક આત્મવિશ્વાસ વધાર્યો. એ બતાવે છે કે શ્રી શ્રી હૉરિચાન્દજીની પ્રેરણા, આપણને દરેક મુશ્કેલીમાં આગળ વધવા શીખવાડે છે.
શ્રી શ્રી હૉરિચાન્દ દેવજીના ઉપદેશોને જન જન સુધી પહોંચાડવામાં, દલિત-પીડિત સમાજને એક કરવામાં બહુ મોટી ભૂમિકા એમના ઉત્તરાધિકારી શ્રી શ્રી ગુરુચૉન્દ ઠાકુરજીની પણ છે. શ્રી શ્રી ગુરુચૉન્દજીએ આપણને ‘ભક્તિ, ક્રિયા અને જ્ઞાન’નું સૂત્ર આપ્યું હતું.
શ્રી શ્રી ગુરુચૉન્દ ચૌરિતા કહે છે:
અનુતાતા જાતિ માજે શિખ્ખા બિસ્તારિત।
આગ્યા કરેન હૉરિ ચાન્દ તારે બીધિમૉતે ॥
અર્થાત, હૉરિચાન્દજીએ આપણને સમાજના નબળા વર્ગ સુધી શિક્ષણ પહોંચાડવાનો આદેશ આપ્યો છે. શ્રી ગુરુચૉન્દજીએ પોતાનું સમગ્ર જીવન હૉરિચાન્દજીના આ આદેશનું પાલન કર્યું. ખાસ કરીને દીકરીઓનાં શિક્ષણ માટે એમણે અથાક પ્રયાસો કર્યા.
આજે એ દરેક ભારતવાસીનું સૌભાગ્ય છે કે તે અહીં બાંગ્લાદેશમાં, શ્રી શ્રી ગુરુચૉન્દજીના પ્રયાસો સાથે સંકળાઇ રહ્યો છે. ઓરાકાન્ડીમાં શિક્ષણના અભિયાનથી હવે ભારતના લોકો પણ જોડાશે.
ઓરાકાન્ડીમાં ભારત સરકાર દીકરીઓની મિડલ સ્કૂલને અપગ્રેડ કરશે, નવી આધુનિક સુવિધાઓ જોડશે, સાથે જ ભારત સરકાર દ્વારા અહીં એક પ્રાઇમરી સ્કૂલ પણ સ્થાપિત કરાશે.
આ ભારતના કરોડો લોકો તરફથી શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજીને શ્રદ્ધાંજલિ છે. અમે બાંગ્લાદેશ સરકારના પણ આભારી છીએ, જે આ કાર્યમાં અમને સહયોગ આપી રહી છે.
મૌતુવા શૉમ્પ્રોદાયના આપણા ભાઇ-બહેન શ્રી શ્રી હૉરિચાન્દ ઠાકુરજીની જન્મ્જયંતિના પૂણ્ય પ્રસંગે દર વર્ષે ‘ બારોની શ્નાન ઉત્સવ’ મનાવે છે. ભારતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આ ઉત્સવમાં સામેલ થવા માટે, ઓરાકાન્ડી આવે છે. ભારતના મારાં ભાઇ-બહેનો માટે આ તીર્થયાત્રા સરળ બને, એ માટે ભારત સરકાર તરફથી પ્રયાસ વધારે કરવામાં આવશે. ઠાકુરનગરમાં મૌતુવા શૉમ્પ્રોદાયના ગૌરવશાળી ઇતિહાસને પ્રતિબિંબિત કરતા ભવ્ય આયોજનો અને વિંભિન્ન કાર્યો માટે પણ અમે સંકલ્પબદ્ધ છીએ.
સાથીઓ,
ભારત આજે ‘સબ કા સાથ, સબ કા વિશ્વાસ’ એ મંત્ર સાથે લઈને આગળ વધી રહ્યું છે અને બાંગ્લાદેશમાં એમાં ‘શોહો જાત્રી’ છે. તો બાંગ્લાદેશ આજે દુનિયાની સમક્ષ વિકાસ અને પરિવર્તનનું એક મજબૂત ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યું છે અને એ પ્રયાસોમાં ભારત આપનો ‘શોહો જાત્રી’ છે.
મને વિશ્વાસ છે કે શ્રી શ્રી હૉરિચાન્દ દેવજીના આશીર્વાદથી, શ્રી શ્રી ગુરુચૉન્દ દેવજીની પ્રેરણાથી આપણે બેઉ દેશો 21મી સદીના આ મહત્ત્વપૂર્ણ કાળખંડમાં, પોતાના આ સંયુક્ત લક્ષ્યોને હાંસલ કરીશું. ભારત અને બાંગ્લાદેશ પ્રગતિ અને પ્રેમના પથ પર દુનિયાનું પથપ્રદર્શન કરતા રહેશે.
આ જ શુભકામનાઓ સાથે, આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
જૉય બાંગ્લા, જય હિંદ,
ભારોત બાંગ્લાદેશ મોઇત્રી ચિરોજીબિ હોખ।
જૉય હૉરિ- બોલ! જૉય હૉરિ-બોલ!
હૉરિ-બોલ! હૉરિ બોલ! જૉય હૉરિ-બોલ!